શબ્દલોકના યાત્રીઓ – ૧/કૃષ્ણવીર દીક્ષિત
‘જન્મભૂમિ’માં દર સોમવારે ‘કૃ. દી.’ની ટૂંકી સહીથી તમે ‘કલમ અને કિતાબ’ વિભાગમાં પુસ્તકોનાં અવલોકનો અને સાહિત્યિક ઘટનાઓ વિશેના લેખો વાંચતા હશો. બત્રીસ વર્ષ થયાં. કૃષ્ણવીર દીક્ષિતે કેટલાં પુસ્તકો વિશે લખ્યું હશે? અંદાજ કાઢવા જેવો છે, તેમણે ઓછામાં ઓછાં પંદરસો પુસ્તકો વિશે તો લખ્યું જ હશે! નોંધો અને ટૂંકાં અવલોકનો જુદાં. અને છતાં આશ્ચર્યની વાત તો એ છે કે તેમણે આ સમીક્ષાઓમાંથી ચૂંટીને એક પણ પુસ્તક પ્રગટ કર્યું નથી! એવા એ નિષ્કામ અને અલગારી છે. છાપાંમાં અવલોકનો તો ઘણાં પ્રગટ થાય છે, પણ પુસ્તક સાદ્યન્ત વાંચીને નીરક્ષીર વિવેકપૂર્વક—પૂરેપૂરા — તાટસ્થ્ય અને સમત્વપૂર્વક પુસ્તક સમીક્ષા કરનારાઓ કેટલા ઓછા છે! આજે કેટલું બધું છપાય છે, સમીક્ષાની માગને પહોંચી વળવા આપણી પાસે ઘણા સમીક્ષકો જોઈએ, કૃષ્ણવીર દીક્ષિતે એકલે હાથે મોટી સેવા બજાવી છે. કેવાં વિવિધ વિષયોનાં પુસ્તકોનો તેમણે ગુજરાતી પ્રજાને પરિચય કરાવ્યો છે! છેલ્લાં ત્રીસ-બત્રીસ વર્ષમાં પ્રગટ થયેલું કોઈ મહત્ત્વનું પુસ્તક ભાગ્યે જ એમની નજરમાંથી છટક્યું હશે. તેમણે પરંપરાપ્રમાણિત મહત્ત્વનાં પુસ્તકો વિશે લખ્યું તો નવોદિતોની પ્રયોગશીલ રચનાઓને પણ સમભાવપૂર્વક પોંખી છે. તે ક્યારેય અંતિમરાગી બન્યા નથી, રાગદ્વેષથી ખરડાયા નથી. ‘જન્મભૂમિ’નો આ વિભાગ પહેલાં ઝવેરચંદ મેઘાણી સંભાળતા, એમના પગલામાં પગલું મૂકવું એ કપરું કામ હતું. કૃષ્ણવીરે પૂરા ભાન સાથે એ જવાબદારી ઉઠાવી. એમની સજ્જતા કે અભિપ્રાય વિશે મતભેદ હોઈ શકે, પણ એમની નિષ્ઠા વિશે તમે કંઈ ન કહી શકો. વ્યક્તિમાં નિષ્ઠા હોય, જવાબદારીનું ભાન હોય અને સૌથી વિશેષ સાહિત્યવિદ્યા પ્રત્યે અંતરનો ઉમળકો હોય તો કેવું સારું કામ નીપજી આવે તેનું સરસ નિદર્શન કૃષ્ણવીરભાઈ છે. વ્યક્તિ તરીકે એ અત્યંત ભાવનાપરાયણ છે. ક્યારેક એમની નમ્રતા મૂંઝવે પણ ખરી. ‘શબ્દલોકના યાત્રીઓ’ વિશે મેં તેમની પાસે જીવનની વીગતો માગી તો તેમણે લખ્યું : “શબ્દલોક અનંત છે, વિરાટ છે. તે સત્યલોક છે અને સૌંદર્યલોક છે, તે આનંદલોક છે અને વિસ્મયલોક છે. તે જીવનદૃષ્ટિ બક્ષે છે અને વિશાળ કરી શકે છે. તે જીવનકલા ખીલવી શકે અને મોક્ષ પ્રાપ્ત કરાવી શકે એટલો બધો શક્તિવંત છે. તે નિરાકાર બ્રહ્મનું સાકાર સ્વરૂપ છે. એ લોકમાં પ્રવેશવા માટે પ્રતિભાજન્ય અધિકાર જોઈએ. તે કેવળ પ્રતિભાવંત અને નિષ્ઠાવંત સાધકને જ લભ્ય છે. અંદર પ્રવેશ્યા પછી પણ તે સમગ્ર લોકમાં વિહરવા માટે શક્તિ જોઈએ, દૃષ્ટિ જોઈએ અને ધ્યેયની સ્પષ્ટતા જોઈએ. શબ્દલોકના યાત્રી બનવું એટલે સાધક થવું, તપસ્વી થવું, મુમુક્ષુ થવું. શબ્દલોકની યાત્રા તે સાધના છે. તે યોગ છે. અનંત સાધના અને અખંડ યોગ છે. એક જ નહિ અનેક જન્મો સુધી ચાલતી સાધના છે. એક જન્મ તેને માટે પર્યાપ્ત નથી. મારા શબ્દલોકમાંના વિહારને યાત્રા કે સાધના કે યોગ તરીકે ઓળખાવી શકતો નથી.” તેમનો આ ઉચ્ચગ્રાહ તેમની જીવનદૃષ્ટિનો દ્યોતક છે. શ્રી કૃષ્ણવીર દીક્ષિતનો જન્મ ૧૨ જુલાઈ ૧૯૧૫ના રોજ સુરતમાં થયો હતો. પિતાનું નામ ત્રૈલોક્યનારાયણ બળનારાયણ દીક્ષિત અને માતાનું નામ સૂર્યવદનગૌરી. તેમનું વતન સુરત. તેમણે પ્રાથમિક શિક્ષણ સુરત શહેર સુધરાઈ સંચાલિત શાળા નં. ૬માં લીધું. (૧૯૨૧થી ૧૯૨૫), અંગ્રેજી પહેલા ધોરણથી પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ ટી. ઍન્ડ ટી. વી. સાર્વજનિક મિડલ સ્કૂલ, ગોલવાડ, સુરતમાં કર્યો (૧૯૨૫થી ૧૯૩૦). મૅટ્રિક સુધીનો અભ્યાસ પણ એ જ શાળામાં કર્યો. ૧૯૪૧માં તે કૉલેજના અભ્યાસ માટે એમ. ટી. બી. કૉલેજમાં દાખલ થયા. પ્રસિદ્ધ સાક્ષર વિષ્ણુપ્રસાદ ત્રિવેદી તેમના ગુરુ. વિજયરાય વૈદ્ય પાસે પણ તે ભણેલા. વિ. ૨. ત્રિવેદીની તેમના જીવન અને સાહિત્ય પર પ્રગાઢ અસર થયેલી. કૉલેજમાં જોડાયા પહેલાં તેમણે નોકરીનો આરંભ કરેલો. ૧૯૩૫થી ૧૯૪૧ સુધીના સમયગાળામાં સુરત સુધરાઈના બાગમાં કારકુન તરીકે જોડાયેલા. ચારેક મહિના રહ્યા. એ પછી સુધરાઈના દબાણ ખાતામાં, નાકાવેરા ખાતામાં ચાર ચાર મહિના કામ કર્યું. ૧૯૩૬થી ૧૯૪૦ સુધી વિઠ્ઠલદાસ ઠાકોરદાસ હિંદુ ગુરુકુળમાં શિક્ષક થયા. દરમ્યાન એસ.ટી.સી.ની અને હિંદીની પ્રવેશ પરીક્ષા આપી. ૧૯૪૦-૪૧માં સાર્વજનિક મિડલ સ્કૂલમાં શિક્ષક થયા. ૧૯૪૫ના મે માસમાં સુરત છોડી મુંબઈ સ્થાયી થયા. ૨૮ મે ૧૯૪૫ના રોજ ‘જન્મભૂમિ’ પત્રમાં જોડાયા, તે ૩૧ ડિસેમ્બર ૧૯૭૬ના રોજ નિવૃત્ત થયા ત્યાં સુધી એ સંસ્થામાં કામ કર્યું. નિવૃત્તિ પછી પણ તે ‘જન્મભૂમિ’ સાથે સંકળાયેલા રહ્યા છે. તેમણે લેખનનો આરંભ સુરતથી પ્રગટ થતા બાળ પાક્ષિક ‘ગાંડીવ’માં બાળવાર્તાઓ અને લેખો લખવાથી કર્યો. એ વખતે સુરતમાં ‘જ્યોત મંડળ’ ચાલતું. શ્રી હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ એના પ્રમુખ હતા. કૃષ્ણવીર ૧૯૪૧થી ૧૯૪૫ સુધી એના સભ્ય રહેલા. ‘જ્યોત મંડળ’માં અવારનવાર રાજકીય નેતાઓના વાર્તાલાપો યોજાતા. તે એનું વૃત્તાંતનિવેદન ‘ગુજરાતમિત્ર’માં કરતા. ૧૯૪૨થી ૧૯૪૫ સુધી તે સુરતની નર્મદ સાહિત્ય સભાના મંત્રી હતા. મુંબઈ ગયા પછી ‘મુંબઈ લેખક મિલન’ના પણ ચાર-પાંચ વર્ષ મંત્રીપદે રહેલા. ૧૯૪૮ના સપ્ટેમ્બરથી તેમણે ‘જન્મભૂમિ’ના ‘કલમ અને કિતાબ’ વિભાગમાં ગ્રંથાવલોકનો લખવાં શરૂ કર્યા. ૧૯૫૪થી સુરતના ‘ગુજરાતમિત્ર’માં ‘અક્ષરની આરાધના’ વિભાગ સંભાળે છે. ‘ગુજરાતમિત્ર’માં તે ‘પરંતપ’ના ઉપનામથી લખે છે, આ ‘પરંતપ’ કાલિદાસ-કથિત યથાર્થનામાં નથી! ‘પરંતપ’ ઉપનામ કૃષ્ણવીરે એમના પુત્રના નામ પરથી રાખેલું છે. કૃષ્ણવીરભાઈએ સંપાદક તરીકે કાર્ય કરેલું છે. શ્રી જ્યોતીન્દ્ર દવેના હાસ્યરસિક લેખોના સંગ્રહ ‘જ્યાં ત્યાં પડે નજર મારી’નું સંપાદન, શ્રી ‘સોપાન’ના સહયોગમાં શ્રી રામજીભાઈ કામાણીનું જીવનચરિત્ર અને શ્રી એચ. ટી. પારેખના ‘હીરાને પત્રો’ અને ‘હીરાને વધુ પત્રો’ના સંપાદનમાં સહાયતા કરેલી છે. ‘જન્મભૂમિ’ અને ‘ગુજરાતમિત્ર’નાં ગ્રંથાવલોકનો ઉપરાંત ‘પ્રબુદ્ધ જીવન’, ‘જીવન માધુરી’ વગેરે સામયિકોમાં લેખો લખ્યા છે. ‘ગ્રંથ’માં પણ અવલોકનો લખ્યાં છે. તેમને સાહિત્યની પ્રેરણા તેમના સ્વ. મોટાભાઈ બટુકભાઈ દીક્ષિત, નટવરલાલ માળવી, જ્યોતીન્દ્ર દવે, વિ. ૨. ત્રિવેદી, પ્રા. હીરાલાલ ગોદીવાલા વગેરે તરફથી મળેલી છે. હાલ તેઓ ‘જન્મભૂમિ’ અને ‘ગુજરાતમિત્ર’ના સાહિત્ય વિવેચન વિભાગ સંભાળવા ઉપરાંત એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી, મુંબઈમાં ગુજરાતી પત્રકારત્વની તાલીમ આપવાની કામગીરી, ‘વિઝિટિંગ પ્રોફેસર’ તરીકે બજાવી રહ્યા છે મેં શરૂ કરેલી ‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’માં તેમની પસંદગી ‘સ્વામી આનંદ’ ઉપર ઊતરી, તેઓ આ લઘુગ્રંથ તૈયાર કરી રહ્યા છે. આવા વિદ્યાવ્યાસંગી, સૌમ્ય પ્રકૃતિને, સાત્ત્વિક ભાવનાસેવી કૃષ્ણવીર દીક્ષિતનું સમગ્ર જીવન પુસ્તકોની દુનિયાની વચ્ચે વીત્યું છે. સર્જકો અને ચિંતકોના ઉત્તમોત્તમ સ્વરૂપ સાથે જેમણે કામ પાડ્યું છે તે પોતે જ આ વિદ્યાયાત્રાની રમણીય કથા કહે એમ ઈચ્છીએ. એ અવશ્ય સ્મરણીય બની રહેવાની.
૩૧-૮-૮૦