શબ્દલોકના યાત્રીઓ – ૧/ગુલાબદાસ બ્રોકર

ગુલાબદાસ બ્રોકર

ગુલાબદાસની અટક જોઈ કોઈને વેપારની સૃષ્ટિ યાદ આવી જાય, પણ તેમણે જીવનભર શબ્દનો જ વેપાર કર્યો છે! અને એનું જમા પાસું પણ માતબર છે. હા, તે શૅર બજારમાં કામ કરતા હતા. થોડાં વર્ષોથી નિવૃત્ત થયેલા છે. એમ તો એમના પિતાજી હરજીવનદાસ પણ શૅર બજારમાં હતા પણ એમનું હૃદય તો ધર્મતત્ત્વથી રંગાયેલું. પિતાજીએ બનિયનના ‘પ્રિલ્ગ્રિમ્સ પ્રોગ્રેસ’ ગ્રંથ ઉપરથી ગુજરાતીમાં જૈન ધર્મનું ‘દિવ્ય યાત્રા’ નામે પુસ્તક લખેલું અને એને પ્રસાર કરેલો. એમનાં મોટાંબહેન તો “તપસ્યાની મૂર્તિ જેવાં” હતાં. ગુલાબદાસની ષષ્ટિપૂતિં પ્રસંગે ઉમાશંકરે લખેલું :

“પિતાજીની બે સૂક્ષ્મ શક્તિઓ સાહિત્યસેવાની અને ધર્મજીવનની. તેમાંથી ગુલાબદાસે વિશેષ કરીને પહેલી તરફ પક્ષપાત બતાવ્યો. બહેને બીજી તરફ. એકને કલાની મુખરતા આકર્ષીં ગઈ, બીજાને ધર્મનું મૌન. કલાનું ગુલાબ, ધર્મનું શતદલ કમલ — જીવનમાંથી બન્ને ન પ્રગટે? બંનેમાંથી એક જ પ્રગટે તો કયું વધુ પસંદ કરવા જેવું? ગમે તે એક પ્રગટે તોપણ જીવન સારી પેઠે ધન્ય ધન્ય થઈ જાય નિ:સંશય.”

‘કલાનું ગુલાબ’ તો પ્રગટ્યું અને જીવનની ધન્યતા પણ અનુભવાઈ હશે જ, ગુલાબદાસ બ્રોકરનું સાહિત્યક્ષેત્રે એવું મૂલ્યવાન પ્રદાન છે. ટૂંકી વાર્તા અને એકાંકી આ બે ભારે નજાકત માગી લેતાં સાહિત્યસ્વરૂપોના વિકાસમાં ગુલાબદાસનો નિ:સંશય મહત્ત્વનો ફાળો છે. ધર્મરસિક પણ તે ખરા. પણ એનું સ્વરૂપ ભિન્ન. ગુલાબદાસનો ધર્મ તે માનવતાધર્મ, તેઓ માણસભૂખ્યા માણસ છે. એમના થોડા પરિચયમાં આવનાર પણ તેમના સ્નેહ, સૌજન્ય અને આભિજાત્યથી અભિભૂત થવાનો. તેમને સાહિત્યજગતમાં બધાં માન અને પ્રતિષ્ઠા મળ્યાં છે પણ એનો કશો ભાર એમના પર પડ્યો નથી. તે હળવા ફૂલ છે. હંમેશાં સ્નેહાળ. સમતલ વિચારશક્તિ અને સ્વસ્થ જીવન અભિગમ ગુલાબદાસને સહજ છે. જીવનને જોવાની આગવી દૃષ્ટિ તેમની પાસે છે. તેમણે ઘણું લખ્યું છે અને હજુ લખે છે. પણ લખવા કરતાં વાંચવાનું તેમને વધુ ગમે છે. નવા લેખકો સાથે વાત કરતા હોય ત્યારે છેલ્લે પોતે શું વાંચ્યું એની વાત કરે તો તે એમના કરતાં આગળ હોય! સુરેશ જોષીના પ્રથમ વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ની ઉમળકાભેર પ્રસ્તાવના તેમણે લખેલી, તો નવોદિત વાર્તાકાર મહેશ દવેના વાર્તાસંગ્રહની પણ. ગુલાબદાસ ઘણી પ્રસ્તાવનાઓ લખે છે એની લેખકો ટીકા કરે છે પણ તેમણે કદાપિ પોતે સામે ચાલીને કોઈની પ્રસ્તાવના લખી નથી. માગો–આગ્રહ કરો તો લખે પણ પોતાની રીતે. લેખન અને સંભાષણમાં મધુરતા ખરી. સત્ય પણ મધુર રીતે કહેવાની તેમને ફાવટ છે; પણ જે કહે તે સત્ય જ કહે. ગુલાબદાસનો જન્મ ૧૯૦૯ના સપ્ટેમ્બરની ૨૦ તારીખે પોરબંદરમાં થયો હતો. મૅટ્રિક થયા પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી મુખ્ય વિષય અંગ્રેજી સાથે સ્નાતક થયા. ૧૯૩૦-૩૨ની સત્યાગ્રહ લડતોમાં તેમણે અગ્ર ભાગ ભજવ્યો અને જેલમાં પણ જઈ આવ્યા. મુંબઈ કૉંગ્રેસ સમિતિમાં પણ હતા. તેમનાં અત્યાર સુધીમાં પચીસેક પુસ્તકો પ્રગટ થયાં છે. નવલિકા, નાટક, એકાંકી, વિવેચન, પ્રવાસવર્ણન, જીવનચિંતન વગેરે તેમણે આપ્યાં છે. અનુવાદો પણ કર્યા છે. અરે! તેમણે કાવ્યો પણ લખ્યાં છે તે બહુ ઓછા જાણતા હશે. તેમના કાવ્યસંગ્રહનું નામ ‘વસંતે’. ‘વસંતે’ની છેલ્લી રચના એક અનુદિત રચના છે. એની અંતિમ પંક્તિ છે, ‘હું જુવાન છું.’ ગુલાબદાસના જીવન અને સાહિત્યને પણ એ લાગુ પડે! ‘લતા શું બોલે?’એ વાર્તાનો આરંભ ગુલાબદાસે કરેલો. પછી સુન્દરમ્ વગેરેએ એને આગળ ધપાવેલી. ‘નીલિનું ભૂત’ અને ‘ગુલામદીન ગાડીવાળો’ પણ એમની અત્યંત કલાત્મક વાર્તાઓ છે. ‘માનો જીવ’ પણ જાણીતી છે. ‘ચિત્રાનું ચલચિત્ર’, ‘પ્રકાશનું સ્મિત’, ‘ઘૃણા કે કરુણા?’ પણ તરત યાદ આવતી નવલિકાઓ છે. તેમની વાર્તાઓ આદર્શ અને વાસ્તવના સહિયારે આરે મળે છે. પણ એની વિશેષતા કદાચ માનસવ્યાપારોના સૂક્ષ્મ નિરૂપણમાં છે. તેમણે લાંબાં નાટકો પણ સરસ આપ્યાં છે. અને એકાંકીના તો તે કીમિયાગર. ‘મનનાં ભૂત’ તો એ જ આલેખી શકે. ‘ધૂમ્રસેર’, ‘મહાનિબંધ’ અને ‘ઈતિહાસનું એક પાનું’ પણ નોખી તરી આવે એવી કલાકૃતિઓ છે. ગુલાબદાસની આ સર્જનાત્મક કૃતિઓમાં વિષયનું વૈવિધ્ય છે તો ટેકનીકની નવીનતા પણ છે. લેખકને માટે પોતાના અનુકરણ જેવી વરવી ચીજ બીજી એકે નથી. ગુલાબદાસ સામાન્ય રીતે એમાંથી મુક્ત રહ્યા છે. તેમની રચનાઓ ભારતની અન્ય ભાષાઓમાં અને પરદેશની અંગ્રેજી, ઈટાલિયન, જર્મન જેવી ભાષાઓમાં અનુદિત થઈ છે. ગુલાબદાસને સાહિત્યિક પ્રદાન માટે પારિતોષિકો અને ચન્દ્રકો મળ્યાં હોય તે સ્વાભાવિક છે. કુમાર ચંદ્રક, મહીડા સુવર્ણ ચંદ્રક, ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારનાં પારિતોષિકો તેમનાં પુસ્તકોને મળે જ, તેઓ પી.ઈ.એન, સંસ્થા સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. વર્ષોથી એની કારેબારીમાં છે. ૧૯૫૯માં ફૅન્કફર્ટ જર્મનીમાં ભરાયેલા આંતરરાષ્ટ્રીય પી.ઈ.એન. સંમેલનમાં ભારતીય પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી હતી. ૧૯૬૨માં અમેરિકા ગયેલા અને ૧૯૬૩માં તે દેશના આમંત્રણથી જર્મની પણ ગયેલા. ૧૯૭૪-૭૫માં તે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા. હાલ કારોબારીના, સભ્ય છે. અનેક સંસ્થાઓ સાથે તે સંકળાયેલા છે, અને તે પોતે જ એક સંસ્થારૂપ બન્યા છે. સંસ્થાનું નિયમન, શિસ્ત અને વ્યવસ્થા તેમનામાં છે, પણ તંત્રની જડતા નથી. ‘તંત્ર’ ખરું પણ તે સાહિત્યનું. હમણાં તેમનો નવો વિવેચનસંગ્રહ બહાર પડ્યો છે. ‘સાહિત્ય – તત્ત્વ અને તંત્ર’. એની પ્રસ્તાવનામાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ બ્રોકરના ‘પ્રસન્નગંભીર સાહિત્યવિચાર’ની ઉચિત પ્રશંસા કરી છે. વિદ્યમાન ગુજરાતી સાહિત્યકારોમાં ગુલાબદાસ બ્રોકર એમના સત્ત્વ અને સ્વત્વથી સૌનો સ્નેહ સંપાદન કરી શક્યા છે. ઉમાશંકરે ‘કલાના ગુલાબ’ની વાત કરી પણ વ્યક્તિ ગુલાબદાસનો વિચાર કરતાં તો મૈત્રીનું ગુલાબ જ યાદ આવે!

૩૦-૪-૭૮