શબ્દલોકના યાત્રીઓ – ૧/દેવજી મોઢા
ફેબ્રુઆરીની બીજી તારીખની સવાર. પોરબંદરમાં ૧૨, શિક્ષક સોસાયટીમાં ‘કિરણ’માં બેઠો છું. કવિશ્રી દેવજીભાઈ મોઢાને ત્યાં. ‘શબ્દલોકના યાત્રીઓ’માં આપવાના રેખાચિત્ર વિશે વાત થાય છે. પોરબંદરના કવિઓને સાહિત્યજગતે અન્યાય કર્યો છે એવી તેમની લાગણી. મેં કહ્યું: કવિ કવિતા સિદ્ધ કરે પછી એ કોઈ ગામનો કે ભાષાનો રહી શકતો નથી. એ વિશ્વકવિ જ થઈ રહે છે. પોતાને વિશે કંઈ લખાણ આવે એ વિશે કવિ તદ્દન ઉદાસીન લાગ્યા. મેં અગાઉ વીગતો મંગાવેલી પણ તેમણે રસ ન બતાવેલો. આ વખતે તેમણે સ્નેહભાવથી ભીંજવી દીધો. આ સ્નેહભાવ એમની કવિતાનું અંતસ્તત્ત્વ છે. ‘રાધિકા’માં એ કૃષ્ણભક્તિ રૂપે પ્રગટ થાય છે. કવિ દેવજીભાઈની ઘડેલી રાધા કૃષ્ણમય છે, પ્રેમમય છે. પ્રેમનું પરમ પ્રેમમાં પરિણમન. પ્રસિદ્ધ વિવેચક શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કહ્યું છેઃ “‘રાધિકા’, એ જીવ અને પરમ પુરુષના દ્વૈતાદ્વૈતની લીલાનું ગાન છે. એમાં પ્રીતિ, લગની, સમાગમ, વિરહ, પુનર્મિલન વગેરે ભાવાવસ્થાનું દર્શન તેમ જ ઉદ્દીપક સામગ્રીનું ચિત્રણ છે. એ પરિસ્થિતિ તથા સામગ્રી આપણી રોજની પરિચિત ભોમમાંની જ લાગે, એવી કવિની વાણી અને ચિત્રણા છે. કવિના ભાવનિરૂપણમાં આતુરતા છે પણ ક્યાંય ગ્રામ્યતા નથી. પ્રેમ અને વિરહની અવસ્થામાં શરીરી રાધા અશરીરી વ્યાપક ને સર્જક વિભૂતિ બની જાય છે.” એની એક રચનાનો આરંભ થાય છે:-
વાદળને જોઉં ને વ્હાલો સાંભરે
બંને એક સરીખા શ્યામ!
કૃષ્ણ સાથે વાદળની તુલના નવી નથી, કૃષ્ણ ‘ઘનશ્યામ’ કહેવાય જ છે, પણ વાદળને જોઈને કૃષ્ણ સાંભરે એ ઉક્તિ રાધિકાના મોઢામાં જે રીતે મુકાઈ છે તે અપૂર્વ છે, ભાવની સચ્ચાઈ અત્યંત સરલતાથી હૃદયસ્પર્શી બની છે. આ કામ જ કવિનું. પછી કહો, દેવજીભાઈ, તમે પોરબંદરના ક્યાં રહ્યા? ગોકુળ-મથુરા અને વૃંદાવનના, અરે સમગ્ર વિશ્વના થઈ ગયા ને! આવી કલાત્મક પંક્તિઓ ઘણી જડશે. સ્વ. કરસનદાસ માણેકે યોગ્ય જ કહ્યું છે કે “રાધિકા’ની રચનાઓ આત્માના મૂર્તામૂર્ત સૌંદર્યની આહ્લાદમયી અર્ચના છે.” શ્રી દેવજી રામજી મોઢાનો જન્મ ૮મી મે ૧૯૧૩ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોરબંદરમાં લીધેલું. ઈન્ટર આર્ટ્સ જૂનાગઢમાં કર્યું. પછી અભ્યાસ છોડી દીધો. રેલવે, પોર્ટ, ઑફિસ અને પી.ડબલ્યુ.ડી.માં નોકરી કરી અને પછી કરાંચી ગયા. બી.એ., એમ.એ., કરાંચીમાં કર્યું. એમ.એ.માં મુખ્ય વિષય સંસ્કૃત, અલંકારશાસ્ત્ર અને ગૌણ વિષય ગુજરાતી રાખેલો. બી.ટી. પોરબંદરમાં કરેલું. ૧૯૩૯થી ૧૯૪૭ સુધી શારદા મંદિર હાઈસ્કૂલ, કરાંચીમાં શિક્ષક તરીકે રહ્યા. એ પછી પોરબંદર આવ્યા અને ૧૯૪૮થી ૧૯૭૭ સુધી પોરબંદરના નવયુગ વિદ્યાલયમાં આચાર્ય તરીકે રહ્યા. ૧૯૭૭માં નિવૃત્ત થયા બાદ બાજુના ગામડે ખેતી બગીચાનાં ફૂલઝાડ ઉછેરવામાં સમય આપે છે. ગાંધીજીની દાંડીકૂચની લડતથી પ્રેરાઈ ૧૯૩૦માં તેમણે પહેલી કવિતા ‘ભારતની વીરાંગના’ નામે લખી. તે મુંબઈથી નીકળતા ‘ચંદ્રજ્યોતિ’ માસિકમાં છપાઈ. એ પછી તેમનાં કાવ્યો સામયિકોમાં પ્રગટ થવા માંડ્યાં. ૧૯૭૯માં પ્રસિદ્ધ સાક્ષર બ. ક. ઠાકોરે ‘આપણી કવિતાસમૃદ્ધિ’ની સંવર્ધિત આવૃત્તિ પ્રગટ કરી ત્યારે એમાં તેમનું ‘ખારે સમંદર’ નામે ગેય કાવ્ય લીધેલું. ૧૯૪૩માં હિઝ માસ્ટર્સ વૉઈસ કંપનીએ ગુજરાતી ગીતો રેકર્ડ કરવા સ્પર્ધા યોજેલી એમાં ‘વળી જાઓ પાછાં વહાણ’ એ ગીતને પ્રથમ પરિતોષિક મળેલું અને એની રેકર્ડ ઊતરી હતી. ૧૯૩૩માં ‘પ્રસ્થાન’માં પ્રગટ થયેલ કાવ્ય ‘મ ચઢજે ટગડાળ’ સાક્ષર નરસિંહરાવની પ્રશંસા પામેલું. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રયાણ’ ૧૯૫૧માં સ્વ. ડોલરરાય માંકડ જેવા મનીષીની પ્રસ્તાવના સાથે પ્રગટ થયો. ૧૯૫૭માં ‘શ્રદ્ધા’ સાક્ષર શ્રી રામપ્રસાદ બક્ષીની પ્રસ્તાવના સાથે પ્રગટ થયો. એ પછી ૧૯૫૯માં ‘આરત’, ૧૯૬૨માં ‘અનિદ્રા’, ૧૯૬૩માં ‘વનશ્રી’, ૧૯૬૯માં ‘રાધિકા’ અને ૧૯૭૧માં ‘શિલ્પા’ એ સંગ્રહો પ્રગટ થયા. ૧૯૭૧ પછી તેમનો સંગ્રહ પ્રગટ થયો નથી; પણ બે-ત્રણ કાવ્યસંગ્રહો જેટલાં કાવ્યો તેમની પાસે ગ્રન્થસ્થ થવાની રાહ જુએ છે. આ ઉપરાંત વાર્તાઓ અને લેખો પણ તેમણે લખ્યા છે. તેમનાં કાવ્યો પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ થયાં છે. તેમણે મુખ્યત્વે ગીતો, છંદોબદ્ધ કાવ્યો, સૉનેટ અને મુક્તકો લખ્યાં છે. સરળતા એમની કાવ્યભાષાનો પ્રધાન ગુણ છે. તળપદી છાંટવાળી સરલ કાવ્યબાની સહૃદયોને એકદમ હૃદ્ય નીવડે છે. આ કારણે તેમનાં કાવ્યો લોકભોગ્ય નીવડ્યાં છે. ડૉ. જયન્ત પાઠકે એમની કવિતા વિશે કહ્યું છે: “દેવજી રા. મોઢાની કવિતા તેની બાનીની તળપદી બળકટતા, ભાવ અને ચિંતનની સ્વસ્થતા ને સ્વચ્છતા તેમ જ તેના સરળ અને સ્પષ્ટ નિરૂપણથી આકર્ષણ કરે છે. ગાંધીયુગની કવિતાનાં કેટલાંક લક્ષણો ધરાવતી હોવા છતાં આ કવિની કવિતા મુખ્યત્વે આત્મલક્ષી — કવિહૃદયના ભાવોને ગાનારી જ રહી છે. એમાં ભાવનાભક્તિ છે ને વાસ્તવદૃષ્ટિ પણ છે. ચિંતનની આછી છાંટવાળાં એમનાં કાવ્યો, એમાં પ્રતીત થતી કવિહૃદયની નિખાલસતાને કારણે હૃદયસ્પર્શી બની રહે છે. અભિવ્યક્તિમાં આ કવિ જેવી સરળતા દાખવે છે તેવી જ સરળતા એમના સંવેદન-વ્યાપારમાં પણ છે એમનો ભાવ બહુ ગહન કે સંકુલ ન હોય, સ્પષ્ટ ને સરળ હોય; એમનું ચિંતન ઊંડું ને અટપટું ન હોય, સુગમ ને સ્વચ્છ હોય. આવી સરળતા એ કવિતાની મર્યાદા પણ ગણાય.” એમની કવિતામાં સાહજિકતા છે. સરલતાનું સૌંદર્ય છે, પણ ભાષા કે છંદમાં સભાન કલાકારીગરીમાંથી જન્મતી સુશ્લિષ્ટતા નથી. ‘શિલ્પા’નાં સૉનેટોમાં કેટલાંક સુશ્લિષ્ટ નીપજી આવ્યાં છે. ડોલરરાય માંકડ, જયન્ત પાઠક વગેરેએ એમની કવિતાની કેટલીક મર્યાદાઓ પણ બતાવી છે. સમગ્રતયા જોતાં ગાંધીયુગની કવિતામાં શ્રી દેવજીભાઈ મોઢાની કવિતા એની ભાવનામયતાથી, ઊર્મિ અને ચિંતનની કલામય સંપૃક્તિથી અને સરલ-સુભગ કાવ્યબાનીથી જુદી તરી આવે છે અને ગાંધીયુગના કવિઓમાં તેમનું આગવું સ્થાન નિશ્ચિત કરે છે. ખાસ કરીને ગીતો અને મુક્તકોમાં તેમની કલા સવિશેષ ખીલી ઊઠે છે. તેઓ અત્યારની અછાંદસ કવિતાને માર્ગે ગયા નથી એ સારું જ છે. ‘સ્વધર્મે નિધનં શ્રેય:’ અનુસાર તેમણે પોતાની સર્જકતાને વફાદાર રહી કવિતાદેવીની આરાધના કરી છે અને સુંદર કાવ્યપુષ્પો ગુર્જર ગિરાને ભેટ ધર્યાં છે. જે મનુષ્યને ઊર્ધ્વસ્થાને ન લઈ જાય, જીવનયાત્રામાં પ્રેરણા ન આપે તે રચનાને પોતે કવિતા માનવા તૈયાર નથી. કવિતામાં તે ઉચિત રીતે જ અનુભૂતિનો મહિમા કરે છે. માત્ર તરંગ, ટુચકા કે શબ્દરમતને તે કવિતા ગણતા નથી. શ્રી દેવજીભાઈ કવિતાના ગંભીર ઉપાસક છે. ગુજરાત રાજ્યની ધારાસભાના એક વખતના સ્પીકર કલ્યાણજીભાઈ મહેતા કોઈ શાળાના આચાર્ય દ્વારા દેવજીભાઈની કવિતાના પરિચયમાં આવ્યા, અને કવિનાં કાવ્યો એવાં તો ગમી ગયાં કે તેમના બધા જ સંગ્રહો મંગાવી લીધા! કવિ સાથે મધુર પ્રેમસંબંધ બંધાયો. ૧૯૬૯માં બહાર પડેલો ‘રાધિકા’ સંગ્રહ જોઈ એમાં નિરૂપાયેલા કવિના હૃદયના “ગોપીભાવથી આફરીન આફરીન છું.” એમ લખ્યું. આવા તો અનેક ભાવિકોનો પ્રેમ એમની કવિતાને સાંપડ્યો છે. અત્યારે વૃદ્ધાવસ્થામાં એ બધા અનુભવો એમને કેટલો આનંદ આપતા હશે! ૧૯૬૨-૬૩માં ભારત સરકાર તરફથી ડૉ. રાધાકૃષ્ણનને હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો નૅશનલ એવૉર્ડ તેમને મળેલો. ૧૯૬૩માં ‘વનશ્રી’ કાવ્યસંગ્રહને ગુજરાત રાજ્યનું પારિતોષિક પણ મળેલું. શ્રી દેવજીભાઈને પ્રસિદ્ધિમાં આવવાનો કશો મોહ નથી, એવી કશી દોડધામ કે વલવલાટ તે કરતા નથી. પ્રકૃતિએ તે અંતર્મુખ છે. તેમને પોતાની કવિતામાં શ્રદ્ધા છે, સમાનધર્મામાં શ્રદ્ધા છે. સડસઠ વર્ષના આ બુઝુર્ગ કવિને મળીને આનંદ થયો. શ્રી દેવજીભાઈ મોઢા જેવા કૃષિ-કવિની પાછલાં વર્ષોની કવિતા ગ્રંથાકારે સત્વરે સુલભ થાય એમ ઈચ્છીએ.
૯-૩-૮૦