શબ્દલોકના યાત્રીઓ – ૨/અનિલ જોષી

અનિલ જોષી

સાતમા દાયકામાં જે નવા કવિઓ આવ્યા એમાં ભાઈ અનિલ જોષીના આગવા અવાજે સૌનું ધ્યાન ખેંચ્યું. ‘છિન્નભિન્ન છું’ના ઉમાશંકર કે ‘પ્રવાલદ્વીપ’ના નિરંજન કરતાં આ કવિઓએ ગુજરાતી કવિતામાં એક જુદું વહેણ વહાવ્યું. અગાઉનો સૌન્દર્યલક્ષી અભિગમ નવા રૂપરંગમાં દેખાવા લાગ્યો, રોમૅન્ટિક વલણે પુનઃ દેખા દીધી અને એની સાથોસાથ જ સાંપ્રત મનુષ્યની એકલતાની વેદનાને પણ તેમણે મુખરિત કરી. આ પ્રવાહના એક શક્તિશાળી કવિ તરીકે સૌએ અનિલના આગમનને વધાવ્યું. શ્રી અનિલ જોષી આમ તો સૌરાષ્ટ્રના. તેમનો જન્મ ૨૮ જુલાઈ ૧૯૪૦ના રોજ ગોંડલમાં થયો હતો. તેમના પિતાશ્રી શિક્ષણ ખાતામાં ઉચ્ચ અધિકારી હતા એટલે તેમની બદલી વારંવાર થતી. આને કારણે અનિલનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જુદે જુદે સ્થળે થયું. ગોંડલની તાલુકા શાળા, મોરબીની ગિબ્સન મિડલ સ્કૂલ અને ગોંડલની સગ્રામજી હાઈસ્કૂલમાં તે ભણ્યા. કૉલેજનાં પ્રથમ બે વર્ષ મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કૉલેજમાં કર્યાં. ત્યાં કૉલેજના વાઈસ પ્રિન્સિપાલ જયાનંદ દવેના સંપર્કથી સાહિત્યમાં રસ લેતા થયા. પ્રો. જયાનંદ દવે દ્વારા તેમને ‘શાકુન્તલ’ અને ‘મેઘદૂત’નો પરિચય થયો. એ પછી તે અમદાવાદ આવ્યા અને હ. કા. આર્ટ્સ કૉલેજમાંથી મુખ્ય વિષય ગુજરાતી સાથે બી.એ.ની પરીક્ષા પસાર કરી. બી.એ. થયા પછી એમ.એ.નું એક વર્ષ મોડાસામાં અને બીજું વર્ષ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં કર્યું. આ ગાળા દરમ્યાન અદ્યતન કવિતાની આબોહવામાં ગળાબૂડ રહેવાને કારણે તે એમ.એ.ની પરીક્ષા ન આપી શક્યા. કાવ્યરસ આગળ કારકિર્દી રસ ગૌણ બની રહ્યો! અનિલની મૂળ ઈચ્છા એક સારા ક્રિકેટર થવાની હતી. મોરબીમાં અભ્યાસ કરતા હતા ત્યારે આર્ટ્સ કૉલેજની ટીમના કેપ્ટન હતા. પણ એક મેચમાં દડો વાગવાથી મનમાં બીક પેસી ગઈ અને ક્રિકેટ છોડી દીધું. ક્રિકેટનું સ્થાન સાહિત્યે લીધું. સાહિત્યમાં પણ તે કોઈ કોઈ વાર ચોગ્ગો-છગ્ગો લગાવે છે! પણ તે ‘સ્લો’ અને ‘સ્ટેડી’ની રીતે કામ કરતા નહિ હોઈ ક્રિકેટની જેમ સાહિત્યમાં પણ તેમની સિદ્ધિ આકસ્મિક જ રહે છે. અને છતાં ક્યારેક ઘણું સારું તે કરી બેસે છે. અપેક્ષા રાખવાનો આપણો અધિકાર તે પોતે જ સ્થાપે છે. તેમણે વ્યવસાયનો આરંભ શિક્ષક તરીકે કર્યો. ૧૯૬૮થી ૧૯૬૯ સુધી અમરેલીના કે. કે. પારેખ વિદ્યાલયમાં ગુજરાતીના શિક્ષક તરીકે તેમણે કામ કર્યું. આ ગાળા દરમ્યાન તેમને કવિ શ્રી મકરંદ દવે અને શ્રી નાથાભાઈ જોશીનો ગાઢ પરિચય થયો. એના સંસ્કારો પણ તેમની લેખનપ્રવૃત્તિ પર પડ્યા. તેમનું પ્રથમ કાવ્ય ૧૯૬૨માં ‘કુમાર’માં પ્રગટ થયું હતું. એ વખતે ‘કુમાર’ની બુધકાવ્યસભામાં તે નિયમિત હાજરી આપતા. પણ એવામાં ‘કુમાર’ સાથે મતભેદ પડવાથી બુધસભામાં જવાનું બંધ થયું, અને કવિ લાભશંકર ઠાકરના દવાખાને કવિમિત્રો નિયમિત મળવા લાગ્યા. એ વખતે તે નવી તરાહનાં ગીતો લખતા. સામયિકો આવાં ગીતો આવકારતાં ન હતાં. તેથી લાભશંકરે અનિલનાં ગીતો માટે ‘કૃતિ’નો ખાસ વિશેષાંક પ્રગટ કરેલો. ત્યાર પછી ‘સમર્પણ’ વગેરેમાં તેમનાં કેટલાંક ગીતો પ્રગટ થવા માંડ્યાં. ૧૯૬૭માં તેમના પિતાશ્રીની બદલી અમરેલી થઈ. અમરેલીમાં કવિ રમેશ પારેખનો પરિચય થયો. એ વખતે રમેશને વાર્તામાં રસ હતો. આ બંને મળ્યા અને મિત્રો થઈ ગયા – અને મૈત્રીનો સેતુ બની કવિતા. અનિલ અને રમેશ બંનેએ એક સંયુક્ત ગીત લખ્યું અને ‘સમર્પણ’માં છપાવ્યું. રમેશે પછી તો ઘણી કાવ્યરચનાઓ કરી અને તે અનિલે ‘રે’ મઠના કવિમિત્રોને વંચાવી. ‘કૃતિ’માં પ્રગટ થઈ. ગુજરાતી કવિતામાં સુન્દરમ્-ઉમાશંકર, રાજેન્દ્ર-નિરંજનની જોડી છે તેમ સાતમા દાયકાના કવિમિત્રો રમેશ-અનિલની પણ એક જોડી છે. બંનેની કવિતાપ્રવૃત્તિ એકમેકને પ્રેરક અને પૂરક રહી છે. અનિલભાઈને કાવ્યપ્રવૃત્તિમાં તેમના પૂજ્ય પિતાશ્રીનું અને પ્રો. જયાનંદ દવે, મકરંદ દવે, લાભશંકર ઠાકર વ.નું પ્રોત્સાહન મળ્યું છે અને તેમના કવિ તરીકેના ઘડતરમાં એણે ફાળો આપ્યો છે. તેમનો કાવ્યસંગ્રહ ‘કદાચ’ ૧૯૭૦માં પ્રગટ થયો. ગીતો, ગઝલો અને ગદ્યકાવ્યોમાં એક નવી તાજી હવા તે લઈ આવ્યા છે. ‘મારી ઉદાસ સાંજ’ જેવામાં છંદ પણ ક્ષમતાપૂર્વક પ્રયોજાયો છે, ‘ખાલી શકુંતલાની આંગળી’, ‘દરિયો’, ‘વાયરાની સીમ’, ‘બરફનાં પંખી’ જેવાં નવી શૈલીનાં ગીતોમાં તેમની પ્રયોગશીલતા દેખાય છે. ‘ગૅસ ચેમ્બર’ જેવું કાવ્ય આજના માણસની વેદના તીવ્રતાથી નિરૂપે છે. એમનાં ગીતોને ક્ષેમુ દિવેટિયા, અજિત શેઠ, નિરુપમા શેઠ જેવાં સંગીતકારોએ સ્વર આપ્યો છે. એચ.એમ.વી. તરફથી રેકર્ડ્ઝ પણ ઊતરી છે. ગીતના પ્રકારમાં અનિલનું નકશીકામ દાદ માગી લે છે. શ્રી અનિલ જોષી હાલ મુંબઈમાં છે. ૧૯૭૧થી ૭૬ સુધી તેમણે ‘કૉમર્સ’ના તંત્રી અને ગુજરાતી સાહિત્યકાર શ્રી વાડીલાલ ડગલીના પી.એ. તરીકે કામ કરેલું. ૧૯૭૭–૭૮માં તે પરિચય ટ્રસ્ટમાં પણ હતા. કવિ સિતાંશુ યશચન્દ્ર સાથે તેમણે મુંબઈમાં ‘કાવ્યસત્ર’ યોજેલું અને ‘શબ્દલોક’ નામની કવિમંડળી પણ સ્થાપેલી. હાલમાં તે મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના શિક્ષણ ખાતામાં ચાલતા લૅંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે કાર્ય કરે છે. તેમનો નવો કાવ્ય સંગ્રહ ‘બરફનાં પંખી’ હવે પ્રગટ થશે. ‘લિખિત’ નામે લલિત નિબંધોનો સંગ્રહ પણ થશે. તેમના લેખો મુંબઈનાં બે દૈનિકો ‘જન્મભૂમિ’ અને ‘જનશક્તિ’માં પ્રગટ થાય છે. ‘ગ્રંથ’માં ક્યારેક વિવેચનો પણ લખે છે. અનિલ જોષી આપણા એક પ્રતિભાશાળી કવિ છે. ગુજરાતી ગીતને અને કવિતાને તેમની પાસેથી ઊંચી અપેક્ષાઓ રહે છે.

૨૯-૪-૭૯