શાંત કોલાહલ/આગતને


આગતને

આવ ભાઈ, તું યે અહીં આવ.
ખાલી નહીં ખોલી
અહીં વેલ ફલવતી,
અહીં બહુ વનસ્પતિ
નિબિડ છે વન
અહીં પશુ, અહીં જન
આમ તો ન ખાલી અહીં કાંઈ
તો ય
આવનાર બધાંયને કાજ, ભાઈ
ભલી રહે ઠાંઈ.

સહુની યે જુદી જુદી ચાલ
સાજ એક નહીં
નહીં રાગ એક
એક નહીં તાલ
નિજ નિજ નાદે રમી રહે નિરંતર
એને શ્રવણ ઝિલાય નહીં રવ કો અવર.
અવ, ભૂલી ભય; ભલે નહીં પરિચય.
આટલા આકાર, આટલા વિલોલ વર્ણ
- મહીં એક નવું પર્ણ.
આવકારની ન તને, લહું, લવ તથા
મેળા મહીં કહીં એવો ભળી ગયો તું ય
અવ
તારી અવરથી નિરાળી ન કોઈ કથા !