શાંત કોલાહલ/ઐકાન્તિક દિન

ઐકાન્તિક દિન

જુવારજલ
તરંગહિલ્લોળે ઘુર ઘુર કરી
હારોહાર
આવે વારવાર પુલિને
ઉચ્છલ.

ઉન્મત કિલ્લોલ
અંગથી ઉછાળી જાય
ઊંઘ-આવરણ !
બોલે: ‘ખોલ, દૃગ ખોલ!’
અરુણ કિરણે નીલ ગગન અમલ
સોહે
જલ, થલ
તરુપર્ણ, તૃણ, ધૂલિકણ;
વનકુંજમહીં કહીં અણદીઠ
ગાય બુલબુલ
નવ જાગૃતિનું, નવ ખેલનાનું કંઠભર ગાન
અહીં લોઢને હિંદોલ રમે ગલ.

વળી વળી
ભીને વાન વાયરાની લહરી
કરંત મૃદુ સ્પર્શ
– સુકુમાર શિશુ તણા જાણે કોટિ લાડ –

અમથાં યે જાણે અડપલાં :
પારિજાતની મધુર ગંધની સંગાથ
ધરી લાવે મ્હેરામણ કેરો લવણ પ્રસાદ :
તારનાં તુફાન તો ય
રમે લળી લળી !

સહુનો આવે છે ઓરો સાદ
ત્યારે મન મારું બની રહે નિજ માંહિ લીન
એવી કોની આવે યાદ?
અગોચર કુહેલિકા મહીં લયમાન નિખિલનું સર્વ
કોઈનો યે કોઈ નહીં જાણે પરિચય
– વૃન્ત વિશ્લથ પર્ણ –
ઝળૂંબે આછેરો ઘેરો એનો અવસાદ,
ધૂંધળો વિષાદ !

આમ ને આમ જ વહી સવારની વેળ
વણમેળ.
લય સ્થિતિનો આખરે ઊતર્યો અમલ
નિતાન્ત એકલતાની શૂલ તહીં
વીંધી રહી ઉર પલેપલ.
આ વાર મધ્યાહ્ન-નિખાર
દૂરની ક્ષિતિજે લુપ્ત સાગર-તરંગ-પરિવાર.
હવાનું યે નહીં સંચલન
વનવિહંગના ટુહૂકારનું યે અવ નહીં લવ આંદોલન.
ક્યાંય નહીં ગલ
શિલાને પથાર કોઈ કરચલું અહીંતહીં દેખાય કેવલ.
અવિચલ આંહિ એક તાપ
કણે કણે લહું મૂર્તિમંત જેમ બિંબ ઝીલે ખાપ.

અસીમ એકાન્ત મહીં ભમે મારું મન
કોઈનો શોધે રે સંગ, પરિષ્વજન, વ્યજન;
નિખિલ જણાય ખાલીખમ
ભમી ભમી વ્યર્થ આખરે મુકામ ભણી આવે
લથડતે ડગ શૂન્ય સમ.

ફરી સંધિકાળ
સાગર ભરતીજલ
અકુંઠીત આકર્ષણે કરી કોલાહલ
આવે ઉરને ઉછાળ ભરી ફાળ.
મૃદુલ આવેશમય આવે સમીરણ
માલતી-કુસુમ-પરિમલથી વિકલ
આલંબન ચહે
ચહે જાણે આલિંગન.
આરક્તક પ્રતીચીવદન
શ્યામલ વાદળઅંચલની માંહી સૂર્ય અવ લુપ્ત :
મિલનમૂર્ચ્છના તણી શાન્તિ, શાન્તિ...
ઊઘડતું જાણે સ્વર્‌લોકનું સદન !
વ્યોમઊંચી તરુડાળ થકી કોઈ ગાય છે તેતર
– એકતારે ભાવિકનું રેલાય ભજન.
ઘેરાય ઘેરાય અંધકાર
શત શત તારક દ્યુતિનો તહીં થાય રે સંચાર.
ચોમેરનું સર્વ એનું એ જ ને છતાંય
રૂપ ધરે છે ઇતર !
સીમાઓનું જાણે સંકોચન :
સકલની ભણી વહે અબાધિત પ્રીતિ મુજ
મન પામી રહે પિંજરથી વિમોચન !
ત્યહીં તો નિદ્રાનું મળે નેત્રને ઇજન !
પાંપણમાં પ્રગટત ઋજુ ઋજુ ભાર;
કર ધરી જાણે ગ્રહી જાય નિરાકારને આગાર....
સાગર, લહર, પેલી ગંધ, પેલું ગાન
ગમતું ઘણું ય ઘણું
કિંતુ અવ લેશ ના સમય
પ્રહરઝાલર કેરા રણકાર
સીમાન્તમાં શૂન્ય....
નહીં કંપતો પવન
ઇહ લોક મેલી સરે અવર પ્રદેશ મારું મન.