શાંત કોલાહલ/ગ્રીષ્માંત

ગ્રીષ્માંત

અપરાહ્ન
આતપ્ત કુટીર થકી આમ્રઘટાતલે મૂકી આરામખુરશી
આસીન હું ઉદાસીન મને.
ગ્રંથકથા તણું રહ્યું અધૂરું શ્રવણ :
અચ્છોદ સરસિજલ તૃપ્ત સુપ્ત રાજપુત્ર
શ્રાન્ત ભાલે
મુગ્ધ વનપરી, મંદ વાયુની લહર જેમ, લળી લળી
સુકોમલ સ્પર્શ તણી શાન્તિ લહે ગુપ્ત
અનુસંધાનને સૂત્ર નેત્રને ફલક રમી રહે ચલચિત્ર :

સહસા કુમારની જાગ્રતિ
મધુક્ષોભ
મિલન ને
પરિણતિ.
કથા અહીં પૂર્ણ.

શૂન્ય નયન અતંદ્ર
નભ મહીં નિરાધાર આનંત્યમાં લીન :
અર્ધ નિમીલને યદિ ન્યાળે ધરાતલ
મરીચિકાજલ કેરે આછેરે તરંગ જાણે અચંચલ મીન.
રવ-મર્મર-વિહીન અસીમ એકાન્ત;
મહાકાલ ગતિહીન કલાન્ત.
શ્વેત ચારેગમ શ્વેત અગન અગન
નીલ પર્ણપુંજ થકી ફરકંત નહીં વાયુ નહીં રે વ્યજન.

આ નિદાઘ મહીં મધ્યદિને
ઊર્વીથકી અંતરીક્ષે ભમરાળ ભ્રમણમાં
ડંમર જે દોડે નિત્ય પાગલ ઉન્મન
– દગ્ધ અંતરમાં ધરી રહી કોઈ અદમ્ય ઝંખન –
નહીં એ ય દૃષ્ટિ મહીં ક્યાંય...
તરુચ્યુત પિંગલ પત્ર કે છિન્ન ધૂલિકણે
સ્વપ્ન એનું શયિત માર્ચ્છિત.
કવ
કોણ ઇન્દ્રવન કેરી અપ્સરાનો પ્રહર્ષણ
મળે સ્નિગ્ધ
સંજીવનસ્પર્શ
અમીવર્ષણની તુષ્ટિ
પરિચ્છન્ન મર્મ....

સહસા બખોલનીડ થકી ઊડી આવી ચકયુગ્મ
પૂર્વ ભણી પ્રલંબાતી છાયા મહીં
ક્રીડન આનંદરત કરે ધૂલિસ્નાન
(અંગ નહીં મ્લાન)
પાંખ પાંખની પ્રમત્ત ઝાપટને રવ
રજનો ગોરંભ ક્ષુદ્ર

કિંતુ
લાગે ચિત્તને હિલ્લોળ
કાળને પ્રવાહ દૂર દૂર અતીતને પ્રાન્ત
વહ્યે જાય સ્મૃતિ-ઉડુપિની :

દુર્દાન્ત યૌવન :
પરિચય નહીં તેની અદમ્ય પિપાસા થકી વિહ્‌વલ અંતરે
જનાલયે ઘનારણ્યે નિરંતર પરિભ્રમણ ઉદ્યત.
કોઈ કલસૂર
મધુગંધ
છન્ન લાવણ્યની સ્વપ્નમયી છાયાનું અંજન
કરે આકર્ષણ
– અશ્વખુરા થકી વિદ્ધ ધરિત્રી આ મૃણ્મય અશ્મર
નહીં તો ય સિદ્ધિ
અગોચર સ્થાન
પરાભવ માને નહીં અભિમાન
પ્રદીપ્ત અગ્નિનું આજ્ય બને જીવિતવ્ય
ક્ષણે ક્ષણે ક્ષીણ
લયમાન
ત્યહીં
અર્ચિપુંજ થકી પ્રભવંત અનન્ય સુંદર પ્રતિભાન
શાન્તિ...
ઋતુક્રાંતિ...

‘શી મધુર તંદ્રા મહીં મગ્ન?
કને કોણ આવી ઊભું એથી અણજાણ?’
ઊઘડતી આંખ લહે સ્વપ્ન જાગ્રત એકાકાર.
કટિ પર ધરી લઘુ કુંભ, અંગને ત્રિભંગ,
મંદ મંદ સ્મિત ઝરી મંજુલભાષિણી કહે,
‘લિયો શીત જલ’
એ જ તે સમય
સ્વેદસિક્ત તરસવિહ્‌વલ કોઈ શ્વાન
ઢૂંઢે અહીં આવી ઢળ્યા પાણીનું પલ્વલ
નહીં ક્યાંય....
કુંભ થકી ભરી દીધ પ્રાંગણની ઠીબ
સદ્ય એને પાન
અમીની નજરે ઉભયને જરા લહી રહી
પશુ કરી જાય છે પ્રયાણ.
અચિંત વાયુની વાગે છોળ
દૂરની વૃષ્ટિનો મળે જ્વરહર સુશીતલ સ્પર્શ
સિકત ધૂલિના પ્રથમ ક્ષોભનો રેલાય પરિમલ
અવ અંતરીક્ષ મહીં વિહંગવિહાર
બર્હીકંઠનો પ્રસન્ન ટુહૂકાર
દિગન્ત ગાજે છે દુંદુભિથી ઘન ઘન
ઘેરાય ગગન...
ઝીણેરી ઝર્મર થકી સ્તિમિત નયન.