શાંત કોલાહલ/ન વાત વ્યતીતની


ન વાત વ્યતીતની
(૧)

વહ્યું જેહ વ્યતીતની સહ
પ્રિય, તેની નહિ માંડવી કથા;
ફરીને ધરવી ન દુ:સહ
સ્મૃતિના સ્પર્શથી મર્મની વ્યથા.

ભર નિંદરમાં ભયાવહ
લહ્યું જે સ્વપ્ન કરાલ રાતનું,
અહીં જાગૃતિને વિષે અવ
અનુસંધાન ન કોઈ વાતનું.

ગત જે, લય પૂર્વને ભવ :
અહીં ઉન્મેષ નવીન જન્મનો.
દ્યુતિ આંહિ વરેણ્ય ને રવ
ખગનો રમ્ય, પરાગ પદ્મનો.

પરિતર્પણ શાન્ત છે સ્વધા:
પ્રિય, ગાવી નવ યજ્ઞની ઋચા.

(૨)

ગતની ભણી નેણ માંડતાં
અટકંતી ગતિ ખિન્ન આપણી;
પણ સન્મુખ પૂંઠ વાળતાં
વહી જાતી ક્ષણ વ્યર્થ આજની.

કલમુંજલ ગાનરમ્ય તે
રતિને ક્રીડન શર્વરી સરી,
અલિગુંજન, પદ્મગંધ ને
અરુણાની અહીં ઉલ્લસે તરી.

સુખ અસ્ત થયેલ તેહની
સ્મૃતિનું યે નવ હોય બંધન;
ઊઘડે ભવિતવ્ય જે અહીં
વિલસંતું સુખને જ સ્પંદન.

રમવું પ્રિય મોકળે મન
ટહુકી સાંપ્રત સંગ કેવલ.