શાંત કોલાહલ/૨ પ્રભાત
પાછલી રાતના ઝાકળમાં ઝંખવાય રે અગનફૂલ,
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.
પ્હોર બે પ્હોરની નિંદરા
એથી હોય ન ઝાઝો રાગ,
બોરડી બાવળ વીણીએ
સીસમ વીણીએ સૂકો સાગ;
માલનો બેહદ ફાલ, રે કેવલ મ્હેનતનું કંઈ મૂલ:
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.
આળપંપાળ ન રાખીએ ઝાઝી
ધરતીને આધાર,
મોકળે મને રાન વેરાનમાં
માણીએ રે સંસાર,
નવલે વ્હાણે આંગણે નવલ કમલ કેરી ઝૂલ-
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.