શાલભંજિકા/યાદ આતી રહી

યાદ આતી રહી

કેટલીય વાર એવું બને છે કે કોઈ પુસ્તક વાંચતાં વાંચતાં કે કોઈ ગીત સાંભળતાં સાંભળતાં એકાદ પંક્તિ કે પંક્તિખંડ એવો આવે કે પુસ્તક હાથમાં રહી જાય, ગીત ગવાતું રહી જાય અને મન ભ્રમણે ચઢી જાય. ઘણી વાર તો નારદજીની ડૂબકી જેવું થાય. થોડી ક્ષણોમાં આંખો સંસાર રચી બેસે, અને માથું ધુણાવી ફરી પાછું સ્વસ્થ થાય ત્યાં સુધી ચેતનામાં કેટલુંય ઘટી ચૂક્યું હોય. આખો ગ્રંથ વાંચીને કોરા ને કોરા નીકળી ગયા હોઈએ, એવુંય ન બન્યું હોય એવું નથી. એમાં કોઈ ગ્રંથનો દોષ હું જોતો નથી. કશુંક થવા – ન થવાના કારણરૂપે છે આપણું મન.

ત્રણ દિવસના નર્મદાના સાન્નિધ્ય પછી ગઈ કાલે પાછા વળતાં અમે વડોદરાથી અમદાવાદની ઇન્ટરસિટી ગાડી લીધી. આણંદ આવતાં થોડા મુસાફરો ઊતરી જતાં ડબ્બાના એક ખંડની બધી બેઠકો અમે જમાવી દીધી, અને અંતકડી રમવાની શરૂ કરી. મેં બારી પાસેની જગ્યા કરી લીધી હતી. અંતકડીમાં મન ન રમે તો રેલગાડીની બારી બહાર તો અનંત વિસ્તાર હોય છે. અંતકડી જામી પડી. અમારે ‘ર’ આવ્યો. મને એકાએક યાદ આવી લીટી ‘રમૈયા વત્તા વૈયા’ (બરાબર છે?) મને ગાતાં ફાવે નહિ, એટલે બીજા મિત્રે એ ઉપાડી લીધી. ઘણી વાર કડીને બદલે આખું ગીત ગાવાનું રાખેલું. આખું ગીત ગવાય ત્યારે બન્ને પાર્ટીઓ એમાં જોડાય. આ ગીતમાં પછી આ લીટીઓ આવી:

યાદ આતી રહી
દિલ દુભાતી રહી
અપને મનકો મનાના ન આયા હમેં
અપને મનકો મનાના ન આયા હમેં.

બીજા મિત્રો સાથે હું પણ સૂર પુરાવતો હતો. ત્યાં એકાએક મન ડૂબકી લગાવી ગયું દૂરના ભૂતકાળમાં. અંતકડી ચાલતી રહી, પણ હું ડબ્બામાં નથી જાણે. એક પુરાણા સ્નેહસંબંધના વેદનાવિધુર લોકમાં પહોંચી જવાયું. કોઈએ આવી રીતે જ ગાઈ હતી આ પંક્તિઓ એક ભરેલી મજલિસમાં. પણ ગાનારે મારા તરફ આંખો ઊંચી કરીને બીજી ક્ષણે ભલે ઢાળી દીધી હતી, પરંતુ ક્ષણાર્ધમાં પોતાનું મનોગત પ્રકટ કરી દીધું હતું. આજે એ ગાનાર ક્યાં છે તે ખબર નથી. સંબંધમાં આછાં-પાતળાં સૂત્રોય નથી, પણ એ અડધી ક્ષણ છે, જેમાં આંખ ઊંચે થઈ અને પછી નીચે ઢળી હતી. આવી ક્ષણ પર તો સાત અમરાવતીઓ ચણી શકાય ગાડીના ડબ્બામાં અંતકડીની રમત હેલે ચઢી હતી અને હું અમરાવતી ચણવામાં ખોવાઈ ગયો. એ મોઢાને હું યાદ કરવા મથ્યો, એ જરા ડોક નમાવીને ચાલવાની છટા યાદ કરવા મથ્યો. પણ જાણે બધું વિલીન થઈ ગયું છે. ઝટકા સાથે ગાડી ઊભી રહી, હું ડબ્બામાં પાછો આવી ગયો. પરંતુ પછી છેક અમદાવાદની ભાગોળ સુધી ચાલેલી અંતકડીની રમતમાં જોડાઈ જવા છતાં સમરસ તો થઈ શક્યો નહિ.
*
સ્પેનિશ કવિ લોર્કાની પેન્ગ્વિન શ્રેણીમાં પ્રકટ થયેલી કવિતાની ચોપડી વાંચતો હતો. એક નાનકડી કવિતાની આરંભની આ લીટી વાંચી:

If I die keep the balcony open.

જ્યારે મારા મરવાની ઘડી આવે ત્યારે ઝરૂખો ખુલ્લો રાખજો. આગળની પંક્તિ મેં વાંચી – ‘એક શિશુ સફરજન ખાય છે, એને મારી બારીમાંથી જોઉં છું…’ પછી એક આ નાની કવિતા પણ એ વખતે આખી ન વંચાઈ. આંગળી બે પાન વચ્ચે રાખી ચોપડી બંધ કરી હું જાણે મારી બાલ્કનીમાંથી જોવા લાગ્યો. આથમતી સાંજની વેળા હતી. મારી બાલ્કની ખુલ્લી જ હતી, બલ્કે બાલ્કનીમાં બેસીને વાંચતો હતો. પણ ‘ઇફ આઇ ડાઇ…’ મારા મૃત્યુની ક્ષણોએ – એ શબ્દો કોઈ અનાગત ભવિષ્ય ભણી ખેંચી ગયા. ઇફ આઇ ડાઇ… એ ક્ષણોમાં હું શું ઇચ્છા રાખું? કીપ ધ બાલ્કની ઓપન? એ ક્ષણો જાણે આવી પહોંચી છે. અનેક વિષણ્ણ ચહેરા મારા ભણી તાકી રહ્યા છે. મારી આંખો કોને શોધે છે? શું આ ચહેરાઓના વર્તુળની બહાર ત્યાં આંગણામાં ઊભીને સફરજન ખાતા શિશુને? કોને? આંખોમાં છેલ્લે શું ભરી લેવા માગું છું? કંઈ નહિ, બાલ્કની ખુલ્લી રહે તો યે બસ. ખુલ્લા આકાશને જોઉં, જેમાં ક્યાંક વિલીન થઈ જવાનું છે. પરંતુ મોકળાશ. અંત સમયે એક મોકળાશ. એક શિશુનો ચહેરો. ઇફ આઇ ડાઇ…

લોર્કાની આ પંક્તિઓએ એક સેન્ટિમેન્ટલ વર્તુળ રચી દીધું. એમાંથી ઝટ કરી પછી બહાર નીકળાયું નહિ.
*
એક વાર ચાંદ કાઝી – ચૈતન્ય મહાપ્રભુના સંકીર્તનની જેણે મનાઈ ફરમાવેલી અને પાછળથી જે તેમના ભાવિક શિષ્ય બની ગયેલા – નામના બંગાળી કવિની ક્યાંક ઉદ્ધૃત થયેલા આ લીટીઓ એક વિવેચનલેખમાં વાંચવામાં આવી :

ઓપાર હઇતે બાજાઓ બાંશી
એ પાર હઇતે શુનિ
અભાગિયા નારી આમિ હે
સાંતાર નહિ જાનિ…

પેલે કાંઠેથી તમે વાંસળી વગાડો છો, આ કાંઠેથી હું સાંભળું છું. હું અભાગણી નારી છું. મને તરતાં આવડતું નથી. વિવેચન વાંચવાનું મારું અધૂરું રહી ગયું અને મારું મન એ અભાગણી નારીના વિચારોમાં ડૂબી ગયું. કેવી વ્યાકુળતાની ક્ષણો છે! સામે કાંઠે પ્રિયની વાંસળી વાગે છે. આ કાંઠે કોઈ અનુરક્તા સાંભળે છે. વાંસળીનો સૂર બે હૃદયને જોડે છે, પણ એ જોડાણ તો સૂક્ષ્મ છે, સૂરનું જોડાણ છે. વાંસળી વગાડનાર પાસે જવું છે; પણ વચ્ચે વહે છે નદી. એ પાર કરવા માટે તરતાં આવડવું જોઈએ, પણ આ અભાગણીને તરતાં આવડતું નથી. તરતાં ન આવડે તો શું તડપતા રહેવાનું? એક અનંતકાળની પ્રતીક્ષા? બન્ને વચ્ચે નદી વહે છે, મિલનની આકાંક્ષા છે, પણ મિલન ક્યાં? પ્રેમી સામે કાંઠે જ છે, ઓ દેખાય, એનો વાંસળીનો સૂર તો આ છેક પાસે સંભળાય. આ નારીનું દુર્ભાગ્ય જાણે પ્રેમી માત્રનું બની જાય છે. આ જે નદીને કાંઠે આ અભાગણી ઊભી છે, એ નદીનું નામ પ્રેમનદી જ હશે ને? અર્થનાં વર્તુળ ઉપર વર્તુળ રચાતાં જાય છે. પ્રેમનદીને તરવી એટલે શું? એ કંઈ હાથપગ હલાવીને ઓછી તરી શકાય છે? તો પછી પ્રેમનદીને સામે કાંઠે કેમ જવાય? શું આ કાંઠે જ ઊભા રહેવાનું છે? એક વિવશતાભરી વ્યાકુળતાની ક્ષણો કવિ ચાંદ કાજીએ આ પંક્તિઓમાં ભરી છે. આ લીટીઓની આગળ-પાછળનો કોઈ સંદર્ભ ખબર નથી, માત્ર આ લીટી મનમાં રહે છે. અભાગિયા નારી આમિ હે સાંતાર નાહિ જાનિ… તરતાં આવડતું નથી.
*

એક વાર આવી જ રીતે વત્સલનિધિ નામે કવિ અજ્ઞેયજીએ સ્થાપેલા ટ્રસ્ટની એક પત્રિકા વાંચતો હતો. એમાં ‘ઘર’ વિશે યોજાયેલા પરિસંવાદનો અહેવાલ હતો. એ અહેવાલમાં એવું આવ્યું કે પછી કવિ શીન કાફ નિઝામે આ ગઝલ રજૂ કરી:

બીરાન ક્યું હૈ બસ્તિયાં
બાશિંદે ક્યા હુએ?

થંભી જવાયું. લીટી પર નજર રહી. બધાં ઘર ખાલી છે. રહેનારા સૌ ક્યાં ગયા? એક ઉજ્જડ ઘર કે ગામનો નિર્દેશ છે. ઘર કે ગામ ત્યારે જ ઘર કે ગામ હોય, જ્યારે તેમાં રહેનારા હોય. રહેનાર ન હોય તો? પરંતુ આવું ક્યારેક બને છે. રહેનાર ચાલ્યા ગયા હોય… થોડા સમય માટે, કદાચ કાયમ માટે. ક્યાં ચાલ્યા ગયા? પછી તો એ ઘરમાંથી એક વ્યક્તિ ગઈ હોય, કે બધી ગઈ હોય, ‘બીરાન’ વેરાન બની જાય છે એ વસાહત. હૃદયની વસાહતની પણ આ વાત હોય. મિર્ઝા ગાલિબે એવા ભાવનું એક શૅરમાં કહ્યું પણ છે કે ‘ફરીથી આબાદ થઈ શકે એવું નગર આ દિલ નથી. જરા સાંભળો, એને એક વાર પણ ઉજ્જડ કરશો તો પસ્તાવું પડશે.’ શીન કાફ નિઝામની આ પંક્તિઓ તો મેં માત્ર વાંચી, પછી મનોમન એ ગવાતી હોય એવી કલ્પના કરતો ગયો, આ શેર પછી બીજા શૅર આવતા જઈને એક માળા ગૂંથાતી જતી હોય. મનમાં વારંવાર એ શબ્દો ઊઠવા લાગ્યા – બાશિંદે ક્યા હુએ? ઘરમાં રહેનારાઓ ક્યાં ગયા? ક્યા હુએ? શુ થયું એમનું? અનેક સ્વજનોનાં મૃત્યુ તરી આવ્યાં. બાશિંદે ક્યા હુએ? બસ, પછી એ પત્રિકા આગળ વાંચવાની રહી ગઈ.

૧૯૮૮