સ્થળ : આગ્રાના રાજગઢની અંદર શાહજહાંનો ઓરડો. સમય : સંધ્યા
[પથારી પર અધસૂતી અવસ્થામાં, લમણે હાથ ટેકવીને નીચે મોંએ વૃદ્ધ શાહજહાં વિચાર કરે છે. અને વચ્ચે વચ્ચે હુક્કો તાણે છે. સન્મુખ દારા ઊભો છે.]
શાહજહાં :
|
તું શું બોલે છે? આ તો બહુ જ બૂરા ખબર, દારા!
|
દારા :
|
હા, બાપુ! સૂજાએ બંગાળામાં બંડ જગાવ્યું છે ખરું, પણ હજુ એણે પાદશાહ નામ ધારણ નથી કર્યું. અને મુરાદ તો ગુર્જર શહેનશાહનું નામ પણ ધારણ કરી બેઠો છે એટલું જ નહિ, દક્ષિણમાંથી ઔરંગજેબ પણ આવીને એની સાથે મળી ગયો છે.
|
શાહજહાં :
|
શું? ઔરંગજેબ એને મળી ગયો? એ તો કદીયે નહોતું કલ્પ્યું! એવું તો કદી કલ્પવાની આદત જ નથી. એટલે બરાબર માની પણ નથી શકાતું — વાહ! અજબ કહેવાય!
|
[હુક્કો પીએ છે.]
દારા :
|
મને કાંઈ સમજણ પડતી નથી, બાબા!
|
દારા :
|
મેં તો અલ્લાહાબાદ મારા બેટા સુલેમાનને સૂજાની સામે કૂચ કરવા માટે લખ્યું છે, અને તેની કુમકે બિકાનેર મહારાજ જયસિંહ તેમ જ સેનાપતિ દિલેરખાંને મોકલ્યા છે.
|
[શાહજહાં નીચે ઢળેલ નેત્રે હુક્કો તાણે છે.]
દારા :
|
અને મુરાદની સામે મહારાજ જશવંતસિંહને મેં મોકલ્યા છે.
|
શાહજહાં :
|
મોકલ્યાય તેં! એમ થયું!
|
[હુક્કો પીએ છે.]
દારા :
|
બાબા, આપ ફિકર ન કરજો. આ બંડને દબાવી દેતાં મને આવડે છે.
|
શાહજહાં :
|
ના, દારા, હું એ ફિકર તો નથી કરતો. તેમ છતાં આ તો ભાઈ ભાઈ વચ્ચેની લડાઈ : એ જ વિચારો મને ઊપડે છે. [હુક્કાની ઘૂંટ તાણીને, એકદમ] ના ના, દારા, જરૂર નથી. હું જ એ ત્રણેયને સમજાવી લઈશ. એને અટકાવવાની જરૂર નથી. એ તમામને આગ્રામાં આવવા દેજે, ભાઈ.
|
[ઝડપથી જહાનઆરા દાખલ થાય છે.]
જહાનઆરા :
|
કદી નહિ. બાપુ, એ કદી નહિ બને. પ્રજાએ જો પોતાના રાજા ઉપર તલવાર ખેંચી છે, તો તલવાર એની પોતાની જ ગરદન પર ભલે પડતી.
|
શાહજહાં :
|
એમ તે હોય, જહાનઆરા? એ ત્રણેય મારા તો દીકરા છે ને!
|
જહાનઆરા :
|
ભલે બેટા હોય, શી પરવા છે? બેટા શું ફક્ત બાપના પ્યારના જ દાવાદાર છે? બેટા ઉપર બાપે સત્તા પણ ચલાવવી જોઈએ, બાબા!
|
શાહજહાં :
|
દીકરી, મારું દિલ તો એક જ સત્તાને ઓળખે છે : સિર્ફ સ્નેહની જ સત્તાને. બિચારાં મારાં નમાયાં બચ્ચાં! એનાં ઉપર તે હું શું જોઈને સત્તા ચલાવી શકું, જહાનઆરા! આમ સામે તો જો. આ આરસમાં કોતરાયેલો મારો ઊંડો નિશ્વાસ — આ તાજમહાલ : એની સામે તો જરા જો અને ત્યાર પછી તું મને સત્તા ચલાવવાનું કહે, બેટા!
|
જહાનઆરા :
|
બાબા, આવું બોલવું શું આપને લાજિમ છે? આવી નબળાઈ શું ભરતખંડના શહેનશાહ શાહજહાંને શોભે? સલ્તનત શું જનાનખાનું છે? એ શું બચ્ચાની રમત છે? સમજો, બાબા, આપના શિર ઉપર એક ગંજાવર રાજવહીવટનો બોજો પડ્યો છે. પ્રજા બંડ ઉઠાવે તે ઘડીએ સુલતાન ઊઠીને શું તેઓને બેટા કહી માફી બક્ષસે? સ્નેહ શું કર્તવ્યને ડુબાવી દેશે?
|
શાહજહાં :
|
દલીલો કરીશ ના, જહાનઆરા, મારી પાસે બીજી કશી યે દલીલ નથી : સિવાય એક સ્નેહ. હું તો માત્ર એટલું જ વિચારી રહ્યો છું, દારા, કે આ લડાઈમાં તો ચાહે તે પક્ષની હાર થાય, પણ મને તો તેમાં એકસરખું જ નુકસાન છે. તું જો હારીશ તો મારે તારું ઝાંખું મોં જોવું પડશે; અને એ ત્રણેય ભાઈ હારીને પાછા ચાલ્યા જશે તો મારે તેઓના કરમાયેલા ચહેરાની કલ્પના કરવી પડશે. માટે લડાઈની જરૂર નથી, દારા, ભલે તેઓ રાજધાનીમાં આવતા. હું તેઓને સમજાવી લઈશ.
|
દારા :
|
તો ભલે, બાબા, તેમ કરીએ.
|
જહાનઆરા :
|
દારા, આપણા બુઢ્ઢા બાપુની બદલીમાં તું શું આ રીતે રાજ કરશે? બાપુમાં તાકાત હોત તો તો તારા હાથમાં રાજની લગામ જ ન સોંપત. પણ આજ બાપુ અશક્ત છે, એ ટાણે આ ઉદ્ધત સૂજા, આ બાદશાહ બની બેઠેલો મુરાદ અને ત્રીજો એનો મદદગાર ઔરંગજેબ — ત્રણેય જણ બંડના ડંકા બજાવતા ને વિજયનાં નિશાન ફરકાવતા આગ્રામાં દાખલ થશે, અને તું બાપુનો પ્રતિનિધિ ઊભો ઊભો મોં મલકાવતો મલકાવતો એ જોઈ રહીશ, ખરું ને? ખાસ્સી વાત!
|
દારા :
|
બરાબર છે, બાબા. એમ તે શું બને કદી? મને ફરમાશ કરો જલદી તેઓને પકડવાની.
|
શાહજહાં :
|
અલ્લાહ! પિતાઓની છાતીમાં આવો ભરપૂર પ્યાર તેં શા માટે મેલ્યો? માવતરનાં જિગરને વજ્રનાં કેમ ન બનાવ્યાં, માલિક? ઓહ!
|
દારા :
|
એમ ન માનજો, બાબા, કે હું તખ્તનો લોભી છું. ના, રાજપાટને ખાતર આ લડાઈ નથી. મારે આ સલ્તનત નથી જોઈતી. મને તો આથીયે મોટી સલ્તનત હિન્દુ ધર્મની ફિલસૂફીના અભ્યાસમાંથી સાંપડી ચૂકી છે. હું તો જાઉં છું ફક્ત આપના તખ્તની રક્ષા કરવા.
|
જહાનઆરા :
|
તું જાય છે ઇન્સાફના સિંહાસનની રક્ષા કરવા, અને આ દેશનાં કરોડો નિર્દોષ લોકોને અંધાધૂંધીના અત્યાચારોના મોઢામાંથી ઉગારવા માટે. જો રાજ્યની અંદર આવાં રમખાણોને દાબી નહિ દેવાય, તો મોગલ સલ્તનતની આવરદા હવે કેટલા દિવસ ટકવાની?
|
દારા :
|
બાબા, હું શપથ લઉં છું કે ભાઈઓમાંથી કોઈને હું મારીશ નહિ કે પીડીશ નહિ. હું તો તેઓને બાંધીને બાબાનાં ચરણોમાં હાજર કરીશ. પછી મરજી હોય તો ભલે બાબા તેઓને માફી બક્ષે, પણ એક વાર તો તેઓને જાણવા દો, બાબા, કે સુલતાન શાહજહાં પ્રેમાળ છે, છતાં કમતાકાત નથી.
|
શાહજહાં :
|
[ઊઠીને] તો ભલે એમ થાઓ. તેઓ પણ ભલે જાણે કે શાહજહાં એકલો બાપ જ નથી, શહેનશાહ પણ છે. જા, દારા, લે આ પંજો. મારી બધી સત્તા હું તને સોંપું છું. જા, બંડખોરોને સજા કર.
|
[પંજો આપે છે.]
શાહજહાં :
|
પરંતુ એ સજા એકલા તેઓને જ નહિ પડે. મને યે પડશે. બાપ જ્યારે બચ્ચાંને સજા કરે, ત્યારે બચ્ચું માને છે કે બાપ કેવો બેરહમ છે! પણ એને નથી ખબર કે બાપે ઉગામેલી સોટીનો અર્ધ માર તો એ મારનાર બાપની જ પીઠ ઉપર પડે છે!
|
[જાય છે.]
જહાનઆરા :
|
દારા, તેઓના આ એકાએક બંડનો કાંઈ સબબ સમજાય છે?
|
દારા :
|
હા, તેઓ કહે છે કે બાબા બીમાર હોવાની વાત ગલત છે, બાબા તો મરી ગયા છે, ને હું જાણે કે મારી પોતાની જ આજ્ઞા બાબાને નામે ચલાવી રહ્યો છું.
|
જહાનઆરા :
|
પણ એમાંયે શો ગુનો થયો? તું સુલતાનનો સહુથી મોટો બેટો છે : ભવિષ્યનો પાદશાહ છે.
|
દારા :
|
પણ, બહેન, તેઓ મને પાદશાહ તરીકે કબૂલ જ રાખવા માગતા નથી.
|
[સિપારને લઈ નાદિરા દાખલ થાય છે.]
સિપાર :
|
તે શું એ બધા તમારો હુકમ ઉઠાવવા નથી માગતા, બાબા?
|
જહાનઆરા :
|
હા! જુઓ તો ખરા એ ત્રણેયની હિંમત!
|
[હસે છે.]
દારા :
|
કેમ, નાદિરા, તું માથું ઢાળીને કાં ઊભી છે? તારે જાણે કે કંઈક કહેવું છે, ખરું?
|
નાદિરા :
|
તમે સાંભળશો, સ્વામી? મારી એક અર્જ માનશો?
|
દારા :
|
તારી અર્જ મેં ક્યારે નથી માની, નાદિરા?
|
નાદિરા :
|
એ હું જાણું છું તેથી તો બોલવાની હિંમત કરું છું. એટલું જ કહું છું, ખાવંદ, કે તમે આ લડાઈમાંથી ખસી જાઓ.
|
જહાનઆરા :
|
અરે નાદિરા, એ શું?
|
દારા :
|
કેમ? બોલતાં બોલતાં ચૂપ કાં રહી! શા માટે તું આવી માગણી કરે છે, નાદિરા?
|
નાદિરા :
|
કાલ રાતે મને એક ખરાબ સ્વપ્ન આવેલું.
|
નાદિરા :
|
એ હું અત્યારે નહિ કહું, એ ભારી ભયાનક સ્વપ્ન! ના, નાથ, આપણે આ લડાઈ નથી કરવી.
|
જહાનઆરા :
|
નાદિરા, તું પરવીઝની બેટી ઊઠીને એક લડાઈના ડરથી આમ આંસુ પાડે, આવી વહેમીલી નજર રાખે ને આવી ડરભરી જબાન બોલે એ તને ન શોભે, ભાભી!
|
નાદિરા :
|
બહેન, એ સ્વપ્ન કેવું ભયંકર હતું એની જો તમને ખબર હોત! તારી ભયંકર બહુ ભયંકર સ્વપ્ન જોયું, બહેન!
|
જહાનઆરા :
|
દારા! આ શું? તું પણ વિચારમાં પડી ગયો! તું યે આવો અસ્થિર! આવો બાયલો! બાપની પરવાનગી મળી એટલે હવે શું ઑરતની પરવાનગી બાકી રહી કે? યાદ રાખજે, દારા, કઠોર કર્તવ્ય તારી સામે આવી ઊભું છે. ને હવે વિચારવાનો વખત નથી રહ્યો.
|
દારા :
|
સાચું છે. નાદિરા! આ લડાઈ તો લડ્યે જ છૂટકો છે. હું જાઉં. જઈને જરૂર જોગી આજ્ઞાઓ કરી દઉં.
|
[દારા જાય છે.]
નાદિરા :
|
બહેન, તમે આટલાં બધાં બેરહમ! ચાલ, સિપાર.
|
[સિપારની સાથે નાદિરા ચાલી જાય છે.]
જહાનઆરા :
|
આટલી બધી આકુળવ્યાકુળ કેમ હશે! કાંઈ કારણ સમજાયું નહિ.
|
[શાહજહાં ફરીથી દાખલ થાય છે.]
શાહજહાં :
|
દારા ગયો, જહાનઆરા!
|
શાહજહાં :
|
[પલભર ચૂપ રહીને] જહાનઆરા!
|
શાહજહાં :
|
તું યે આમાં શામિલ છે?
|
શાહજહાં :
|
આ ભાઈ-ભાઈના જંગમાં?
|
શાહજહાં :
|
સાંભળ, જહાનઆરા! આ ભારી નિર્દય કામ છે. શું કરું, લાચાર છું કે આજ એની જરૂર પડી છે. પણ તું એમાં ભળીશ ના, બેટા! તારું કામ પ્યાર, ભક્તિ અને રહમ. આ વમળમાં તું ન પડતી. તું સદાય પવિત્ર રહેજે, બેટા!
|