શેક્સ્પિયર/તવારીખી નાટક : બાસ્ટાર્ડ અને ફૉલસ્ટાફ
‘બીજા રિચર્ડ’માં કવિહૃદયના ઊર્મિભારને પરકાયાપ્રવેશ મળ્યો. પરંતુ પારકા ઘરમાં લાખ પ્રયત્ને પણ મનને ગોઠે નહીં એવું કાંઈક ‘રિચર્ડ’માં બન્યું છે. રાજા રિચર્ડ ઊર્મિલ બની શક્યો, પણ કરુણાવર્તી નાટ્યનું અનિવાર્ય કેન્દ્ર ન બની શક્યો. પરકાયાપ્રવેશનો એ પ્રયોગ અધૂરો અને ઊણો રહ્યો. પછી ‘હૅમ્લેટ’ નાટક રચીને શેક્સ્પિયરે પ્રયત્નસિદ્ધિ પ્રાપ્ત કરી. ‘બીજા રિચર્ડ’માં એલિઝાબેથી યુગના પ્રાણપ્રશ્ન ‘વિદ્રોહ’નો પૂર્વપક્ષ શેક્સ્પિયરે ઇતિહાસની ભૂમિકાએ નાટ્યાંક્તિ કર્યો. એ અરસામાં એક જૂના નાટક "The Troublesome Days of King John-‘રાજા જ્હૉનના સમયના દુર્દિનો’-ને આધારે શેક્સ્પિયરે ‘રાજા જ્હૉન’ નાટકની રચના કરી. જૂનું નાટક મળી આવ્યું છે. તેની સાથે શેક્સ્પિયરના નાટકની સરખામણી કરી જોતાં કવિની સર્જનપદ્ધતિ સ્પષ્ટ બને છે. જૂનાં નાટકોના સંવાદોનો કે પંક્તિઓનો શેક્સ્પિયરને કશો ખપ નથી હોતો. પ્રેક્ષકોની ભિન્ન રુચિને તોષપ્રદ નીવડેલા જૂના પ્રસંગો એને ખપે છે. પ્રસંગોના સકંજામાં જીવંત પાત્રોને એ રમતાં મૂકે છે. પ્રસંગોના ક્રમને એ યથામતિ ફેરવી નાખે છે. જૂનું નાટક શેક્સ્પિયરની વાસુદેવી પ્રતિભાને માર્ગે મળેલી કુબ્જા છે. નવા નાટકમાં એની કમનીય કાયાપલટ રચાય છે. સામાન્ય પ્રજાજીવનમાં પણ કુકર્મોની યાદી વિસ્તૃત હોય છે. લોકજીભે આદર્શોના ઉલ્લેખ સતત રમતા રહે છે. કિંતુ ‘આદર્શમય જીવન’ વિરલ હોય છે. માનવજીવનમાં આદર્શ ઝંખતી નજર સમુદાયના રોજિંદા જીવન પર ફરી વળે છે ત્યારે એને સમાશ્વસનો ઢૂંઢવાં પડે છે. સમુદાયના વર્તનમાં આદર્શના આભાસથી એણે એને ઠારવી પડે છે. સમુદાયની આ સ્થિતિ હોય તો ઇતિહાસમાં સમાયેલાં ‘કુકર્મો’ની તો વાત જ શી? ઇતિહાસ બહુધા ષડયંત્ર અને પ્રપંચોનું સાતત્ય દર્શાવી રહે છે. ‘રાજા જ્હૉન’ નાટકમાં શેક્સ્પિયરે જેને "sweet, sweet poison for the age’s tooth’ – જમાનાની દાઢમાં સંઘરેલું, મધુરું મધુરું વિષ – કહ્યું તે છે : સત્તાધીશોનાં અને પ્રજાનાં વર્તન અને કર્મો દ્વારા વ્યક્ત થતું તકવાદી અને સ્વાર્થી વર્તન. રાજાશાહી યુગમાં જન્મેલા અને ઊછરેલા શેક્સ્પિયરમાં વસેલો કળાકાર યોગક્ષેમ અર્થે ઐતિહાસિક નાટકો લખતાં લખતાં જાગી ઊઠ્યો છે અને લોકક્ષય કરનારું ‘હલાહલ’ પારખીને ‘રાજા’ શબ્દમાં રહેલા વશીકરણથી મુક્તા બન્યો છે. પરંતુ કવિની પ્રતિભા દોષૈકદૃષ્ટિ ન હોવાથી એણે ‘રાજા’ શબ્દથી કટુતા નથી અનુભવી. એણે તો દેશપ્રેમનું સાચું પ્રતિનિધિત્વ ધરાવે તે જ રાજા અને મુકુટ ધારણ કરે તે નામધારી રાજા એવું સત્ય ‘રાજા જ્હૉન’ નાટકમાં સ્થાપિત કર્યું છે. અંગ્રેજ પ્રજાનાં સુલક્ષણોનું પ્રતીક એણે એક અનૌરસ પાત્ર ફૉલ્ડનબ્રીજ (Folcanbridge)નું આલેખન કરીને નિર્મ્યુ છે. હવે શેક્સ્પિયર લખે છે રાજવી વિષે, પણ એનું મુખ્ય પાત્ર, એની અહર્નિશ રટણા બને છે એની જનમભોમકા ઇંગ્લૅન્ડ. એનાં તવારીખી નાટકોનું ગુઢ સત્ત્વ એ નાટકોના વૈવિધ્યનું ‘એકમ’ ‘રાષ્ટ્રપ્રાણ’માં વસ્યું છે. સામંતશાહી યુગમાં ઇંગ્લૅન્ડનો વિક્રમાદિત્ય ગણાય તેવો યુવાન રાજા રિચર્ડ (Richard, the Lion-hearted) ખ્રિસ્તી ધર્મના જેહાદ જગાવી યરૂસલેમના જંગનો અગ્રણી બન્યો હતો. મુસલમાન સુલતાન ગાઝી સલાદ્દીન સાથેનાં એનાં ધિંગાણાંના રાસડા યુરોપમાં લોકકંઠે વસ્યા હતા. પરાક્રમી રિચર્ડનું યુવાન વયે અવસાન થયું. એના બીજા એક ભાઈનું પણ અવસાન થતાં તેનો બાલવયનો પુત્ર આર્થર ગાદીનો સાચો હકદાર બન્યો. પરંતુ રિચર્ડનો સૌથી નાનો ભાઈ જ્હૉન આર્થરના હકને અવગણીને રાજા બન્યો. આર્થરની માતા રાણી કોન્સ્ટન્સ પોતાના પિયેર ફ્રાન્સમાં પુત્ર સાથે વસી. શેક્સ્પિયરે લખેલું નાટક આવા રાજા જ્હૉનનું નાટક છે. જેમ એના બીજો રિચર્ડ’ નાટકમાં એલિઝાબેથ યુગની સળગતી ચિંતા જેવો રાજ્યવારસનો પ્રશ્ન મુખ્ય હતો તેમ ‘રાજા જ્હૉન’ નાટકમાં કેથોલિક સ્પેઇન અને કૅથોલિક પોપ સાથેના ઇંગ્લૅન્ડના રાષ્ટ્રવાદના ઘર્ષણની જીવંત સ્મૃતિ સમાવેશ પામી છે. એક રીતે રાજા જ્હૉન ઇંગ્લૅન્ડના નબળા રાજાઓની યાદીમાં સ્થાન પામે છે, પણ એણે એના જમાનાના કૅથોલિક ધર્મગુરુનો સામનો કરવો પડ્યો હતો એટલા તથ્ય ઉપર એલિઝાબેથના જમાનામાં રાજા જ્હૉનનું નામ ઉજ્જ્વલ લેખાતું. અને એના વિશેના જૂના નાટકમાં એના વિરોધી કૅથોલિક ધર્મગુરુને દુષ્ટ પાત્ર લેખે સ્થાન મળ્યું હતું. કળાકાર શેક્સ્પિયરે તાટસ્થ્ય બતાવીને કૅથોલિક કાર્ડિનલ પેન્ડુલ્ફનું આલેખન કશાય પૂર્વગ્રહ વિના કર્યું છે. જૂના નાટકમાં કૅથોલિક સાધુ અને સાધ્વીઓ વિશે બીભત્સ ઉલ્લેખો હતા તે બધા એણે ટાળ્યા છે. જેમ બીજા રિચર્ડના ઊર્મિચાંચલ્યને તેમ રાજા જ્હૉનના હૃદયદૌર્બલ્યને શેક્સ્પિયરે અનુકંપાથી વિકસાવ્યાં છે. માવડિયા રાજા જ્હૉનની આ દુર્બલતાને એણે ફ્રાન્સનું લશ્કર ઇંગ્લૅન્ડમાં પદાર્પણ કરી ચૂક્યું છે. એ સમાચાર મળતાં રાજા જ્હૉનના મુખે સહજ સરી પડેલી એક ફરિયાદમાં આસાનીથી વ્યક્ત કર્યું છે :
Where is my mother’s care,
That such an army could be drawn in France,
And she not hear of It?’
આપત્તિકાળે જ્હૉન સદૈવ માતાનો આશરો શોધે છે અને ફરિયાદ કરે છે કે, ‘આવડું મોટું લશ્કર ફ્રાન્સમાં એકઠું થયું છતાંય મારાં માતાને અક્ષરે ન પહોંચ્યો, એ એમને માટે કેવું કહેવાય? એ માતાના અવસાનના સમાચાર મળતાં વિહ્વળ જ્હૉનની રટણા આવી છે :
What! Mother dead !.. my mother dead!"
એની માતૃભક્તિ સાચે જ દયનીય છે. પરંતુ એ માતાની ગોદમાં રાજા જ્હૉન જૂઠડો અને કાયર બન્યો છે. મૃત્યુસમયે પણ એનો તો એકરાર છે : નિર્બળતા મને ભીંસી વળી છે. (Weakness possesseth me). એ એકરાર રાજા જ્હૉને પોતાને વિશે આપેલો ચુકાદો છે. આવા તકલાદી રાજા વિશે નાટક કેવુંક રચાય એનો શેક્સ્પિયરે આપેલો જવાબ કવિએ હવે સાધેલા વિકાસનો આંક દર્શાવે છે. જૂના નાટકમાં રાજા જ્હૉનના પરાક્રમી વડીલ બંધુ રાજા રિચર્ડના એક અનૌરસ પુત્રનો કેવળ ઉલ્લેખ હતો. એ પુત્રનું નામ હતું ફોલ્કનબ્રીજ. ઇતિહાસની વિગતોમાં રાષ્ટ્રપ્રાણ ઢંઢોળવા મથતા શેસ્પિયરે ફોલ્કનબ્રીજને આત્મસાત્ કરીને એક સાચો અંગ્રેજ સર્જ્યો છે. કવિની સંમતિની મહોરવાળું એ પ્રથમ મહાપાત્ર છે. શેક્સ્પિયરને અભિમત લક્ષણોવાળો માનવ રાજા જ્હૉનને પડખે મૂકેલો અનૌરસ ફોલ્કનબ્રીજ છે. એકબીજાને પડખે ઊભેલા રાજા જ્હૉન અને અનૌરસ ફિલિપ ફોલ્કનબ્રીજ આખાયે નાટકનો મર્મ છે. જ્હૉનમાં જે કાંઈ ખૂટે છે તે બધુંયે ફોલ્કનબ્રીજમાં દર્શનીય બનીને સોહે છે. અનૌરસ ફોલ્કનબ્રીજ અને રાજ્યશય્યામાં જન્મેલો જ્હૉન ઉભયનો એકસાથે વિચાર કરવો એટલે જ નાટ્યકટાક્ષનો અનુભવ. ‘રાજા લીઅર’ નાટકમાં શેક્સ્પિયરે એડમંડના પાત્રમાં અનૌરસ પુત્રની સબૂઝ દુષ્ટતાને વ્યક્ત કરી છે, તો ‘રાજા જ્હૉન’ નાટકમાં એવા જ અનૌરસ ફોલ્કનબ્રીજની સચ્ચાઈ પ્રગટ કરી છે. જાણે સમાજથી તિરસ્કૃત પુરુષ કહેતો ન હોય : ઔરસ પુત્ર નથી તો સમાજના રૂઢિરિવાજો અને સામાજિક ભયનો ગુલામ નહીં બનું. મારા અંતરની શુભવૃત્તિઓને અનુસરીને ભયમુક્ત રીતે હું જીવીશ. હું મારી પ્રકૃતિને અનુસરીશ. આવું મુક્ત માનસ `bastard’ને શેક્સ્પિયરના બહિશ્તનો આદમ બનાવી જાય છે. "bastard’ સ્પષ્ટવક્તા છે. એની નજર સાફ છે. ભયને એણે જાણ્યો નથી. કટાક્ષ એની વાણીનું પ્રમુખ લક્ષણ છે. હાસ્યનું સાતત્ય એનો મિજાજ છે: તીક્ષ્ણ મેઘા એનું શસ્ત્ર છે. છતાંયે ઉત્કટ દેશપ્રેમ એનું હૃદયબંધન છે. બીજા કોઈ એને અનૌરસ કહે તે પહેલાં જ અનૌરસ હોવાની મગરૂબી `bastard’ ખુમારીથી વ્યક્ત કરે છે અને કહે છે : "I am I, however begot." રાજા જ્હૉન માતૃછાયામાં વસે છે તો ફોલ્કનબ્રીજ ખુલ્લી અદાલતમાં માતાને પડકારીને પોતાનું અનૌરસત્વ પ્રગટ કરે છે અને પિતાની મિલકત ત્યજીને રાજાનો સંરક્ષક બને છે. આમ, મિલકત ગુમાવીને એ ‘સર’નો ઇલકાબ મેળવે છે ત્યારે એ વ્યંગમાં કહે છે, `વેંત જેવડો ઇલકાબ મેળવ્યો પણ જોજન જમીન ગુમાવીને. હશે! હવે કોઈ પણ નારીને હું ‘લેડી’ બનાવી શકીશ. નવો નવો હોદ્દો મળ્યો છે એટલે જૂના મિત્રોને હું વીસરી જઈશ. એકનું નામ જૉર્જ હશે તો એને પીટરને નામે બોલાવીશ. નવી પ્રતિષ્ઠા મળે એટલે જૂનાં નામ વીસરી જ જવાય.’
(Well, now can I make any
Joan a lady.
And if his name be George
I’ll call him Peter;
For new-made honour doth
forget men’s names.)
સામાન્ય રીતે પ્રસ્તાવના ગણાત એવા પ્રથમ અંકમાં ઔરસ જ્હૉન અને અનૌરસ ફિલિપને ભેગા આણીને શેક્સ્પિયરે નબળા રાજા જ્હૉનના નાટકમાં સબળ `Bastard’નો પ્રવેશ કરાવ્યો છે. આ નાટકમાં કેવળ રાજા જ્હૉન નિર્બળ નથી. એની આજુબાજુ તકસાધુઓ, કાપુરુષો, દ્રોહીઓ અને અવિશ્વસનીય પાત્રોનો આખો સંસાર ખડકાયો છે. ઇતિહાસની ગવાહી જાણે વાચા પામી છે. આ નિર્બળ જનોની વચ્ચે યુવાન `bastard’નું આગમન કોઈ રુગ્ણાલયમાં ફરકી ગયેલા વસંતના વાયરા જેવું છે. સત્તાના મધપૂડામાં બણબણી રહેલા આ પામરોનો જીવનમંત્ર છે. Commodity, દુનિયાદારી. "Bastard’ના આ એક શબ્દમાં શેક્સ્પિયરે અનેક અર્થ ભર્યા છે. સંસારના સ્વાર્થ સમાજ અને સમયની પરાધીનતા, વ્યવહાર, અધીનતા, તડજોડ, પ્રપંચ, રાજરમત, વકીલાત, અપધર્મ અને તકવાદ – આ બધી `Commodity’ – દુનિયાદારીની અર્થછટાઓ છે. સાચા હકદાર ભત્રીજા આર્થરને ફ્રાન્સના રાજાએ શરણું આપ્યું હોવાથી કાકો જ્હૉન લ્હાવલશ્કર સાથે ફ્રાન્સના એક નગરને ઘેરો ઘાલે છે. હકદાર આર્થરને ઇંગ્લૅન્ડનું રાજ્ય અપાવવાની પ્રતિજ્ઞા લઈને ફ્રાન્સ અને ઑસ્ટ્રિયાના રાજા જ્હૉન સાથે યુદ્ધ કરવા આવી પહોંચે છે. બેઉ લશ્કર જે શહેરને ઘેરી લે છે તે શહેરના નાગરિકો નથી જ્હૉનને સ્વીકારતા કે નથી ફ્રાન્સને સ્વીકારતા. પરિણામે ફ્રાન્સનો રાજા અને ઇંગ્લૅન્ડનો જ્હૉન ભેગા મળીને નગર ઉપર હુમલો કરે છે. આમ, ઘડી પહેલાંના પ્રતિજ્ઞાબદ્ધ શત્રુઓ વેર વીસરીને મિત્રો બની જાય છે. બાળરાજા આર્થર અને એની વહાલસોયી મા કોન્સ્ટન્સ વિનવણી કરી કરીને ફ્રાન્સના રાજાને એની પ્રતિજ્ઞાનું સ્મરણ કરાવે છે. પરંતુ વ્યર્થ. રાજા જ્હૉન સાથે આવેલો `bastard ઉભય રાજાના દ્રોહી વર્તનનો સાક્ષી હોય છે. તે પછીની સ્વગતોક્તિમાં `bastard’ દેવી `Commodity’ની બીજા અંકના પહેલા દૃશ્યની ૫૬૧મી પંક્તિથી સચોટ વ્યાખ્યા આપે છે અને વ્યાજસ્તુતિ કરે છે. રાય અને રંક સૌને હથેલીમાં રમાડનારી આ દુનિયાદારી સ્નેહસંબંધોમાં કુટ્ટિણી બને છે, વ્યાપાર અને વાણિજ્યમાં દલાલું કરે છે, દૃઢ નિર્ણયોને લોભાવીને ફેરવી તોળે છે, વચનભંગની પ્રણેતા બને છે, સરળ વ્યક્તિઓની છલના કરે છે. દુનિયાને ઝુકાવે છે. સંસારનાં ચાંચલ્યોનું મૂળ દુનિયાદારીમાં છુપાયું છે. માનવ સમયનો ગુલામ બને છે કારણ એનો જીવ વ્યવહારમાં ચોંટ્યો છે. પોતાના ઉપર કટાક્ષ કરતો હોય તે રીતે `bastard’ દુનિયાદારીને સમજાવતાં કહે છે :
`Well whiles I am a begger
I will rail
And say there is no sin
but to be rich;
And being rich, my virtue
then shall be
To say there is no vice
but beggery;
Since kings break faith
upon Commodity;
Gain, be may Lord, for
I will worship thee.’
‘માટે જ્યાં સુધી હું ગરીબ રહીશ ત્યાં સુધી કહેતો ફરીશ કે લક્ષ્મી એ મહાપાપ છે. પરંતુ ધન મળશે ત્યારે મારો ધર્મ એ હશે કે ભીખને મહાપાતક કહી પોકારવું. ભલા ભૂપ પણ દુનિયાદારીને નામે આપેલાં વચન તોડે છે ત્યારે હે પ્રભુ લાભદેવ! તમે જ મારા આરાધ્ય અને તમારાં જ કરીશ પૂજન-અર્ચન!’ તવારીખી નાટકો માટેનો શેક્સ્પિયરનો દૃષ્ટિકોણ `bastard’ને મુખે રજૂ થયો છે. સહેજ ગાફેલ રહીએ તો `bastard’ને વાંકદેખો કહી બેસીએ એવા ઉલ્લાસથી જગતની આંખનાં કણાં કવિએ એની પાસે કઢાવ્યાં છે. `Bastard’ને વાંકદેખા થવું પાલવે એવું છે, કારણ એના સ્વભાવમાં અનુદાત્ત એવું કશુંયે નથી. સદ્ગુણો એણે હોઠે આણવા નથી પડ્યા, કારણ એનામાં કોઈ દુર્ગુણ વસ્યો નથી. સાચા અર્થનો મુક્ત માનવી અનૌરસ હોવાથી પરાક્રમી પિતા વનરાજ રિચર્ડની ઐહિક સંપત્તિ એને નથી મળી. પરંતુ પિતાનો સિંહ સમો સીનો એનો અવશ્ય છે. ઇંગ્લૅન્ડના નિર્માલ્ય રાજા જ્હૉનને પડખે કુદરતે સર્જેલા ઇંગ્લૅન્ડના રાજા જેવો `bastard’ શેક્સ્પિયરે આલેખ્યો છે. રાષ્ટ્રીય એકતાનો એ પુરસ્કર્તા છે. ધર્મગુરુના દાંભિક અધિકારનો અડગ રહીને એ મુકાબલો કરે છે. નરવું ઇંગ્લૅન્ડ એનામાં વ્યક્ત થયું છે અને રાજા જ્હૉન એવા ઇંગ્લૅન્ડનો દૂષિત એવો પડછાયો ભાસે છે. નાટકમાં રાષ્ટ્રવાદનો ઉત્તમ આવિષ્કાર `bastard’માં થયો છે એ ખરું, પરંતુ એથીયે વિશેષ સાફલ્ય `bastard’ના. ‘અંતરાત્માને વશ એવા આલેખનમાં શેક્સ્પિયરને મળ્યું છે. રાજકારણના નાટકમાં `I am I’ની અસ્મિતાલહર, શેક્સ્પિયર માટે પણ નૂતન સિદ્ધિ બને છે. `bastard’ વાસ્તવ નથી, એ તો ઇંગ્લૅન્ડનું હૃદ્ગત છે. એની જબાન આગવી છે. એ છે સાચો અંગ્રેજ, ધૂની અને ક્રાંતિકારી. દુનિયાદારી માટે એની નફરત અનન્ય છે. દુનિયાના દંભ અને પાખંડના નિઃસ્વાર્થી દ્રષ્ટા બનીને દુનિયાદારીનાં ઝેર એણે જગતની દાઢમાં દીઠાં છે. દંભ, પછી તે વર્તનમાં હોય કે વાણીમાં, `bastard’થી સહ્યો નથી જતો. Angiersના નગરજનો નીડર બનીને રાજા જ્હૉનને તુચ્છકારે છે ત્યારે `bastard’ ઉચ્ચારે છે. ‘ભ્રાતાના પિતાને બાપા કહ્યા ત્યારથી આજ સુધીમાં આવી શેખી સાંભળી નથી.’
(Zounds! I was never so
bethumped with words
Since I first called my
brother’s fathar dad.)
દરેક તબક્કે અને કોઈ પણ પરિસ્થિતિમાં `bastard’ મિથ્યાચારનો હાડવેરી રહ્યો છે. અંગ્રેજિયતના પ્રતીક જેવા બાસ્ટાર્ડને સર્જીને શેક્સ્પિયરે ‘અતીત’ની માવજતમાં કવિકલ્પનાને આકાર આપ્યો છે. ઇતિહાસની વિગતો હવે કવિને નથી લાગી પરાઈ કે નથી તો કઠી. રાજા અને રાજનીતિ હવે એને આંજી નથી દેતાં. બાસ્ટાર્ડનું મનમોજી પાત્ર કવિને ઇતિહાસની કુંજોમાં મુક્ત મને ફરવાની અને હૃદ્ગત વ્યક્ત કરવાની છૂટ મેળવી આપે છે. રાજા જ્હૉનને વફાદાર રહેલા બાસ્ટાર્ડની ચોથા અંકના ત્રીજા દૃશ્યમાં પૂરી કસોટી થાય છે. સાચા હકદાર કુંવર આર્થરને રાજા જ્હૉને રક્ષણ આપ્યું છે. ખાનગીમાં એનું કાસળ કાઢવાની સૂચના જ્હૉને વફાદાર સેવક હ્યુબર્ડને આપી છે. તૈયાર થયેલા હ્યુબર્ડ અને અભાગી કુંવર આર્થર વચ્ચેનો સંવાદ હૃદયદ્રાવક છે. નિર્દોષ કુંવરની વાણીથી હ્યુબર્ડનો હ્રદયપલટો થાય છે. પરંતુ મુક્ત બનીને માતા કોન્સ્ટન્સ પાસે નાસી જવા ઇચ્છતો આર્થર મહેલમાંથી કૂદતાં જમીન પર પટકાઈને મૃત્યુ પામે છે. એનો મૃતદેહ સેલિસબરી વગેરે ઉમરાવોને મળી આવે છે. રાજા જ્હૉને કુમારનો કાંટો કાઢી નાખ્યો એવી મજબૂત શંકા તેમના મનમાં ઊઠે છે. હ્યુબર્ડે કુંવરનું ખૂન કર્યું હશે એવા વહેમથી તેઓ હ્યુબર્ડને ઘેરી વળે છે. આવા ઘોર ઘાતકી રાજા સામે તેઓ વિદ્રોહી બને છે. આ ક્ષણે રાજ્યને વફાદાર બાસ્ટાર્ડનો પ્રવેશ થાય છે. ઉમરાવો એને ઘેરી વળે છે ત્યારે તબિયતથી બાસ્ટાર્ડ ઉચ્ચારે છે, ‘સામંતજી આપની તીક્ષ્ણ અસિધારાને મ્યાનમાં રાખો.’ વ્યક્તિપ્રભાવથી સહુને ડારતો બાસ્ટાર્ડ આર્થરના મૃતદેહને જોતાં પોકારી ઊઠે છે : ‘વાહ રે દુનિયા! આ સત્કર્મ તારું હતું. અલ્યા હ્યુબર્ડ, આ કાળાં કામનો કરનાર દયાના સાગર જેવો પ્રભુની કરુણાનો છાંટે નહીં પામે. હ્યુબર્ડ, તારું સ્થાન રૌરવ નર્કમાં હશે.’
(Beyond the infinite and
boundless reach,
Of mercy if thou didst this
deed of death,
Art thou damned, Huberd.)
બાસ્ટાર્ડનાં વાણી અને વર્તનમાં હવે રાજત્વનો પ્રભાવ અને રણકો છે. એની દૃષ્ટિ સત્યાન્વેષી છે. કુંવરના મૃતદેહને હ્યુબર્ડના હાથમાં મૂકીને એ પામી જાય છે કે હ્યુબર્ડ નિર્દોષ છે. જે ઇંગ્લૅન્ડમાં કુંવર આર્થરનું અકાળ અવસાન થાય તે ઇંગ્લૅન્ડ માટે બાસ્ટાર્ડનું હૈયું વલોવાય છે.
`The life, the right and truth
of all this realm
Is fled to heaven; and England
now is left
To tug and to scramble and to
part by the teeth,
The unowed interest of the
proud swelling state.’
‘આર્થરના મૃત્યુ સાથે ઇંગ્લૅન્ડનાં સત્ય અને ધર્મ સ્વર્ગે વસ્યાં. હવે તો કૂતરાં ચૂંથશે તેવો દેશનો મૃતદેહ બાકી રહ્યો, અનાથ આ ભૂમિનો વૈભવ ઓસરીને લુપ્ત થયો.’ આર્થરના મૃત્યુનું વેર લેવા ફ્રાન્સનો પાટવી કુંવર ઇંગ્લૅન્ડ સામે યુદ્ધે ચડે છે. રાજા જહૉને કાવતરું કરીને ભત્રીજાનું ખૂન કરાવ્યું છે એવું માનીને વિદ્રોહી સરદારો ફ્રાન્સના લશ્કરને સહાય કરે છે. ધર્મગુરુ કાર્ડિનલ વેન્ડુલ મિથ્યાવાદી તર્કબુદ્ધિથી ફ્રાન્સના રાજાને ઇંગ્લૅન્ડ સાથેના શાંતિકરારનો ભંગ શીખવે છે. કવિ ‘સજ્જન’ હોવાથી ધર્મને અપવાદ ન આવે તે રીતે પેન્ડુલ્ફની સત્તાલાલસાનો ચિતાર આપે છે. જેમ બાસ્ટાર્ડનું વાક્યેવાક્ય એના સ્વભાવનું દ્યોતક છે તેમ પેન્ડુલ્ફનો શબ્દે શબ્દ તેની ખંધાઈ અને કુટિલનીતિની સબૂત આપે છે. શેક્સ્પિયરની નાટ્યકલાના વિકાસનું અગત્યનું સોપાન આ બેત્રણ પાત્રોની અનન્યસાધારણ
The better act of purposes
Mistook
Is to mistake again, though indirect;
Yet indirection thereby
grow direct,
And falsehood falsehood cures,
as fire cools fire
Whithin the scorched veins of
one new-burned.
But thou dost swear only
to be forsworn;
And most foresworn, to keep,
what thou dost swear.’
અભિવ્યક્તિથી રચાયું છે. તર્કશાસ્ત્રી અને કુટિલનીતિપારંગત ધર્મગુરુ પેન્ડુલ્ફના મનોવ્યાપારનો એક નમૂનો આ રહ્યો :
ફ્રાન્સના રાજાએ ઇંગ્લૅન્ડ સાથે શાંતિના કરાર પાળવાના શપથ લીધા હતા. કાર્ડિનલ પેન્ડુલ્ફ એને સમજાવીને પ્રતિજ્ઞા તોડવાની આવી સલાહ આપે છે. ‘ભૂલમાં લેવાયેલ નિર્ણયોને ભૂલથી સુધારવા એ સત્કાર્ય ગણાય. સુધારણાનો આવો વાંકો રસ્તો લીધાથી વાંકુ ફરીને સીધું થાય છે. એક જૂઠાણું બીજા જૂઠને રદ કરે છે. જેમ અગ્નિથી અગ્નિ શમે છે. તારા શપથ લેવાયા હતા તોડવા માટે જ. આવી પ્રતિજ્ઞા પાળવામાં વચનભંગ ગણાય, કારણ પ્રતિજ્ઞા લેવામાં જ તેં ભૂલ કરી હતી!’ કાર્ડિનલ પેન્ડુલ્ફની વિચક્ષણતા એવી છે કે કોઈ પણ વ્યક્તિની નિર્બળતા અને કસૂરનો એ ધર્મગુરુ પૂરો લાભ ઉઠાવે છે. પરંતુ અકળાવનારી વાત તો એ છે કે અન્યનાં સારાં લક્ષણોને પણ પેન્ડુલ્ફ પોતાના સ્વાર્થ માટે આંતરે છે. પેન્ડુલ્ફ અને બાસ્ટાર્ડ ગજગ્રાહથી ‘રાજા જ્હૉન’ નાટક તકવાદ અને સિદ્ધાંતનિષ્ઠ વચ્ચેના સંઘર્ષનું નાટક બને છે. હવે શેક્સ્પિયરને નાટ્યકલાનું વિચિત્ર સત્ય લાધ્યું છે કે રાજકીય સંધર્ષો પણ મૂળે તો માનસિક સંઘર્ષો જ છે. રાજકારણનો આભાસ પેન્ડુલ્ફમાં રજૂ કરીને રાજકારણનું સત્ય એણે બાસ્ટાર્ડને સોંપ્યું છે. તેવી જ રીતે રાજા જ્હૉનની માતા એલિનોર અને કુંવર આર્થરની માતા કોન્સ્ટન્સના ચારિત્રવર્ણનમાં પણ એણે સત્ય અને આભાસને ભેગાં બેસાડ્યાં છે. એલિનોર મહત્ત્વાકાંક્ષી નારી છે. પુત્રને રાજા બનાવવામાં એણે વાત્સલ્ય નથી અનુભવ્યું, સત્તાલાલસા કેળવી છે. નહીં તો વળી પોતાના પુત્રના વ્યક્તિત્વને કચડી નાખીને એણે જ્હૉનને નિર્બળ માવડીઓ ન બનાવ્યો હોત. એની સરખામણીમાં પુત્રવત્સલ કોન્સ્ટન્સ માતૃકારૂપે વિલસે છે. એની મહત્ત્વાકાંક્ષા પુત્ર માટે છે, જાત માટે નહીં. પુત્ર આર્થર એનો આરાધ્ય દેવ છે. એલિનોરમાં માતૃત્વનો આભાસ છે, તો કોન્સ્ટન્સમાં એનું સૈન્ય. ફ્રાન્સના લશ્કરી ઉતરાણ પછી નબળો જ્હૉન રાષ્ટ્રીય કટોકટીના સમયે બાસ્ટાર્ડને સર્વસત્તાધીશ બનાવે છે.
`Have thou the ordering of this present time.’
બાસ્ટાર્ડ પરિસ્થિતિને એકલે હાથે પહોંચી વળે છે. પ્રકૃતિનાં બળો પણ સાનુકૂળ હોય છે અને વિદ્રોહી સરદારો શરણે આવે છે. રાજા જ્હૉનનું વિષપ્રયોગથી ઉપાશ્રયમાં મૃત્યુ થાય છે ત્યાં સુધીમાં બાસ્ટાર્ડે દેશને સર્વ રીતે રક્ષણ આપ્યું હોય છે. એટલે ‘રાજા જ્હૉન’ નાટકનું ભરતવાક્ય “મદાયત્તં તુ પૌરુષમ્’ના સમર્થક બાસ્ટાર્ડના મુખે ઉચ્ચારાય છે : ‘ચહુદિશથી આહ્વાન ઊઠશે ત્યારે પણ મારો દેશ પરાધીન નહીં બને – જો એનો આત્મા જાગી ઊઠશે તો.’ જાગ્રત શેક્સ્પિયરે ઇતિહાસની ગુલામીને આવી રીતે ‘રાજા જ્હૉન’માં પડકારીને ઇતિહાસની શૃંખલા તોડનારું અને કવિકલ્પનાને મોકળો માર્ગ આપનારું સો ટકા શેક્સ્પિયરી પાત્ર બાસ્ટાર્ડમાં રજૂ કર્યું છે. તવારીખે દીઠેલા નિર્બળ અને નામમાત્રના રાજા જ્હૉનનો કવિએ હલકા કુળના પણ રાજવી પ્રકૃતિના બાસ્ટાર્ડના આલેખનથી મુકાબલો કર્યો છે. હવે બાસ્ટાર્ડની માફક સર્જક શેક્સ્પિયર પણ કહી શકે `I am I, however begot’ – ન જોશો મારુ કુળ, મને પુરુષાર્થથી માપજો. તવારીખી આભાસ ટાળીને ઇતિહાસના સત્યને હવે એ પામ્યો છે. પ્રમાણમાં અલ્પખ્યાત ‘રાજા જ્હૉન’ નાટકના ઇતિહાસના પ્રદેશોમાં સ્વૈરવિહારની સ્ફૂટ શેક્સ્પિયરે મેળવી લીધી. બધાં જ ઐતિહાસિક પાત્રોની વચ્ચે કવિનો ઉત્કટ દેશપ્રેમ અને રાજત્વ વિશેની એની અપેક્ષાઓને આકાર મળે તેમજ કવિએ પ્રીછેલો રાષ્ટ્રપ્રાણ કવિપ્રમાણિત માનવમાં પ્રતિષ્ઠા પામે તેવો અનુભવ `bastard’ના પાત્રને જીવતું બનાવી શેક્સ્પિયરે પ્રાપ્ત કર્યો. ૧૫૯૫ના વર્ષ પછી શેક્સ્પિયરનો વિકાસ ક્રમિક નથી થયો, એણે તો હરણફાળ ભરી બતાવી છે. એના વિકાસનાં સીમાચિહ્નો પાંચદશ વર્ષે નથી શોધવાં પડતાં. એકાદ નાટકના પહેલા અને બીજા અંક વચ્ચે એની સર્ગશક્તિનો અણધાર્યો વિકાસ શેક્સ્પિયરે સાધ્યો છે. બીજા રિચર્ડના ચારિત્ર્યલેખનમાં પ્રાયઃ નાટકને અંતે કવિની તેમજ પ્રેક્ષક અને વાચકની ઉષ્માભરી સહાનુભૂતિ મેળવી શકે તેવું જીવંત પાત્રાલેખન મળી આવે છે. ‘રાજા જ્હૉન’ નાટકમાં આદિથી અંત સુધી આત્મસાત્ કરી શકાય તેવું પાત્રાલેખન `bastard’નું થયું છે. બીજા રિચર્ડને પદભ્રષ્ટ કરી સત્તાનાં સ્થાનો આંચકી લેનાર બોલિંગબ્રોક વિશે શેક્સ્પિયરે બે નાટકો લખ્યાં છે : ‘ચોથો હેન્રી-પૂર્વાર્ધ’ અને ‘ચોથો હેન્રી-ઉત્તરાર્ધ’. બે પેઢીના તવારીખી અનુભવને એક પથારમાં જોવાની કવિને તક મળી એટલે ઇતિહાસમાં ધીમે ધીમે ઊકલતું રહસ્ય અને સમાજદર્શન કવિને સવિશેષ સ્પષ્ટ થયું. બીજા રિચર્ડે ચપળ અને પરાક્રમી બોલિંગબ્રોકનો ભય સેવીને એને દેશનિકાલ કર્યો. પરિણામે રિચર્ડના મનનો ભય એને ભરખી ગયો. બોલિંગબ્રોક રાજગાદી માગે તે પહેલાં જ રાજા રિચર્ડે સ્વહસ્તે એને રાજમુકુટ અર્પણ કર્યો. તે ક્ષણથી અત્યંત સૂક્ષ્મ એવું માનસિક પરિવર્તન શેક્સ્પિયરે ચોથા હેન્રી બનેલા બોલિંગબ્રોકમાં સંકેતરૂપે રજૂ કર્યું છે. રાજા બન્યા પછી રિચર્ડ જીવતો રહે તો ભવિષ્યમાં વિદ્રોહ કરે એવા કુવિચાર અને સંશયનો બોલિંગબ્રોકના મનમાં સંચાર થયો છે. પરિણામે રિચર્ડે જે ભૂલ કરી હતી તે જ રાજા બનેલો બોલિંગબ્રોક કરી બેસે છે. રિચર્ડના અસ્તિત્વના ભયથી જ બોલિંગબ્રોક એનું ખૂન કરાવે છે. આ રીતે રિચર્ડનો મુકુટ ધારણ કર્યાથી બોલિંગબ્રોક રિચર્ડનાં બધાંયે ભય અને ચિંતાનો વારસ બને છે. પરિણામે રાજા સામે બંડ ઉઠાવીને રાજા બનેલો બોલિંગબ્રોક અહોર્નિશ સંશયાત્મક બનીને ઉમરાવો સાથે સખતાઈથી વર્તે છે. આનુ ભયંકર પરિણામ એ આવે છે કે બોલિંગબ્રોકના પરાક્રમી સાથીદારો એના વેરી બને છે અને હેન્રી ચોથા તરીકેના એના શાસનકાળમાં એની બધીયે શક્તિ બંડને અટકાવવામાં અને યુદ્ધક્ષેત્રે વિદ્રોહીઓ સાથેના સંઘર્ષમાં ખરચાઈ જાય છે. પ્રકૃતિ પણ એને શિક્ષા કરતી હોય તેમ એનો પાટવીકુંવર હેન્રી અલગારી બનીને બૂરી સોબતે ભટકે છે. સમાજધર્મ અને નીતિનિયમોને નેવે મૂકીને મેળવેલું રાજ્ય આ રીતે બોલિંગબ્રોકની ગરદનમાં ઘંટીના પડ જેવું બંધાય છે. અનેક વાર ધર્મના રક્ષણ અર્થે ધર્મયુદ્ધ કરવાનો નિર્ણય બોલિંગબ્રોક ઘોષિત કરે છે. પરંતુ એ પોતે સમજે છે કે શક્તિ હૃદયનાં એ બધાં ઝાવાં છે. `Bastard’ જેને `Commodity’ કહી શકે એવા વ્યવહારને જેણે જીવનધર્મ ગણ્યો હતો તેવો બોલિંગબ્રોક જે મેળવે છે તે બધુંયે પદાર્થ ન ઠરતાં પડછાયો બની જાય છે. સત્તા એને મળી, પ્રતિપળ ભયભીત બનવા માટે; પાટવીપુત્ર એને મળ્યો, પ્રતિપળ હૈયાશૂળ બનવા માટે; સતીઓ મળ્યા, કટ્ટર વિરોધીઓ બનવા માટે; મહેલોનું જીવન એને મળ્યું, અનિદ્રાથી રાત્રિના પ્રહરો ગણવા માટે. જીવનના પ્રથમ પગથિયે રાજકારણ ગણીને જે દંભ એણે આચર્યો તે દંભના પિંજરમાં અનિવાર્ય રીતે મૃત્યુપર્યંત એને પુરાવું પડ્યું. બે નાટકોમાં આવા વિચારો અને બોધકથા શેક્સ્પિયરનું નાટ્યવસ્તુ બને છે. એ રીતે કવિ કંટાળે એટલી પુનરુક્તિ હેન્રીની તવારીખમાં આવી પડી છે. બીજા રિચર્ડની તવારીખનો સહેજ ભિન્ન એવો વિવર્ત ચોથા હેન્રીનાં ઉભય નાટકોનું કથાવસ્તુ છે. એક રાજ્ય ગુમાવીને દુઃખી થાય છે, તો બીજો રાજ્ય મેળવીને ત્રાસ અનુભવે છે. પરંતુ જે વર્ષોમાં ચોથા હેન્રી વિશેનાં નાટકો લખાયાં તે વર્ષોમાં શેક્સ્પિયર પૂર્ણવિકસિત નાટ્યકાર બન્યો છે. ‘બીજો રિચર્ડ’ નાટકમાં એકાદ પાત્રને અને તે પણ છેલ્લા અંકમાં એણે આત્મસાત્ કર્યું. રાજા જ્હૉન નાટકમાં `bastard’ના પાત્રને સાદ્યંત જીવતું કર્યું. તો ‘ચોથો હેન્રી’ નાટકોમાં ફૉલસ્ટાફ અને એના સાગરીતોને આણીને નગર અને જનપદના ઇંગ્લૅન્ડને, અંગ્રેજ પ્રજાના ઉલ્લાસ અને હાસ્યને તવારીખી નાટકમાં, જેમ હનુમાને પર્વત ઊંચકી આણ્યો હતો તેમ, શેક્સ્પિયરે આખાં ને આખાં સમાવી દીધાં છે. એક રીતે એણે મહાભારત કામ ઉકેલ્યું છે; ઇતિહાસની અસાધારણ માનવકરણીના સંદર્ભમાં રાષ્ટ્રનાં સર્વ લક્ષણો સમેતના સામાન્ય જનોના જીવનને તખતા ઉપર ધબકતું રાખવામાં ભગીરથ સિદ્ધિ મેળવી છે અને ફૉલસ્ટાફી પરાક્રમ કરી બતાવ્યાં છે. ‘ચોથો હેન્રી’ બે ભાગનું નાટક હોવા છતાં વાસ્તવમાં દશ અંકનું એક મહાનાટક છે, જેમાં ઐતિહાસિક પાત્રો અને પ્રસંગોને પાર્શ્વભૂમાં સ્થાપીને તળપદા લોકજીવનને અને જીવનના ઉલ્લાસને મધ્યવર્તી સ્થાન મળ્યું છે. હવે તવારીખી આભાસની બાજુમાં કવિએ ઇંગ્લૅન્ડના ધબકતા લોકજીવન અને પ્રાદેશિક વૈચિત્ર્યના સત્યને ઉમંગે શોધ્યું છે. લંડનની મધુશાળામાં ઊભરાતાં દૃશ્યોની ધમાલ, નગરના પરાંવિસ્તારમાં ટેકરી પાસે મોડી સાંજે કે વહેલી સવારે વટેમાર્ગુને આંતરીને લૂંટી લેવાનાં દૃશ્યો, કયા વટેમાર્ગુ પાસે કેટલું ધન છે તે સહપાન્થ બનીને જાણી લેનારા ઠગારા, રાતવાસે રહેલા ઉતારુની શુશ્રૂષા કરીને. એનાં આવાગમન-નિર્ગમનના સમય જાણી લેતા લૂંટારાના સોબતીઓ, વહેલી સવારે લંડન તરફ પ્રયાણ કરવા માટે અંધારામાં ઘોડાની ખાતર-બરદાશ કરીને ગાડી તૈયાર કરતા કોચમૅનો અને એમની મનની ચિંતા જેવી મોંઘવારી અને અનાજની તંગી અને પરિણામે દેવાદાર બનીને આત્મહત્યા કરનાર પરિચિતો વિશેની એમની ચર્ચા, કે એકાદ જાગીરમાં કારભારી સાથે લાલ ઘઉંના વાવેતરની ચર્ચા કરતા તાલુકાદારનું દૃશ્ય, અથવા લશ્કરી ભરતીની યાદીમાં પોતાનું નામ ન લખાય તે હેતુથી જાતભાતની લાંચરુશવત આપીને છટકી જનારા ગ્રામજનોનાં અને ન છટકી શકનાર દુર્ભાગીનાં નસીબ વિશેનાં દૃશ્યો કે માછલાં રાંધવા ચાંગળું સરકો ઉછીનો આપવા પડોશણને વિનંતી કરતી મિસ્ટ્રેસ ક્રીચની ‘વરાહશિર’(Boar’s Head)ની માલકણ મિસ્ટ્રેસ ક્વિકલી સાથેના ગામની કુથલીના સંવાદો આમ ઇંગ્લૅન્ડના મનુકુળના રંગબેરંગી જીવનવિવર્તો ‘ચોથો હેન્રી’ નાટકને ખરી રીતે ઇતિહાસને પડછાયે વિસ્તરેલું અંગ્રેજ પ્રજાની સાચી તાસીરનું નાટક પુરવાર કરે છે. વતનપ્રેમી કવિએ ઇતિહાસના ઝાંખા અજવાળામાં પ્રાણવાન માભોમને અર્ચનાથી વધાવી છે. ‘આ રહ્યું ઇંગ્લૅન્ડ’ – This is England - એમ હેન્રી ચોથા’નાં સામાજિક દૃશ્યો બોલી ઊઠે છે. એ દૃશ્યોનું કેન્દ્રવર્તી મહાપાત્ર છે સર જ્હૉન ફૉલસ્ટાફ. જેવો ડેન્માર્કનો રાજકુમાર હૅમ્લેટ તેવો જ ‘વરાહશિર’ મધુશાળાનો `રાજા’ ફૉલસ્ટાફ ગ્રંથની બાંધણીમાં ભરાઈ રહેવાનો બદલે સંસારમાં સર્વકાલીન બનેલું પાત્ર છે. શેક્સ્પિયરના સમકાલીન સ્પેનિશ કલાકાર સર્વેન્ટિસના જગપ્રસિદ્ધ પાત્ર ડૉન ક્વિકઝોટ જેવું અમર નામ શેક્સ્પિયરના ફૉલસ્ટાફનું પણ છે. શેક્સ્પિયરની અદમ્ય હાસ્યવૃત્તિનો શ્રેષ્ઠ ચમત્કાર એટલે ફૉલસ્ટાફનું સર્જન. દશ અંકના મહાનાટકમાં પૃથક્ પૃથક્ ગૂંથાયેલા ઐતિહાસિક પ્રસંગોને સમરસ કરનારું રસાયણ શેક્સ્પિયરે લોકજીવન અને ફૉલસ્ટાફમાં શોધ્યું છે. ‘બીજો રિચર્ડ’ નાટકમાં અંતે સૂચન હતું કે બોલિંગબ્રોક (ચોથો હેન્રી)નો કુંવર ખરાબ સોબતમાં પડ્યો છે. સૂચનના એ તાવીજને સ્પર્શીને શેક્સ્પિયરની ઉત્તેજિત કલ્પનાએ તિલસ્માત રચ્યો. નટના વ્યવસાયમાં, રંગભૂમિની રૂઢિમાં, સમકાલીન જીવનમાં અને સાહિત્યમાં વિશેષે તો કવિને અંતસ્થ જીવનનો અદમ્ય આનંદ ઊછળતો હતો - તે બધું મનની પ્રયોગશાળામાં સંયોજિત બનીને સાકાર બન્યું ફૉલસ્ટાફના હાસ્યપ્રેરક અને હાસ્યમૂલક સર્જનમાં. ભારતના ઇતિહાસપ્રસિદ્ધ મૌર્ય સામ્રાજ્યના ઉદય પહેલાં ગ્રીસથી યુવાન વયનો એલેકઝાન્ડર અનેક દેશોને જીતીને પંજાબમાં ઊતરી આવ્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્યના સમકાલીન વિશ્વવિજેતા એલેકઝાન્ડરનું બેબિલોનમાં અવસાન થયું અને એનું સામ્રાજ્ય વિશીર્ણ થયું એટલે એનાં વિજયી લશ્કરો વિખેરી નંખાયાં. પરિણામે ગ્રીસના કોઈ પણ નગરમાં બેકાર બનેલા જમાદાર, નાયક કે દરોગા મળી આવતા જે બેકાર બનીને પરાશ્રયે ભોજન મેળવતા પરંતુ યુરોપ, આફ્રિકા અને એશિયા ખૂંદી વળનાર વિજયી લશ્કરનાં સાચાં અને ખોટાં સ્મરણો એમની જીભે સતત રમતાં રહેતાં. એલેકઝાન્ડરનાં સ્વપ્નોને માટે ઝૂઝનાર અને વિજેતાના અકાળ મૃત્યુ પછી Ex-servicemen તરીકે લશ્કરમાંથી છૂટાં થતાં કશેક્ બાગબાન કે ચોકીદાર કે ભિક્ષુક બનીને કે રસ્તે ધોલથાપટ કરીને રાહદારીને લૂંટીને કે એવા જ અન્ય માર્ગોએ જીવન બસર કરનાર સૈનિકોને આધારે ‘બડાશખોર સૈનિક’ (Braggadocio)નું પાત્ર ગ્રીક નાટ્યસાહિત્યમાં પ્રહસનોમાં કાયમી સ્થાન પામ્યું હતું. તે પછી તો રોમના સામ્રાજ્યનો અસ્ત થતાં અને મધ્યયુગમાં ફલીસ્તાનમાં ધર્મયુદ્ધોમાં ઇસ્લામ સાથે લડેલા ખ્રિસ્તી ક્રુઝેડરોનું ઉમેરણ થતાં પેલો ‘બડાશખોર’ સૈનિક લોકસ્મરણમાં તાજો રહ્યો હતો. શેક્સ્પિયરના લંડનમાં નવી અને જૂની દુનિયા ખૂંદી વળેલા સૈનિકો અને ખલાસીઓની ખોટ ન હતી. આ બધાં સ્મરણ સંભારમાંથી કટોકટીના સમયે કવિની કલ્પનાએ ફૉલસ્ટાફને જન્મ આપ્યો છે. બરોબર મધ્યાહ્નનો સમય છે. મયખાનની વાટ ઉપર આખલા જેવો, કહોને હાથીના બચ્ચા જેવો, માનવદેહ આડો પડ્યો છે. પડખે ઇંગ્લૅન્ડનો પાટવીકુંવર હેન્રી તહેનાતમાં ઊભે પગે રહ્યો છે. ત્યાં પેલો ભીમકાય દેહ સળવળે છે ને પહેલું વાક્ય સંભળાય છે : ‘બેટા હાલ (હેન્રી), કેટલા ડંકા પડ્યા હશે દિવસના?’ (Now Hal, what time of the day is it, lad?) ચીડમાં કુંવર એને પૂછે છે કે, અલ્યા ઊંઘણશી, તારે વળી ડંકા ગણીને શું કામ? ત્યારે ફૉલસ્ટાફ સત્વર જવાબ આપે છે કે, હા, અમે તો નિશાચરો, ચન્દ્રના અનુચરો, અમારે વળી દિવસના કલાક જાણીને શું કામ? ફૉલસ્ટાફ વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. અનેકનાં લક્ષણો એનામાં હોવા છતાં મનસા, વાચા, કર્મણા અનોખું એનું કલેવર ઘડાયું છે. એના જેવું અન્ય કોઈ નથી અને સહુમાં એ સમાયો છે. બીજો ફૉલસ્ટાફ આપણને જીવનમાં કે સાહિત્યમાં મળ્યો નથી, પરંતુ એના જેવા મનુષ્યો આપણને સર્વત્ર મળી આવે છે. શેક્સ્પિયરે અપાર વહાલથી એને શણગાર્યો છે અને પ્રેક્ષકોએ એટલા ઉમળકાથી એને વધાવ્યો છે. તર્કથી વિશ્લેષણ કરીએ તો એના પાત્રાલેખનમાં કેવળ અવગુણ નજરે પડે છે. નશાબાજ, વ્યભિચારી, ડરપોક, વંચક, બડાશખોર અને બગભગત – આવાં એનાં લક્ષણો છે. એના પ્રવેશ સાથે ચહુદિશ હાસ્ય રેલાય એવું એનું દેહગૌરવ છે. ક્ષીણ ધરતી ઉપર એ ડગલાં ભરે છે ત્યારે ધરતી પુષ્ટ બની હોય, એને ચરબી ચડી હોય તેવું વરતાય છે. ફૉલસ્ટાફ સ્વમુખે ફરિયાદ કરે છે કે મારી ફાંદ જો સાધારણ હોત તો આખા યુરોપમાં મારા જેટલો ચપળ માનવી બીજો નહોત. પાટવીકુંવર હાલ એની સ્થૂળતા વિશે અનેક વાર મજાકનાં વેણ ઉચ્ચારે છે. એને કોઠી, ગાંસડી, ચરબીનો ગંજ, ખાદ્ય અને પેયની મશક વગેરે ઉપહાસનાં સંબોધનો મળે છે. ફૉલસ્ટાફ પોતાને વિશે સુપુષ્ટ એવું વિશેષણ વાપરે છે અને કહે છે, ‘હું જન્મ્યો ત્યારે જ મારું ગોળ પેટ હતું અને શ્વેત કેશ હતા.’ હસતાં હસતાં એ કહી નાખે છે, ‘હું જાતે મશ્કરો છું એટલું જ નહીં,’ મારો દેખાવ બીજાને મશ્કરી સુઝાડે છે. સ્થૂળ દેહ વિશે ફૉલસ્ટાફ સમજૂતી આપે છે કે દુઃખ સહાયથી અને નિસાસા નાખ્યાથી એનું શરીર ફૂલી ગયું છે, પરંતુ ફૉલસ્ટાફ કેવળ ફારસ નથી. સૂક્ષ્મ હાસ્યનું વિચારપ્રેરક વિનોદનું ચિરંજીવ પાત્ર ફૉલસ્ટાફ છે. પૂરાં ત્રણસો વર્ષ સુધી નટઘરોમાં એનું આકર્ષણ ખૂટ્યું નથી. પ્રસિદ્ધ નાટ્યકાર બનાર્ડ શૉના શબ્દોમાં આ નશાબાજ અને જુગુપ્સા પ્રેરતો બુઢ્ઢો ફૉલસ્ટાફ ગાફેલ રાહદારીને લૂંટે છે. કુમળી વયના એના કિશોર નોકરનું નિર્દોષ મન ક્લુષિત કરે છે. પોતાની આશ્રયદાતા વિધવા ક્વિકલી સાથે છેતરપિંડી કરે છે. જૂના મિત્ર શેલો પાસેથી હજાર પાઉંડ પાછા ન આપવાના પૂરા મનસૂબા સાથે ઉછીના લે છે. લશ્કરમાં ભરતી-અમલદાર બનીને લશ્કરી ફરજમાંથી મુક્તિ અપાવવા બદલ રુશવતખોર બને છે. સત્તાના કૃપાપાત્ર થવાની ઇચ્છાથી પાટવીકુંવરને અનેક રીતે રીઝવવાનો ખુશામતી પ્રયોગ કરે છે. છતાંય આટઆટલાં પાપ પ્રગટ થયાં તે પછી ત્રણસો વર્ષે પણ જ્યારે પરદો ઊંચકાય છે અને દુંદાળા દેવ જેવા ફૉલસ્ટાફ નજરે ચડે છે ત્યારે પ્રેક્ષાગારમાં હાસ્ય અને આનંદની લહેર ફરી વળે છે અને નાટકને અંતે જ્યારે પિતાના અવસાનથી રાજા બનેલા પાંચમા હેન્રીને છાતીસરસો કરવા મારતે ઘોડે ફૉલસ્ટાફ મિત્રો સહિત આવી પહોંચે છે અને રાજા બનેલો વયસ્ક ફૉલસ્ટાફને ધુતકારી કાઢે છે ત્યારે પ્રેક્ષકો અને વાચકો હજુય આઘાત અનુભવે છે અને રાજા હેન્રી અને કવિ શેક્સ્પિયર પ્રત્યે અનુદાર બને છે. આવું કામણ, કુટિલ, ખલ, કામી ફૉલસ્ટાફનું છે. હેન્રીના રાજ્યારોહણના સમાચાર ફૉલસ્ટાફને પહોંચે છે ત્યારે એનો આનંદ હવે સમાતો નથી : I know the young king is sick for me. Let us take any man horse: the laws of England are at my commandment. Blessed ar they that have been my friends.’ રાજધાની લંડનમાં ફૉલસ્ટાફ અને તેની મંડળી આવી પહોંચે છે ત્યારે રાજ્યાભિષેકનો વિધિ સમાપ્ત કરીને રસાલા સાથે રાજા એમને અડધે રસ્તે ભેટી જાય છે.
Falstaff My king, my Jove,
King : I Know thee not old man,
Fall to thy prayers
I speak to thee my heart !
How ill white hair bnecome
a fool and jester !
I have long dreamt of such
a kind of man
So surfeit-swelled, so old
and so profane;
But being awak’d I do
despise my dream.
(Henry IV : Part II, Act V, iv. 47-52)
(ફૉલસ્ટાફ : (રાજાને) મારા રાજવી, મારા દેવ, મારા હૃદય! હું તમને સાદ કરું છું. રાજા : હે વૃદ્ધ, તમે મને અપરિચિત છો. ભગવાનનું ભજન કરો તમે, વિદૂષકવેડા કર્યાથી અને મૂર્ખ બન્યાથી ધોળા વાળમાં ધૂળ પડશે. આના જેવા એક મનુષ્ય વિષે મેં ચિરકાળ સ્વપ્નાં દીઠાં છે. આવો જ અકરાંતિયો અને આવો જ ભૂંડાબોલો માનવ સોણલામાં દીઠો હતો, પરંતુ હવે જાગી ઊઠ્યો છું ત્યારે સ્વપ્નાં જુગુપ્સા આણે છે!) ‘ચોથો હેન્રી’ નાટકમાં આવી રીતે અંત પામેલો ફૉલસ્ટાફ એક અજાણ્યા ખૂણામાં દેહ છોડે છે. એના અર્ધશિક્ષતિ કિન્તુ માનવતાના ભોળા પ્રતિનિધિ જેવા મિત્રોની વાણીમાં કવિએ કૉલસ્ટાફના મૃત્યુની વેદના અને કરુણા વ્યક્ત કરી છે. પીસ્ટલ કહે છે, ‘ફૉલસ્ટાફનું બલિષ્ઠ હૈયું તૂટ્યું છે, ભાગ્યું છે (His mighty heart is cracked and coroborate.) વફાદાર સાથી બારડોફ બબડે છે : ‘એ જ્યાં હોય ત્યાં સ્વર્ગમાં કે નરકમાં મને મોકલી આપો.’ (Would I were with him wheresome ever he is, either in Heaven or in Hell.) અનેક વાર એનાથી છેતરાયેલી છતાં એને ન વીસરી શકેલી માદામ ક્વિકલી ફૉલસ્ટાફની મૃત્યુક્ષણોની એકમાત્ર સાક્ષી બની છે. એનું આવેદન આપણી સંસ્કૃતિના પર્યાયોમાં કંઈક આવું છે, ‘ફૉલસ્ટાફ અવસાન પામ્યા છે. રાજા વિક્રમે એમને છાતીસરસા ચાંપ્યા છે. કોઈ વૈષ્ણવ લાલજી જેવા એ વૈકુંઠમાં વસ્યા છે. બપોરના બાર ને એકની વચ્ચે મોટી ભરતીમાં વળતાં પાણી થયાં ત્યારે એમણે દેહ છોડ્યો છે. એમણે ચોફાળ ખેંચ્યો, ફૂલ ઉપર આંગળાં ફેરવ્યાં અને નખ સામે જોઈને હસ્યા ત્યારે જ મને સમજાયું કે એમની છેલ્લી ક્ષણ આવી પૂગી. એમનું નાક ખાસ્સું ચપ્પુની ધાર જેવું તીણું હતું અને હરિયાળાં ખેતરોની વાત એમની જીભે હતી. એમને દિલાસો આપવા મેં તબિયતના સમાચાર પૂછ્યા ત્યારે ત્રણેક વાર એમણે ભગવાનનું નામ લીધું. મેં એમને સમજાવ્યું કે એમની આવરદા લાંબી હતી અને હજુ ભગવાનનું નામ લેવાની વેળા નહોતી આવી!’ આમ, વિધિપૂર્વક હાસ્યમૂર્તિ ફૉલસ્ટાફના અવસાનના સમાચાર શેક્સ્પિયરે નાટકમાં પ્રેક્ષકોને વિદિત કર્યો હોવા છતાં ફૉલસ્ટાફ વારંવાર જીવતો થયો છે. રાણી એલિઝાબેથની આજ્ઞાથી શેક્સ્પિયરે પોતે ‘વિન્ડસરની મનસ્વી નારી’ નામના નાટકમાં ફૉલસ્ટાફને ખેંચી આણ્યો છે. કળા ભાગ્યે જ સત્તાને વશવર્તી હોય છે એનો જાણે પુરાવો આપવો હોય તેમ શેક્સ્પિયરે કેવળ નામધારી ફૉલસ્ટાફને એ નાટકમાં રજૂ કર્યો છે. વિવેચકોને પાંચમા હેન્રીએ ફૉલસ્ટાફનો તિરસ્કાર કર્યો એ કૃત્ય કહ્યું છે. પરંતુ કવિ શેક્સ્પિયરની રીત સમજીએ તો સત્તાની જાગૃતિમાં કલ્પનાનું સ્વપ્ન ઊડી જાય છે એ કપરું સત્ય એણે રાજા હેન્રી અને ફૉલસ્ટાફના સંબંધમાં સાદર કર્યું છે. જ્યાં સુધી ફૉલસ્ટાફના આશક ન બનીએ ત્યાં સુધી ફૉલસ્ટાફ દૂષણોનો કેવળ ડુંગર રહે છે. પરંતુ અત્યંત સ્થૂળ કાયાવાળો સદૈવ નશાની વાત કરનારો, વીરશ્રી અને કૃતજ્ઞતાની હાંસી ઉડાવનારો, ધોળામાં ધૂળ નાખનારો ફૉલસ્ટાફ રાજકુમાર હૅમ્લેટ અને મહારાણી ક્લિયોપેટ્રાના જેવો જ શેક્સ્પિયરની સર્જકપ્રતિક્ષાનો શ્રેષ્ઠ અવતાર મનાયો છે. ‘રાજા જ્હૉન’ નાટકમાં મનમોજી ‘bastard’ જેવો મુક્ત જીવ રહ્યો છે તેવો જ સર્વતંત્ર સ્વતંત્ર ફૉલસ્ટાફ બન્યો છે. સમાજનો ભય, ધર્મનો ભય, રાજ્યનો ભય, આવતી કાલનો ભય, આવા ભયોની ભૂતાવળમાં સપડાયેલા આપણે બધાયે ભયથી પર એવા ફૉલસ્ટાફને સહેલાઈથી વીસરી શકતા નથી. ઇંગ્લૅન્ડના વરિષ્ઠ ન્યાયમૂર્તિએ જ્યારે ફૉલસ્ટાફના ધોળા વાળ તરફ ચીંધીને ઠઠ્ઠામશ્કરીથી દૂર રહેવાની સલાહ ફૉલસ્ટાફને આપી ત્યારે સત્વરે ઉત્તર મળ્યો હતો કે, ‘નામદાર, તમારા જેવા વૃદ્ધો અમારા જેવા યુવાનોના ઉલ્લાસને સમજી શકતા નથી.’ એણે એમ પણ કહ્યું હતું કે, જન્મથી જ એનું પેટ મોટું હતું અને એના વાળ ધોળા હતા. ફૉલસ્ટાફ એટલે મુક્ત જીવનનું સ્વાતંત્ર્ય. માટે જ ફૉલસ્ટાફ એટલે સબળ કલ્પનાની મૂર્તિ. મૃત્યુ પામેલા ફૉલસ્ટાફને ભોળી ક્વિકલી વૈષ્ણવ બાળ જોડે સરખાવે છે તેમાં અર્થ વસ્યો છે. જગત મોટેરાઓની દુનિયાદારી હોય છે, પરંતુ બાળકો માટેનું ક્રીડાંગણ. બાલક્રીડા નીતિ-અનીતિના વિચારોથી નિરપેક્ષ હોય છે. ફૉલસ્ટાફ દિવસ ઊગે ત્યારે ફરજ અને દેવાંની ચિંતા કર્યા વિના ઉમંગથી વળી એક વધારે દિવસ જીવવાની વૃત્તિ પ્રગટ કરે છે. જેમ અંગ્રેજ કવિ શેલી વિશે કહેવાયું છે કે જીવનના કર્દમ અને માલિન્ય વચ્ચે એક દેવદૂત જેવો એ પસાર થયો તેવી જ રીતે મયખાનાંઓમાં અને યુદ્ધક્ષેત્રે ક્રીડારત બાળક જેવો ફૉલસ્ટાફ પસાર થાય છે. જીવવું, એક ક્ષણ વધુ જીવવું એમાં એણે પાપ નથી માન્યું. એટલે જ કીર્તિના કે કાનૂનના ખોટા વશીકરણ અને ભયથી વીરગતિને પામતા માનવોનો એ ઉપહાસ કરે છે. નશાની આટલી બધી વાત કર્યા છતાં ફૉલસ્ટાફ ભાગ્યે જ પીધેલો જણાય છે. એણે નશો કર્યો છે હાજરજવાબીનો. સોમરસ જેને વ્યાપ્યો છે એવો વિપ્ર જેવી ઋચાઓ ફૉલસ્ટાફ અવશ્ય ઉચ્ચારે છે. પણ દુનિયાની આળપંપાળ અને દંભના પડદા ચીરતી સાર્થ ઋચાઓ એની જીભે વસી છે. રાજા સારો હોય ન હોય. પ્રજાએ જીવવું રહ્યું, અને જીવન સહ્ય બને છે ઉલ્લાસિત હોય ત્યારે. ધર્મદૃષ્ટિના જમાનામાં જીવ્યો હોત તો શેક્સ્પિયર એવું જીવન પરલોકમાં ઢૂંઢત. પરંતુ ‘ચોથો હેન્રી’ નાટકમાં નગરચર્ચા માટે નીકળેલા રાજા વિક્રમ જેવી શેક્સ્પિયરની કલ્પના જીવનનાં વાસ્તવોને નાણી નાણીને પ્રજાના અરમાનોનું મુક્ત જીવન ફૉલસ્ટાફમાં પ્રતિબિંબિત કરે છે. ‘If England be but to itself true.’ રાષ્ટ્રની ખુદવફાઈ અને જીવનના ઉલ્લાસનું વૈકુંઠદર્શન ફૉલસ્ટાફ મંડળીનાં દૃશ્યોમાં શેક્સ્પિયરે તવારીખી પ્રસંગોની પાર્શ્વભૂમિ સહિત ‘ચોથો હેન્રી’ નાટકોમાં સુરેખ બનાવ્યું છે. પંચેન્દ્રિયથી જે ભૂમિ અને પ્રજાને એણે હૈયું સોંપ્યું છે તે અનુરાગને રંગે હવે એણે તવારીખને રસી લીધી છે.