શ્રેષ્ઠ અનિરુદ્ધ/કૃતિ-પરિચય

કૃતિ-પરિચય


કિમપિ (૧૯૮૩)


વિવેચક-ગદ્યકાર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના આ 33 કાવ્યોના નાના સંગ્રહમાં હાઈકુ, મુક્તક જેવાં લઘુ કાવ્યો છે; ગીત-કાવ્યો છે; છંદ-કાવ્યો છે; પ્રવાહી માત્રામેળી કાવ્યો છે અને એ ઉપરાંત ટૂંકા અછાંદસ કાવ્યો પણ છે. એવા રૂપવૌવિધ્ય ઉપરાંત એક તરફ અનિરુદ્ધભાઈમાં કવિની નાજુક ઊર્મિશીલતા છે – જે ગીતોની જેમ અછાંદસમાં પણ વ્યક્ત થઈ છે (પીપળાની છાયા / મારા ખંડમાં હળવેકથી પ્રવેશે છે/ કર્ણને મળવા જતી કુન્તીની જેમ…); તો બીજી તરફ અદ્યતન કવિતાનું અિસ્તત્ત્વલક્ષી વિચાર-સંવેદન પણ છે. આ કાવ્યોમાં જ્યાં મૃત્યુસંવેદન આલેખન પામ્યું છે ત્યાં કવિનો એક નિજી રણકાર પણ અનુભવાય છે. (‘મારા મૃત્યુને ઢંઢોળીને મેં કહ્યું : ચાલ આપણે ફરવા જઈએ. પેલી નિશિગન્ધાની સુવાસ હવે મારાથી નથી ખમાતી.’)

એ બધાને કારણે, આ સંગ્રહમાં કાવ્યોની સંખ્યા અલ્પ હોવા છતાં એમાં કવિ-સંવિદનું ફલક મોટું છે. શબ્દ-પસંદગીની ચોકસાઈ એમની કવિતાને સઘન રાખે છે અને ભાષાનું પ્રવાહી અને મુલાયમ પોત એમની કવિતાને સુવાચ્ય અને આસ્વાદ્ય બનાવે છે. મોટાભાગનાં કાવ્યોમાં અન્ય સાથેનો, પ્રિય વ્યિક્ત સાથેનો, ઈશ્વર સાથેનો, મૃત્યુ સાથેનો સંવાદ છે – ને એવો જ જાત સાથેનો સંવાદ પણ છે.

એથી આ કવિતા તમને જીવંત અને પોતીકી લાગશે.


નામરૂપ (૧૯૮૧)


‘નામરૂપ’માં જાણે કે વાર્તારૂપે લખાયેલાં હોય એવાં ૧૯ ચરિત્ર-રેખાંકનો છે. યાદગાર બનીને વાચકના ચિત્તમાં બેસી જાય એવાં આ ચરિત્રોમાંનાં મનુષ્ય-પાત્રો મહદંશે ઉત્તર ગુજરાતના, લગભગ 1940-50ના સમયના ગ્રામલોકનાં છે; એકબે દક્ષિણ ગુજરાતના એવા જ તળપદ વર્ગનાં છે. અભણ-અકિંચન છતાં મનની સહજ સબળ શક્તિવાળાં, અને વિલક્ષણ વ્યક્તિત્વવાળાં આ મનુષ્યો જીવનના એક અલ્પપરિચિત આસ્વાદ્ય લોકને આપણી સામે મૂકી આપે છે. કઠણાઈઓ અને કરુણાંશો એમના જીવનનો અનિવાર્ય ભાગ હોવા છતાં આ મનુષ્ય-ચરિત્રો આપણા મનમાં કોઈ લાચારીનું કે દયાભાવનું ચિત્ર ઉપસાવતાં નથી –એમના એક સ્વાભાવિક, ઉષ્માવાળા જીવનપ્રવાહનો સ્પર્શ કરાવે છે.

એમાં એના લેખક અનિરુદ્ધભાઈનો આ વ્યક્તિચરિત્રો પ્રત્યેનો સહજ, સ્નેહભર્યો અને મનુષ્યહૃદયને સ્પર્શ કરતો સર્જકનો દૃિષ્ટકોણ મહત્ત્વનો બન્યો છે. પાત્રની રેખાઓને તાદૃશ કરી આપતી લખાવટે, અને ઉત્તર ગુજરાતની બોલીલઢણોને રસપ્રદ રીતે વાતચીત-સંવાદોમાં ગૂંથી લેવાની ફાવટે નામરૂપનાં આ પ્રસંગચિત્રો-વ્યિક્તચિત્રોને આસ્વાદ્ય બનાવ્યાં છે.

પુસ્તક રૂપે આવ્યાં એ પહેલાં અખંડ આનંદ સામયિકમાં આમાંનાં મોટાભાગનાં ચરિત્રો પ્રગટ થયેલાં ને ત્યારથી જ એમણે વાચકોનાં મન જીતી લીધેલાં. આમાંનાં ‘બાબુ વીજળી’ અને ‘ખોવાયેલો ભગવાન’ જેવાં ચરિત્રો શાળા-પાઠયપુસ્તકોમાં સ્થાન પામેલાં એ પણ એની સ્મરણયોગ્ય પ્રેરકતા અને સર્વભોગ્યતાને કારણે જ હશે.

આ ચરિત્રોનું વાચન સૌ માટે રસપ્રદ અને તૃપ્ત કરનારું બનશે એમાં શંકા નથી.

(પરિચય– રમણ સોની, મુખપૃષ્ઠ છબી સૌજન્ય – જગન મહેતા)