શ્રેષ્ઠ અનિરુદ્ધ/૧. હે સૂર્ય!

૧. હે સૂર્ય!


આવ, સૂર્ય,
લાવ મારા થીજી જતા લોહીમાં
તારા સાત સાત અશ્વોનો ભુવનવિજયી હુંકાર.

અધરાત જાગી જાગીને થાકી
ને થાકી થાકીને જાગી મધરાત.
વેદના નિશાચર પંખીનો ચિત્કાર બનીને
દિશદિશાન્તરે ઘૂમી વળી આખી રાત:
પ્રભા-પ્રભા-પ્રભાત!

સૂર્ય, આવ,
મારાં પોપચે તોળાયો ભાર
બિડાઈ ગયાં કમળપત્રની જેમ
પણ પુરાયેલા ભમરાને ક્યાં હતો જંપ?
આખી રાત જોયા કર્યા હજાર હજાર સૂર્ય!

આવ,
તારે ચરણે ધરું
પોયણાંનો શ્વેત પમરાટ
ચાંદનીનો આકાશી વૈભવ
રાતરાણીની મદીલી ગંધ
મરા વાડામાં સરી જતાં સર્પનો દર્પીલો ફુત્કાર.
તારકોની જ્યોતિલીલા —
પડ્યો છું
જડ જેવો
સ્વપ્નસ્થ જેવો
સમાધિસ્થ જેવો
કોઈ અણજાણ પર્વતની ગીચ તળેટીમાં,
મશાલનાં તેજ મને નહિ ખપે, સૂર્ય, નહિ ખપે!
આવ, જ્યોતિર્મય,
લાવ તારો હાથ મારા હાથમાં,
એક રણઝણ મારે રોમેરોમ
ને જાગી ઊઠે તરંગસ્મિત મારા સરોવરે.
અસીમનું આશ્વાસન તારાં કિરણે કિરણે
કરી દે મારી ધરતીને ધન્ય —
લોકલોકાન્તરથી આવ,
ભર્ગોના ભર્ગ, આવ!
હે પૂષન્, આવ!