શ્રેષ્ઠ અનિરુદ્ધ/૨. ડાર્લિંગ

૨. ડાર્લિંગ

મેં સારું કર્યું કે ખોટું તે હું આજ સુધી સમજી શક્યો નથી. કદાચ ક્યારેય નહીં સમજી શકું, કારણ કે હવે અમે મળવાનાં નથી. ધારો કે મળીએ તોપણ ‘કેમ છો?’ની કોઈક જુદી જ ભૂમિકા પર મળવાનું થશે. કદાચ ‘કેમ છે?’ કે ‘નમસ્તે’ પણ નહીં થાય. એના પતિ સાથે જતાં જતાં એ ત્રાંસી નજરે કોઈક વાર મારા તરફ જોઈ લેશે એટલું જ. એ પરણી ગઈ હશે કે કેમ તેની પણ મને ખબર નથી. વડોદરામાં હશે, મુંબઈમાં હશે, કલકત્તામાં હશે – મને કશી જ જાણ નથી. હશે કે નહીં હોય તેની પણ ખબર નથી. આખી રાત જ મનમાંથી કાઢી શકાતી નથી. આજે સવારે જ શિરીષનું ફૂલ જોઈને એની યાદ આવી. શિરીષ એને ખૂબ ખૂબ ગમે. તર્જની પરની વીંટીમાં શિરીષના ફૂલની ડાંખળી એ ભરાવી દે અને હાથ મારા નાક પાસે લાવી પૂછે  ‘કઈ સુવાસ વધુ ગમે છે?’ એને ભૂલવા માટે મારે શિરીષનાં બધાં વૃક્ષોને ધરાશાયી કરી નાખવાં પડે. પણ એટલેથી યે ક્યાં પતે એવું છે? વિશ્વામિત્રીના તટની રેતીને હું ક્યાં નાખી આવું? રેતી જોઈ નથી કે એણે પોતાનું નામ લખ્યું નથી. મોજાંની છાલક અને પવનની ઝાપટ કિનારા પર ફરી વળતી હશે, મારા તન સુધી હજી તે પહોંચ્યાં નથી. એટલે જ્યાં સુધી આ જગત છે અને જગતમાં હું છું ત્યાં સુધી એ મારા મનમાં છે. તો એને મળવા હું કેમ જતો નથી? સાચું કહું તો એની તપાસ કરવાનુંય મન થતું નથી. એ હોય ન હોય એ બધું હવે મારે મન સરખું છે. આ તો કોઈક વાર વિચાર આવી જાય કે મેં એને આશાભંગ કરી હશે? હું એને સમજી નહીં શક્યો હોઉં? મેં એને વિશે ગેરસમજ તો નહીં કરી હોય? કે એ હશે જ એવી? એક કુંડાળામાં મારો પગ પડતાં પડતાં રહી ગયો – એવું તો નહીં બન્યું હોય?

એનો પરિચય મને આકસ્મિક રીતે જ થયો. મારી ટેવ પ્રમાણે એક ઉનાળાની સાંજે હું કાફેમાં બેઠો હતો. સામે હિલોળા લેતાં હતાં સુરસાગરનાં પાણી. કાફેમાં ખૂણાની બારી પાસેની સીટ પર બેસું. મોટે ભાગે એકલો જ. કોઈક વાર કોઈ મિત્ર આવી ચડે તો વાતચીત થાય, બાકી એકલો બેઠોબેઠો કાફેની અંદરની અને બહારની દુનિયાને જોયા કરું. એક સાંજે એ ત્યાં આવી ચડી.

‘નમસ્તે.’

‘… … …’

નાજુક નમણો ચહેરો. ચહેરા પર રમતું સોહામણું સ્મિત. સોહામણી ડોક. ડોક હલાવીને વાત કરવાની અદ્ભુત છટા. ઉંમર છવ્વીસેકની. સોનલવરણી ગૌર કાયા.

‘ગઈ કાલે આપને સાંભળ્યા. લેખો તો ઘણા વાંચ્યા છે, સાંભળ્યા પહેલી વાર. તમે ચેખોવની ‘ડાર્લિંગ’નો ઉલ્લેખ કર્યો હતો, નહીં? આવું સાચોસાચ હોય?’

‘તમને શું લાગે છે?’

એ જરા નીચું જોઈને હસી.

‘તમારી પાસેથી જાણવું છે.’

‘તમે…’

‘રેખા. એક ડ્રગ કંપનીમાં સર્વિસ કરું છું. સાહિત્યનો શોખ છે. વિશેષ તો… હા, ફરવાનું ખૂબ ગમે. નદી, પર્વત, જંગલ, વરસાદ. પણ ગુજરાતી સમાજ ને એમાં મધ્યમવર્ગની છોકરી… હું બહુ બોલું છું, નહીં? રિઝર્વ રહેવાનું મારા સ્વભાવમાં નથી.’

‘બાય ધ વે, તમે શું લેશો?’

‘તમારો સમય.’

‘આપ્યો. પણ…’

‘કૉફી.’

થોડી વાર એની રેશમી સાડીની જેમ મૌન સરસર્યું. એણે આંખો મારી આંખોમાં પરોવી કહ્યું

‘કહો, ડાર્લિંગ…’

‘સાચું બનવા – ન બનવાનો પ્રશ્ન જ ખરેખર તો ઊભો નથી થતો. વાર્તામાં એ બને છે અને ખોટું પ્રતીત થતું નથી.’

‘પૂરા પ્રોફેસર. તૉલ્સ્તૉયે કરેલી ટીકાની ચર્ચા હવે આરંભશો નહીં. એવું બધું સાંભળવાની મારી જરાય તૈયારી નથી. મારો પ્રશ્ન એ છે કે એક વ્યક્તિ અનેકને એકસરખી ઉત્કટતાથી ચાહી શકે?’

‘વાર્તમાં એનો ઉત્તર છે.’

‘એ વાર્તા છે. મારે જીવનમાં ઉત્તર જોઈએ છે.’

‘એને જીવનમાં શોધવો જોઈએ.’

‘એટલે તમને પૂછું છું.’

પૂછવાથી જે ઉત્તર મળે તે એક વ્યક્તિ માટે કદાચ સાચો હોય, અન્ય માટે ન પણ હોય. જીવનમાં પોતે પોતા પૂરતો ઉત્તર શોધવાનો રહે.

‘મારા પ્રશ્નને તમે ટાળો નહીં.’

‘પ્રશ્ન ટાળતો નથી. પ્રશ્ન શોધનો છે.’

‘હું બહુ તડફડ કરી નાખું છું, નહીં? તમને ખરાબ તો નથી લાગતું ને? માફ કરજો, મારો સ્વભાવ જ…’

એનો પગ ટેબલ નીચે મારા પગને અડ્યો. તરત જ એણે સેરવી લીધો – જાણે કંઈ જ બન્યું નથી. બારીની બહાર થોડી વાર એ તાકી રહી. પછી ઊભાં થતાં કહે  ‘હવે એક રિસેપ્શનમાં જવાનું છે. તમને મળવા જ વહેલી નીકળી હતી. તમને ઘણી વાર અહીં બેઠેલા જોઉં છું. ફરી મળીશું.’

એને જતી હું જોઈ રહ્યો. બારણાની બહાર જતાં એણે એક વાર મારી સામે જોઈ લીધું.

આવી રીતે અનેક યુવકયુવતીઓ અને આધેડ વયનાં સ્ત્રી-પુરુષો મારી પાસે આવતાં હોય છે. પણ આ યુવતીએ મારા મનમાં ઝંઝાવાત જન્માવ્યો. ‘કહો, ‘ડાર્લિંગ’ શબ્દો એણે એવી રીતે ઉચ્ચાર્યા હતા કે એના અનેક પડઘા મારા મનમાં પડતા રહ્યા. બનવા જોગ છે કે એણે બહુ જ સહજર ીતે એ શબ્દો ઉચ્ચાર્યા હોય ને મારા મને એના બીજા અર્થો તારવવાનો ઉધામો આરંભ્યો હોય. પણ તો પછી જતાં જતાં એણે પાછું વાળીને જોયું તે શું? હું એને જતી જોઈ રહું છું કે નજર વાળી લઉં છું તે જોવા જ એણે પાછા ફરીને નહીં જોયું હોય? એટલે કે એની પાછું વાળીને જોવાની ક્રિયા માત્ર કુતૂહલથી નહીં પ્રેરાઈ હોય? પગને પગ અડ્યો તે શું? પણ એ તો અજાણતાંય ન અડે? આપણો પગ ટેબલના પાયાને નથી અડતો? શું હશે એના મનમાં?

એક સાંજે કમાટી બાગ તરફ હું જતો હતો ને મારી પાછળથી એક રિક્ષા આવીને ઊભી રહી. જોઉં તો રેખા.

‘ચાલો.’

‘કઈ તરફ?’

‘તમારે જવું હોય ત્યાં!’

‘પીછો કર્યો છે?’

‘તો આટલા દિવસ એકલા ન છોડ્યા હોત.’ આંખમાં નર્યું તોફાન.

‘તમારે મોડું થશે.’

‘કોઈ રાહ જુએ એવું નથી. અને તમારેય કોણ રાહ જુએ એવું છે?’

હું રિક્ષામાં બેઠો. રેખાનું કોઈ અદમ્ય આકર્ષણ મને ખેંચી રહ્યું હતું. આજે તો એનો વૈભવજ જુદો હતો. ચૈત્રની રાતે રાત-રાણીનો હોય છે એવો. એ ક્ષણે મને એવો વિચાર આવી ગયો કે રેખા પરણવાનો પ્રસ્તાવ મૂકે તો હા પાડી દઉં. કદાચ એ રાહ જોતી હશે કે પ્રસ્તાવ મારા તરફથી આવે. જોકે એટલો સંબંધ પણ હજુ ક્યાં કેળવાયો હતો? મારું મન, કોણ જાણે કેમ, પાછું પડતું હતું.

રિક્ષામાં એણે મારો હાથ એના હાથમાં લઈ લીધો. એનો સ્પર્શ મને ગમ્યો એટલે ટકવા દીધો. ધીમેથી એ બોલી  ‘કવિને જેમ શબ્દો, ચિત્રકારોને રંગ, સંગીતકારને સૂર એમ અમારે સ્ત્રીઓને સ્પર્શ.’

‘કંઈ સર્જો છો?’

‘મનમાં કંઈક સર્જાતું જાય છે.’

‘દેખાશે?’

‘જોતાં આવડે તો.’ કહીને એ મીઠું હસી.

ઝૂલતા પુલ પાસે રિક્ષા છોડી દીધી. કામનાથ મહાદેવની સામે જતા એકાંત રસ્તે ચાલવા માંડ્યું. એક ઘેઘૂર વડની નીચે બેઠાં. વિશ્વામિત્રીનાં પાણી વહી જતાં હતાં.

‘પાણીનો ને આપણો સંબંધ બંધાઈ ગયો લાગે છે. કાફેમાં મળ્યાં ત્યાં સુરસાગર અને અહીં વિશ્વામિત્રી.’

‘પાણીનું બીજુ નામ જીવન.’

‘પાણી ક્યારેય ન થંભે?’

‘થંભેલા લાગે ત્યારે પણ નીચે તો વહેતાં હોય.’

‘માનવીના મનનુંય એવું જ ને? ક્યારે કયા કિનારે થઈને વહેશે તેની શી ખબર પડે…’ કહીને એ મૂંગી થઈ ગઈ.

‘રેખા.’

‘હં.’

‘માત્ર બે મુલાકાતમાં આપણે ઘણાં આગળ નીકળી ગયાં હોઈએ એવું નથી લાગતું?’

‘બહારથી મુલાકાતો એકાદ-બે ગણી શકીએ. મનમાં તો કેટલી મુલાકાતો થતી હોય છે, અજય.’

પહેલી જ વાર એણે મારું નામ ઉચ્ચાર્યું. થોડી વાર મૂક રહ્યા પછી કહે  ‘કેટકેટલી મુલાકાતો તમારી સાથે થઈ છે તેની તમને ક્યાંથી ખબર પડે? પણ તમે આટલી સરળતાથી નજીક આવશો એવું નહોતું ધાર્યું. મારે એક એવો સંબંધ જોઈતો હતો જે…’

‘જે…’

‘આ સામે વાંસ ઊગ્યા છે તે જોયા? એમાં ઊંચામાં ઊંચા વાંસ પર કોઈ ફૂલ ફૂટ્યું હશે. જગત એને જોઈ શકતું નથી. મારે એના જેવો સંબંધ જોઈતો હતો. જે સમાજની દૃષ્ટિએ કશું જ ન હોય ને છતાં આકાશને માટે ઘણુંબધું હોય. તમે…’

‘એટલે?’

‘લેખકોને સમજાવવાનું ન હોય, અજય. વિચારજો.’ કહીને એ ન સમજાય એવું હસી. ઊઠ્યા ત્યારે મારા મનમાં શબ્દો તરતા હતા  ‘ક્યારે કયા કિનારે વહેશે તેની શી ખબર પડે…’

પછી અનેક વાર મળવાનું થયું. એક બપોરે એ રસ્તે મળી ગઈ. અમે નજીકના રૅસ્તોરાંમાં ગયાં. મારી પાસેનાં પુસ્તકો એ જોવા લાગી. વેઈટર એની પાસે મેનૂ મૂકી ગયો. મેનૂ લીધા પછી મારી આંખમાં આંખ પરોવીને એણે પૂછ્યું  ‘બોલો. શું ખવડાવો છો?’

એના શબ્દો ધીરે ધીરે મારા મનને ખોતરવા લાગ્યા. ‘શું ખવડાવો છો?’ – આવું તે કંઈ પુછાય? આ તો કૉલ-ગર્લની ભાષા છે, નહીં? ના, એણે સહજ રીતે જ એમ પૂછી લીધું હોય એમ કેમ ન બને? પ્રશ્ન પૂછીને એ હસી. એ સ્મિત મને વાગ્યું. કમાટી-બાગમાં મળેલી તે જ આ રેખા કે કોઈ બીજી? કદાચ મારા મનનો જ વાંક હશે. એણે તો સહજ રીતે જ પૂછી દીધું હોય એમ કેમ ન બને? જવા દો વાત.

કસાટા ખાતાં ખાતાં એણે પૂછ્યું  ‘કહો, ડાર્લિંગ…’

‘ડાર્લિંગ’માં રેખા, એક સરળ નારીની હૃદયવેદક કરુણતા છે.’

‘મારે એ નથી જાણવું.’

‘એક માનવી એકને ચાહ્યા પછી એટલી જ ઉત્કટતાથી અન્યને ચાહી શકે…’

‘હાં.’

‘સંસારમાં ઘણાં માનવીઓ પોતાની જાતને ચાહતાં હોય છે, અન્યને નહીં, એટલે અન્ય એક અને અન્ય બે કે ત્રણમાં એને ઝાઝો તફાવત નથી લાગતો…’

‘મેં મારી જાતને ચાહી છે એમ ન કહી શકું. મને તો લાગે છે કે અન્યને ખાતર હું જાતને વિખેરતી જાઉં છું.’

‘એટલે?’

‘મારી જાતને હું પામી શકતો નથી. પ્રતિપળ વિખેરાતાં જવાનો અનુભવ કરું છું. મારે એક એવો સંબંધ જોઈએ છે જે…’

‘જેને માત્ર આકાશ જ જોઈ શકતું હોય.’

‘હા.’

‘ધરતી જુએ તો કંઈ વાંધો?’

‘લોકની નજર મને ગમતી નથી.’

‘લોકમાં હું અને તમે બંને આવીએ છીએ.’

‘તમે અજય, ‘ડાર્લિંગ’ ને સમજી શકો છો, આ ડાર્લિંગને સમજી શકતા નથી. વિચારજો.’ કહીને એ ઊભી થઈ.

અમે રૅસ્તોરાંની બહાર નીકળ્યા કે તરત એણે પૂછ્યું  ‘બોલો, આજે મને ક્યાં લઈ જવી છે?’

મારી ભીતર કશુંક સળવળ્યું. દરિયાને ખબર ન પડે એમ કોઈ મરેલું માછલું સપાટી પર આવી ચડે એવી મારા હૃદયની સ્થિતિ થઈ. ‘ક્યાં લઈ જવી છે?’ ક્યાં જવું છે તારે? કોની કોની સાથે તું ક્યાં ક્યાં ગઈ હતી? હવે ક્યાં જવાનું બાકી છે? શું ખવડાવો છો? શું ખાવું છે તારે? ચાકોબાર? પાઈનેપલ? મટન-કરી? રસપૂરી? કાચી કાકડી? ચાંદો? સૂરજ? શિયાળુ શેરડી? મારાં હાડકાંનો રસ? કોણ જાણે મને શું થઈ ગયું તે એને કહી દીધું.’ આજે અગત્યનું કામ છે એટલે ફરી કોઈ વાર.’ ને એ ફરી કોઈ વાર આજસુધીમાં મેં આવવા દીધી નથી. એય સમજી ગઈ હશે. રસ્તે જતાં કોઈ એવી રિક્ષા મારી પાછળ આવીને ઊભી રહી નથી જેમાંથી રેખાએ મને કહ્યું હોય, ‘ચાલો.’

એનું વર્તન સહજ હશે કે ગણતરીપૂર્વકનું તે હું નક્કી કરી શક્યો નથી. શક્ય છે કે એણે સ્વભાવગત સરળતાથી જ ભાષાનો પ્રયોગ કર્યો હોય. પણ તો પછી ન સમજાય એવું હસી તે શું? માણસ છે તો હસે. એનાથી એવું હસાઈ ગયું હશે. એની સાથેનો મારો એક સંબંધ બંધાયો તે તો કેમ કરી તૂટવાનો છે? એ મને ગમી હતી અને નહોતીય ગમી. ન ગમી હોત તો અમે છૂટાં ન પડ્યાં હોત. ગમી હતી એ પણ ખરું, કારણ કે આજે પણ એની કેટલીક મધુર સ્મૃતિઓ મનમાં છે. એ બધી રીતે મિલનસાર છોકરી હતી. બાજુમાં હોય તો એના અસ્તિત્વનો જરાય ભાર ન લાગે. જાણે બાજુમાં એક ફૂલ ખીલ્યું હોય એવો અનુભવ થાય. પણ એક ક્ષણ એવી આવી ગઈ કે મારો રસ્તો ફંટાઈ ગયો. મેં સારું કર્યું કે ખોટું તે હું આજ સુધી સમજી શકતો નથી.

(સાહિત્ય, ત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૮)