શ્રેષ્ઠ અનિરુદ્ધ/૫. માનવીનાં રૂપ
જ્યારે રૂપાંને ખાટલે બાંધીને એની સાસુએ ભૂવા પાસે ડામ દેવડાવ્યો ત્યારે તો હદ થઈ ગઈ. ડાકલાના અવાજમાં રૂપાંની ચીસો ખોવાઈ ગઈ, પણ એની કાળઝાળ નજર ક્યાં ખોવાય એમ હતી? પતિ દેવીસિંગની સામે એણે એવી રીતે જોયું હતું કે જાણે એને હમણાં એ ઊભો ને ઊભો સળગાવી દેશે. રૂપાંની એ નજર જોઈને એના સાસુ જીવીબા ડઘાઈ ગયાં હતાં અને એમનો વહેમ વધુ ઊંડો ઊતર્યો હતો કે નક્કી રૂપાંને કોઈકે કંઈક કરી જ નાખ્યું છે. દેવીસિંગ સામેથી નજર ખસેડીને રૂપાંએ પોતાના એકના એક દીકરાને જોવા માટે ચારેકોર નજર ફેરવી, પણ એ ન દેખાયો. એણે વિચાર્યું કે પડોશીની ત્યાં ને લઈ ગયા હશે.
ના, હું નથી મરવાની, એક તો શું, સાત ભૂવા આવીને ડામ મારે તોય નથી મરવાની. આ એનો બાપ સાવ નરાધમ પાક્યો, નહિતર મારે આ બધું જોવાનુંય શેનું હોય? દેવીસિંગ, મેં તને કેવો ધાર્યો હતો અને તું કેવો નીકળ્યો! ના, તારું તો મોઢુંયે ન જોઉં. હું રૂપાં. હું કોની દીકરી એટલુંય તને યાદ નથી આવતું, દેવીસિંગ? ફટ્ ભૂંડા! દેવીસિંગની સામે ફરી એકવાર નજર નાખીને રૂપાંએ આંખ મીંચી લીધી.
રૂપાં હરતીફરતી થઈ પણ એના વર્તનમાં કંઈ ફેર ન પડ્યો. આમ જુઓ તો એનો કોઈ ઉપદ્રવ નહોતો. એ ક્યાં ગાંડી હતી? પણ પતિ અને સાસુને એ ગાંડી થઈ ગઈ હતી એ બાબતમાં સહેજેય શંકા નહોતી. કામ કરતાં એના હાથ એકાએક થંભી જતા અને એ ભીંતસામે કે આકાશ સામે જાણે કોઈ ગૂઢ લિપિ ઉકેલતી હોય તેમ, જોઈ રહેતી. ક્યારેક પોતાના દીકરા સામે ટગર ટગર જોઈ રહેતી. કોઈક વાર કલાડામાં રોટલો દાઝી જતો હોય તોય એને ભાન ન પડતું અને અગ્નિની જ્વાળાઓ સામે જોઈ રહેતી. એકવાર તો બળતા રોટલાની ગંધ આવતાં જીવીબા રસોડામાં ધસી આવ્યાં હતાં અને જોયું તો સાડલાનો છેડોય બળવા માંડ્યો હતો. ડોસીએ રાડારાડ કરીને છેડો હોલવ્યો, પણ તોય રૂપાં જાણે કંઈ જ બન્યું ન હોય તેમ બેસી રહેલી. આવું તો લગભગ રોજ બન્યા કરતું. જીવીબાનો જીવ તાળવે ચોંટ્યો હતો. એમને પાકો વહેમ હતો કે નક્કી મારા દીકરાની રૂપાળી વહુને કોઈકે કંઈક કામણટૂમણ કરી જ નાખ્યું છે, નહિતર સાવ આ દશા ન હોય. એમને થતું કે દીકરાની બાબરી ઉતરાવવા દેવું – રૂપાંને એકલાં મોકલ્યાં એ જ મોટી ભૂલ કરી. પોતે સાથે ગયાં હોત તો રૂપાંની આ દશા ન થવા દેત. માતાજીના સ્થાનકે જાતજાતનાં અને ભાતભાતનાં માનવીઓ આવે, કોઈની નજર કેવી હોય, કોઈની કેવી હોય, કોને ખબર પડે! સાધુબાવાઓય કંઈ બધા સરખા નથી હોતા. એવુંય બન્યું હોય કે આતવારનો દી હતો ને રૂપાંનો પગ ક્યાંક કૂંડાળામાં પડી ગયો હોય! ડોશી જાતજાતની કલ્પનાઓ કરતાં અને કંઈ ભૂલ થઈ ગઈ હોય તો માતાજીની ક્ષમા માગતાં.
દેવીસિંગનું નાનું ગામ, ધંધો ખેતીનો. ગામમાં મોટાભાગની વસતી જ ખેડૂતોની. થોડાંક ઘર વસવાયાંનાં. દેવીસિંગનું ઘર આબરૂદારનું, મોભાવાળું ગણાતું. ધાર્મિક કુટુંબ તરીકેની પણ આજુબાજુનાં ગામોમાં છાપ. દેવીસિંગ અલ્લડ જુવાનિયો હતો, પણ એની છાપ સારી. મેળામાં એને રાસ લેતો જોઈને અનેક યુવતીઓ મોહી પડતી. ગાડાં ગામતરે જવા સામટાં નીકળ્યાં હોય કે મેળામાં જવા નીકળ્યાં હોય ત્યારે દેવીસિંગનું ગાડું આગળ જ નીકળ્યું હોય. એની ધાક એવી કે એના તો શું, આજુબાજુનાં ખેતરોમાંય કોઈ ચોરી ન કરી શકે. દેવીસિંગને જ્યારે જુઓ ત્યારે એનું મોં હસતું જ હોય, સિવાય કે કોઈક શોકનો પ્રસંગ બની ગયો હોય. દીકરાને જોઈને જીવીબાનો જીવ કોળાતો. એમની આંખમાં, એમની ચાલમાં, એમની વાણીમાં એમના અંતરની પ્રસન્નતા જોવા મળતી. દેવીસિંગ પંદરેક વર્ષનો હશે અને એના પિતાનું અવસાન થયેલું. એ વાતને ત્રણેક વર્ષ વીતતા તો જીવીબાને દેવીસિંગ માટે પૂછવા ગામેગામથી કન્યાનાં માતા-પિતા આવતાં. પણ દેવીસિંગ વાત જ ટાળી દેતો. માને ડપકો પડ્યો કે દીકરાના મનમાં કોઈક વસી ગઈ છે! જીવીબાએ એક સાંજે તૈયાર થઈને બહાર નીકળતા દેવીસિંગને મોં મલકતું રાખીને પૂછ્યું ‘બેટા, કોઈ રાજકુમારી તો સમણે નથી ચડી ને?’ દેવીસિંગ માટે પ્રશ્ન અણધાર્યો નહોતો. એ મલકતો મલકતો બહાર નીકળી ગયો. રાત્રે પાછો આવ્યો ત્યારે જમી પરવાર્યા પછી માંડીમાં બેઠાં બેઠાં માએ ફરીથી વાત કાઢી ‘કંઈક કહે તો ખબર પડે.’
‘વખત આવ્યે કહીશ.’
અને વખત આવતાં વાર ન લાગી. વાંઘાની પેલી પારના ગામના જાણીતા ભગતની દીકરી રૂપાં સાથે સગપણ થયું ત્યારે દેવીસિંગના આનંદનો પાર ન રહ્યો. જીવીબાએ ત્યારે પુત્રને એક વચન કહ્યું હતું ‘બેટા, વીજળી જેવી કન્યા છે; શરત રાખજે! આંગણે ઊભી હશે તો આંગણું શોભશે, પણ વીજળીનાં તેજ તો જે સહન કરી જાણે એ જ જાણે.’ દેવીસિંગને થયેલું કે મા અમસ્તી ચિંતા કરે છે. એણે ટૂંકમાં પતાવ્યું ‘મા, હુંય મૂળુ ઠાકોરનો દીકરો છું.’ જીવીબાને પછી કંઈ બોલવા જેવું ન લાગ્યું. દેવીસિંગ મનમાં બોલ્યો ‘આજ લગી તો કોઈને માટે ગાડું તારવ્યું નથી.’
રૂપાં પરણીને આવી. એની ધમક ભરી ગર્વિલી ચાલ ગામલોક જોઈ રહેતું. જીવીબાને જીવતર સફળ થયું લાગ્યું. રૂપાની ઘંટડી જેવું રણકતું રૂપાંનું હાસ્ય આખા ઘરને ઝંકૃત કરી મૂકતું. વરસેક પછી દીકરાનો જન્મ થયો. જીવીબાએ યાદ દેવડાવી ‘વહુ બેટા, દીકરાની બાબરી એ પાંચ વર્ષનો થાય તે પહેલાં માતાજીની પાળે ઉતરાવવાની. એવું કરવઠું છે.’ પાંચેક ગાઉનો પંથ કાપીને માતાજીના સ્થાનકે જઈને બાબરી ઉતરાવવાની હતી.
સુખના દિવસોને જતાં વાર નથી લાગતી. દીકરો ચારેક વર્ષનો થયો એટલે સારો દિવસ જોઈને જીવીબાએ દેવીસિંગ-રૂપાંને પુત્ર સાથે માતાના સ્થાનકે મોકલ્યાં. બ્રાહ્મણો જમાડવાના હતા એટલે લાડવાના ડબ્બા જીવીબાએ જાતે ગાડામાં ગોઠવ્યા. બાકીની રસોઈ મંદિરે જઈને બનાવડાવવાની હતી. ભળભાંખળું થાય તે પહેલાં ગાડું ગામની બહાર નીકળી ચૂક્યું હતું. રસ્તે ભય જેવું કશું હતું નહિ; અને આમેય દેવીસિંગે કદી ભય જાણ્યો નહોતો. બપોર થતા પહેલાં તો ગાડું માતાજીના મંદિર પાસે પહોંચી ગયું. બાબરીનો વિધિ પતી ગયો એટલે સંકલ્પ મૂક્યા પ્રમાણે દેવીસિંગે બ્રાહ્મણોને આગ્રહ કરીકરીને જમાડ્યા, દક્ષિણા આપી અને સંતોષપૂર્વક વિદાય કર્યા. પણ એક બ્રાહ્મણને સંતોષ નહોતો. એ પાછળ પાછળ આવવા લાગ્યો. દેવીસિંગને ચીડ ચડી ‘મેં સંકલ્પ મુજબ સવા રૂપિયો દીધો. હવે એક પાઈ નહિ આપું.’ પણ સાંભળે એ બીજા! દેવીસિંગે કંટાળીને પાછા વળીને આંખ કાઢી. ‘દઈ દ્યો થોડા વધુ.’ રૂપાં બોલી. દેવીસિંગે જોડા નીચે એક કાંકરો જોરથી કચડી નાખ્યો. બ્રાહ્મણ પાછો વળી ગયો. પછી પતિ-પત્ની એક લીંબડાના વૃક્ષ નીચે જમવા બેઠાં. બંને વાત કરતાં જાય અને હસતાં જાય. રૂપાં તો પ્રસન્નતાનો અવતાર જાણે કે હતી. જમવાનું શરૂ કરે છે ત્યાં એક કાગડો વૃક્ષ પરથી બરાબર દેવીસિંગના ભાણામાં ચરક્યો. એ જોઈને રૂપાં હસી પડી. દેવીસિંગે આંખ ઉઠાવીને રૂપાંની સામે જોયું. જાણે એ પૂછતો હતો ‘રૂપલી, આમાં તને હસવા જેવું શું લાગ્યું?’ રૂપાંએ એ નજર ન જોઈ. દીકરાનું મોં જોવામાં એ તલ્લીન હતી. કેવો લાગતો હતો! બોકડા માથે કંકુનો સાથિયો શોભતો હતો. દેવીસિંગ એક બટકા સાથે જાણે કશુંક ગળી ગયો હોય એમ પાણીનો ઘૂંટ પી ગયો.
એને કળ વળે અને એક કોળિયો મોંમાં મૂકે ત્યાં તો એક વરવો ભિક્ષુક કોણ જાણે ક્યાંથી ટપકી પડ્યો. દેવીસિંગે એને હાથના ઇશારાથી ચાલ્યા જવાનું કહ્યું, પણ કંઈ અસર થઈ નહિ. કશું બોલ્યા વિના એ ઊભો રહ્યો. એની આંખમાં અસહ્ય ભૂખ હતી. કદાચ બોલવાના પણ હોશ નહોતા. એને ખસવું હશે તોય એ કદાચ ખસી નહિ શકતો હોય. એ રીતે એના પગખોડાઈ ગયા હતા. દેવીસિંગે એની સામે જોઈ ખસી જવા કહ્યું. કશી જ અસર ન થઈ. ભિક્ષુકને જોઈને બાળક રડવા જેવું થઈ ગયું. દેવીસિંગે એને ઘાંટો પાડીને ખસી જવા કહ્યું. ભિક્ષુકે કશું જ સાંભળ્યું ન હોય તેમ તે નિશ્ચલ ઊભો રહ્યો. આંખોથી જાણે લાડુને ખાઈ રહ્યો હતો. ડબ્બો ભરીને તો શું, બ્રહ્માંડ ભરીને લાડુ હોય તોય આ ભિક્ષકની ભૂખ નહિ ભાંગે એવી ભયંકર ભુખાળવી એની નજર હતી. દેવીસિંગ અકળાયો. એણે ડાંગ સંભાળી. રૂપાંએ એનો હાથ પકડ્યો અને એક લાડવો ભિક્ષુકને આપવા હાથ લંબાવ્યો. હજુ તો રૂપાંનો હાથ સહેજ લાંબો થવા જાય છે ત્યાં જ દેવીસિંગે તરાપ મારી લાડુ લઈ લીધો – ઊંચે આકાશમાંથી સમળી તરાપ મારીને પોતાના પંજામાં ઉંદર પકડીને ઝડપથી ઊડી જાય એ રીતે.
ભિક્ષુકે અટ્ટહાસ્ય કર્યું. શું બની ગયું તે રૂપાંને સમજાયું નહિ. એણે દેવીસિંગની આંખમાં આંખ પરોવીને જોયું. દેવીસિંગ ભિક્ષુકની પાગલ આંખ સામે પાગલ બનીને જોઈ રહ્યો હતો. રૂપાએ આ શું જોયું? આ દેવીસિંગ હતો? એ બીજો લાડુ કાઢીને ભિક્ષુકને આપવા ગઈ તો દેવીસિંગનો ચહેરો જોઈને છળી મળી ને લાડુ એનાથી ડબ્બામાં નંખાઈ ગયો. દેવીસિંગે રૂપાંની સામે જોયું અને દાંત ભીસ્યા ‘ચુડેલ…’
દાંતમાં કચડાયેલા શબ્દો રૂપાં ન સાંભળી શકી, પણ ભાવાર્થ ન સમજી શકે એવી દાધારંગી તો એ નહોતી જ. શું કરવું તે રૂપાંને સૂઝ્યું નહિ. દીકરાને એણે છાતી સરસો ચાંપ્યો અને ઊભી થઈ ગઈ.
‘કહું છું ઊભા થાવ.’ રૂપાંનો અવાજ ફાટી ગયો.
યંત્રવત્ દેવીસિંગ ઊભો થયો. કાળઝાળ નજરે એમે રૂપાં અને ભિક્ષક સામે જોયું. એક અક્ષર બોલ્યા વિના એણે ગાડું જોડ્યું. રૂપાં દીકરાને લઈને બેસી ગઈ. ગાડું ચાલ્યું. ફરીવાર ભિક્ષુકનું ભયંકર અટ્ટહાસ્ય સંભળાયું. ઘરે આવ્યાં ત્યાં સુધી ન તો રૂપાંએ એકાદ હરફેય ઉચ્ચાર્યો કે ન તો દેવીસિંગે! ગાડામાંથી ઊતરીને રૂપાં ખડકીમાં પ્રવેશી ત્યારે જીવીબા હરખાતાં હરખાતાં સામાં આવ્યાં. પણ આ શું? રૂપાંની આંખ જ આજે જુદી હતી. દેવીસિંગ ઢગલો થઈને ઓસરીમાં બેસી પડ્યો.
‘કંઈ થયું, ભાઈ?’
‘કાંઈ નહીં.’
‘પૂછો ભગવાનને.’ રૂપાં રુક્ષ સ્વરે બોલી. એના રણકામાં આવેલું બોદાપણું સ્વજનોને માટે અસહ્ય હતું. રૂપાં નખશિખ બદલાઈ ગયેલી હતી. દેવીસિંગનું એક બીજું રૂપ એણે જોઈ લીધું હતું. ના, આ મારો દેવીસિંગ નથી, નથી જ! મન-હૃદય સાથે એક તુમુલ યુદ્ધ મચ્યું હતું – તો, બ્રાહ્મણોને આગ્રહ કરી કરીને ખવડાવ્યું એ શું હતું? એ માત્ર ઉપરનું રૂપ હતું? દેવીસિંગનું ખરું, અંદરનું રૂપ તો એણે પાછળથી જોયું એ જ હતું? કદાચ એય સાચું ન હોય અને સાચું રૂપ તો કોઈક બીજું જ હોય, જે પોતે હજુ સુધી જોવા પામી ન હોય – વિચારમાં અને વિચારમાં રૂપાં કામ કરતાં થંભી જતી અને ભીંત કે આકાશ સામે જોઈ રહેતી. એને ભિક્ષુકનું અટ્ટહાસ્ય સંભળાતું અને આ ધરતી સાથેનો રૂપાંનો સંબંધ જાણે કે કપાઈ જતો.
અને જીવીબા! એમના મનમાં એક વિચાર ઊંડે ઊંડે ઊતરતો જ ગયો કે મારા દીકરાની રૂપાળી વહુને કોઈકે કંઈક કરી નાખ્યું છે. કૂંડાળામાંથી પગ બહાર કાઢવા એમણે ભૂવા-જતિઓનો આશ્રય લીધો! રૂપાંનું અંતર પોકાર પાડતું હતું – એક નહિ, અનેક ડામ દેવા હોય તો દઈ જુઓ, પણ તમને કંઈ જ વિચાર નથી આવતો? મારા માટેની લાગણી ક્યાં ચાલી ગઈ તે ડામ દેવડાવો છો? ડામ તો અંતરમાં ક્યારનોય લાગી ગયો, મારી મા! હવે આ બહારના ડામ શું કરવાના?
કોઈકવાર વિચારોમાં રૂપાં અટ્ટહાસ્ય કરી બેસતી અને ત્યારે પોતાના અવાજમાં એને પેલા ભિક્ષુકનો અવાજ ભળી ગયેલો સંભળાતો! એ છળી મરતી અને આંખમાં અગ્નિની જ્વાળાઓ ભભૂકી ઊઠતી.
એક રાત્રે ડોશીએ દીકરાને કહ્યું ‘બેટા, હું નહોતી કહેતી કે વીજળીને ઝાલવી સહેલી વાત નથી?’
દેવસિંગ શું બોલે?
(અખંડ આનંદ, ડિસેમ્બર, ૧૯૮૦)