શ્રેષ્ઠ અનિરુદ્ધ/૯. કોણે કહ્યું તને?

૯. કોણે કહ્યું તને?


મારા સોનેરી પ્રભાતને
પંખી એની ચાંચમાં ભરીને ઊડી ગયું
ત્યારથી હજાર હજાર સૂર્ય મારે રોમેરોમ જાગી ઊઠ્યા છે.
હવે કદાચ રાત પૂરી ન થાય તોપણ શું?
ઘનઘોર રાત ને ડોલતા ડુંગર
વીજળીના ઝબકારે દોરો પરોવી લે
ને વર્ષાનાં ટીપાંની ગૂંથી લે માળા.
માળા તો આરસના દેવનેય ચડે
ને સાગરના કાળા ખડકનેય ચડે
દરિયાદેવ તને કહેશે કે
કાળા ખડકને ને મારા નામને કશોય સંબંધ નથી.
તારા હોઠને ને મારા નામને ક્યાં કશોય સંબંધ હતો?
પણ હમણાંથી અસીમ સમયે મારા નામમાં રાફડો બાંધવા માંડ્યો છે
ને મારું નામ તો તારા વાંકાચૂકા અક્ષરની જેમ નદી પર વહ્યું જાય છે.
પણ નામને ને મારે શું?
આકાશને ક્યાં કશુંય નામ છે?
સમુદ્રને અરબી કહો કે રક્તકરબી કહો
તેથી શો ફેર પડે?
ના, મારે કોઈનો ભૂતકાળ બનીને જીવવું નથી.
દૂરનું નક્ષત્ર બનીને ચમકવાનું મને ન ગમે —
એના કરતાં તો નદી બનીને વહી જવું સારું નહિ?
તે જ મને કહ્યું હતું;
વંટોળિયાને છાની વાત ન કહેવાય.
ને તેથી જ તને કહું છું :
ઝરણાં સાથે દોસ્તી ન બંધાય.
આડત્રીસ વર્ષથી સતત મેં ચાલ્યા કર્યું છે.
ને સતત સમુદ્રે ઝરણાને સમજાવ્યા કર્યું છે :
ખારાશને ને જીવનને ક્યાંય કશોક સંબંધ છે.
પણ તેથી રોજ પ્રભાતના પહેલા કિરણને પુછાય નહિ પ્રશ્ન.

પવનના વાવાનો શો અર્થ છે?
ફૂલના ખીલવાનો શો અર્થ છે?
પાણાના વહેવાનો શો અર્થ છે?
એવો જ કંઈક હશે મારા નામનો અર્થ?
અર્થ ને ઢર્થની છોડો આળપંપાળ
ને ચાલો — ઘણાં ચઢાણો બાકી છે હજુ —
મારા પગલાંનો અવાજ સાંભળે છે તું?
ના. વિચારમાં ખોવાઈશ નહિ.
આપણે જે પર્વત પર ચડીએ છીએ
તે જ્વાળામુખી છે એવું કોણે કહ્યું તને?