શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/ખિસકોલીબ્હેન ઊઠ્યાં…
ખિસકોલીબ્હેન ઊઠ્યાં…
ખિસકોલીબ્હેન ઊઠ્યાં,
ઊઠ્યાં એવાં રૂઠ્યાં!
પીએ નહીં પાણી,
ખાય નહીં ધાણી.
સૅન્ડલ પગમાં પ્હેરે નહીં,
ડગલું આગળ મેલે નહીં.
નિશાળનો તો વાગ્યો ઘંટ,
નહીં એમનો છૂટે તંત.
આંબાભાઈ તો કેરી લાવ્યા
ખિસકોલીબ્હેન: ઊંહું!
પીપળાભાઈ તો કૂંપળ લાવ્યા,
ખિસકોલીબ્હેન: ઊંહું!
રાયણરાયા રાયણ લાવ્યા,
એ જ એમનું ઊંહું!
વડદાદા બહુ ટેટા લાવ્યા,
ઊંહું કેવળ ઊંહું!
છેવટ આવ્યા લીમડાભાઈ,
નવલી લાવ્યા એક નવાઈ.
મુઠ્ઠી જેવી ખોલી,
દેખી એક લીંબોળી.
રીસ બધી ઝટ છોડી,
ખિસકોલી લીંબોળી લેવા
ઠેક મારતી દોડી…
હસતાં રમતાં લીંબોળી લઈ,
ખભે લગાવી દફતર,
લટકેમટકે ખિસકોલીબ્હેન
લેવા ચાલ્યાં ભણતર!