શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૦૫. વરસાદી રાતે

૧૦૫. વરસાદી રાતે


વરસાદી રાતે
પહાડમાંથી ઝરણાં ફૂટતાં હતાં;
હું શાન્ત હતો.
ઘેરાતી રાતે
જ્યારે આંખો ઝમી
ત્યારે મારી અંદરનો આખો પહાડ
અશાન્ત હતો.
ધોધના અવાજથી હું ભેદાયો નહોતો,
ભેદાયો હું આંખોમાંથી સ્રવતી શાન્ત ધારાથી.
દરિયાનાં તોફાનો વચ્ચે
અવિચલ રહેતો મારો ધ્રુવ
હવે તો આંખ મીંચી ગયો…
ને માછલીભરી જાળ દરિયામાં ફગાવી
મેં મારી હોડીને ખેંચાવા દીધી
પેલી બુઝદિલ દીવાદાંડીના ખડકાળા ચરણ તરફ…
કાંઠે રહીને વિવશ ભીંજાવા કરતાં
મઝધારે મોજાતા રહેવું બહેતર છે…

૯-૭-૨૦૦૪
૧૪-૯-૨૦૦૪

(ચિદાકાશનાં ચાંદરણાં, ૨૦૧૨, પૃ. ૧૨૯)