શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૫. બચુમિયાં બૅન્ડવાળા

૧૫. બચુમિયાં બૅન્ડવાળા


અમારું ગામ આમ તો નાનું, પરંતુ પડખેના શહેર કરતાં અમારે મન તો કંઈ કેટલાયે મહિમાવાળું; કેમ કે અમારા ગામમાં ‘હસીના બૅન્ડ કંપની’ હતી તે પડખેના શહેરમાં નહોતી અને એ કંપનીની બોલબાલા અમારા ગામમાં જ નહીં, આસપાસના વિસ્તારમાં અને પડખેના શહેરમાંયે હતી. લગનગાળાની સિઝન હોય ત્યારે તો ‘હસીના બૅન્ડ કંપની’ના માલિક બચુમિયાંને બોલવાનીયે ફુરસદ ન હોય. સિઝન દરમિયાન રોજની બે-ત્રણ વરદી તો હોય જ હોય.

અમારા બચુમિયાં બૅન્ડમાસ્ટર અમારા ગામના ગૌરવ રૂપે છાપે નહિ ચઢેલા; પરંતુ એમનું નામ તો અમારા ગામમાં સૌના હોઠે બરાબર ચઢેલું જ. બચુમિયાં સર્વાનુમતે અમારા ગામનું ગૌરવ. તેઓ જ્યારે ક્લૅરિનેટ વગાડે ત્યારે સૌને થતું બસ, જાણે સાંભળ્યા જ કરીએ! બચુમિયાં પોતે પણ ક્લૅરિનેટ વગાડતાં એના સૂરમાં ઊંડે ઊંડે ક્યાંક ખોવાઈ જતા જાણે! તેઓ જાણે પોતાને જ માટે એ ન વગાડતા હોય! આ બચુમિયાં બૅન્ડ વગાડે ને ગામનાં બાળકો એમની આસપાસ ન હોય એમ બને? બચુમિયાં બાળકોને જોતાં બૅન્ડમાં ઓર ખીલતા ને તેથી જ બાળકોને મન બચુમિયાં બહુ મોટી ‘ચીજ’ હતા. ગામનાં બાળકોને પૂછો કે મોટા થઈને તમારે શું થવું છે? તો મોટા ભાગનાં બાળકોનો જવાબ એક જ આવે: ‘બચુમિયાં!’

બચુમિયાંના બાપ દરબારગઢમાં પટાવાળા. નાનકડા બચુને એ દરબારની સંગીતની મહેફિલમાં અવારનવાર તેડી જાય અને ત્યારથી બચુમિયાંને સંગીતનો નાદ લાગેલો. બચુમિયાં નાના હતા ત્યારે એમની રમતોમાં ‘બૅન્ડ બૅન્ડ’ રમવાનું તો આવે જ. જાડા પૂંઠાની કે કોઈ જૂની કોઠીના ઢાંકણાની પડઘમ બનાવાય. પોલી ભૂંગળીઓની પિપૂડીઓ થાય ને બૅન્ડ જોરશોરથી ગજવવામાં આવે. બપોરી વેળાએ એ વાગે ત્યારે કંઈકની ઊંઘ વિખાય ને કોઈ કોઈ તો વઢવાયે નીકળે. એક વખત દરબારસાહેબ કાશી-મથુરાથી આવ્યા ત્યારે બચુમિયાંને માટે એક પિપૂડું લાવેલા. ત્યારે બચુમિયાંનો જે આનંદ હતો તેની તો વાત જ શું કરવી! બચુમિયાં ખાતાં-પીતાં, ઊઠતાં-ઊંઘતાં પિપૂડાને જોડે જ રાખે. નિશાળે જાય ત્યારે દફતરમાં ચોપડીઓ સાથે પિપૂડુંયે હોય જ. ધીમે ધીમે બચુમિયાંનો પિપૂડા પર હાથ બેઠો. પિપૂડામાંથી હવે ધાર્યાં ગીતો વગાડતા. એ પછી વાંસળી વગાડવાનું શીખ્યા ને પછી તો દરબારસાહેબનીયે કેટલીક ગીતરચનાઓ એમણે વાંસળીમાં બેસાડી. દરબારસાહેબના આનંદનો પાર નહિ. એમણે તુરત વડોદરા એક બૅન્ડ કંપનીમાં બચુમિયાંને ભરતી કરાવી દીધા ને ત્યાં રહીને બચુમિયાંએ બૅન્ડમાંનાં બધાં વાદ્યો શીખી લીધાં.

એ પછી બચુમિયાંને પોતાની જ બૅન્ડ કંપની કાઢવાનો વિચાર આવ્યો. બાપને એ અંગે વાત કરી; બાપે દરબારસાહેબને. દરબારસાહેબે બચુમિયાંને બૅન્ડ વસાવવા વગર વ્યાજે જરૂરી મૂડી ધીરી ને બચુમિયાંએ પોતાની એક ‘ઇલેવન’ ખડી કરી દીધી. આ બૅન્ડમાં પડઘમ, સાઇડડ્રમ, બ્યૂગલો, ઝાંઝ, ક્લૅરિનેટ વગેરે જરૂરી મુખ્ય વાદ્યોનો સમાવેશ થતો હતો.

બચુમિયાંએ પોતાની આ બૅન્ડ કંપનીનું નામ ‘હસીના બૅન્ડ કંપની’ રાખ્યું. હસીના એમની બીબીનું નામ. સુંદર અને હસમુખી. એ નામ બચુમિયાંના બાપે જાણ્યું ત્યારે તેમનેય જરા આંચકો લાગ્યો. બચુમિયાં વડીલોને શું લાગશે એની પરવા કર્યા વિના પોતાની બીબીનું નામ બૅન્ડની કંપનીમાં જોડવાની બેઅદબી કરે? પણ પછી એમણે પંડે પોતાના મનનું સમાધાન કરી લીધું. પરિવારના બીજા વડીલો બે-પાંચ દહાડા બબડીને શાંત થઈ ગયા ને હસીના સાથે જ ‘હસીના બૅન્ડ કંપનીએ સૌનો સ્નેહ જીતી લીધો.

બચુમિયાંએ ‘હસીના બૅન્ડ કંપની’ને ઠીક રીતે સજાવેલી. સૌના માટે ખાખી પાયજામો ને ઉપર જાંબલી કોટ. માથે પઠાણી શૈલીની છોગાવાળી લાલ પાઘડી. સૌને બૂટમોજાંયે ખરાં જ. પોતાનો કાળો સૂટ અલગ. પોતે કોટમાં ગુલાબનું ફૂલ ખોસે ને ફૂલનો હાર પણ જો લગ્નવાળાઓએ પોતાને પહેરાવ્યો હોય તો તે ગળામાં લટકતો જ રાખે! વળી કોટ પર માનચાંદ ને પિત્તળનાં પૉલિશ કરેલાં બોરિયાં ચમકતાં હોય. બચુમિયાંની આખી છટા જ રુઆબભરી, એમાં પાછું પોતાના સૂટ પર અત્તર લગાડે. આંખમાં સુરમો આંજે ને મૂછની અણીઓને વળ ચઢાવીને અક્કડ બનાવે. પછી તેઓ ખુમારીથી આમતેમ નજર કરતાં ક્લૅરિનેટના સૂર છેડે. તેઓ ચાલતા જાય, બૅન્ડનેય ચલાવતા જાય ને સાથે આખા વરઘોડાનેય જાણે એ જ ચલાવતા હોય એવું લાગે. બાળકોને તો વરઘોડામાં વર કરતાંયે આ બચુમિયાં બૅન્ડવાળાનું વર્ચસ્ સવિશેષ વરતાતું.

બચુમિયાંને કંઈ બારે મહિના ને બત્રીસે દહાડા બૅન્ડ વગાડવાનું રહેતું નહિ. વચગાળામાં થોડા થોડા આરામ-વિરામનાયે ગાળા આવતા ને ત્યારે બચુમિયાં આણી કંપની બીડીઓ વાળવાના કામમાં લાગતી! બચુમિયાં એમની ઘરની ખુલ્લી ઓસરીમાં બેઠા હોય, અલકમલકની વાતો ચાલે ને સાથે બીડીઓ વળાતી જાય. બચુમિયાંની આંગળીઓ જે ચપળતા ક્લૅરિનેટ પર દાખવતી તેથી જરાયે ઓછી ચપળતા બીડીઓ વાળવામાંયે દેખાડતી નહોતી. બીડીઓ વાળતાંયે બચુમિયાં જાણે ક્લેરિનેટના સૂરને રમાડતા ન હોય! જોકે અમને તો બીડીઓ વાળતા બચુમિયાં કરતાં બૅન્ડમાસ્ટર બચુમિયાંનું જ ઝાઝું આકર્ષણ હતું.

બચુમિયાં બીડીઓ સેંકડોને હિસાબે વાળતા; પણ બીડીનું ઠૂંઠુંયે મોંમાં મૂકતા નહીં. તેમને તમાકુનું તો કોઈ વ્યસન નહોતું. ચા પીતા ને એના દિવસના પાંચ-સાત કપ તો સાચા જ. જમવા કરતાંયે ચા તેમની વધારે તીવ્ર જરૂરિયાત હતી. બીબી હસીના બચુમિયાંની ચાની આદતથી ચિડાતી; પરંતુ તેથી કંઈ વળતું નહિ. છેવટે બીબીએ ચા-ખાંડ ઓછી ને દૂધ વધારે – એ ઢબે ચા બનાવવા માંડી – ભલે ને પછી બે કપ વધારે પીએ! બપોર પડે ને બીબી પરવારીને બચુમિયાં પાસે ચાની ઍલ્યુમિનિયમની કીટલી લાવીને મૂકે. બચુમિયાં ઉપરાંત ત્યારે ઓસરીમાં જે કોઈ બેઠા હોય તે સૌને ચાની રકાબી ધરે. સૌ પી લે પછી જો ઘૂંટડો ચા વધી હોય તો પોતેય પીએ ને પછી એય બચુમિયાં સાથે બીડીઓ વાળવામાં લાગે.

બચુમિયાં સાંજ પડે એટલે બીડીઓની થપ્પી કરી આઘી મૂકે ને પછી ક્લેરિનેટ કાઢે. મા જેટલી ચીવટ ને ઊલટથી બાળકની કાળજી- માવજત લે એટલી જ ચીવટ ને ઊલટથી બચુમિયાં ક્લેરિનેટની કાળજી- માવજત લેતા. એક પછી એક બધાં વાદ્યો સાફ કરે. સૌને વગાડી જુએ. એ પછી નવાં નવાં ગાયનોની તરજ વાજામાં બેસાડે. પોતાના સાથી બૅન્ડવાળાઓનેય તરજ બેસાડવામાં મદદ કરે. દોઢ-બે કલાક કે ક્યારેક તેથીયે વધારે સમય એમાં જતો; પણ ન તો બચુમિયાંને કે ન તો આ બધી ક્રિયા-પ્રક્રિયા રસપૂર્વક નિહાળતાં બાળકોને એનો કંટાળો આવતો.

બચુમિયાંને બાળક નહોતું તેથી કે ગમે તે કારણે પણ બાળકો બહુ વહાલાં. હસીનાયે પડોશનાં બાળકોને લાવે ને રમાડે. બાળકોને જોતાં બચુમિયાં બે-પાંચ તરજ વધારે વગાડે. કોઈ વાર વાદ્ય વગાડતા બચુમિયાંને ખૂબ ઉત્સુકતાથી નીરખતા બાળકને બચુમિયાં પંડે જ વાદ્ય વગાડવાને આપતા. પેલું બાળક વાદ્ય વગાડવા મથતું ને કદાચ કોઈક રીતે વાદ્ય વાગતું તો બાળક સાથે બચુમિયાં પણ રાજીના રેડ થઈ જતા.

આ બચુમિયાંને કામનો કંટાળો કે થાક જરાય નહીં. કામ કરતા જાય ને સૌનાં સુખદુઃખમાં પોતાનો સમભાવ ઉમેરતા જાય. પોતાની આવક ઓછી; પણ નેકી ને ઉદારતા ઘણી. દરબારના લેણાના હપ્તા નિયમિતપણે ભરાવા જ જોઈએ. પોતાના કોઈ સાથીદારને પૈસાની ભીંસ હોય તો તેમનો હાથ ખિસ્સા તરફ વળે જ. તેઓ કહેતાઃ ‘ભાઈ, બધું અલ્લાનું છે. એ માગે છે ને એ જ આપે છે. આપણે તો મારફતિયા ફક્ત.’ તેઓ જ્યારે કોઈને દુઃખમાં મદદ કરી શકતા ત્યારે લાગણીમાં ગદ્ગદ થઈ જતા, અલ્લાની બંદગીમાં લાગી જતા. આ બચુમિયાંને જીવનમાં એક ઉમેદ હજયાત્રાની હતી. પહેલાં પોતાનાં માબાપ ને ત્યાર બાદ હસીના અને પોતે હજયાત્રાએ જશે એવી એમની ઝંખના હતી. એ માટે ટૂંકી આવકમાંથીયે પાંચ પૈસા હજ માટે આઘા મૂકવાનું એ કરતા; હસીનાયે શક્ય કરકસર કરી એમને આ કામમાં ટેકો કરતી.

આ બચુમિયાંને ગરીબ-તવંગર સૌ બોલાવે. ગરીબને ઘેર કેટલીક વાર તો કશુંયે લીધા વિના એ બૅન્ડ વગાડી આવતા. તવંગરને ઘેર તેમનો બૅન્ડનો ‘ચાર્જ’ વધી જતો ને તેય પાછું તવંગરને મોઢામોઢ જણાવતા. ‘તમે ખર્ચી શકો એમ છો એટલે હું આટલા રૂપિયા તો લઈશ જ.’ ને મોટા ભાગે તો સૌ બચુમિયાંની માગણી કબૂલતા જ.

બચુમિયાંને ગામમાં ગમે તે કોમના સામાજિક કે ધાર્મિક કાર્યક્રમો હોય — અનેકમાં જવાનું થતું. શિવરાત્રિના ઉત્સવમાં જાય ત્યારે મહાદેવની આરતીયે તેઓ બૅન્ડમાં વગાડતા. વૈષ્ણવ મહારાજને પધરાવવા સામૈયું થાય ત્યારે તેમાં દયારામની ગરબીઓના ઢાળ તેઓ બૅન્ડમાં બજાવતા. નવરાત્રિ-દશેરામાં માતાના ગરબાની તરજોયે એમનું બૅન્ડ સંભળાવતું. ને મુસલમાનોના તાજિયા-તાબૂત એમના બૅન્ડ વિના તો ચાલે જ નહીં! દરબારમાંયે બચુમિયાંના બૅન્ડની બોલબાલા; પણ બચુમિયાં દરબારસાહેબ પાસેથી બૅન્ડના પેટે પૈસોય લે નહીં. છેવટે દરબારસાહેબ કોઈ આડકતરી રીત અજમાવતા: બચુમિયાંને ઘેર ઘઉંની ગૂણ ને ગોળનો રવો કે બે- પાંચ થેપાડાં કે ચાદર — એવુંતેવું કાંઈક પહોંચતું કરતા. એ પ્રેમની બક્ષિસનો સ્વીકાર કરતાં બચુમિયાંની આંખો ભીની થઈ જતી.

આ બચુમિયાંને કોઈનીયે ટીકા-ટિપ્પણી કે ખોદણી જરાય ન ગમે. એમનો સ્વભાવ જ એવો હતો, બોલછા જ એવી હતી કે સૌને એમના માટે સ્વાભાવિક જ સદ્ભાવ જાગતો. એમને ન તો કોઈની વકીલાત રુચતી, ન તો કોઈના કાજી થવું ગમતું. પોતે ભલા ને પોતાનું કામ ભલું. જે કાંઈ કરવું એ પ્રેમથી કરવું, હસતાં હસતાં કરવું એ જ એમની જીવનની એકમાત્ર હિકમત, એકમાત્ર ફિલસૂફી. આથી ગામ આખાના હૃદયમાં શિયાળુ સવારના હૂંફાળા તડકાની જેમ એ ફેલાઈ ગયેલા.

બચુમિયાંને જીવનમાં કોઈનીયે સામે જાણે રાવ-ફરિયાદ નહોતી. સૌના પ્રતિ એ ઋણભાવ અનુભવતા. એમની પાસે જે કોઈ આવે એ હસતો હસતો પાછો જાય એ જ એમને ગમતું. જાતભાતની વાતો જમાવે. કિસમકિસમનાં અત્તરોની વાતો છેડે; એટલું જ નહીં, ઉત્સાહથી એ અત્તરો કાઢી કાઢીને બતાવે ને થોડા લસરકાયે કપડાં ને શરીર પર પાડી મીઠા મઘમઘાટથી મનબદનને ભરી દેવાનો ખાનદાનીભર્યો એક રંગીન ઉપક્રમ પણ એ રચે. કેટલીક વાર તો એમના સાંનિધ્યમાં બેસનારને પ્રશ્ન થતો: ‘આ મઘમઘાટ એમના અત્તરછાંટ્યા બદનનો છે કે મનનો?’ કદાચ બંનેનો – એ જ સાચો ઉત્તર હતો!

બચુમિયાં પાતળી રાઢીના, ઊંચા, મજબૂત ને શ્યામ છતાં જોવા ગમે એવા. ટટાર ચાલે ને ઊભા રહે પણ એમ જ. જીવવા-રહેવાની એમની ઢબ જ અનોખી. કોઈ લખનવી વિનય, કોઈ નવાબી ઠાઠ એમની ચાલચલગતમાં, બેઠક-ઊઠકમાં સહજતયા જ ઝળહળતો લાગે. સૌને એમનામાં વિશ્વાસ. ગામની વહુવારુઓ પણ બેધડક એમની સાથે વાતચીતમાં ઊતરતી, કેમ કે એમની નજરમાં પાક વિશ્વાસની ચમક હતી; મેલાપણું તો લેશ પણ નહીં.

આવા બચુમિયાંને ઘરે એક વાર ભાઈના લગ્નનો પ્રસંગ આવ્યો. એમાં બૅન્ડનો પ્રશ્ન આવ્યો. અમને તો એમ કે બચુમિયાં જ બૅન્ડ બજાવશે, ઘરનું લગન ને ઘરનો ગોર! પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે બહારગામનું બીજું જ બૅન્ડ આવ્યું. બચુમિયાં એ બૅન્ડવાળાઓની જે કાળજી રાખે…! એ દિવસે બચુમિયાં અને એમના સાથી બૅન્ડવાળાઓ સાજનની રીતે મહાલ્યા. પેલા બૅન્ડવાળા પૂરી શક્તિથી બૅન્ડ વગાડતા હતા; પરંતુ એમાં બચુમિયાંના બૅન્ડની કાબેલિયત અને નજાકત નહોતી જ – ને આમ છતાં બચુમિયાં બહુ પ્રસન્નતાથી એમને દાદ દેતા હતા. છેવટે એમને પોતાના ગજા પ્રમાણે સારો સરપાવ આપીને બચમિયાંએ વિદાય કરેલા. આસપાસની બૅન્ડની દુનિયામાંયે આ રીતે બચુમિયાંની છાપ સારી.

આ બચુમિયાંની બૅન્ડમાં જેમ મુસલમાન તેમ હિન્દુ બિરાદરોયે હતા. બૅન્ડમાં એમના પછીની જગા સંભાળનારો જે દોસ્ત તે મગન મોભી માતાજીનો ચુસ્ત ભક્ત હતો. નોરતાં કરે ને રથ પણ કાઢે. એને બચુમિયાં માટે અનહદ માન. એક વાર બચુમિયાં એને કહે: ‘મગન, લગનમાં બૅન્ડ વાગે એમ મૈયતમાંયે એ વાગવું જોઈએ. બરોબર રંગ રહી જાય.’ મગન ત્યારે હસતાં હસતાં કહે, ‘પણ તમારા જેવા વગાડે તો મડદામાંયે પાછો જીવ આવે ને બેઠું થઈ જાય!’ ને આ મજાક બંનેએ બરોબર માણેલી. પણ એ પછી એક વાર મગને ગંભીરતાથી પૂછેલું, ‘હેં બચુચાચા, તમારી કોમમાં મૈયતમાં બૅન્ડ વગાડી શકાય? ત્યારે એમના સ્વભાવ અનુસાર લાક્ષણિક જવાબ આપેલો: ‘કેમ ન વગાડી શકાય? ખુદાને તો બધી પાક વસ્તુઓ ગમે. બૅન્ડ કંઈ નાપાક નથી!’ એ વાત એટલેથી રહી ને પછી કેટલાંક વરસ વહ્યાં.

બચુમિયાં ગામમાં એકાએક ફાટી નીકળેલા કૉલેરાના રોગમાં ઝડપાયા. અનેક ઉપાયો છતાં બચવાની આશા નહોતી. એમની હજની ઉમેદ અધૂરી રહી હતી. ત્યારે મગને કહ્યું, ‘ચાચાનું તો જીવન જ હજ જેવું હતું.’ ને એણે તો મનથી નક્કી કર્યું, બચુમિયાને ‘હાજી’ કહેવાનું! આ ‘હાજી’ બચુમિયાંનો જનાજો નીકળ્યો ત્યારે મગન મોભીની આગેવાની હેઠળ એમાં બૅન્ડ પણ જોડાયું. સૌ વ્યવસ્થિત રીતે નીચા મુખે ચાલતા હતા. વાદ્યો મૂંગાં હતાં ને સાથે જ વાદ્ય બજાવનારાઓ પણ. બૅન્ડ ત્યારે વાગતું નહોતું ને છતાં હૃદયને વીંધી નાખે એવી અસર એના મૂંગાપણાની થતી હતી. સૌ કબ્રસ્તાનમાં બચુમિયાંની દફનક્રિયા બાદ પાછા ફર્યા. ત્યાર બાદ સૌએ ખુદાની બંદગી કરી. બચુમિયાંનો બધો પાકવિધિ પૂરો થયા બાદ મગન મોભીએ પેલા મૂંગા બૅન્ડને હુકમ આપ્યો: ‘વન… ટુ… થ્રી…’ બૅન્ડ હચમચી ઊઠ્યું. વાગ્યું; પણ એમાં અનેકનાં હૃદયનાં ડૂસકાં જાણે ઘૂંટાતાં હતાં. ક્યાંક સૌની વચ્ચે રહીને બચુમિયાં જ બૅન્ડને ચલાવતા ન હોય! એમની ક્લૅરિનેટનો અવાજ હવામાં ઘૂમરાતો હતો જાણે! પળ વાર તો મનેય થઈ આવ્યું, ક્યાંક આટલામાં જ બચુમિયાં હોવા જોઈએ. બચુમિયાં એમની ‘હસીના બૅન્ડ કંપની’ આટલી સહેલાઈથી છોડી શકે? એ તો કોઈક રીતે એમની કંપનીમાં હાજર હોય જ, હાજર છે જ.

(ચહેરા ભીતર ચહેરા, પૃ. ૨૦-૨૭)