શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૨. મન ખવાતું જાય છે...

૨. મન ખવાતું જાય છે...


મન ખવાતું જાય છે…
સૂર્ય આંખોમાં ઘસાતો જાય છે,
મન ખવાતું જાય છે…

પ્રત્યેક પલ આ ટાંકણીની જેમ ભોંકાતી જતી,
વાટ ઊંડી શૂન્યતાનો શેરડો પાડી જતી,
હાથ બે મળતાં વચાળે બરફ બસ, પીગળી રહ્યો,
ચાર આંખે બદ્ધ અવકાશે હવે તો
ચંદ્ર કોઈ હાડ હાડ ગળી રહ્યો!
આંસુ મારી નજરને ચોંટ્યું : ઊખડતું એ નથી!
હાથ પહોળા થૈ શકે પણ,
કોઈ પંખીનું ગગન ખૂલતું નથી.

હર ઘડી લાગ્યા કરે :
ઘણ-ઘાવ કો ચાલી રહ્યા – હું સાંભળું;
કોઈના હૈયે ઊંડે ઊતરી રહ્યો ખીલો
– અને એ હું કળું!

ફૂલની આંખે ભીતર જે વેદના,
કંટકોની ટોચ પરથી ઊભરે;
ચૂચવે છે ચક્ર, એનો જે ઘસારો,
એકધારા શ્વાસમાં આ નીતરે.

ડગલે અને પગલે
ઊંડે આ રક્તમાં ફાટી પડેલા વૃક્ષનું
પાન શાખાથી વિખૂટું થાય છે;
ભીતરે અંધારમાં ઝૂલતું અમરફળ કોકનું
પિંગળાની ભૂખથી ભરખાય છે;
મન ખવાતું જાય છે…

(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૫)