સંકેતવિસ્તાર/રંગદર્શી વિવેચનનો અભિનવ ઉન્મેષ

રંગદર્શી વિવેચનનો અભિનવ ઉન્મેષ

(અનુભાવ, લે. નલિન રાવળ)

વિવિધ શૈલીની આધુનિક કવિતાનો તેમ જ વિવિધ અભિગમોવાળી આધુનિક વિવેચનાનો જેમને નિકટનો સંપર્ક રહ્યો હોય એવા તરુણ સાહિત્યકારો જ્યારે આપણી કવિતાનું વિવેચન કરવાનું સ્વીકારે છે, ત્યારે તેઓ કેવો અભિગમ લે છે તે જોવાનું રસપ્રદ બની રહે છે. આવી પ્રવૃત્તિ કરનાર વિવેચક વ્યક્તિ પોતે કાવ્યના સર્જનમાં પરોવાયેલી રહી હોય તો તેની વિવેચનામાં કશુંક સંગીન રણકાદાર વસ્તુ નીપજી આવે, અને આપણને પ્રભાવિત કરે એમ બને છે. આપણા નવી પેઢીના કવિ-વિવેચક નલિન રાવળની વિવેચનામાં આવી જ કશીક સંગીન રણકાવાળી વસ્તુનો સ્પર્શ થાય છે. ‘અનુભાવ’ તેમના વિવેચનલેખોનો પ્રથમ સંગ્રહ છે. (આ પૂર્વે ‘પાશ્ચાત્ય કવિતા’ નામનો તેમનો અભ્યાસગ્રંથ પ્રગટ થયેલો છે. ‘અનુભાવ’ના નિવેદનમાં તેમણે નોંધ્યું છે તે પ્રમાણે, અંગ્રેજી-અમેરિકન કૃતિઓ વિશેનાં તેમનાં વિવેચનો ગ્રંથસ્થ થવામાં છે.) છેલ્લા દાયકામાં કે તેથી કંઈક વધુ સમયગાળામાં જુદાં જુદાં નિમિત્તે, તેમણે જે કાવ્યવિવેચનો લખ્યાં તેમાંથી આપણી ભાષાના કેટલાક અગ્રણી કવિઓની કવિતા વિશેનાં તેમ જ કાવ્યચર્ચાનાં, એમ કુલ તેર વિસ્તૃત લખાણો અહીં રજૂ કર્યાં છે. આ રીતે કવિ ક્લાન્ત, કાન્ત, કલાપી, બળવંતરાય, ન્હાનાલાલ, સુન્દરમ્‌, ઉમાશંકર, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત અને પ્રિયકાન્ત મણિયાર – એ કવિઓની કાવ્યપ્રવૃત્તિ વિશેની વિવેચના અહીં જે વ્યવસ્થિત ક્રમમાં મુકાઈ છે, તેમાંથી સહજ જ આપણી અર્વાચીન કવિતાની ગતિવિધિનો જાણે કે એક રસપ્રદ આલેખ મળી જાય છે. પણ, એથીયે વિશેષ રસપ્રદ બાબત તો એ છે કે, આ સર્વ કૃતિ-વિવેચનોમાંથી નલિનની કવિતા વિશેની વિશિષ્ટ વિભાવના પ્રગટ થતી જોઈ શકાય છે. ‘કવિતામાં પ્રતીક’ અને ‘કવિતાનું કામ’ – એ બે અંતના કાવ્યવિચારણાના લેખોમાં તેમણે જે સૈદ્ધાન્તિક ભૂમિકા રજૂ કરી છે, તેનું જ અનુસંધાન તેમનાં આગળનાં કૃતિવિવેચનોમાં થયેલું છે. એ રીતે, ‘અનુભાવ’માં વિવેચનદૃષ્ટિની એકતા અને આંતરસંગતિ તરત આપણું ધ્યાન ખેંચે છે. વળી, નલિને આપણી કવિતાનાં સૂક્ષ્મ સૌન્દર્યતત્ત્વોને પ્રગટ કરી આપવાનો પોતાની રીતે એક સમર્થ પ્રયત્ન એમાં કર્યો છે. એક જીવંત કવિની ઉત્કટ સંવેદનશીલતા સાથે સૌમ્ય કાન્તિવાળી વિદ્વતાનો સારો યોગ એમાં થવા પામ્યો છે. કવિતાને જોવા-પામવાની તેમણે આગવી સૂઝસમજ કેળવી છે, એટલે તેમનાં આ વિવેચનોમાં ઘણે સ્થાને તાજગી, રુચિરતા અને રસાર્દ્રતાનો અનુભવ થાય છે. આપણી અત્યારની વિવેચનામાં નલિનનો નરવો અને ગરવો વિવેચકસ્વર નોખો તરી આવે છે. પૂરી ગંભીરતાથી કવિતા વિશે તેમણે ચિંતવ્યું છે : કવિતાની એક શુભ્રોજ્જ્વલ પ્રતિમા જાણે કે તેમણે પોતાની દૃષ્ટિ સમક્ષ રાખી છે. વળી કવિતાના રહસ્યની વાત કરતાં ઘણીયે વાર તેઓ આધ્યાત્મિક પરિભાષા યોજવા પ્રેરાયા છે. ખાસ તો સર્જનની પ્રક્રિયા, શબ્દની ગતિ અને લયની ચર્ચા કરતાં તેઓ રહસ્યવાદ પ્રતિ ઝોક ધરાવતા હોય એમ પણ તરત સ્પષ્ટ થઈ આવશે. એ રીતે કશીક આધ્યાત્મિક ભૂમિકાનું તેમાં ચોક્કસ અનુસંધાન જોઈ શકાશે, તેમની વિવેચનાની ભૂમિકા કેટલાંક અસ્તિવાચક મૂલ્યો પર નિર્ભર છે એમ પણ જોઈ શકાશે. બીજી રીતે કહીએ તો વિશ્વજીવન, વિશ્વપ્રેમ અને વૈશ્વિકલય જેવી બાબતોમાં આધ્યાત્મિક ભૂમિકાનો સ્વીકાર કરી લઈને તેઓ ચાલતા રહ્યા છે. સમાજ, સંસ્કૃતિ અને પરંપરાઓનો વિદ્રોહ નહિ, તેના શુભ અંશોનો પુરસ્કાર અને પરિષ્કાર કરવાનું બળવાન વલણ તેમણે કેળવ્યું છે. દરેક યુગનો પ્રમુખ કવિ પોતાના સમાજનો સંદર્ભ અને પોતાના સાહિત્યની પરંપરાઓને આત્મસાત્‌ કરીને ચાલે છે એમ તેઓ કહે છે. મહાન કવિની તેમની પ્રતિમા કંઈક આવી છે : “આખીય ભાષાને જીવ્યો હોય, કાવ્યપરંપરામાં જે ઊછર્યો હોય, આજને જે કાલના અનુસંધાનમાં જોઈ શકતો હોય, તે જ કલ્પનાથી અનુપ્રાણિત થયેલી શુદ્ધ સમજ વડે આ વિરાટ વિશ્વગ્રંથના રહસ્યને કંઈક ઉકેલી શકે, તે જ નવ્ય કવિતામાં નૂતન સંદર્ભમાં શબ્દને પ્રતિષ્ઠિત કરી શકે.” (પૃ. ૨૧૯) ‘કવિતામાં પ્રતીક’ અને ‘કવિતાનું કામ’ – એ બે લેખની સૈદ્ધાંતિક ચર્ચાનું અવલોકન કરતાં એમ જણાશે કે, તેમની કાવ્યવિભાવના વિશેષતઃ આધુનિક યુગના પણ પ્રશિષ્ટ પરંપરાના મહાન કવિઓની વિચારણથી પ્રેરાયેલી અને પ્રભાવિત થયેલી છે. અસ્તિત્વવાદી કળા, વિચાર કે માનવ્ય પરિસ્થિતિ વિશેના નિરાશાવાદી દર્શનની એવી કોઈ ઊંડી અસર એમના કાવ્યવિચારમાં દેખાતી નથી. નિત્શે, કાફકા કે કામૂ કરતાં એલિયટ, ઑડેન કે યીટ્‌સ તરફ તેમની દૃષ્ટિ વિશેષ મંડાયેલી દેખાય છે. અલબત્ત, આધુનિક વિવેચનમાંથી કવિકર્મ, ભાષાની સર્જકક્ષમતા, લયસંવાદ, પ્રતિરૂપ અને પ્રતીક આદિના ખ્યાલો તેમણે પુરસ્કાર્યા છે, પણ તેમની કાવ્યભાવના કેવળ ‘આકૃતિ’નિર્માણમાં બંધાઈ જતી નથી. કવિતાને સર્વથા એકાકી ઘટના રૂપે તેમણે સ્વીકારી જ નથી. કાવ્યલય અને તેના રહસ્યમય અંશની વાત કરતાં, સહજ જ, તેઓ કવિચિત્તની સર્જકતાના પ્રશ્નોય છેડે છે; અને એ સાથે જ, તેમનો રહસ્યવાદ પ્રતિ ઝોક એકદમ સ્પષ્ટ બની જાય છે. કવિતાના ઉદ્‌ગમમાં કવિચિત્તનો મૂળભૂત લય કારણભૂત છે, એમ તેઓ કહે છે : “લય કવિના રક્તમાં ફરતું તત્ત્વ છે. એના આત્મામાં પ્રકાશતું સત્ય છે, અને જે ક્ષણે કવિ આંતરબાહ્ય વિશ્વના સંપર્કમાં મુકાય છે તે જ ક્ષણે તે વૈશ્વિક લયસંચલનને અનુભવે છે. લયસંચલનની આ ક્ષણે કવિ નિજના અસ્તિત્વનો સમગ્ર કાલ અને અવકાશના સંદર્ભમાં તીવ્ર અનુભવ કરે છે. પ્રથમ ભૂમિકાએ લયાનુભૂતિની પરાકાષ્ઠાએ, એટલે કે કાવ્યના જન્મની ક્ષણે, કવિના અસ્તિત્વનો લોપ થાય છે. બીજી રીતે કહીએ તો, આત્માનુભૂતિની અવસ્થાને કવિ જ્યારે વળોટી જઈ એ આત્મભાવમાંથી સર્વાત્મભાવ પ્રત્યે ગતિ કરે છે તે જ ક્ષણે કાવ્યનું વિશિષ્ટ રૂપ બંધાતું આવે છે, અને જે ક્ષણે કવિ સર્વાત્મભાવ સિદ્ધ કરે છે તે જ ક્ષણે ‘અભૌમદ્યુતિ’થી ઝળહળતું કાવ્યનું લયસ્વરૂ૫ પૂર્ણપણે પ્રગટ થઈ આવે છે, જેનું ઉદ્‌ગમબિંદુ સર્વત્ર સભર વહેતા વૈશ્વિક લયમાં રહેલું છે. આ અર્થમાં લયાર્થ કાવ્યનો સૂક્ષ્માર્થ છે. કાવ્યલય મનુષ્યમાત્રનો આત્મલય છે અને ઉત્તમ કવિતા આપણને આત્મલયની ઊંડી પ્રતીતિ કરાવે છે. આમ, કવિતા માત્ર કવિની જ નહીં, મનુષ્યમાત્રની લયાત્મક આત્મકથા છે.” (પૃ. ૨૧૯–૨૦) ‘કાવ્યલય’ના ખ્યાલને અહીં જે રીતે ‘વૈશ્વિક લય’ જોડે સાંકળવાનો પ્રયત્ન તેમણે કર્યો, તે નિકટતાથી અવલોકન માગે છે. વિશ્વના સંચલનમાં કેન્દ્રીય શક્તિ તરીકે પ્રવર્તતી કોઈ આદિચેતનાનો અહીં નિર્દેશ જણાય છે. આ ‘વૈશ્વિક લય’ની સાથે કવિચિત્તમાં સુષુપ્ત પડેલી ‘વિશ્વસ્મૃતિ’ (યીટ્‌સને અભિમત the great memoryના ખ્યાલનો પ્રતિધ્વનિ)ને તેઓ સાંકળી લેતા દેખાય છે. કવિચિત્તમાંની આ ‘સ્મૃતિ’ જ નવાં નવાં રૂપો ધારણ કરીને કવિતામાં પ્રગટ થાય છે. વળી કોલરિજના કલ્પનાના સિદ્ધાંતને પણ તેમણે અહીં પુરસ્કાર્યો છે. કવિના સર્જનના મૂળમાં રહેલી એ વિશિષ્ટ ચૈત્યશક્તિ જ કૃતિમાં ‘અખંડ રૂપદર્શક તત્ત્વ’ રૂપે ક્રિયાશીલ બને છે, અને તેમાં સમગ્રતયા પ્રવર્તી રહે છે. ‘કાવ્યલય’ આમ મૂળભૂત રીતે ચેતનાના ગહનતમ સંચલનો જોડે સંકળાયેલો છે. આ ‘લય’, ‘સ્મૃતિ’ અને ‘કલ્પના’ ત્રણેય વળી ક્યાંક રહસ્યના પ્રાંતમાં સંધાઈ જાય છે. કાવ્યનું સર્જન એ રીતે એક રહસ્યમયી ચૈતસિક ઘટના છે : કવિતાનો શબ્દ જે વિશુદ્ધ કવિસંવિત્‌માંથી જન્મે છે, ત્યાં વૈશ્વિકલય, વિશ્વસ્મૃતિ અને આદિમ કલ્પનાશક્તિનું રસાયન વહેતું હોય છે. નલિન આથી કાવ્યાત્મક શબ્દનું અસાધારણ ગૌરવ કરવા પ્રેરાયા છે : “ત્રિકાલમાં એક જ ક્ષણે રમતો, ત્રણે કાળને સર્વાશ્લેષમાં લઈ વિહરતો, અને અતીત સાંપ્રત અને ભાવિનાં પારસ્પરિક પરિમાણોને અતિક્રમી જઈ ચિરંતન સાંપ્રતમાં પ્રગટતો કવિનો શબ્દ એના અંતરતમ સ્તરમાં વહેતા પરમ રસ પ્રતિ લઈ જાય છે.” (પૃ. ૨૧૮) કવિના શબ્દનો ઉદ્‌ગમ અને વિલય આમ અંતરના રહસ્યપૂર્ણ પ્રાંતમાં થાય છે. કવિ આથી જે ભાષા પ્રયોજે છે તે દ્વારા લોકભાષાની શુદ્ધિ ચાલતી રહે છે. કવિના શબ્દની અંતિમ ગતિ તો આ રીતે લૌકિકતાના સીમાડા વળોટી અનિર્વચનીય મહામૌનના ઇંગિત તરફની સંભવે છે. નલિનની આ પ્રકારની કાવ્ય વિભાવના સ્પષ્ટતયા રહસ્યવાદની છાયા ઝીલે છે : એમાં તેમનો એક પ્રકારનો રોમેન્ટિક અભિનિવેશ જોઈ શકાશે. કવિ ક્લાન્ત, કાન્ત, કલાપી, બળવંતરાય કે ન્હાનાલાલની જે રચનાઓ તેમણે વિવેચન માટે સ્વીકારી છે તેમાં પણ તેમની આ રોમેન્ટિક વૃત્તિ તેમને એ કવિતાઓમાં (અને તેના કવિઓમાં) આધ્યાત્મિક કે રહસ્યવાદી અર્થઘટન કરવા પ્રેરે છે. કાન્તનાં ખંડકાવ્યોનું આ રીતે નવી દૃષ્ટિએ અર્થઘટન કરવાનો તેમણે જે પ્રયત્ન કર્યો છે તે પણ આ સંદર્ભમાં વિચાર માગે છે. તેમણે ખંડકાવ્યોમાં નિષ્પન્ન થતા કરુણનું રહસ્ય સ્પષ્ટ કરવાને પોતીકો એવો અભિગમ સ્વીકાર્યો છે. વિશ્વપ્રકૃતિના સંદર્ભે ‘આત્મપ્રેમ’, ‘પ્રણયવૈષમ્ય’ અને ‘શરીરધર્મ’ વિશેની આગવી આધ્યાત્મિક ભૂમિકા બાંધવાનો અહીં તેમણે પ્રયત્ન કર્યો છે. પણ કાન્તનાં ખંડકાવ્યોમાં વિભિન્ન સંદર્ભે પ્રગટ થયેલી કરુણતાને તે કેટલે અંશે સમજાવી શકે એ એક પ્રશ્ન છે. સહદેવ-દ્રૌપદી, પાંડુ-માદ્રી અને ચક્રવાક-ચક્રવાકી ત્રણેયના સંયોગો નિરાળા છે. નિયતિ કે શાપનું તત્ત્વ દરેકમાં જુદી જુદી રીતે પ્રવર્તે છે; એટલે, ત્રણેય ખંડકાવ્યના કરુણ વિશે એક સર્વસામાન્ય ભૂમિકાએથી વિચારવાનો તેમણે જે પ્રયત્ન કર્યો તેમાં તેમને કદાચ ઝાઝી સફળતા મળી નથી. પણ આ દૃષ્ટાંતને બાજુએ રાખીએ તો પણ, અન્ય કવિઓની કૃતિઓ વિશે વિવેચન કરતાં તેમણે પ્રસંગે પ્રસંગે જે રીતે આધ્યાત્મિક પરિભાષાઓ પ્રયોજી છે, તે બાબત પણ ચર્ચાસ્પદ બની રહે એમ છે. તેમની કાવ્યવિવેચના આવે પ્રસંગે ઓછીવત્તી ધુમ્મસિયા પરિવેશમાં ઢંકાઈ જતી જણાય છે. તેમની વિવેચનાને જો કોઈ સીમા નડી હોય તો તે તેમના આ પ્રકારના રોમેન્ટિક ઉદ્રેકમાંથી જન્મતી વાણીની સંદિગ્ધતા છે. પણ નલિનના કાવ્યવિવેચનમાં સુભગ રમ્ય અંશો ઘણા છે. ‘શુદ્ધ કાવ્યાનુભૂતિ’નો સ્વીકાર કરીને તેઓ ચાલ્યા છે. કાવ્યાત્મક શબ્દની શ્રુતિ છંદોલય, આંતરતંત્ર, પ્રતિરૂપ, પ્રતીક અને સર્જકતા વિશેની તીવ્ર અભિજ્ઞતા તેમણે કેળવી જણાય છે; એટલે કાવ્યની રમણીયતાનો તેઓ જે રીતે સૂક્ષ્મતાથી પરિચય આપે છે તે ઘણી વાર સંતર્પક વસ્તુ બની રહે છે. અહીં ગ્રંથસ્થ કરેલાં વિવેચનોમાં, બાલાશંકરની પ્રસિદ્ધ કૃતિ ‘કવિ ક્લાન્ત’, કાન્તનાં ખંડકાવ્યો અને ‘ઉપહાર’, બ.ક.ઠા.નું પ્રસિદ્ધ સૉનેટ ‘ભણકારા’, સુન્દરમ્‌ની રચના ‘૧૩-૭ની લોકલ’, ઉમાશંકરની કૃતિઓ ‘છિન્નભિન્ન છું’ અને ‘શોધ’, તેમ જ રાજેન્દ્ર શાહની ‘આયુષ્યના અવશેષે’, ‘શ્રાવણી મધ્યાહ્‌ને’ અને ‘શેષ અભિસાર’ – વિશેનાં વિવેચનો જે તે કવિઓની પ્રતિનિધિરૂપ કહી શકાય એવી રચનાઓને અનુલક્ષે છે; જ્યારે કલાપી, નિરંજન અને પ્રિયકાન્તની બાબતમાં તેમની સમગ્ર કાવ્યપ્રવૃત્તિને અવલોકવાની તેમની નેમ રહી છે. આ રીતે વિવેચ્ય વિષય તરીકે સ્વીકારેલી કવિતાનો વ્યાપ ભલે ઓછોવત્તો રહ્યો હોય, નલિનનો મુખ્ય પ્રયત્ન તો જે તે કવિની પ્રમુખ રચનાઓ દ્વારા તેમની સર્જકતાનું રહસ્ય તાગવાનો રહ્યો દેખાય છે. એમાં પણ કૃતિનો લય, શ્રુતિ, શબ્દપ્રતીક કે પ્રતિરૂપ પરત્વેની તેમની ઉત્કટ અભિજ્ઞતા તરત જ ધ્યાન ખેંચે છે. કાન્તમાંથી ‘સરિત’, ‘કુસુમ’ વગેરે, કલાપીમાંથી ‘રસ’, ‘પ્રેમ’, ‘આર્દ્રતા’ વગેરે, બ.ક.ઠા.માંથી વળી ‘કુસુમ’, ‘રેવા’ આદિ, અને ન્હાનાલાલમાંથી ‘ચંદ્ર’ આદિ ‘રહસ્યઘન’ શબ્દો લઈ તેમણે એ કવિઓના સંવિત્‌ને તાગી જોવાના પ્રશસ્ય પ્રયત્નો કર્યા છે. વળી કાન્તની કવિતા માટે તેમની પોતાની જ રચનાઓમાંથી ‘અનુભવતણું ધ્યાનમાં ચિત્ર આવે’ અને ‘ચિત્ર સંગીત થાય’ જેવી સૂચક પંક્તિઓ લઈ, તેના પ્રકાશમાં એ કવિની સર્જકતા પામવાનો પ્રયત્ન કર્યો છે. વિવેચ્ય કૃતિનું ‘આંતર તંત્ર’ તેઓ કેવી રીતે તપાસે છે તેનું ઉત્તમ ઉદાહરણ બ.ક.ઠા.ના ‘ભણકારા’નું વિવેચન છે. અલબત્ત, આ કવિઓની મર્યાદાઓ તેઓ નથી જાણતા એવું નહીં, પણ તેમનો મુખ્ય આશય એ કવિઓની સર્જકતાની ગતિ સમજવાનો રહ્યો દેખાય છે, અને એ માટે પ્રસ્તુત કૃતિ (કે કૃતિઓ) જોડે આંતરિક સંબંધ ધરાવતી એ જ કવિઓની અન્ય મહત્ત્વપૂર્ણ કૃતિઓની પણ તેઓ વાત કરે છે. કવિતાના શબ્દના નાદતત્ત્વ વિશે તેમ જ તેના છંદોલય વિશે પણ તેઓ એટલી જ અતિ સંવેદનપટુતાથી નોંધ લે છે. અનુષ્ટુપ જેવો એકનો એક છંદ કાન્તના ખંડકાવ્યમાં, ન્હાનાલાલના ‘પિતૃતર્પણ’માં, સુન્દરમ્‌ની ‘૧૩-૭ની લોકલ’માં કે પ્રિયકાન્તની ‘ચાલતાં ચાલતાં’માં કેવી અવનવી મુદ્રા ધારણ કરે છે તે પણ તેઓ નિહાળી લે છે. વળી પ્રસંગે પ્રસંગે કવિપ્રતિભાનો વિશેષ કે તેની સર્જકતાના અનન્ય ઉન્મેષને નોંધતાં અનેક માર્મિક નિરીક્ષણો તેઓ આપે છે. આમ, કવિ ક્લાન્તથી પ્રિયકાન્ત સુધીની આપણી કવિતાના અંતરનાં ઘણાં રહસ્યો જાણે કે તેઓ ખુલ્લાં કરી આપે છે. એક કવિવિવેચક તરીકે તેમની સૂક્ષ્મ સંવેદનશીલતા અને તેમની તીક્ષ્ણ ગ્રહણશીલતાનો આ વિવેચનોમાં સતત પરિચય થાય છે. એટલે જ આ વિવેચનોમાં હૃદ્યતા અને ઋજુતાનો અનુભવ થાય છે. ‘અનુભાવ’ની વિવેચના આપણી આજની વિવેચનામાં એક વિશિષ્ટ ઉન્મેષ છે. એમાં એના કવિવિવેચકની આગવી છબી રેખાતી દેખાય છે. રોમેન્ટિક અભિનિવેશ એ તેમની પ્રતિભાનું વિશિષ્ટ લક્ષણ છે, પણ એમાં જ એમની વિવેચનદૃષ્ટિની શક્તિ અને સીમા રોપાયેલાં છે. એમની એ વિવેચનદૃષ્ટિનો પ્રસન્ન આવિર્ભાવ આપણી કવિતાને અને કાવ્યવિવેચનાને પ્રેરક અને પોષક બળ બની રહે એમ છે. એટલે જ, આ વિવેચનગ્રંથને આપણે ઉષ્માથી આવકારીશું.