સંજુ વાળાનાં કાવ્યો/છરી

છરી

એ લોકો
મરેલા ઢોરનું ચામડું ઉતારે
તે લોકો
કેન્સરની ગાંઠ સુધી પહોંચવા
કરુણાસભર નિર્દયતાથી જીવતા માણસનું અંગ ચીરે

કોઈક સ્ટેબિંગ માટે મારી આનાકાનીને ગાંઠે નહીં
ઘડીના છઠ્ઠા ભાગમાં મારો રંગ બદલી દે.
કોઈ ગૃહિણી મને પંપાળતી હોય તેમ
સવારના નાસ્તાની પ્લેટ માટે તાજાં ફળની છાલ ઉતારે

બધુ સ્થિર અને સંપન્ન રીતે મારા સાક્ષીભાવમાં ઉમેરાતું રહે

કોઈ મને ઘડવામાં આવી હોય તે લોઢાનાં મૂળ-કુળ વિશે વિચારતું નથી.
જેમ પોતાના આદિસ્ત્રી-પુરૂષ માટે પાછળ જોવાની ટેવ નથી એને.
એનાં કામની નિપુણતા
વર્તમાનને ચાવ્યે રાખતાં અને ભવિષ્યનાં ટૂકડેટૂકડે એકઠું કરતા વધે છે.
તેમ તેઓ સમજી ચૂક્યા છે.

મને કાટ ના લાગે કે ધાર તેજ રહે એની કાળજી એ લોકો લે છે
પરંતુ, પોતાની સ્મૃતિઓ કે સંવેદનાઓને માંઝતા નથી.
વસ્તુસાપેક્ષ હોવાના વરદાનની એ જાહેરાત નથી આપતા
અને ભૂલતા પણ નથી

ધર્મની મહાપાઠશાળા હું
આ બધું જ જાણું
અને એ ય જાણું કે, મારી પાસેથી જ એ લોકો સ્થિતપ્રજ્ઞતાના પાઠ શીખે છે

મારી જેમ જ આ લોકો સુખ-દુઃખથી પર છે.