સંજુ વાળાનાં કાવ્યો/મિરાત...

મિરાત...

વૃક્ષની મિરાત એના છાંયડા હો...જી....રે...
મનની મિરાત મનસૂબા રે...
આંખની મિરાત ઊંડાં દેખવાં હો...જી...રે...
તે વિના તો ખાલીખમ કૂબા રે...
મનની મિરાત મનસૂબા રે...

રાઈના દાણેથી રંગ કથ્થાઈ ઊડે તે
કોઈ કામિનીમાં દૃષ્ટિ થઈને ઠરે
એમાં સ્હેજ પીળાંનો સ્વભાવ ભળે
તોએ વળી અડાબીડ અંધકાર ચરે
અહો! રૂડાંરૂપ! રૂડી રમણા હો...જી...રે...
એકમાં અનેકના અજૂબા રે...
મનની મિરાત મનસૂબા રે...

આભને મેદાન રમે ખોબોએક તેજ
એનું વહાલ આખી અવનિમાં ઊગે
અદેહી આસવ કોઈ ઝીલે, કોઈ ઘૂંટ ભરી
પીવે, કોઈ ટીપેટીપે ચૂગે
કોઈ ઊંચા હાથ કરી ચીખતા હો...જી... રે...
આકંઠ મેં તો ડૂબા-ડૂબા રે...
મનની મિરાત મનસૂબા રે...