સંવાદસંપદા/પેલવા નાયક


પેલવા નાયક સાથે વાર્તાલાપ

આરાધના ભટ્ટ

SS Pelva Naik.jpg





વાર્તાલાપની શ્રાવ્ય કડી - ૧






વાર્તાલાપની શ્રાવ્ય કડી - ૨




અમદાવાદમાં પ્રતિષ્ઠિત કલાકાર પરિવારમાં ૧૯૮૬માં જન્મેલાં પેલવાનાયક (જાણીતા ફિલ્મ નિર્દેશક-નિર્માતા પરેશ નાયક એમના પિતા અને નૃત્યાંગના વિભા નાયક એમનાં માતા છે) ખૂબ નાની વયથી સહજપણે શાસ્ત્રીય સંગીત તરફ વળ્યાં. તેઓ ડાગરબાની ધ્રુપદગાયન દ્વારા પોતાની ખોજમાં રત છે. પોતાની ગાયકીમાં ઘરાનાની શુદ્ધ રજૂઆતનાં આગ્રહી પેલવાએધ્રુપદગાયનના મોભ સમા ઉસ્તાદ ફરીદુદ્દીન ડાગર સાહેબ પાસે તાલીમ લીધી અને ઉસ્તાદની ચિરવિદાય પછી મુંબઈ ખાતે સંગીતસાધનામાં મગ્ન જીવન જીવે છે, અને બેંગ્લોર તેમજ અમદાવાદ ખાતે સંગીતની તાલીમ આપે છે. છેલ્લાં પંદરેક વર્ષમાં પેરીસ, લંડન, મોરોક્કો, સહિત વિદેશોમાં અને ભારતમાં અનેક કાર્યક્રમો રજૂ કરી ચૂકેલાંપેલવાએ ધ્રુપદ ગુરુકુળમાં સંગીતની તાલીમ પરંપરાગત ગુરુશિષ્ય પદ્ધતિથી મેળવી હતી. આલાપચારી, મિંડ, અને શ્રુતિ-ભેદ અને રાગની શુદ્ધિ એમના ભાવપૂર્ણ ગાયનની વિશેષતા છે. એમની સાથેનો આ સંવાદ પ્રસિદ્ધિ અને ધંધાદારી વૃત્તિથી દૂર, કલાસાધના દ્વારા સ્વ સુધી પહોંચવાની યાત્રા કરી રહેલા એક સંવેદનશીલ, નિષ્ઠાવાન માનવતાવાદી વિશ્વનાગરિકનો પરિચય કરાવશે.


પ્રશ્ન: પેલવા, પહેલાં તમારી કલાપ્રીતિનાં મૂળની વાત કરીએ. તમારો જન્મ કલાકારોના પરિવારમાં તો ખરો, પણ તમે માતા-પિતાની કલાઓ ન અપનાવતાં સંગીત અપનાવ્યું. તમે એક વખત કહેલું કે તમે સંગીતને અપનાવ્યું એના કરતાં વધુ સંગીતે તમને અપનાવ્યાં અથવા એના પાશમાં લઈ લીધાં. જ. હા, મને લાગે છે કે દરેક વ્યક્તિ જીવનના કોઈક તબક્કે એના મૂળ સ્વભાવને સભાનપણે કે સહજપણે અનુસરે છે. નાનપણમાં આપણી આસપાસનું વાતાવરણ આપણા ઘડતરમાં મોટો ભાગ ભજવે છે, પણ સંગીત અને ખાસ કરીને ગાવામાં મને પહેલેથી ઊંડો રસ હતો. બીજું કે ઘરમાં વાતાવરણ એવું હતું કે મેં મારાં માતા-પિતાને કલાના પ્રકારો વચ્ચે કોઈ લીટીઓ દોરતાં જોયાં નહોતાં. ચિત્રકલા અને નૃત્ય બે અલગ છે, કે માટીકામ અને ફોટોગ્રાફી એ બે અલગ છે એવું મેં ક્યારેય અનુભવ્યું નહોતું. સામાન્ય રીતે બાળકો પાસે એવો આગ્રહ રાખવામાં આવે છે કે આમાંથી કોઈક કલા પસંદ કરો. તો મેં જ્યારે ધ્રુપદ ગાયન શરૂ કર્યું ત્યારે કલાઓના એ વિશાળ દેહના એક અંગ તરીકે સમજીને મેં એ શરૂ કર્યું. એટલે વાહન સંગીત છે, પણ માર્ગ કલાનો રહે છે અને મારા માટે બધી જ કલાઓનું ધ્યેય એક છે. ગાવાની ક્રિયા મને બહુ સહજ લાગે છે. તો ધ્રુપદ એ મારે માટે જાતને પામવાનો માર્ગ છે, એ કોઈ પસંદગી નથી.

પ્રશ્ન: કલાકાર બનવા માટે કયું પરિબળ અથવા કયાં પરિબળો આવશ્યક છે? મહેનત, નસીબ, વાતાવરણ....? જ. તમે કહ્યું એમ ઘણાં પરિબળો કામ કરે છે. વાતાવરણ જરૂર મોટો ભાગ ભજવે છે. અને મેં અગાઉ કહ્યું તેમ દરેક વ્યક્તિ જાણે-અજાણે પોતાની એક આગવી યાત્રાએ નીકળવાની, પોતાની જાતને પામવાની મથામણમાં હોય છે. મને લાગે છે કે કલાકારના બંધારણમાં સૌથી મોટું તત્ત્વસંવેદનશીલતા છે. મહેનત, લગન, ખંત એ બધું પછી સહજતાથી ઉમેરાય જ, જો વ્યક્તિને કલાઓના વિષયે ઊંડાણથી પ્રેમ હોય, જોડાણ હોય. પણ મારા મતે સંવેદનશીલ કલાકાર એ જ એક સ્વસ્થ અને સાચો કલાકાર, કહી શકાય. નસીબની તમે વાત કરી, તો હા, સારા અને સાચા ગુરુ પ્રાપ્ત થવા એ ચોક્કસ નસીબ છે. એ ઉપરાંત કામની તકો મળવી એમાં પણ નસીબ અમુક અંશે ચોક્કસ ભાગ ભજવે છે. પણ આખરે તો આત્મબળ, કળા પ્રત્યે શુદ્ધ પ્રેમ અને સંતોષની ભાવના- નસીબની સરખામણીમાં આ બધાં પરિબળોની જરૂર વધુ હોય એમ હું સમજુ છું. અને રહી વાત વાતાવરણની, તો કૌટુંબિક વાતાવરણ વ્યક્તિના ઘડતરમાં જરૂર પાયારૂપ બને છે. જેમ મૂડી વારસામાં મળે તેમ વિદ્યા વારસામાં મળે તો ખરી, પણ એ કલાને પાત્ર બનવાની જે પ્રક્રિયા છે એ તો એ વ્યક્તિએ પોતે કરવાની છે. જમીન તો વારસામાં મળે, પણ પછી ખેતર ખેડવું, વાવવું, લણવું એ તો જાતે જ કરવું રહ્યું.

પ્રશ્ન: તમે કલા પ્રત્યેનાં જે શુદ્ધ પ્રેમ અને સમર્પણની વાત કરી એ તત્ત્વો આજની, એટલેકે તમારી પેઢીમાં ભાગ્યેજ જોવા મળે છે, અથવા તો બહુવિરલ છે અથવાઓછી માત્રામાં જોવા મળે છે. મારા આ વિધાન સાથે તમે સહમત છો? અને જો સહમત હો તો આવી સ્થિતિ કેમ છે એ વિશે તમે વિચાર્યું છે? જ. : હા, ચોક્કસ સાચું છે. એક યુવા કલાકાર તરીકે અને એક વિશ્વ નાગરિક તરીકે મને આવું લાગે છે કે અત્યારે એક સમાજ તરીકે આપણે ઘણી ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યા છીએ. તો આવી ઉથલપાથલની અસર આપણને સૌથી વધારે યુવાનો ઉપર દેખાય. પોતાની ઓળખના પ્રશ્નો, સમાજ સાથે પોતાની જાતના સંબંધોના પ્રશ્નો, પોતાની જાતને સમજવાની મથામણ... આ બધું કદાચ પાછળની પેઢીઓએ આટલું તીવ્રતાથી નથી અનુભવ્યું. એટલે એ રીતે મને યુવાનો માટે સહાનુભૂતિ થાય છે કે કદાચ એ કારણે આ પેઢી એટલી ચોખ્ખાઈથી કલાના માર્ગે ના ઉતરી શકે. અને બીજી તરફ એવાયુવાનો પણ છે જે કલાઓમાં ભારે રસ દાખવે છે, એમને સમર્પિત પણ થવું છે. આજે ઘણી બધી શક્યતાઓ ખૂલી પણ છે અને ઘણી બધી નિરાશાઓ પણ છે.

પ્રશ્ન: તમે કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનની શાળામાં ભણ્યાં. એ શાળાના સમય દરમ્યાન તમારા અનુભવ વિશે કંઈક કહેશો? તમે ત્યાંથી એવું શું પામ્યાં જે તમારા જીવનનું ઘડતર કરવામાં અને કલા સાધક તરીકેના તમારા ઘડતરમાં તમારી સાથે રહ્યું છે? જ.: અમદાવાદમાં મારોજન્મ અને ઉછેર, અને ત્યાં શરૂઆતનાં પાયાનાં વર્ષોની મારી નિશાળ શારદામંદિર, ત્યાર પછી હાઇસ્કૂલ માટે હું બેંગ્લોરની વેલી સ્કૂલ, જે કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, એમાં ગઈ. ત્યાં મેં ફાઈન આર્ટસ અને હ્યુમેનિટીઝનો અભ્યાસ કર્યો. ઘરના વાતાવરણ ઉપરાંત બાળપણમાં ગીત-સંગીત માટેનો પ્રેમ, માતૃભાષા માટેનો પ્રેમ, એ બધાનાં મૂળિયાં શારદામંદિરમાંથી જ નંખાયાં. અને ૯-૧૦ વર્ષની ઉંમરથી જ મેં શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ કરી. એટલે અમદાવાદ છોડીને દક્ષિણમાં વેલી સ્કૂલમાં જવાનું થયું ત્યાં સુધીમાં કલાઓમાં મારો રસ પાકો થયો હતો અને હ્યુમેનિટીઝ ભણવાનો મારો પાયો નખાઈ ચૂક્યો હતો. પણ વેલી સ્કૂલમાં વિતાવેલો સમય એ મારેમાટે મોટા અને મહત્ત્વના પરિવર્તનનો સમય હતો. ત્યાં જંગલ, જમીન, પ્રાણીઓ અને પ્રકૃતિની વચ્ચે રહીને શીખવાથી અને ખાસ તો નિશાળની શિક્ષણ પદ્ધતિથી અને એ કલ્ચરે મારું જીવન વિશેનું અને શિક્ષણ વિશેનું દૃષ્ટિબિંદુ બદલી નાખ્યું. શિક્ષણ પ્રત્યેની જીદ્દુ કૃષ્ણમૂર્તિની વિભાવનાથી હું તે વખતે અને પાછળથી મારી અંગત જીવનયાત્રા દરમ્યાન પણ, ખૂબ પ્રભાવિત રહી છું. ત્યાં બહુ જ સુંદર લેન્ડસ્કેપ છે, પ્રકૃતિનું શિક્ષણમાં કેટલું બધું મહત્ત્વ છે એ સભાનતા સાથે બનેલી આ સંસ્થા છે. ત્યાંનો પરિસર જ એક બાળક માટે કે એક યુવાન માટે સૌથી મોટો શિક્ષક હતો. ત્યાંની પદ્ધતિ સ્લેફ-સ્ટડીના પાયા પર રચાયેલી હતી. સાથે સાથે શાંત રહેવું, મૌન સાધવું, કલાઓનું મહાત્મ્ય, જાત વિશે સજાગતા અને જાત-તપાસ કરતા રહેવું, જાત સાથેનો રોજબરોજનો જે સંબંધ છે એ વિકસવાનો અવકાશ....આવું ઘણું બધું મને અહીંથી મળ્યું. એટલે હું બહુ જ ભાગ્યશાળી રહી.

પ્રશ્ન: હવે વાત કરીએ તમારી સંગીતની તાલીમની. ધ્રુપદ ગુરુકુળમાં તમે તાલીમ લીધી. ઉસ્તાદ પાસે શીખવાનાં સંસ્મરણો, ગુરુકુળનું વાતાવરણ –એ બધા વિશે કંઈક કહો. જ. : ગુરુકુળની વાત કરું તો બહુ જ સાત્ત્વિક વાતાવરણ હતું અને બહુ જ સાહજિક હતું, કોઈ નિયંત્રણ કોઈ રોક-ટોક જેવું નહોતું, ત્યાં વિદ્યા અને કલા એ પ્રમુખ બળો હતાં. ત્યાંનું આખું જીવન એ વિદ્યાને કેન્દ્રમાં રાખીને જીવાતું. અને ગુરુના ઘરે રહેવાનું એટલે વિદ્યા સિવાયનાં પણ પરિબળો- વાતચીત, ભાષા, સંસ્કૃતિ, બીજા શિષ્યો સાથેનો અને ગુરુ સાથેનો તમારો જે સંબંધ વિકસે છે એ પણ ત્યાંથી મળતું એક શિક્ષણ છે. ગુરુના ઘરે રહીને શીખવાની પદ્ધતિ એ શિક્ષણની બહુ સહજ-સ્વાભાવિક પદ્ધતિ છે. ગુરુકુળમાં રોજિંદા જીવનની ઘટનાઓમાંથી ઘણું બધું શીખવા મળે. ગુરુકુળમાં વિદ્યા મેળવવાની સાથેસાથે વિદ્યા મેળવાવા માટેની પાત્રતા ઘડવીએ પણ એટલું જ મહત્વનું હતું, એ પાત્રતા ઘડવા માટેની પદ્ધતિ એ ગુરુકળમાં હતી. ત્યાં ખૂબ મોકળાશ હતી, બધું જ એકરસ હતું- રસોઈ છે કે બાગકામ છે કે પ્રવાસો, જે અમે સાથે કરતાં, એમાંથી પણ બહુ શીખવાનું મળતું, એમાંથી જે સંબંધોના તાણાવાણા બંધાતા... સાથેસાથે ગુરુની વિચારધારા, ધ્રુપદની જે વિધા છે એની વિચારધારા, એ બધું આપોઆપ શીખવા મળ્યું. ઉસ્તાદ સાથેની તો ઘણી સ્મૃતિઓ છે, સ્વભાવે એ બહુ જ સંપન્ન-સભર અને ઉદાર વ્યક્તિ હતા અને એમણે મને જે આપ્યું છે તે એટલું ગહન અને વિશાળ છે કે એના પર આખું જીવન કામ થઈ શકે. ગુરુકુળમાં ધ્રુપદ એ જાણે કે નભમંડળનો સૂર્ય હતો, ધ્રુપદ કેન્દ્રમાં હતું અને એની એક ઉર્જા સતત અનુભવાતી.

પ્રશ્ન: આપણા સંગીતને અધ્યાત્મ સાથે ગાઢ સંબંધ છે. સાધના દરમ્યાન તમારી અંગત અનુભૂતિઓની થોડીક વાત કરી શકશો? જ. : શાસ્ત્રીય સંગીતનો અધ્યાત્મ સાથે એક ગાઢ સંબંધ જરૂર છે, પણ હું તો એમ વિચારું કે મોચીકામ, કે વણાટકામ એ પણ અધ્યાત્મિક કેમ ન કહેવાય? એ પ્રશ્ન મને હંમેશાં થાય છે. કારણકે આપણે કહીએ કે શાસ્ત્રીય કલાઓ એ કેટલી બધી આધ્યાત્મિક છે. પણ મારા મતે કોઈપણ વિધાનો અધ્યાત્મ સાથે સંબંધ એ વિધાના જે સાધક, જે વ્યક્તિ એની પ્રેક્ટિસ કરે છે એના ઈરાદા કે સંકલ્પ પર વધારે આધાર રાખે છે; એ વ્યક્તિના ભાવપક્ષમાં એ અધ્યાત્મનો ભાવ છતો થાય છે. બાકી અમુક પ્રકારના સંગીતને અધ્યાત્મના ઢાંચામાં બાંધી દઈને એ રીતે પ્રચાર કરાય છે, અમુક સંગીતને ‘ધાર્મિક’ વિચારધારા સાથે જોડીને એની ઓળખ કરવાની કોશિશ થતી જોવા મળે છે. તો હું એવું કહેવું ટાળું છું કે શાસ્ત્રીય સંગીત કે ધ્રુપદ સંગીત એ અધ્યાત્મિક સંગીત છે. પણ એવું કહેવું વધારે યોગ્ય છે કે શાસ્ત્રીય સંગીતમાં એવા કેટલાક નિહિત ગુણો છે જે થકી આત્મ- અધ્યાત્મ જેને કહીએ, એની પ્રતીતિ કરવાનું એક પાત્ર તૈયાર થઈ શકે.

પ્રશ્ન: ધ્રુપદ એ આપણી સંગીતપદ્ધતિનો થોડો ઓછો લોકભોગ્ય ગાયનપ્રકાર છે, એ પ્રાચીનતમ ગાયનપ્રકાર છે. એની લોક્ભોગ્યતા ઓછી હોવાને કારણે એની સાધના કરવા માટે વધુ મક્કમ મનોબળ જરૂરી છે. તમારી સાધનાનું ચાલકબળ શું છે? જ. : આ પ્રશ્ન થોડો અટપટો છે, પણ મને ગમે છે. હું એટલું જ કહી શકું કે સંગીત પોતે જ મારું ચાલકબળ છે. સંગીત એ ચાલકબળ કરતાં વધુ મારે માટે મારા ઘર જેવું છે. ‘આઈ એમ એટ હોમ’ એવી અનુભૂતિ સંગીત મને આપે છે. આ શૈલીમાં અભિવ્યક્તિ માટેનો જે અવકાશ મને મળે છે, ધ્રુપદના વ્યાકરણમાં કે એના આલાપના તરીકામાં જે શિસ્ત છે એ શિસ્તમાં મને ગજબની આઝાદીનો અનુભવ થાય છે. મારે માટે આ સ્વતંત્રતા બહુ જ અમૂલ્ય છે. સંગીત એ મારે માટે પાણી જેવો એક સ્રોત છે જેમાં ઝંપલાવતા એના ઊંડાણની કોઈ સીમા ન હોય. સંગીત એ એક અનંત ખોજ છે અને એ જ મારું ચાલકબળ છે. બીજું એ કે આ શૈલીમાં રાગ સ્વરૂપના કોઈક એક વિચાર કે એક વિષયવસ્તુને લઈને તમે સતત એનું સંસ્કરણ કરી શકો, તમારા ભાવોને બધી દિશાથી જોઈ, વર્ણવી અને વિકસાવી શકો અને છેવટે એનેસરળ સ્વરૂપે રજૂ કરો. અને અંતના એ સરળ સ્વરૂપમાં જે વૈભવ અને વિપુલતા છે એ અદભૂત છે. આ બધાં પરિબળો છે જે મને ધ્રુપદની સાધનામાં ચાલતી રાખે છે. મારી યાત્રા માટેનો માર્ગ મને ધ્રુપદમાં મળ્યો, મને લાગ્યું કે આ માર્ગ ઉપર હું ચાલીને લાંબુ અંતર કાપી શકીશ. આપણે જેમ બોલવા કે લખવા માટે એક ભાષા પસંદ કરીએ તેમ ધ્રુપદ એ મારે માટે મારી અભિવ્યક્તિનું એક વાહન છે.

પ્રશ્ન: ધ્રુપદના ઘરાના અને એની વિશેષતાઓ વિશે વાત કરીએ. તમે ડાગર ઘરાનામાં તાલીમ પામ્યાં છો. જ. : ધ્રુપદનાં ઘરાનાં તો ઘણાં છે, પણ એના ઉદભવની વાત જો હું ટૂંકાણમાં કરું તો આપણો જે દક્ષિણ-પશ્ચિમ એશિયાનો ભાગ છે, જેમાં હિન્દુસ્તાન પણ છે, એ ભાગમાં સંગીતની પાંચ પ્રધાન ગીતિ વ્યાપક હતી. આ પાંચ ગીતિ એટલે શુદ્ધા, ભિન્ના, ગોવરહારી, વેગસ્વરા, અને સાધારણી. આમાં જે સાધારણી ગીતિ છે એ બાકીની ચાર ગીતીઓના સંયોજનથી બનેલી ગીતિ કહેવાય. અને ધ્રુપદના ડાગર ઘરાનાનાં મૂળ આ સાધારણી ગીતિમાં મળે. તો આ ગીતિઓમાંથી ઘણાં બધાંઘરાનાં બન્યાં. બિહારનું દરભંગા ઘરાના બન્યું, પાકિસ્તાનમાં તાલવંડી ઘરાના વિકસ્યું, બંગાળમાં વિષ્ણુપુર ઘરાનાની શૈલી વિકસી. હું ડાગર ઘરાનાને લઈને વાત કરું તો આ ગીતિઓમાં સાધારણી ગીતિના સંયોજનમાંથી ડાગર ઘરાનાની વિચારધારા આવી. એ પછી જુદીજુદી સંસ્કૃતિઓનું ભારતમાં આવાગમન થયું, સંસ્કૃતિઓ એકમેકમાં ભળી, સામાજિક-રાજકીય પરિવર્તનો આવ્યાં, એ બધાં વચ્ચે ધ્રુપદ શૈલી પણ મોટાં પરિવર્તનોમાંથી પસાર થઈ. એના વ્યકારણમાં, વિચારોમાં, ગાવાની પદ્ધતિમાં, પદોની ભાષામાં પણ વિવિધતા આવી. એમાં સંસ્કૃત, સિંધી, ફારસી, વ્રજભાષા. આ બધું વૈવિધ્ય એમાં ઉમેરાયું. વૈદિક કાળથી મોગલયુગ, ભક્તિ પરંપરાની અસર અને રાજપૂત કાળની છાપ પણ ડાગર ઘરાનાની ગાયકીમાં જોવા મળે છે. પણ ભારતની આઝાદી પહેલાંના અને પછીના એક-બે દાયકાનો સમય એ ડાગર ઘરાનાનો એક ભારે પરિવર્તનનો સમય, મારા મતે કહી શકાય. ઉસ્તાદ ઝિયા મોહિઉદ્દીન ડાગર અને એમના ભાઈ અને મારા ઉસ્તાદ- ઉસ્તાદ ઝિયા ફરીદુદ્દીન ડાગર આ બંને મહાન ગાયકો, આ પરિવર્તનના મૂળમાં હતા. ડાગર ઘરાનાની મુખ્ય લાક્ષણિકતા જોઈએ તો રાગની શુદ્ધતા પર ખૂબ ધ્યાન આપવું, શ્રુતિઓના બારિક ભેદ દર્શાવવા અને આલાપ એ આ ઘરાનાનું હોલમાર્ક- એની ઓળખ ગણાય. આલાપમાં દરેક રાગના સૌથી અધિકૃત દૃશ્ય સ્વરૂપનું દર્શન કરવું એ પણ એનું એક મહત્ત્વનું લક્ષણ છે. અને આલાપનો એક વર્ણનાત્મક અભિગમ એ પણ એની વિશિષ્ટતા છે. ધ્રુપદની વિવિધ ક્રિયાઓ, જેમ કે ગમક, મીંડ, આંદોલન – આ બધી તો ઘણી જાણીતી છે પણ મારી તાલીમના અનુભવે કહું તો આ બધી ક્રિયાઓથી પણ સર્વોપરી છે ભાવપક્ષ, અને એના પર આ ઘરાનામાં મૂકાય છે.

પ્રશ્ન: તમારી નિત્ય રિયાજ પદ્ધતિ વિશે જાણવું છે. સૂરસાધના ઉપરાંત શ્રુતિસાધનાની પણ વાત કરો. તમારી ગાયકીમાં તમારી શ્રુતિસાધના સાંભળી શકાય છે. જ. : આ તો એક અનંત સાગર જેવું છે, અને હું તો કોશિશ કરું છું. આપણા ઉસ્તાદોએ કહ્યું છે કે શ્રુતિ એક સાગર છે અને એમાં એક બિંદુ તરીકે ઝંપલાવીને આપણે તો માત્ર અન્વેષણ કરી રહ્યા છીએ. મારી રિયાજ પદ્ધતિ તો સતત બદલાતી-વિકસતી રહે છે. રિયાજની મારી રીત બહુ મોકળાશભરી છે. મારે માટે સવારનો રિયાજ તો ઉત્તમ છે જ, એ ઉપરાંત સ્વાસ્થ્ય અને આરોગ્ય પણ ગાયન માટે, મને લાગે છે કે, ખૂબ જરૂરી છે, એટલે એ તરફ પણ ધ્યાન રહે એ જોઉં છું. હું અંગતપણે યાંત્રિક પ્રકારના અથવા માત્ર પરફોર્મન્સ માટેના રિયાજના પક્ષમાં નથી. પણ હું શિસ્તમાં, અને પોતાની ક્ષિતિજો વિસ્તારવામાં જરૂર માનું છું. પોતાની શક્તિઓને સતત એરણે ચડાવવી, પડકારવી, એ રિયાજમાં ખૂબ જ જરૂરી છે. રિયાજ ક્યારેય મજા માટે કરવાનો નથી હોતો, એમાં એક જાતની નિરાંત અને નવરાશની અનુભૂતિ પણ એટલી જ મહત્ત્વની છે. રિયાજ પછીનું જે ચિંતન છે એ સહજ રીતે થાય એ મને ખૂબ મહત્ત્વનું લાગે છે. તો દિવસમાં ત્રણેક કલાકનો રિયાજ ઘણો છે અને એ પછી એના વિસ્તાર સ્વરૂપે દિવસની અન્ય પ્રવૃત્તિઓમાં એ રિયાજ જારી રહે છે. અને શ્રુતિઓની વાત જે મેં આગળ કરી એમાં એ માત્ર રિયાજ સ્વરૂપે નહીં, પણ જે બીજાં ઘણાં બધાં તત્ત્વો છે –સંગીતને સાંભળવાનાં, સંગીતને જોવાનાં, એ પણ કરવાનાં છે. ડાગર ઘરાનાની અમારી પદ્ધતિમાં મૂર્છના પદ્ધતિનો રિયાજ છે. સ્વરને તમે ભરો, એને સાધો, એને વારેવારે જુઓ, એને નિયંત્રિત કર્યા વિના, એને પ્રાકૃતિક સ્વરૂપે ચાલવા દો-જેમ એક પૈંડું ચાલતું હોય એમ એ મુર્છના ચાલ્યા કરે અને તમે ફરીફરીને એ સ્વર પર પાછા આવો એ બહુ મહત્ત્વનું છે. હું એ પદ્ધતિને અનુસરું છું.

પ્રશ્ન: તમે સંગીતની તાલીમ આપો પણ છો. તાલીમ આપતાં પણ ઘણું શીખવાનું હોય છે. તાલીમ આપવાના તમારા અનુભવો કેવા છે? અત્યારે મારા ચાર વિદ્યાર્થીઓ છે, ચાર યુવતીઓને હું શીખવું છું. એ લોકો વિદેશમાં છે. તો જેમ સભામાં ગાવું એ રિયાજનું જ વિસ્તરણ છે, તેવી રીતે, તમે કહ્યું એમ, તાલીમ આપવી એ પણ રિયાજનું જ એક અંગ છે. અને જેમ રિયાજ વગર કે એના મનોમંથન વગર વિદ્યા નિષ્ક્રિય લાગે તેમ એને શીખવાડ્યા વગર, મને નથી લાગતું કે, એ વિકસી શકે. તો તાલીમ આપવી એ મારા માટે એક રિયાજ છે, એક નવસર્જનની પ્રક્રિયા છે. અને વિદ્યાર્થીઓ સાથેના સંબંધોમાં એક જુદા જ પ્રકારની મૈત્રીનો અનુભવ થાય. શીખવા-શીખવવાની પ્રક્રિયા એ માનવ સંબંધોમાંની કદાચ સૌથી વધુ અંગત પ્રક્રિયા છે. એટલે મારા વિદ્યાર્થીઓ એ મારા જીવનનોઅને મારા સંગીતનો એક મહત્ત્વનો અંશ છે.

પ્રશ્ન: રુદ્રવીણા એ ધ્રુપદગાયનનું એક વિશિષ્ટ વાદ્ય છે. રુદ્રવીણા અને પખાવજ એ બંને વાદ્યો વિશે થોડી વાત કરીએ, આ બંને સાજની સંગત એ ધ્રુપદ ગાયકીનું અંગ છે. જ. : મારી જેટલી સમજ છે એ પ્રમાણે હું કહીશ. ટૂંકમાં કહું તો રુદ્રવીણાને એક વાદ્ય કરતાં એક યંત્ર કહેવું વધુ યોગ્ય છે. એને એક કમ્પાસ, અથવા માપનું એક યંત્ર કહીએ. આ વાદ્ય એક બહુ જ વિકસિત રચનાવાળું વાદ્ય છે. શ્રુતિના સૌથી સૂક્ષ્મ ભેદ દર્શાવવાની ક્ષમતા આ વાદ્યમાં અદભૂત છે. પહેલાં રુદ્રવીણા ‘બિન’તરીકે ઓળખાતી હતી. સંતો, પીર, ફકીર એને ધ્યાન-સાધનાના સાધન તરીકે લેતા. અત્યારનું રુદ્રવીણાનું જે સ્વરૂપ જોઈએ છીએ તે ઉસ્તાદ ઝિયા મોહિઉદ્દીન ડાગર સાહેબના સંશોધનથી બનાવેલ છે. એનું વજન ઘણું છે. એના નામ વિશે જો હું કંઈક કહું તો ઘણા લોકો ‘રૌદ્ર’ શબ્દ વાપરતા હોય છે અને એને ભગવાન શિવ સાથે સાંકળે છે. પણ ખરેખર રૌદ્ર શબ્દને જોડીને આ નામ નથી બન્યું. વાસ્તવમાં એ નામ રુદ્રવીણા છે. રુદ્રનો જે મૂળ સંસ્કૃત અર્થ છે એ છે ચૈતન્યની ઉચ્ચતમ સ્થિતિ. એટલે આ રુદ્રવીણા એ ચૈતન્યની ઉચ્ચ સ્થિતિને પામવાનું માધ્યમ છે. અને રુદ્રવીણાને ગાયન સાથે ગૂઢ સંબંધ છે, ગાયનની નજીક જવા માટે આ વાદ્યની રચના થઈ એવું માનવામાં આવે છે. પખાવજ એ એક પ્રાચીન વાદ્ય છે, ધ્રુપદ ગાયનમાં સાથ આપતું વાદ્ય છે. એ વાદ્યનો અનુનાદ ખૂબ લાંબો અને વિસ્તીર્ણ હોય છે. એની થાપ, તાલનું વજન અને વ્યાકરણ, એ ધ્રુપદ શૈલીના ગાયન અને વાદનનાંતત્ત્વોને અનુરૂપ છે. એટલે પ્રાચીન સમયથી આ બંનેની સંગત આટલી બધી નિકટની છે. ધ્રુપદના ગાયન દરમ્યાન જો પખાવજ ન વાગતું હોય તો પણ તમારા મનમાં એની આસ ચાલતી હોય છે.

પ્રશ્ન: આપણે આ વિશે થોડીક ચર્ચા થઈ ગઈ, છતાં થોડીક વધુ વિસ્તારથી વાત કરીએ-કલા તમારે માટે શું છે? અને તમે તમારી જાતને કઈ રીતે જુઓ છો- એક કલાકાર, એક સાધક કે એક પ્રોફેશનલ? જ. : કલા અંગે મારાં જે સમજ, અભ્યાસ કે જે થોડો-ઘણો અનુભવ છે તે પરથી હું એમ સમજી છું કે કલા એક માર્ગ, એક માધ્યમ, એક વાહન છે જેના થકી અસ્તિત્વ વિશેની સમજ ઘડવાનો એક દૃષ્ટિકોણ કેળવાય. પણ કલાની વ્યાખ્યા કહીને કરવી મને અઘરી લાગે છે. એ વિચારી શકાય, વર્તી શકાય, અનુભવી શકાય, તો એ વધુ સમજી શકાય. પણ એટલું ખરું કે કલાના કોઈપણ માધ્યમ પાસે એક વ્યવસ્થા ઊભી કરવાની શક્તિ રહેલી છે. વ્યક્તિને વ્યવસ્થા તરફ લઈ જવાની ક્ષમતા કલામાં છે-એક એવી વ્યવસ્થા જે આપણે પ્રકૃતિમાં, પ્રાણીઓમાં, કે બ્રહ્માંડની ગતિવિધિઓમાં જોઈએ છીએ. અને બીજી તમે વાત કરી ઓળખની. હું મારી ઓળખ કઈ રીતે આપી શકું? મને લાગે છે કે જ્યારે આપણે કોઇપણ પ્રકારની પોતાની ઓળખ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એક મર્યાદા બંધાય છે. જેમ કોઈ ખેડૂત પોતાની ઓળખ ખેતી કરતાં કરે કે એક વણકર પોતાની ઓળખ કાપડ વણતાં કરે એનાથી કંઈ વિશેષ મારી કલાકાર તરીકેની ઓળખમાં મને નથી લાગતું. સાધના એક નોન-આઇડેન્ટિફીકેશનની અર્થાત ઓળખથી બિન-ઓળખ તરફ જવાની પ્રક્રિયા છે, એટલે પોતાની ઓળખ સાધક તરીકે કરવી એ તો એક મોટી મજાક થઈ કહેવાય. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો સાધના એટલે કોઈક પ્રકારનું સંશોધન, કોઈક ચીજને નજીકથી, ઊંડાણથી જોવી અને એ ક્રિયા જ વ્યક્તિના જીવનનું કેન્દ્રબિંદુ હોય, જ્યાં પોતાના આંતરિક ભાવ કે પોતાના બાહ્ય અનુભવો એ કેન્દ્રબિંદુમાં સતત ભાગીદાર થતા રહેતા હોય. એ સાધનાની એક પ્રક્રિયા છે. એક રીતે જોવા જઈએ તો સાધના એક ઘટના છે, એક દૃશ્ય વસ્તુ છે, એ એક સભાન અને સમર્પિત સંશોધનની ક્રિયા છે. એ ઉપરછલ્લી આવડત કેળવવા પર આધારિત નથી. સાધના એ કોઈપણ વસ્તુના તત્ત્વ સુધી પહોંચવાની ક્રિયા છે. બીજું એ કે એક સમાજ તરીકે આપણેસાધના શબ્દ વ્યવહારની બોલીમાં ધાર્મિક ક્રિયાકાંડના સંદર્ભમાં વાપરી કાઢેલો શબ્દ છે. તેથી સાધનાને કોઈક અગમ્ય અથવા એક ન પહોંચી શકાય એવા શિખર જેવું સ્થાન અપાયું છે. એ મને બહુ બરાબર નથી લાગતું, એટલે મેં વિજ્ઞાનનું ઉદાહરણ આપ્યું. બીજું તમે વ્યવસાયિક ઓળખની વાત કરી. એમાં પોતાની કામની કુશળતા, કામની સ્પષ્ટતા વ્યક્ત કરતી ઓળખ હોય, જેમાં એ સાબિતી પણ અપાય કે આ માધ્યમ એ મારો વ્યવસાય છે, મારો એક પ્રકારનો આશ્રય છે. તો મને લાગે છે કે હું આ પૈકી કોઈપણ ઓળખ ન સ્વીકારું. હું પોતાની જાતને એક એવી વ્યક્તિ તરીકે ઓળખાવવાનું પસંદ કરું જે પોતાની શોધમાં છે, જે વિદ્યા પ્રત્યેના પ્રેમની યાત્રામાં છે, અને જે કલા અને સંગીત દ્વારા જીવન જીવે છે.

પ્રશ્ન: તમે પંદરેક વર્ષથી કાર્યક્રમો કરો છો. ‘કાર્યક્રમ સરસ ગયો’- એવો સંતોષ તમને ક્યારે થાય? જ. : ક્યારેય નહીં, અત્યાર સુધી તો ક્યારેય નથી થયો.

પ્રશ્ન: અને મંચ પરથી કળા પ્રસ્તુત કરતાં હો ત્યારે તમારી ભાવદશા વર્ણવી શકશો? જ. : બહુ જ અઘરું છે એનું વર્ણન કરવું, જેમ આલાપનું વર્ણન કરવું અઘરું છે કે રાગનું વર્ણન કરવું અઘરું છે. પણ એ ભાવ મારા માટે અદભૂત છે. આપણું જે આટલું બધું અંગત છે તે મંચ ઉપરથી એક મોટા સમૂહ સમક્ષ રજૂ કરવું એ એક અદભૂત અનુભવ છે, કોઈ જાતના અહંને એમાં દાખલ કર્યા વિના સહજતાથી, કલાના મૂળભૂત સ્વરૂપને, અને એ ભાવને રજૂ કરવા એ એક અદભૂત અનુભવ છે. મને તો એ એક પરાક્રમ જેવું લાગે છે, જાણે આપણે પાણીમાં ઝંપલાવવું હોય એવું છે, એ એક અનેરો અનુભવ છે, અને હું એની રાહ જોતી હોઉં છું. પણ ‘અરે વાહ, આજે કાર્યક્રમ બહુ સરસ થયો’, એવું તો મને કદી થતું જ નથી. કારણ કે એમાં એક મર્યાદા આવી જાય છે. કાર્યક્રમમાં પરફોર્મ કરવું એ મારે માટે રિયાજનું વિસ્તરણ છે, એટલે હું એને એક યાત્રા કે પ્રવાસ તરીકે જોઉં છું કે એક પ્રક્રિયા તરીકે જોઉં છું.પણ એ દરમ્યાન શ્રોતાઓ અને કલાકાર વચ્ચેની જે ગતિવિધિઓ થતી હોય છે એમાં મને બહુ રસ પડે છે. કલાની એ જે આપ-લે છે, એ કેન્દ્રમાં છે અને એ આપનાર કલાકાર અને લેનાર શ્રોતાઓ એકરસ છે, એકસાથે છે. અને છતાં એ બધા પોતપોતાની જુદીજુદી બારીઓમાંથી, કેન્દ્રમાં જે વસ્તુ છે એને, જોઈ રહ્યા છે.

પ્રશ્ન: તમે દેશ-વિદેશમાં કાર્યક્રમો કરવા જાવ છો, કોઈ યાદગાર અનુભવ હશે? જ. : પ્રવાસ એ જ એક અદભૂત અનુભવ છે અને અત્યાર સુધીમાં વિદેશમાં કાર્યક્રમો કરવાના જે અનુભવો છે એ મારે માટે ખૂબ તાજગીપૂર્ણ રહ્યા છે અને એમાંથી હું ઘણી શીખી છું. ધ્વનિના માધ્યમમાં, સંગીતમાં જુદીજુદી સંસ્કૃતિમાંથી આવતા, જુદીજુદી ભાષા બોલતા લોકોને સંગઠિત કરવાની અદભૂત ક્ષમતા છે, એ વાતનો સાક્ષાત્કાર મને વિદેશના કાર્યક્રમોમાં થયો. કેટલા બધા વિવિધ સંસ્કૃતિક પરિવેશમાંથી આવતી, અલગ અલગ ભાષા બોલતી વ્યક્તિઓ પણ સંગીતના માધ્યમથી સંવાદ કરી શકે અને એકરસ બની શકે એ મને જોવા મળ્યું. કલાઓ કેવી રીતે વ્યક્તિઓને જોડે છે એ જોવું અદભૂત છે. આપણે બધા અત્યારે કેટલા ખંડિત સમયમાં જીવી રહ્યા છીએ.એવા સમયમાં તમારી કલાની રજૂઆત દ્વારા તમે કલાના માધ્યમથી થતા સંવાદમાં, સંગીતથી થતા સંવાદમાં,તદ્દન અજાણી વ્યક્તિઓ સાથે સંકળાઈ શકો અને એમાં જાણે કોઈક જૂના મિત્ર સાથેની હૂંફ અનુભવાય, એ અનુભવ મને વિદેશમાં થયો. ખરેખર કોઈ વ્યક્તિથી પરિચિત હોવું જરૂરી નથી, જોડનાર માધ્યમ કલાનું હોય ત્યારે કોઈક અજાણી વ્યક્તિ પણ જૂની મિત્ર બની જાય છે.

પ્રશ્ન: ધ્રુપદને અને શાસ્ત્રીય સંગીતને લોકો સુધી લઈ જવા માટે શું કરવું જોઈએ? જ. : મારા મતે ધ્રુપદ અને શાસ્ત્રીય સંગીત જેવી કલાઓ એ હસ્તિઓ છે, એક રીતે જોઈએ તો એ એક સંસ્થા છે, જેનો એક દાયરો છે- જેમ કોઈ જંગલ હોય, કે નદી હોય કે દેવળ હોય. જો વ્યક્તિઓ એને જાણવા, શીખવા, સમજવાની ઇચ્છા રાખે તે એના તરફ આકર્ષાતા રહ્યા છે. એ શ્રોતાના સ્વરૂપમાં હોય, કાર્યક્રમ ગોઠવતી સંસ્થા હોય કે વિદ્યાર્થી હોય. તો આ વિધાના એક વિદ્યાર્થી કે શિક્ષક તરીકે મને એમ લાગે છે કે એને લોકપ્રિયતાની જરૂર તો નથી જ. પણ એક ગાયક તરીકે જો કંઈક કરી શકાય તો એ કે આ કલાની ઓળખાણ એના મૂળ સ્વરૂપને વફાદાર રહીને કરાવાય, એ મને બહુ મહત્ત્વનું લાગે છે. જેમ કે ધ્રુપદનું જે મૂળ સ્વરૂપ છે એને હું સાચા સ્વરૂપે કઈ રીતે રજૂ કરું, નહીં કે એને પ્રખ્યાત કરવા અથવા નામ કમાવા કે મૂડી કમાવા માટે થઈ શકે. આ વાત કદાચ ઉપદેશાત્મક લાગે પણ મને મારા માટે આ બહુ જરૂરી લાગે છે. અને બીજું ઈન્ટરનેટ આ કલાઓને લોકો સુધી લઈ જવા માટે મોટું ક્રાંતિકારી પરિબળ રહ્યું છે. તો જો આપણે ઉત્તમ પ્રકારના ઓડિયો-વિઝ્યુઅલ તૈયાર કરવાની આપણે અપેક્ષા રાખીએ એ જરૂરી છે. ક્યારેક સોશિયલ મીડિયામાં કલાના મૂળ તત્ત્વનું સમાધાન કરતું મટિરિયલ મૂકવામાં આવે છે એનાથી સમજદાર રસિકોએ દૂર રહેવું જોઈએ. ત્રીજું શાસ્ત્રીય સંગીત કે ધ્રુપદ એ હળવા મનોરંજન માટે નથી. કોઈ ગાયકને કે સંગીતકારને લોકસમૂહને મનોરંજન આપવા માટે કલા પ્રસ્તુત કરવી ન ખપે. સંગીત અથવા ધ્રુપદ આપણને સાચવી રહ્યા છે, એમ હું માનું છું, આપણે એમને નથી સાચવી રહ્યા. વળી આ કલાઓના મૂળભૂત સ્વરૂપમાં ઉત્ક્રાંતિની ક્ષમતા છે, એટલેકે પરિવર્તિત થઈને જીવંત રહેવાની અદભૂત શક્તિ એનામાં રહેલી છે. આપણે કલાકાર તરીકે એના પાત્ર રૂપે છીએ અને આપણા પછી પણ કલા પૃથ્વી પર કાયમ રહેવાની છે. આપણે આપણી જાતને જો વધારે સંભાળીએ તો આપણે વધારે સારી રીતે એને પાત્ર બની શકીએ, એવું હું સમજુ છું.

પ્રશ્ન: તમને સંગીત સિવાય પણ કેટલાક રસ-રુચિના વિષયો છે. રસોઈની પ્રવૃત્તિ તમને ખૂબ ગમે છે. સૂરસાધના અને રસોઈ એ બંને તમારે માટે સર્જનાત્મકતાના બે આયામો છે? જ. : હા, ખૂબ જ. રસોડું એ મારા માટે બહુ મહત્ત્વનું છે. રસોઈ, કામ એ બધું મને બહુ જ ગમે છે. રસોઈની પ્રક્રિયા ઘણી રીતે કલાસર્જનની પ્રક્રિયા જેવી છે. જેટલું ધ્યાન મારું સંગીતમાં છે એટલું જ ધ્યાન આ બધી પ્રવૃત્તિઓમાં છે. એટલે મારે માટે આ બધું જ જીવન જીવવાની પ્રક્રિયા છે. હું શાકાહારી છું એટલે દેશ-વિદેશની શાકાહારી વાનગીઓ બનાવું છું. હું ઘણા સલાડ બનાવું છું. એ સિવાય મેં એક શિક્ષણ પદ્ધતિ વિકસાવી છે. બાળકો અને યુવાનોને ધ્યાનમાં રાખીને મેં એ બનાવી છે. એમાં પાંચ વિભાગો છે. એમાં કલાઓ અને સંસ્કૃતિ, ઇતિહાસ, ધર્મ, તત્ત્વજ્ઞાન વગેરે સમાજવિદ્યાઓનું એકીકરણ કરીને એમને જોવા, અને કલા વિશેના અત્યારે દૃઢ થયેલા છે એની સામે પ્રશ્નો કરવાની નવી રીત, એ પ્રકારના શિક્ષણના એકમો મેં તૈયાર કર્યા છે. એટલે હું એમાં પણ કામ કરું છું. એ સિવાય બાગકામ, ખેતીકામ શીખું છું. સ્કેચ બનાવવા, ચિત્રો બનાવવામાં પણ મને પહેલેથી રસ છે. વાંચન-લેખન.... એ બધી મારા દિવસની મુખ્ય પ્રવૃત્તિઓ છે.

પ્રશ્ન: હું તમારી અંદર એક ચળવળકાર પણ જોઉં છું. સમાજમાં જે ચાલી રહ્યું છે, સમાજમાં જે બદલવાની જરૂર છે -અસમાનતા હોય, શોષણ કે ધાર્મિક કટ્ટરતા હોય, આવા પ્રશ્નો માટેની તમારી નિસ્બત હું જોઉં છું. આ ચળવળની ભાવનાનાં મૂળ ક્યાં છે? અને સાથે બીજો પ્રશ્ન એ કે એક કલાકાર સમાજ સાથે કઈ રીતે સંકળાય છે? કલા કોઈ રીતે સમાજમાં પરિવર્તન લાવી શકે? જ. : સાચા અર્થમાં જે ચળવળકાર છે એમને તો હું ફક્ત સલામ કરી શકું. એમને તો ફક્ત મારો નૈતિક ટેકો છે અથવા એમને હું મારા કામ દ્વારા સહયોગ આપી શકું. આજે સમાજમાં કોઈપણ સંવેદનશીલ વ્યક્તિ હોય- યુવાન કે બુઝુર્ગ, એ કેટલાક પાયાના પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. પછી એ અસમાનતા હોય, કે વિરોધ વ્યક્ત કરવાની સ્વતંત્રતાના સંદર્ભમાં હોય, કે માનવ અધિકારોના સંદર્ભમાં હોય, કે પછી જીવનની અનિશ્ચિતતા બાબતે હોય, કે સંકુલ માનવ સંબંધો વિશે મૂંઝવતા પ્રશ્નો હોય ... આપણે સામુદાયિક રીતે એક એવા મુકામ પર છીએ જ્યારે આ ગતિવિધિઓ પ્રત્યે એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે આંખ આડા કાન કરવા શક્ય નથી. તો હું મારી જાતને એ સમૂહમાં મૂકું છું; જે આ સમસ્યાઓ અને પ્રશ્નો માટે ચિંતિત છે, હેરાન છે. હું એમ માનું છું કે આ વાસ્તવિકતાઓ પ્રત્યે લક્ષ્ય આપવું એ જ સમાજના સામૂહિક સમારકામ તરફનો એક રસ્તો છે. એક કલાકાર તરીકે આવા પહાડ જેવા અભેદ્ય પ્રશ્નોને કેવી રીતે ખાળી શકાય એ, સાચું કહું તો, મને ખબર નથી. પણ કલાકાર ફક્ત એક સંવેદનશીલ વ્યક્તિ બનીને આમાં ઝંપલાવે તો, મને લાગે છે કે, મહત્ત્વનો ભાગ ભજવી શકે. હા, કલાના શિક્ષણથી અને કલા સાથેના વ્યક્તિગત સંબંધથી અને પોતાની કલાના માધ્યમથી વિચારોને પ્રસ્તુત કરીને કલાકાર આ કામ કરી શકે. કલા સમાજમાં સંવેદનશીલ વ્યક્તિઓ ચોક્કસ ઊભા કરી શકે.

પ્રશ્ન: કલાસાધના કરી રહેલા યુવા કલાકારોને તમે શું કહેશો? જ. : જે માર્ગ ઉપર ચાલવાનું દિલથી નક્કી કર્યું હોય એમાં રત રહેવું અને એમાં મુસીબતો આવે તો પણ સતત જાત તપાસની ભાવનાથી ચાલતા રહેવું, અને મનોબળને વારંવાર એ રીતે સજીવ કરતા રહેવું, એ આજના સમયમાં યુવાનો માટે બહુ જરૂરી છે. કારણકે સામાજિક પ્રશ્નો કે સુરક્ષિતતાના પ્રશ્નોથી આજના ઘણા યુવાનો માનોમંથન કરતા રહેતા હોય છે. તો જે પણ કરીએ એમાં આપણા હૃદયને અનુસરીએ અને જો મનોબળ, ખંત અને લગન હશે, અને જે માર્ગ નક્કી કર્યો છે એને માટે જો પ્રેમ હશે,તો એ મનોબળને સતત જીવંત રાખવાનું શક્ય બનશે. બીજું એક યુવાન તરીકે હું બીજા મારા જેવા યુવાનોને એમ કહીશ કે પ્રવાસો કરતા રહો, અલગ અલગ સંસ્કૃતિઓને નજીકથી નિહાળો, તમારા પોતાના દેશને નજીકથી નિહાળો. પ્રવાસો એટલે આરામદાયક સુખસગવડવાળા પ્રવાસો નહીં, પણ કરકસરયુક્ત પ્રવાસો- ટ્રેનમાં મુસાફરી કરો, ગામડાંઓમાં ફરો, વિવિધ ભાષાઓ-બોલીઓ શીખો, વિવિધ ધર્મો અને તાત્ત્વિક વિચારધારાઓને નજીકથી નિહાળો, તો જ તમે સત્યની મોઢામોઢ ઊભા રહી શકશો.