સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/પ્રશ્નવાક્યની વ્યંજકતા

પ્રશ્નવાક્યની વ્યંજકતા

સ્નેહરશ્મિના ‘કોણ ફરી બોલાવે’ એ કાવ્યમાં ‘કોણ’ એ સર્વનામ અને પ્રશ્નવાક્ય સતત પડઘાયા કરે છે – કોણ બોલાવે? કોની આંખો? કોના નિઃશ્વાસો? આની એક વિશિષ્ટ અસર આપણે અનુભવતા નથી શું? આ ઉક્તિપ્રકાર ગૂઢતાની આબોહવા ઊભી કરે છે અને કાવ્યનાયકને ખેંચી રાખે છે તે નામમાં બાંધી ન શકાય એવું કોઈ તત્ત્વ છે, ઘર, વન, અનિલ, આકાશ – આ સર્વમાં વ્યાપ્ત પણ એનાથી બૃહત્ એવું કોઈ તત્ત્વ છે એમ સૂચિત કરે છે. એ તત્ત્વનું નામ નથી પણ એને પ્રત્યક્ષ, પાસે, આસપાસ અનુભવી શકાય છે એમ સતત આવતું ‘આ’ એ દર્શક સર્વનામ કે સાર્વનામિક વિશેષણ સૂચવે છે – ’કો આ મને પાછળથી બોલાવે?’ ‘આ ઘરઘરનાં સૌ નેવાં’ ‘આ અસીમ નભની સીમા’ ‘રે મુખરિત નિઃશ્વાસો આ કોના? વગેરે. કાવ્યશાસ્ત્રમાં સર્વનામની વ્યંજકતાનો ઉલ્લેખ મળે છે. પ્રશ્નવાક્યની વ્યંજકતા તે કાવ્યશાસ્ત્રનો કાકુથી આક્ષિપ્ત વ્યંગ્યાર્થ. સ્નેહરશ્મિના ‘કોણ રોકે’ એ કાવ્યમાં ‘કોણ રોકે?’ ‘કોણ ટોકે? એ પ્રશ્નાર્થક વાક્યરચના ઘટનાની અનિવાર્યતાને તથા અનિંદ્યતાને સ્થાપિત કરે છે ને ‘આ પૂનમની ચમકે ચાંદની’ વગેરેમાં ‘આ’ પ્રત્યક્ષતા સૂચવે છે એમ કહેવાય. ‘કાંઈ સાયર છલક્યો જાય’ વગેરેનો ‘કાંઈ’ માત્ર અનિશ્ચયવાચક નથી, અમાપતાવાચક છે એ પણ લક્ષ બહાર ન રહેવું જોઈએ.