સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/રસવિવેચન કઈ રીતે સાર્થક બને?

રસવિવેચન કઈ રીતે સાર્થક બને?

રસનિષ્પત્તિનો કાવ્યવ્યાપાર શો છે? ભરતનું સૂત્ર જાણીતું છે – ‘વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવના સંયોગથી રસ નિષ્પન્ન થાય છે.’ એટલે કે કાવ્યમાં વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવની સામગ્રી જોઈએ અને એ સામગ્રીનું કોઈક પ્રકારનું સંયોજન જોઈએ. એમાંથી જે કાવ્યાર્થ સ્ફુરે તે રસ. ભરતના નાટ્યશાસ્ત્ર વગેરેમાં જુદાજુદા રસો માટેની વિભાવાદિ સામગ્રી કઈકઈ હોઈ શકે એની વિગતો આપવામાં આવી છે. આથી કવિઓ અને વિવેચકોનું કામ સરળ થઈ ગયું. કવિઓને જાણે રસ ‘બનાવવાની’ રીત મળી ગઈ અને વિવેચકોને રસનું વિવેચનવિશ્લેષણ કરવાનો રાજમાર્ગ જડી ગયો. આ આલંબનવિભાવ, આ ઉદ્દીપનવિભાવ, આ અનુભાવ, આ વ્યભિચારી ભાવ એમ ઓળખ કરાવી દીધી અને રસનું નામ પાડી દીધું એટલે રસવિવેચન થઈ ગયું. રસવિવેચન એટલે જાણે ચિઠ્ઠીઓ ચોડવાનો વ્યાપાર. આ જાતના વિવેચનથી આપણને અસંતોષ થાય અને પરંપરાગત રસશાસ્ત્રની ઉપયુક્તતા વિશે સંદેહ થાય તો એ વાજબી જ ગણાય. એવો એક અભિપ્રાય પણ જોવા મળ્યો છે કે ભરતનો છેડો પકડીને આપણે ચાલીએ છીએ એ જ તો આજે આપણને સંતોષ થાય એવો રસસિદ્ધાંત ઘડી કાઢવામાં મોટા અંતરાયરૂપ બની રહ્યું છે. ભરતે જે નિયમો ઘડેલા એ તો નાટ્યસર્જન માટે હતા. નિર્માણ પામેલી કૃતિની પરીક્ષા કરવા માટે એને પ્રયોજવા એ ખોટું છે. વિવેચકે તો વિભાવાદિને ઓળખી બતાવવા ને રસનું નામ પાડી આપવાને બદલે કવિ રસોદ્રેક સિદ્ધ કરી શક્યો છે કે કેમ તેની પરીક્ષા કરવી જોઈએ. વિભાવાદિ તો સાધનો છે, એ બદલાતાં રહે છે, એને બદલે લક્ષ્ય - રસોદ્રેકની સિદ્ધિ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. (એમ.એસ. કુશવાહા, ઈસ્ટ વેસ્ટ પોએટિક્સ ઍટ વર્ક, પૃ. ૮૦ તથા ૮૨) આ અભિપ્રાય પણ મને કંઈક ગેરસમજભર્યો લાગે છે – એ બીજે છેડે જઈને બેસતો લાગે છે. વિભાવાદિ એટલે કાવ્યસામગ્રી. આપણને પ્રત્યક્ષ તો તે જ છે. એ સાધન છે પણ સાધનથી જ સાધ્ય સિદ્ધ થાય છે ને? તો વિભાવાદિની પરીક્ષા વિના રસોદ્રેકની પરીક્ષા કેવી રીતે થઈ શકે? એ કેવળ હવાઈ બનીને ન રહે? ખરી વાત એ છે કે શાસ્ત્ર તો આપણને સ્થૂળ માળખું આપે. એને કાર્યસાધક રીતે વાપરવાનું કામ વિવેચકનું છે. વિભાવાદિની કેવળ ખાનાબંધીથી આગળ જઈ એમાં કોઈ વિશિષ્ટ કવિકર્મ રહેલું છે કે કેમ એ વિવેચકે તારવી બતાવવાનું છે. કાવ્યશાસ્ત્રમાંથી આ અંગે દિશાસૂચનો નથી મળતાં એવું પણ નથી. એ તરફ ખાસ લક્ષ ગયું નથી એટલું જ. આનંદવર્ધને કવિપ્રતિભાની એટલે કે કવિકર્મની અનંતતા બતાવી છે તે ક્યા આધારે? એક તો, એ કહે છે કે, કાવ્યસામગ્રી તરીકે સ્થાન પામતું વસ્તુજગત અવસ્થા, દેશ, કાલ આદિ વિશેષોને કારણે અનંત રૂપે વિલસે છે અને બીજું, ધ્વનિના ભેદપ્રભેદોના વિવિધ પ્રકારનાં મિશ્રણોમાંથી નીપજતી અભિવ્યક્તિતરાહોનો પણ કોઈ છેડો નથી. તો આપણે તપાસી શકીએ કે કાવ્યસામગ્રીમાં એટલે કે વિભાવાદિમાં કશી નવતા છે? શી નવતા છે? એની અભિવ્યક્તિતરાહમાં કશી નવતા છે? શી નવતા છે? કવિકર્મનો હિસાબ તો આનાથી જ મળે, ને કાવ્યની વિશેષતા પણ આમાં જ છે. પરંપરામાં વિપ્રલંભશૃંગારને અભિલાષ, વિરહ, ઈર્ષ્યા, પ્રવાસ અને શાપના હેતુવાળો – એમ પંચવિધ બતાવાયો છે, તો સંયોગશૃંગારને પરસ્પરાવલોકન, આલિંગન, અધરપાન આદિ અનંત રૂપનો બતાવાયો છે. (કાવ્યપ્રકાશ, ૪.૨૮) ઉપરાંત રસની અનંતતા બતાવતાં મમ્મટ કહે છે કે એક સંયોગશૃંગાર રસ પણ વિભાવ, અનુભાવ ને વ્યભિચારીના વૈચિત્ર્યને કારણે, નાયકની ઉત્તમ-મધ્યમ – અધમ પ્રકૃતિને કારણે તથા દેશકાલના ભેદને કારણે અનંત રૂપનો બને છે. એટલે કે સંયોગશૃંગારની દરેક કૃતિનો રસ અનન્ય બનીને રહે છે. વિભાવાદિની કાવ્યશાસ્ત્રમાં મળતી સૂચિ તો દૃષ્ટાંતાત્મક હોય છે. એ કંઈ એના સંભવિત અનંત વૈવિધ્યને બાધિત કરતી નથી. એવા વૈવિધ્યની કાવ્યશાસ્ત્રીઓએ કલ્પના કરેલી જ છે. કાવ્યશાસ્ત્ર કહે છે કે સ્ત્રી રતિભાવનો આલંબનવિભાવ પણ સ્ત્રીનાં અનંત રૂપોને અવકાશ છે. એની પ્રકૃતિ, અવસ્થા, વિલાસવિભ્રમ, પરિવેશ, પ્રસંગ વગેરેએ કરીને સ્ત્રીને અનન્ય રૂપે કલ્પી શકાય છે. આ જ રીતે ભાવાભિવ્યક્તિની વિરલ મુદ્રાઓ ઝીલી શકાય છે અને સહચારી ભાવોની નવી સૃષ્ટિ નિર્મિત કરી શકાય છે. આ બધાંનું ઉદ્ઘાટન કરી આપવામાં ખરું રસલક્ષી વિવેચનકર્મ રહેલું છે.