સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/રસશાસ્ત્રની કેટલીક વ્યવસ્થાઓ

રસશાસ્ત્રની કેટલીક વ્યવસ્થાઓ : પુનર્વિચારને અવકાશ

સંસ્કૃત રસશાસ્ત્રની કેટલીક મૂળભૂત વ્યવસ્થાઓ – સ્થાયી અને સંચારીનો ભેદ, સ્થાયિભાવ અને રસની સંખ્યા, રસો વચ્ચે તારતમ્ય, સંચારીઓની સંખ્યા વગેરે – વિશે પણ આજે આપણા મનમાં પ્રશ્નો થયા વિના રહેતા નથી. પણ આનું એક કારણ એ છે કે આપણી નજર સામે બહુધા અભિનવગુપ્ત – મમ્મટાદિની રસશાસ્ત્રની મુખ્ય ધારા જ રહી છે. એને જ આપણે કંઈક ચુસ્તીથી વળગતા આવ્યા છીએ. વિશાળ કાવ્યશાસ્ત્રીય પરંપરાનો આપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કરીએ તો આપણને દેખાય છે કે આપણું રસશાસ્ત્રનું દર્શન સરલીકૃત છે ને અધૂરું પણ છે. કાવ્યશાસ્ત્રમાં રસશાસ્ત્રની ઘણી બાબતો પરત્વે વિચારભેદો અને વિગતભેદોને અવકાશ મળ્યો છે, એમાં ઘણી જટિલતા અને પ્રવાહિતા છે, આપણને આજે થાય છે તેવા કેટલાક પ્રશ્નો એ વખતે પણ થયેલા છે અને પ્રાચીન રસશાસ્ત્રમાં જ એની વિકાસક્ષમતાનાં સૂચનો પડેલાં છે. એટલે આજે એ રસશાસ્ત્રમાં કંઈ અપર્યાપ્તતા લાગે, આજના સાહિત્યસંદર્ભને અનુલક્ષીને એમાં અહીંતહીં સંમાર્જન કરવાનું અને એને આગળ લઈ જવાનું જરૂરી લાગે તો એમાં કશું અબ્રહ્મણ્યમ્ છે એમ માનવાની જરૂર નથી. બલ્કે, એમ કરીને જ આપણે પ્રાચીન રસવિચારને એક નવી સાર્થકતા આપી શકીએ. દાખલા તરીકે, સ્થાયિભાવ અને સંચારિભાવનો કાવ્યશાસ્ત્રે કરેલો ભેદ લો. એની ભૂમિકા કાવ્યત્વની છે કે મનોવૈજ્ઞાનિક એ સ્પષ્ટ થતું નથી અને એની તાર્કિકતા વિશે આપણને પ્રશ્ન થવો અસ્વાભાવિક નથી. ઉપરાંત, સ્થાયી – સંચારીની કાવ્યશાસ્ત્રની વ્યવસ્થામાં કેટલાંક છીંડાં પડતાં પણ દેખાય છે. સ્થાયિભાવની રસક્ષમતા કાવ્યશાસ્ત્રે વધારે માની છે, કાવ્યમાં એમનું પ્રધાનત્વ ઇષ્ટ ગણ્યું છે, પણ એક સ્થાયિભાવ અન્ય સ્થાયિભાવના સંચારી તરીકે આવે (કોઈ કાવ્યશાસ્ત્રી રસમાં પણ સ્થાયી-સંચારીનો ભેદ કરે છે) (ધ્વન્યાલોક, ૩.૨૪ પર લોચનટીકા) એ સ્થિતિ તો કાવ્યશાસ્ત્રે સ્વીકારી જ છે, પણ તે ઉપરાંત રસો એટલે કે સ્થાયિભાવો વચ્ચે તારતમ્ય પણ ભરતાદિએ કર્યું છે. શૃંગાર, વીર, રૌદ્ર અને બીભત્સ એ રસોને હેતુરૂપ ને બીજા રસોને એના કાર્યરૂપ બતાવવામાં આવ્યા છે અને કયા પ્રકારની રચનામાં કયા અંગી રસ આવે તેના નિયમો પણ કરવામાં આવ્યા છે. આજે આપણે પણ સર્વ રસોનું મનોહારિત્વ એકસરખું માનીશું ખરા? શૃંગાર, કરુણ, હાસ્ય તથા વીરની કક્ષાએ અદ્ભુત, રૌદ્ર, ભયાનક અને બીભત્સને મૂકીશું? બીભત્સાદિ રસો પ્રધાન હોય એવી મહત્ત્વની પ્રબંધરચના આપણે કલ્પી શકીએ છીએ ખરા? આ રસો બહુધા બીજા રસોને અનુષંગે જ આવી શકે એવા નથી લાગતા? સ્થાયિભાવો વિશે હેતુપ્રશ્ન ન પૂછી શકાય, સંચારિભાવો વિશે પૂછી શકાય એવી સ્થાયી – સંચારી વચ્ચેના ભેદની મનોવૈજ્ઞાનિક ભૂમિકા અભિનવગુપ્તે દર્શાવી છે (નાટ્યશાસ્ત્ર, ૬.૩૧ અભિનવભારતી ટીકા) તે પણ રસોને હેતુરૂપ અને કાર્યરૂપ માનવામાં ભાંગી પડે છે. કદાચ એમ કહી શકાય કે સ્થાયિભાવો તે માનવવૃત્તિઓના આઠ (કે નવ) મુખ્ય વર્ગો છે. કાવ્યક્ષમતાની દૃષ્ટિએ એ બધાનું સવિશેષ મૂલ્ય હોવાનું માનવું યોગ્ય છે કે કેમ એ પ્રશ્ન છે. બીજી બાજુથી, સંચારિભાવો સ્થાયિભાવને પુષ્ટ કરવા આવે છે એમ કહ્યા પછી સંચારિભાવ જેમાં કેન્દ્રમાં છે એવા ભાવધ્વનિકાવ્યનો સ્વીકાર થયો છે તેમાં સંચારિભાવનો મોભો બદલાઈ જતો આપણે જોઈએ છીએ. એક સંચારિભાવ અન્ય સંચારિભાવોથી પુષ્ટ થઈને આવી શકે એમ એમાં મનાયું છે. વળી, આપણને રુદ્રટાદિ કેટલાક કાવ્યશાસ્ત્રીઓ મળે જ છે કે જેઓ સ્થાયીની પેઠે સંચારીને પણ રસ રૂપે પરિણમતા બતાવે છે. સ્થાયી કે સંચારી એ ચિત્તાવસ્થા જ છે ને કોઈ પણ ચિત્તાવસ્થા પરિપોષ પામી રસરૂપ બની શકે છે એ સમજ એમાં રહેલી જણાય છે. કેટલાક કાવ્યશાસ્ત્રીઓ સાત્ત્વિક ભાવોને પણ સમાવી કુલ ૪૯ (૮ સ્થાયી, ૩૩ સંચારી, ૮ સાત્ત્વિક)ને રસ રૂપે પરિણમતા કહે છે તેમાં, અલબત્ત, રસની વ્યાખ્યા બદલાતી, વિશાળ થતી જોઈ શકાય છે. ભોજ, વળી, સ્વભાવરસ, વાચિક રસ અને નેપથ્ય રસ દર્શાવવા સુધી જાય છે, અન્ય કોઈએ મૃગયા રસ અને અક્ષ રસ પણ ગણાવ્યા છે. (આ માટે જુઓ વી. રાઘવનુ, નંબર ઓફ રસઝ) એમાં તો રસ પારિભાષિક સંજ્ઞા મટી સામાન્ય સંજ્ઞા બની જતી દેખાય છે : કોઈ પણ પ્રકારની આસ્વાદ્યતા તે રસ; ચિત્તવૃત્તિ જ નહીં, કોઈ પણ વિચાર કે વિષયવસ્તુ પણ રસરૂપ બની શકે. બધી કાવ્યસામગ્રી કે નાટ્યસામગ્રી એની રીતે આસ્વાદ્ય હોય જ છે ને? પરંપરાગત રસવ્યાખ્યાને આટલી હદે વિસ્તારી નાખવાનું આપણે પસંદ નહીં કરીએ કેમ કે આપણે જાણીએ છીએ કે કાવ્યસામગ્રીની આસ્વાદ્યતા બીજી વધારે ઊંડી આસ્વાદ્યતામાં સમર્પિત થતી હોય છે ને એ કાવ્યસમગ્રમાંથી નિષ્પન્ન થતી આસ્વાદાત્મક અનુભૂતિ જ રસ છે. આમ છતાં રસવિચાર કેવા છેડાઓ સુધી પહોંચ્યો છે એનું આ લાક્ષણિક ઉદાહરણ છે. એમ લાગે છે કે સ્થાયી – સંચારીની વ્યવસ્થામાં યુગાનુરૂપ અને જ્ઞાનાનુરૂપ પરિવર્તન સ્વીકારવા આપણે તૈયાર રહેવું જોઈએ. (જુઓ અતુલચન્દ્ર ગુપ્ત, કાવ્યજિજ્ઞાસા, પૃ.૮૪-૮૫ : સુરેન્દ્ર બારલિંગે, સૌંદર્યતત્ત્વ ઔર કાવ્યસિદ્ધાંત, પૃ.૧૧૪) પ્રાચીન કાળમાં પણ એવું જ થયું છે. સંચારિભાવ નિર્વેદને સ્થાયિભાવનો મોભો આપી શાંતરસની કલ્પના થઈ છે. સ્ત્રીવિષયક રતિ જ પરિપુષ્ટ થઈને શૃંગાર રસ બને, પણ દેવ, મુનિ, નૃપ, અને પુત્ર પ્રત્યેની રતિ ભાવની (એટલે સંચારિભાવની) કોટિએ જ રહે એવી એક માન્યતા છે, ને અભિનવગુપ્ત જેવા કોઈ ભક્તિને શાંતનો જ એક આવિર્ભાવ ગણે છે, તો સામે દેવ અને પુત્ર પ્રત્યેની રતિને અનુક્રમે ભક્તિ અને વત્સલ એ સ્વતંત્ર રસનો મોભો આપવાની પરંપરા પણ પ્રબળ છે. રતિના ચતુર્વિધ આવિર્ભાવના સ્વતંત્ર રસોની પણ કલ્પના થઈ છે. જેમ કે સરખેસરખાની મૈત્રી તે પ્રેયાનુ રસ, મોટેરાઓનો નાનાઓ પ્રત્યેનો સ્નેહ તે વાત્સલ્ય રસ, નેતા – અનુયાયી, રાજા – અમલદાર વચ્ચેનો સ્નેહ તે પ્રીતિ રસ અને મોટાઓ પ્રત્યે નાનાઓનો તથા ઈશ્વર પ્રત્યેનો આદર તે ભક્તિ. આટલું જ નહીં શ્રદ્ધા, ઉદાત્ત, ઉદ્યુત, લૌલ્ય, કાર્પણ્ય, આનંદ, બાહ્ય એવા અનેકાનેક રસોની કલ્પના થઈ છે. કેટલાક ભાવોને સ્વતંત્ર રસસંજ્ઞા ભલે નથી આપી, પણ કોઈ રસના વિશિષ્ટ રૂપનો મોભો તો આપ્યો જ છે. જેમ કે, વીરરસના યુદ્ધવીર ઉપરાંત દયાવીર, દાનવીર, ધર્મવીર, પાંડિત્યવીર, ક્ષમાવીર આદિ આવિર્ભાવો સ્વીકારાયા છે. (આ માટે જુઓ વી. રાઘવન્, નંબર ઑફ રસઝ) જો પ્રાચીન કાળમાં જ આ સ્થિતિ હોય તો સ્થાયિભાવ તે નવ જ એ આજે અતિસરલીકરણ લાગે (કૃષ્ણરાયન, ઉદ્ધૃત, ઈસ્ટ વેસ્ટ પોએટિક્સ ઍટ વર્ક, પૃ.૮૦-૮૧) એમાં નવાઈ નથી. સંચારિભાવોની સંખ્યા પરંપરાગત રીતે ૩૩ની મનાયેલી છે, પરંતુ ‘નાટ્યદર્પણ’ એમ કહે છે કે આ તો દ્વન્દ્વ સમાસમાં સમાવિષ્ટ થયેલા સંચારિભાવોની સંખ્યા છે, વસ્તુતઃ બીજા ઘણા સંચારિભાવો છે, જેમ કે, ક્ષુધા, તૃષ્ણા, મૈત્રી, મુદિતા, શ્રદ્ધા, દયા, ઉપેક્ષા, રતિ, સંતોષ, માર્દવ, આર્જવ, દાક્ષિણ્ય વગેરે. (રમેશ બેટાઈ સંપાદિત ભારતીય સાહિત્યવિચાર મંજૂષા ખંડ ૧ પૃ. ૪૧૪ પર તપસ્વી નાન્દીનું વિવરણ) તેત્રીસ એ ઓછી સંખ્યાની સીમા છે, વધુ સંખ્યાની નહીં એમ પણ કહેવાયું છે. [1] નવાં યુગબળો નવી ભાવપરિસ્થિતિઓને જન્મ આપે. દેશભક્તિ કે રાષ્ટ્રભક્તિનો ભાવ બહુધા અર્વાચીન યુગનો ભાવ છે. આજે રાજકીય, સામાજિક, કૌટુંબિક, આર્થિક વ્યવસ્થાઓ બદલાઈ છે, એણે નવા પ્રશ્નો, નવાં દબાણો અને માનવસંબંધની નવી ભાતોને જન્મ આપ્યો છે. જીવન સંકુલ બન્યું છે અને માનવમનના ઘણા અગોચર ખૂણા પ્રકાશિત થયા છે. પરિણામે આજે જૂની ભાવવ્યવસ્થા યથાતથ ટકી રહે એ અસંભવિત છે. નૂતન ભાવસ્થિતિઓ આપણી પક્ડમાં આવી છે ને પૂર્વે ગૌણ ગણાયેલા ભાવો કેન્દ્રીય સ્થાનના અધિકારી બને એવું થયું છે. કવિપ્રતિભા પણ એક ઘણી મહત્ત્વની ચીજ છે. સામાન્ય રીતે આપણે કલ્પી ન શકીએ એવા ભાવને કેન્દ્રમાં રાખી એ કાવ્યરચના કરી બતાવે – ઉત્તમ અને દીર્ઘ કાવ્યરચના પણ કરી બતાવે. એટલે આ બધાંનો સમાસ થાય એ રીતે પરંપરાગત રસશાસ્ત્રનું આપણે વિસ્તરણ- સંમાર્જન કરતા રહીએ અને એમ રસશાસ્ત્રનો વધુમાં વધુ લાભ ઉઠાવીએ એ ઇષ્ટ છે.


  1. ૨૯. ત્રયસ્ત્રિંશદિતિ ન્યૂનસંખ્યાયાઃ વ્યવચ્છેદકં ન ત્વધિકસંખ્યાયાઃ । (ઉદ્ધૃત, અતુલચંદ્ર ગુપ્ત, કાવ્યજિજ્ઞાસા, પૃ.૩૮-૩૯)