સત્યના પ્રયોગો/ખેડાની
આ લડતનો અંત વિચિત્ર રીતે આવ્યો. લોકો થાક્યા હતા એ સ્પષ્ટ હતું. મક્કમ રહેલાને છેવટ લગી ખુવારી થવા દેવામાં સંકોચ થતો હતો. સત્યાગ્રહીને યોગ્ય લાગે એવા કોઈ અંતનો શોભાયમાન માર્ગ મળે તો તે લેવા તરફ મારું વલણ હતું. એવો ઉપાય અણધાર્યો આવી પડયો. નડિયાદ તાલુકાના મામલતદારે કહેણ મોકલ્યું કે, જો સ્થિતિવાળા પાટીદારો મહેસૂલ ભરી આપે તો ગરીબનું મહેસૂલ મુલતવી રહે. આ બાબત મેં લેખિતવાર કબૂલાત માગી તે મળી. મામલતદાર પોતાના તાલુકાને સારુ જ જવાબદારી લઈ શકે, આખા જિલ્લાની જવાબદારી કલેક્ટર જ લઈ શકે, તેથી મેં કલેક્ટરને પૂછયું. તેમનો ઉત્તર ફરી વળ્યો કે મામલતદારે કહ્યું એવો હુકમ તો નીકળી જ ચૂક્યો છે. મને આવી ખબર નહોતી, પણ એ હુકમ નીકળ્યો હોય તો લોકોની પ્રતિજ્ઞાનું પાલન થયું ગણાય. પ્રતિજ્ઞામાં એ જ વસ્તુ હતી, તેથી એ હુકમથી સંતોષ માન્યો.
આમ છતાં એ અંતથી અમે કોઈ રાજી ન થઈ શક્યા. સત્યાગ્રહની લડત પાછળ મીઠાશ હોય તે આમાં નહોતી. કલેક્ટર જાણે તેણે કંઈ જ નવું નથી કર્યું. ગરીબ લોકોને છોડવાની વાત થતી, પણ તેઓ ભાગ્યે જ બચ્યા. ગરીબમાં કોણ એ કહેવાનો અધિકાર પ્રજા અજમાવી ન શકી. પ્રજામાં એ શક્તિ રહી નહોતી એનું મને દુઃખ હતું. તેથી અંતનો ઉત્સવ મનાયો, છતાં તે મને આ દૃષ્ટિએ નિસ્તેજ લાગ્યો.
સત્યાગ્રહનો શુદ્ધ અંત એ ગણાય કે, જ્યારે આરંભ કરતાં અંતમાં પ્રજામાં વધારે તેજ ને શક્તિ જોવામાં આવે. આ હું ન જોઈ શક્યો.
એમ છતાં આ લડાઈનાં જે અદૃશ્ય પરિણામો આવ્યાં તેમનો લાભ તો આજે પણ જોઈ શકાય છે ને લેવાઈ રહ્યો છે. ખેડાની લડતથી ગુજરાતના ખેડૂતવર્ગની જાગૃતિનો, તેની રાજ્યપ્રકરણી કેળવણીનો આરંભ થયો.
વિદુષી ડૉ. બેસંટની ‘હોમરૂલ’ની પ્રતિભાશાળી ચળવળે તેનો સ્પર્શ અવશ્ય કર્યો હતો, પણ ખેડૂતજીવનમાં શિક્ષિત વર્ગનો, સ્વયંસેવકોનો ખરો પ્રવેશ તો આ લડતથી જ થયો એમ કહી શકાય. સેવકો પાટીદારના જીવનમાં ઓતપ્રોત થયા હતા. સ્વયંસવેકોને પોતાના ક્ષેત્રની મર્યાદા આ લડતમાં જડી, તેમની ત્યાગશક્તિ વધી. વલ્લભભાઈએ પોતાને આ લડતમાં ઓળખ્યા એ એક જ જેવુંતેવું પરિણામ નહોતું, એમ આપણે ગયે વર્ષે સંકટનિવારણ વખતે અને આ વર્ષે બારડોલીમાં જોઈ શક્યા. ગુજરાતના પ્રજાજીવનમાં નવું તેજ આવ્યું, નવો ઉત્સાહ રેડાયો. પાટીદારને પોતાની શક્તિનું જ્ઞાન થયું તે કદી ન ભૂલાયું. બહુ સમજ્યા કે પ્રજાની મુક્તિનો આધાર પોતાની ઉપર છે, ત્યાગશક્તિ ઉપર છે. સત્યાગ્રહે ખેડાની મારફતે ગુજરાતમાં જડ ઘાલી. એટલે, જોકે લડાઈના અંતથી હું રાજી ન થઈ શક્યો, પણ ખેડાની પ્રજાને તો ઉત્સાહ હતો, કેમ કે તેણે જોઈ લીધું હતું કે શક્તિ પ્રમાણે બધું મળ્યું, ને ભવિષ્યને રાજદુઃખનિવારણનો માર્ગ તેને મળી ગયો. આટલું જ્ઞાન તેના ઉત્સાહને સારુ બસ હતું.
પણ ખેડાની પ્રજા સત્યાગ્રહનું સ્વરૂપ પૂરું નહોતી સમજી શકી, તેથી તેને કેવા કડવા અનુભવો કરવા પડ્યા એ આપણે હવે પછી જોઈશું.