સત્યના પ્રયોગો/પહેલોકેસ


૩. પહેલો કેસ

મુંબઈમાં એક તરફથી કાયદાનો અભ્યાસ શરૂ થયો. બીજી તરફથી ખોરાકના અખતરા; અને તેમાં મારી સાથે વીરચંદ ગાંધી જોડાયા. ત્રીજી તરફથી ભાઈનો પ્રયાસ મારે સારુ કેસ શોધવાનો શરૂ થયો.

કાયદા વાંચવાનું કામ ઢીલું ચાલ્યું. ‘સિવિલ પ્રોસિજર કોડ’ કેમે ગળે ઊતરે નહીં. પુરાવાનો કાયદો ઠીક ચાલ્યો. વીરચંદ ગાંધી સૉલિસિટરની તૈયારી કરતા, એટલે વકીલોની ઘણી વાતો કરે. ‘ફિરોજશાની હોશિયારીનું કારણ તેમનું કાયદાનું અગાધ જ્ઞાન છે. તેમને ‘એવિડન્સ ઍક્ટ’ તો મોઢે જ છે. બત્રીસમી કલમ ઉપરના એકેએક કેસ તેઓ જાણે. બદરુદ્દીનની બાહોશી તો એવી છે કે જડજો તેમનાથી અંજાઈ જાય છે. તેમની દલીલ કરવાની શક્તિ અદ્ભુત છે.’

જેમ જેમ આવા અડીખમોની વાતો સાંભળું તેમ તેમ હું ગભરાઉં.

‘પાંચસાત વર્ષ સુધી બારિસ્ટર કોર્ટમાં ઢેફાં ભાંગે તે નવાઈ ન ગણાય. તેથી જ મેં સૉલિસિટર થવાનું ધાર્યું છે. ત્રણેક વર્ષ પછી તમે ખર્ચ ઉપાડો એટલું કમાઓ તો ઘણું સારું કર્યું કહેવાય.’

દર માસે ખર્ચ ચડે. બહાર બારિસ્ટરનું પાટિયું ચોડવું ને ઘરમાં બારિસ્ટરી કરવાને સારું તૈયારી કરવી! આ મેળ મારું મન કેમે ન મેળવી શકે. એટલે મારું વાચન વ્યાકુળ ચિત્તે ચાલ્યું. પુરાવાના કાયદામાં કંઈક રસ પડ્યાનું હું કહી ગયો. મેઇનનો ‘હિંદુ લૉ’ ખૂબ રસપૂર્વક વાંચ્યો. પણ કેસ ચલાવવાની હિંમત ન આવી. મારું દુઃખ કોને કહું? સાસરે ગયેલી નવી વહુના જેવી મારી સ્થિતિ થઈ!

એટલામાં મમીબાઈનો કેસ મારે નસીબે આવ્યો. સ્મૉલકૉઝ કોર્ટમાં જવાનું હતું. ‘દલાલને કમિશન આપવું પડશે!’ મેં ઘસીને ના પાડી.

‘પણ ફોજદારી કોર્ટમાં પંકાયેલા પેલા…. મહિને ત્રણચાર હજાર પાડનાર પણ કમિશન તો આપે છે.’

‘મારે ક્યાં તેના જેવું થવું છે? મને તો દર માસે રૂ. ૩૦૦ મળે તો બસ થાય. બાપુને ક્યાં વધારે મળતા હતા?’

‘પણ એ જમાનો ગયો. મુંબઈના ખર્ચ મોટાં. તારે વ્યવહાર વિચારવો જોઈએ.’

હું એક ટળી બે ન થયો. કમિશન ન જ આપ્યું. પણ મમીબાઈનો કેસ તો મળ્યો. કેસ સહેલો હતો. મને બ્રીફના રૂ. ૩૦ મળ્યા. કેસ એક દિવસથી વધારે ચાલે તેમ નહોતો.

સ્મૉલકૉઝ કોર્ટમાં પહેલવહેલો દાખલ થયો. હું પ્રતિવાદી તરફથી હતો. એટલે મારે ઊલટતપાસ કરવાની હતી. હું ઊભો તો થયો પણ પગ ધ્રૂજે, માથું ફરે. મને લાગે કે કોર્ટ ફરે છે. સવાલ પૂછવાનું સૂઝે જ નહીં. જજ હસ્યો હશે. વકીલોને તો ગમ્મત પડી જ હશે. પણ મારી આંખને ક્યાં કંઈ જોવાપણું હતું!

હું બેઠો. દલાલને કહ્યું, ‘મારાથી આ કેસ નહીં ચલાવાય, પટેલને રોકો. મને આપેલી ફી પાછી લો.’ પટેલને તે જ દહાડાના એકાવન રૂપિયા આપી રોક્યા. તેમને તો રમતવાત હતી.

હું નાઠો. મને યાદ નથી કે અસીલ જીત્યો કે હાર્યો. હું શરમાયો. પૂરી હિંમત ન આવે ત્યાં લગી કેસ ન લેવાનો નિશ્ચય કર્યો ને દક્ષિણ આફ્રિકા ગયો ત્યાં લગી કોર્ટમાં ન જ ગયો. આ નિશ્ચયમાં કશી શક્તિ નહોતી. હારવાને સારુ પોતાનો કેસ મને પણ કોણ આપવા નવરું હોય? એટલે નિશ્ચય વિના પણ મને કોર્ટમાં જવાની તસ્દી કોઈ આપત નહીં!

પણ હજુ એક બીજો કેસ મુંબઈમાં મળવાનો હતો ખરો. આ કેસ અરજી ઘડવાનો હતો. એક ગરીબ મુસલમાનની જમીન પોરબંદરમાં જપ્ત થઈ હતી. મારા પિતાશ્રીના નામને જાણી તેના બારિસ્ટર દીકરા પાસે તે આવેલો. મને તેનો કેસ લૂલો લાગ્યો, પણ મેં અરજી ઘડી દેવાનું કબૂલ કર્યું. છપામણીનું ખર્ચ અસીલે આપવાનું હતું. મેં અરજી ઘડી. મિત્રવર્ગને વંચાવી. તે અરજી પાસ થઈ ને મને કંઈક વિશ્વાસ બેઠો કે, હું અરજી ઘડવા જેટલો લાયક હોઈશ, – હતો પણ ખરો.

પણ મારો ઉદ્યોગ વધતો ગયો. મફત અરજીઓ ઘડવાનો ધંધો કરું તો અરજીઓ લખવાનું તો મળે, પણ તેથી કંઈ છોકરાં ઘૂઘરે રમે?

મેં ધાર્યું કે હું શિક્ષકનું કામ કરી શકું ખરો. અંગ્રેજીનો અભ્યાસ મેં ઠીક કર્યો હતો. એટલે, જો કોઈ નિશાળમાં મૅટ્રિક્યુલેશન ક્લાસમાં અંગ્રેજી શીખવવાનું કામ મળે તો તે શીખવું. કંઈક ખાડો તો પુરાય!

મેં છાપામાં જાહેરખબર વાંચી : ‘જોઈએ છે, અંગ્રેજી શિક્ષક. દરરોજનો એક કલાક, પગાર રૂ. ૭૫.’ આ એક પ્રખ્યાત હાઈસ્કૂલની જાહેરખબર હતી. મેં અરજી કરી. મને રૂબરૂ મળવાની આજ્ઞા થઈ. હું હોંશે હોંશે ગયો. પણ આચાર્યે જાણ્યું કે હું બી.એ. નથી, ત્યારે મને દિલગીરીની સાથે રજા આપી.

‘પણ મેં લડનની મૅટ્રિક્યુલેશન પાસ કરી છે. લૅટિન મારી બીજી ભાષા હતી.’

‘એ ખરું, પણ અમારે તો ગ્રેજ્યુએટ જ જોઈએ.’

હું લાચાર થયો. મારા હાથ હેઠા પડ્યા. મોટાભાઈ પણ ચિંતામાં પડ્યા. અમે બન્નેએ વિચાર્યું કે મુંબઈમાં વધારે કાળ ગાળવો નિરર્થક છે. મારે રાજકોટ જ સ્થિર થવું. પોતે નાના વકીલ હતા; મને કંઈક ને કંઈક અરજીઓ ઘડવાનું કામ તો આપી જ શકે. વળી રાજકોટના ઘરનું ખર્ચ તો હતું જ. એટલે મુંબઈનો ખર્ચ કાઢી નાખવાથી ઘણો બચાવ થાય એમ હતું. મને સૂચના ગમી. મુંબઈનું ઘર કુલ છએક માસના વસવાટ પછી ઉઠાવ્યું.

મુંબઈમાં રહ્યો તે દરમિયાન હાઈકોર્ટમાં હું રોજ જતો. પણ ત્યાં કંઈ શીખ્યો એમ ન કહી શકું. શીખવા જેટલી સમજ નહોતી. કેટલીક વેળા તો કેસમાં સમજ ન પડે ને રસ ન પડે ત્યાં ઝોલાં પણ ખાતો. બીજા પણ ઝોલાં ખાનારા સાથી મળતાં, તેથી મારી શરમનો બોજો હલકો થતો. છેવટે હોઈકોર્ટમાં બેઠાં ઝોલાં ખાવાં અને ફૅશન ગણવામાં બાધ નથી એમ સમજતો થયો. એટલે તો શરમનું કારણ જ ગયું.

આ યુગમાં પણ મારા જેવા બેકાર બારિસ્ટરો જો કોઈ મુંબઈમાં હોય તો તેમને સારુ એક નાનોસરખો અનુભવ અહીં ટાંકું છું.

ગીરગામમાં મકાન હતું છતાં હું જવલ્લે જ ગાડીભાડું ખરચતો. ટ્રામમાં પણ ભાગ્યે જ બેસતો. ગીરગામથી ઘણે ભાગે નિયમસર ચાલીને જતો. તેમાં ખાસી ૪૫ મિનિટ લાગતી. ને ઘેર પાછો તો અચૂક ચાલીને જ આવતો. દિવસના તડકો લાગે ને સહન કરવાની શક્તિ કેળવી લીધી હતી. આથી મેં ઠીક પૈસા બચાવ્યા ને મુંબઈમાં મારા સાથીઓ માંદા પડતા ત્યારે હું એક પણ દહાડો માંદો પડયો હોઉં એમ મને સ્મરણ નથી. જ્યારે હું કમાતો થયો ત્યારે પણ આમ ઑફિસે ચાલીને જવાની ટેવ મેં છેવટ લગી કાયમ રાખી. આનો લાભ હું આજ લગી ઉઠાવી રહ્યો છું.