સત્યના પ્રયોગો/હાઈસ્કૂલમાં


૫. હાઈસ્કૂલમાં

વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો એ હું આગળ લખી ગયો છું. તે વેળા અમે ત્રણે ભાઈ એક જ સ્કૂલમાં ભણતા. જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી એક વર્ગ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું બે ભાઈનું એક વર્ષ નકામું ગયું. મારા ભાઈને સારું તો એથીયે વિષમ પરિણામ આવ્યું. વિવાહ પછી તે નિશાળમાં ન જ રહી શક્યા. આવું અનિષ્ટ પરિણામ તો દૈવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. વિદ્યાભ્યાસ ને વિવાહ બેઉ એકસાથે તો હિંદુ સંસારમાં જ હોય.

મારો અભ્યાસ ચાલુ રહ્યો. હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળિયો ન ગણાતો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશાં સાચવી હતી. દરેક વર્ષે માબાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમ જ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતાં. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા ગઈ નથી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધાં ને પાંચમા તથા છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક ચાર રૂપિયા ને દસ રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી. આ મળવામાં મારી હોશિયારી કરતાં દૈવે વધારે ભાગ લીધો હતો. એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં, પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારુ હતી. ચાળીસ-પચાસ વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઈ શકે?

મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઈ માન નહોતું. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું. પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાસે એ મને અસહ્ય થઈ પડે. એક વખત માર ખાવો પડયો હતો એવું મને સ્મરણ છે. મારનું દુઃખ નહોતું, પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. હું ખૂબ રડયો. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે. બીજો પ્રસંગ સાતમા ધોરણનો છે. તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્તર હતા. તે વિદ્યાર્થીપ્રિય હતા, કેમ કે તેઓ નિયમ જળવાવતા, પદ્ધતિસર કામ કરા ને લેતા, તથા શિક્ષણ ઠીક આપતા. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારુ કસરતક્રિકેટ ફરજિયાત કર્યાં હતાં. મને તેનો અણગમો હતો. ફરજ પડી તે પહેલાં તો હું કદી કસરત, ક્રિકેટ કે ફૂટબૉલમાં ગયો જ નહોતો. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી. કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો. પાછળથી સમજ્યો કે વ્યાયામને એટલે શારીરિક કેળવણીને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ.

છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ. તેનું કારણ એ કે, પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા કરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી, ને તેથી હાઈસ્કૂલનાં ઉપલાં ધોરણોથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. તે છેવટ લગી રહી. ફરવું એ પણ વ્યાયામ તો છે જ, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું.

અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઇચ્છા હતું. નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો. જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડયું. પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી. પણ ગીમી સાહેબ શાના માફી આપે? એક શનિવારે નિશાળ સવારની હતી. સાંજે ચાર વાગ્યે કસરતમાં જવાનું હતું. મારી પાસે ઘડિયાળ નહોતી. આકાશમાં વાદળાં હતાં, તેથી વખતની કંઈ ખબર ન રહી. વાદળાંથી હું છેતરાયો. કસરતમાં પહોંચું ત્યાં તો બધા જતા રહ્યા હતા. બીજે દિવસે ગીમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો. મને કારણ પૂછયું. મેં તો જે હતું તે કારણ બતાવ્યું. તેમણે તે સાચું ન માન્યું ને મારો એક આનો કે બે આના (કેટલો એ બરાબર યાદ નથી) દંડ થયો. હું ખોટો ઠર્યો! મને અતિશય દુઃખ થયું. ‘હું ખોટો નથી’ એ કેમ સિદ્ધ કરું? કશો ઉપાય ન રહ્યો. મનમાં મને મનમાં સમસમી રહ્યો. રોયો. સમજ્યો કે સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. આવી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી. મને ઝાંખુ સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફી કરાવી શક્યો હતો.

કસરતમાંથી તો મુક્તિ મેળવી જ. નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાને અર્થે ઇચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્તરને મળવાથી મુક્તિ મળી.

વ્યાવ્યામને બદલે ફરવાનું રાખ્યું તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી; પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું. ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી. પણ છેક વિલાયત જતાં લગી એ રહ્યો. પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં, જ્યાં વકીલોને અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે, હું લજવાયો ને પસ્તાયો. મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો, પણ પાકે ઘડે કંઈ કાંઠા ચડે? જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ન સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે. હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ. જેમ પક્ષીઓ, વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે તેમ જ અક્ષર ઓળખતાં શીખે, ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો કાઢતાં શીખે ત્યારે અક્ષર કાઢતાં શીખે તો તેના અક્ષર છાપેલ જેવા થાય.

આ કાળના વિદ્યાભ્યાસનાં બીજાં બે સ્મરણો નોંધવાલાયક છે. વિવાહને લીધે એક વર્ષ ભાંગ્યું તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો. મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી. આથી ત્રીજા ધોરણમાં હું છ માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી મને ચોથા ધોરણમાં મૂક્યો. અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય. મને કશી સમજ ન પડે. ભૂમિતિ પણ ચોથા ધોરણમાં શરૂ થાય. હું તેમાં પાછળ તો હતો જ, ને વળી એ મુદ્દલ ન સમજાય. ભૂમિતિશિક્ષક સમજાવવામાં સારા હતા. પણ મને કંઈ ગેડ જ ન બેસે. હું ઘણી વેળા નિરાશ થતો. કોઈ વેળા એમ થાય કે બે ધોરણ એક વર્ષમાં કરવાનું છોડી હું ત્રીજા ધોરણમાં ચાલ્યો જાઉં. પણ એમ કરું તો મારી લાજ જાય, ને જેણે મારી ખંત ઉપર વિશ્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય. એ ભયથી નીચે ઊતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો. પ્રયત્ન કરતાં કરતાં જ્યારે યુક્લિડના તેરમા પ્રમેય ઉપર આવ્યો ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે. જેમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ જ કરવાનો છે તેમાં મુશ્કેલી શી? ત્યાર બાદ હમેશાં ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડયો.

સંસ્કૃતે મને ભૂમિતિ કરતા વધારે મુશ્કેલી પાડી. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે, ત્યારે સંસ્કૃતમાં તો મારી દૃષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. આ વિષય પણ ચોથા ધોરણથી શરૂ થયેલો. છઠ્ઠા ધોરણમાં હું હાર્યો, સંસ્કૃતશિક્ષક બહુ સખત હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. સંસ્કૃતવર્ગ ને ફારસીવર્ગ વચ્ચે એકબીજાની હરીફાઈ હતી. ફારસી શીખવનાર મોલવી નરમ હતા. વિદ્યાર્થીઓ માંહે માંહે વાત કરે કે, ફારસી તો બહુ સહેલું છે ને ફારસીશિક્ષક બહુ ભલા છે, વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે. હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો. સંસ્કૃતશિક્ષકને દુઃખ થયું. તેમણે મને બોલાવ્યો. ‘તું કોનો દીકરો છે એ તો સમજ. તારા ધર્મની ભાષા તું નહીં શીખે? તને જે મુશ્કેલી હોય તે મને બતાવ. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઇચ્છું છું. આગળ જતાં તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે તારે એમ હારવું ન જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ.’ હું શરમાયો. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણાશંકર માસ્તરનો ઉપકાર માને છે. કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીક્યો તેટલું પણ ન શીખ્યો હત તો આજે મારાથી, સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકું છું, તે ન લઈ શકાત. મને તો એ પશ્ચાત્તાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો. કેમ કે, પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ.

હવે તો હું એવું માનું છું કે ભારતવર્ષના ઉચ્ચ શિક્ષણક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિંદી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવાનો ને વિચારવાનો બીજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી, એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજીનું જ્ઞાન સુલભ થઈ પડે છે. ખરું જોતાં તો હિંદી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય. તેમ જ ફારસી ને અરબી એક ગણાય. ફારસી જોકે સંસ્કૃતને લગતી છે, ને અરબી હિબ્રૂને લગતી છે, છતાં બન્ને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે, તેથી બન્ને વચ્ચે નિકટ સંબંધ છે. ઉર્દૂને મેં અલગ ભાષા નથી ગણી, કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિંદીમાં થાય છે. તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દૂ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે, જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિંદી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે.