સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/અર્નેસ્ટ હેમિંગ્વે

૨૧. અર્નેસ્ટ હેમિંગ્વે

૧૯૬૧ના આરંભમાં છાપામાં સમાચાર હતા કે હેમિંગ્વે નામપલટો કરીને અમેરિકાની એક ઇસ્પિતાલમાં સારવાર માટે રહ્યા છે. લોહીના ભારે ઊંચા દબાણની તકલીફ અંગે કેટલાક મહિના સુધી સારવાર લઈ તેઓ ઘેર પાછા આવ્યા હતા. ત્યાં બીજી જુલાઈએ બંદૂક સમી કરતી વખતે અકસ્માત થતાં એમનું અવસાન થયું. (પાછળથી ‘ટાઇમ’ સાપ્તાહિકે કહ્યું કે મોઢામાં નળી રાખી ઘોડો દબાવી એમણે આત્મઘાત કર્યો હતો.) ૬૨ વરસના આવરદામાં હેમિંગ્વે મૃત્યુના ઉંબર સુધી એક કરતાં વધુ વાર યાત્રા કરી આવ્યા હતા. લડાઈમાં એ ગંભીર રીતે ઘવાયેલા. આખલાથી ઈજા પામેલા. બે વાર મોટર-અકસ્માતનો અનુભવ થયેલો. અને આફ્રિકામાં ઉપરાછાપરી બે વાર વિમાની અકસ્માત એમને નડેલા. સુકુમારપણાથી ઘણો વેગળો એવો દેખાવ. પ્રાણશક્તિનો ભારે ઉદ્રેક. જીવન જીવવા માટે અતિ તીવ્ર વૃત્તિ. અને આંતર જીવન જુઓ તો, માનસ જીવન તપાસો તો? શૂન્યતા, મૃત્યુ (‘મરવાની વાતનો પણ કં-ટા-ળો’!) – એ ઉપર એમનું ચિત્ત ઝળુંબ્યાં કરતું જોવા મળે છે; અને એ શૂન્યતા – કૃતાન્ત – જે કંઈ હોય તે – ઉપર અમર વિજયિની કલાની મુદ્રા ઉઠાવે છે ત્યારે એને જંપ વળે છે. બે વિશ્વયુદ્ધો વચ્ચેની, માંડી વાળ્યા ખાતેની, પેઢીના એ પ્રતિનિધિ. યુદ્ધની અસારતા એમણે જોઈ અને વાર્તામાં આલેખી. સ્પેનના આંતરવિગ્રહ દરમ્યાન પત્રકાર તરીકે એ ત્યાં ઉપસ્થિત હતા અને ‘ફૉર હુમ ધ બેલ ટૉલ્સ’ એ વિરલ અનુકંપા-ટપકતી કથા એમના અનુભવોમાંથી જગતને મળી. ઘણા પ્રસિદ્ધ કથાલેખક હોવા છતાં – કથનકલાની હેમિંગ્વેએ એક નવી જ કેડી પાડેલી હોવા છતાં – અમેરિકાનું પૈસાની દૃષ્ટિએ મોટું નહિ (માત્ર પાંચસો ડૉલરનું) પણ પ્રતિષ્ઠાની દૃષ્ટિએ ઘણું મોટું એવું પુલિટ્‌ઝર પારિતોષિક એમને ૧૯૫૨માં સોએક પાનાંની કથા ‘ઓલ્ડ ઍન મૅન્ડ ધ સી’ પ્રગટ થયા પછીને વરસે મળ્યું. બીજું વરસ વીત્યે નોબેલ પારિતોષિક પણ એમને અર્પણ થયું, અને એક વિરલ કથાકારપ્રતિભા મોડી મોડી પણ યોગ્ય રીતે પોંખાઈ. આમ તો હેમિંગ્વે જગજાણીતા હતા. ખાસ કરીને કથાલેખનની એમની પદ્ધતિ કથાસાહિત્યના અભ્યાસીઓમાં અને ખેડનારાઓમાં ઘણા ધ્યાનપૂર્વકના આદરને પાત્ર બની હતી. હેમિંગ્વેની પદ્ધતિમાં ભારોભાર પ્રામાણિકતા હતી. શૈલીનો મેદ ન હતો. શબ્દની શરગતિ એમને સહજ હતી. લાઘવ અને સરલતા એમની કૃતિઓમાં અર્થને અપૂર્વ રીતે ઉપસાવી આપે છે. નોબેલ પારિતોષિકના સમાચાર મળતાં વૃત્તાન્તનિવેદકને એમણે કહેલા શબ્દો યાદ રાખવા જેવા છે : “લેખકે આટલું કરવા પ્રયત્ન કરવો જોઈએ – પોતાથી શક્ય હોય એટલી સચ્ચાઈથી લખવું. કેમ કે કથાઓના લેખકે પોતે જે જાણતો હોય તેમાંથી નવું બનાવવાનું છે, જેથી કશુંક ફોટોગ્રાફ લીધો હોય એવું કે નૈસર્ગિક કે વાસ્તવિક નહિ પણ સુવાંગ નવતર અને એના પોતાના જ્ઞાનમાંથી ઉપજાવી કાઢેલું એ નિર્મી શકે. લેખકે એટલું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ કે કશુંક સર્જવું – અને એ એવી રીતે લખાયેલું હોય કે એને જે કોઈ વાંચે તેના અનુભવનો ભાગ એ બની રહે.” દુનિયાનું સાહિત્ય માટેનું ઉત્તમ પારિતોષિક મળ્યું એટલે સર્જનકાર્યનું અચ્યુતંકેશવં બોલાવી દેવાને બદલે, સર્જન માટેનાં ઉત્તમ વર્ષો હવે મારી સામે ઊભાં છે એમ એમણે કહેલું. હૉસ્પિટલમાં જતાં પહેલાં એક કથા એમણે પૂરી કર્યાના સમાચાર છે, પણ તેનાં નામ અને વિષય જાહેર થયાં નથી. કલાકાર તરીકેની પ્રામાણિકતા (ઇન્ટેગ્રિટી) એ હેમિંગ્વે અંગે સૌથી મોટી નોંધવાયોગ્ય લાક્ષણિકતા છે. જીવનનો જામ છલોછલ પીવા માટે એ સતત પ્રયત્નશીલ હતા, આફ્રિકામાં અને બીજે સાહસભર્યા પ્રવાસો ખેડવા, આખલાયુદ્ધના રંગ માણવા, એ બધી પ્રાણોદ્રેકલીલા વચ્ચે કલા પ્રત્યેની ઊંચી વફાદારીની જ્યોત ચાલુ જલ્યાં કરી છે. હેમિંગ્વેની કલાયાત્રામાં એમની સાચી અંતરતમ જીવનદૃષ્ટિ અંકાયેલી જોઈ શકાશે. નોબેલ પારિતોષિક સ્વીકારતાં, કલાકારને નસીબે અવશ્યમેવ લખાયેલી એકલતાનો અને અનંતતા (અથવા તો અનંતતાના અભાવ) સામે એણે મોઢામોઢ ઊભા રહ્યે છૂટકો છે એ વાતનો નિર્દેશ એમણે કર્યો છે : “લખવું એ, એની ઉચ્ચતમ કક્ષાએ, એકાકી જીવન છે. લેખકો માટેનાં મંડળો લેખકના એકાકીપણાને હળવું બનાવે છે, પણ તેઓ એના લેખનની ગુણવત્તા વધારે છે કે કેમ એ અંગે મને શંકા છે. જેમ જેમ પોતાના એકાકીપણાને એ ખંખેરતો રહે છે તેમ તેમ જાહેરમાં એનો મોભો વધે છે, અને ઘણી વાર એનું લખાણ હીણાતું જાય છે; કારણ કે એ એનું કામ એકાકીપણે કરતો હોય છે અને જો એ પૂરતો સારો લેખક હોય તો એણે હરરોજ અનંતતાની, અથવા તો અનંતતાના અભાવની સામે મોઢામોઢ ઊભવું જોઈએ.” “સાચા લેખક માટે દરેક પુસ્તક એ નવો આરંભ હોય, જેમાં સંસિદ્ધિની પાર રહેલા કશાક માટે પુનઃ એ મથી રહ્યો હોય. જે કદી સિદ્ધ થયું નથી અથવા જેને માટે પ્રયત્ન થયા છે પણ જેને પ્રાપ્ત કરવામાં નિષ્ફળતા સાંપડી છે તેવા કશાક માટે એણે હમેશાં મથવું જોઈએ. પછી ક્યારેક, નસીબ પાધરું હોય તો, એને સફળતા મળશે.” “જે સારી રીતે લખાયું છે તેને જરીક જુદી રીતે લખવાની જ માત્ર જરૂર હોય તો તો સાહિત્ય સર્જવું એ કેટલું સહેલું થઈ જાય! ભૂતકાળમાં મોટા મોટા લેખકો આપણને મળ્યા છે, એને લીધે લેખકને પોતે જઈ શકે ત્યાં સુધી, દૂર દૂર જ્યાં એને કોઈ મદદ ન કરી શકે એટલે દૂર, જવાની ફરજ પડે છે.” પશ્ચિમની વાર્તાલેખનની સમૃદ્ધ પરંપરામાં ગતાનુગતિક રીતે હેમિંગ્વેએ કામ કર્યું નહિ. એમની સૂક્ષ્મ અને સાચી સૌન્દર્યદૃષ્ટિએ કથનકલાને ચાલુ ઘરેડોમાંથી ઊંચકી. કથાનો નવતર અવતાર થયો જાણે. અને ખાસ નોંધવાનું તો એ છે કે કથાસાહિત્યનો આ નવાવતાર, ચાલો કાંઈક નવતેરું કરીએ એમાંથી નહિ પણ હેમિંગ્વેની આગવી આંતર અનુભૂતિના અનિવાર્ય આવિષ્કારરૂપે શક્ય બન્યો હતો. બહુ લોભ કર્યા વગર હું તો માત્ર ત્રણ નમૂનાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરું. ત્રણેમાં હેમિંગ્વેની કથનરીતિનો વિશેષ સોળે કળાએ પ્રગટ થયા છે, અને એ પ્રત્યેક કૃતિ તપાસતાં અંતરતમ કલાપુરુષ જીવનને કઈ રીતે જુએ છે તેનો પણ કાંઈક અણસારો મળે છે. ‘A Clean, Well-lighted Place’ – ચોખ્ખીસોજ્જી સારીપેરે અજવાળેલી જગા – માત્ર પાંચ પાનાંની ટચૂકડી વાર્તા છે, પણ એને વિશે વાત કરતાં પાર ન આવે. ભાંગતી રાત છે. સૌ ચાલ્યા ગયાં છે. માત્ર એક એંશી વરસનો બહેરો બુઢ્‌ઢો હજી બેઠો છે. એને આ જગા પસંદ આવી ગઈ છે. દિવસે તો રસ્તા પર ધૂળ ઊડતી હોય. અત્યારે ઝાકળથી એ શમી ગઈ છે. અજવાળું મજાનું છે અને માથા પરનાં પાંદડાંનો પડછાયો જરી એકાન્ત જેવું પણ રચી આપે છે. બે બરદાસીઓ ડોસાને છાંટોપાણી લેતો જોઈ રહ્યા છે. જુવાન બરદાસી ઘરભેગી થવા તલપાપડ છે. નવપરિણીત છે. બુઢ્‌ઢા બરદાસીને કોઈ વાતની ઉતાવળ નથી. રોજ આવી રીતે મોડું કરાવતા ડોસા વિશે બે જણા વાતે ચઢે છે. ડોસો બહુ પીને પૈસા ચૂકવવાનું પણ ભાન ગુમાવી ન બેસે એનુંય એમને ધ્યાન રાખવાનું છે તો. ગયે અઠવાડિયે કહે છે કે નિરાશામાં ડોસાએ ગળાફાંસો ખાવા પ્રયત્ન કરેલો. નિરાશાનું કારણ? કશુંય નહિ (Nothing). કશુંય નહિ કેમ? કેમ કે એની પાસે અઢળક પૈસો છે. એ તો એની કોઈ ભત્રીજભાણી એની સારસંભાળ રાખે છે એણે વેળાસર પહોંચી જઈને દોરડું કાપી નાખ્યું! શા માટે? એના આત્માને બચાવવા. ...ડોસાએ બીજી વાર પ્યાલો ભર્યો હતો છતાં ફરી છોટીપાણીની માગણી કરી. જેને ઉતાવળ હતી તે બરદાસીએ જઈને ‘ખલાસ’ એમ કહ્યું અને કકડાથી ટેબલનો છેડો સાફ કરવા માંડ્યો. ડોસો ઊઠ્યો. પૈસા ચૂકવ્યા, ‘ટિપ’ પણ મૂકી અને લથડતે પગલે પણ ગૌરવભરી ચાલે વિદાય લીધી ... ‘કેમ’ લ્યા તે ડોસાને પેટપૂર પીવા ન દીધું – એને બેસવા ન દીધો? હજી તો અઢી થયા નથી.’ ‘પણ મારે તો ઘર ભેગા થઈને સૂવું છે.’ ‘એક કલાકમાં શું ખાટું મોળું થઈ જાત?’ ‘મારે મન તો કલાક ઘણો મોંઘામૂલો છે.’ ‘રોજ ત્રણે તું ઘેર પહોંચે છે ને આજે વહેલો પહોંચીશ એ વાતની તને કોઈ દહેશત નથી?” ‘કેમ, કાંઈ અપમાન કરવા ધાર્યું કે?’ ‘ના, રે. અમસ્તી મજાક!’ પેલાએ ત્યાં તો બારણાં બંધ કર્યાં હતાં. બોલ્યો, ‘ના, મને ઇતબાર છે, ભરપૂર ઇતબાર છે.’ ‘તારી પાસે જુવાની આસ્થા ઇતબાર અને કામગીરી છે. તારે સૌ વાનાં છે.’ ‘તમને શું ખૂટે છે?’ ‘કામ સિવાયનું બધું જ. ... મારામાં ક્યારેય તે આસ્થા-ઇતબાર ન મળે અને હું જુવાન નથી.’ ‘ચાલો હવે. નકામી વાતોનો પાર લાવો અને તાળું લગાવો.’ ‘મોડે સુધી અહીં રહેવા માગનારાઓમાંનો હું એક છું. જેઓ પથારીભેગા થવા માગતા નથી – જેમને રાતના અજવાળું જોઈએ છે તે બધા જોડે અહીં રહેવું મને ગમે છે.’ ‘મને તો થાય છે, કે ઘરે પહોંચી જાઉં ને પડું પથારીમાં.’ ‘આપણે બે જુદી જાતના છીએ. જુવાની અને આસ્થા-ઇતબારનો જ સવાલ નથી, જોકે એ બહુ સુંદર વાનાં છે. દર રાતે આ બંધ કરતાં. હું ખમચાઉં છું. રખેને કોઈને અહીં આવીને બેસવાનો ખપ હોય.’ પેલો જુવાન કહે છે કે ઘણીય જગાઓ છે, ક્યાં તોટો છે? ના પણ ચોખ્ખી-સોજ્જી મજાની જગા છે આ, અજવાળું મજાનું છે અને હવે પાંદડાંનો પડછાયોય છે, – એમ બુઢ્‌ઢો સાથી બોલી રહ્યો છે ત્યાં પેલો રજા લઈને ચાલ્યોય તે. બુઢ્‌ઢો વીજળીના દીવા ઓલવતો મન-શું બોલ્યે જાય છે : અજવાળું ખરું પણ જગા સોજ્જી અને ખુશનુમા જોઈએ. ત્યારે ભય શી વાતનો છે? ભય કે દહેશતનો સવાલ નથી. ચારોમેર એક ન-કિંચિત્‌ (Nothing) છે, જેને પોતે સારીપેરે પિછાણે છે. બસ એ જ વસ્તુ છે, એમાં ટકી રહેવા કાંઈક સ્વચ્છતા અને વ્યવસ્થા જોઈએ. કેટલાક એમાં જીવે છે પણ એનો એમને ખ્યાલ નથી, જ્યારે પોતે જાણે છે બધું nada (સ્પેનિશ શબ્દ નાદા, nothing – ન-કિંચિત્‌) છે અને એ જગપરિચિત પ્રાર્થનાસ્તોત્ર પોતાની આ ધૂનને અનુરૂપ બનાવી ઉદ્‌ગારે છે –‘Our nada who art in nada, nada be thy name thy Kingdom nada thy will be nada in nada as it is in nada. Give us this nada our daily nada... Hail nothing full of nothing, is with thee.’ આ ‘નાસ્તિસ્તોત્ર’ ઉચ્ચારીને સ્મિત કરતો એ પીણું માગે છે. અને વાતે વળગવા જાય છે પણ સામો માણસ વાત ટાળે છે. બુઢ્‌ઢો ઘેર જવા વિચાર કરે છે. “ઘેર પોતાના ઓરડામાં પોતે પહોંચી જશે. પોતે પથારીમાં સૂશે અને અંતે, દિવસનું અજવાળું થતાં તો પોતે ઊંઘીયે જશે. છેવટે તો.’ એણે પોતાના મન સાથે કહ્યું, ‘એ કદાચ અનિદ્રારોગ જ છે, ઘણાંબધાંને એ હોવો જોઈએ.’ ” આ શબ્દો આગળ વાર્તા પૂરી થાય છે. વાર્તામાં કુલ ચાર માણસો છે, પણ મુખ્ય પાત્ર બુઢ્‌ઢો બરદાસી છે. માનવી જીવનને ભરીને પડેલા સૂનકારનો એને કેવો સહજ સાક્ષાત્કાર થયેલો છે! એમાંથી પેલા એંશી વરસના ડોસાને છાંટોપાણી કે એની અઢળક દોલત બચાવી શકતાં નથી. મૃત્યુએ પણ એ બિચારા જીવને યારી આપી નહિ. આ વિભુ સૂનકારનું પેલા જુવાનિયાને ભાનસરખું નથી, અટાણે. બુઢ્‌ઢા બરદાસીએ એને બે સૂચનો તો આપ્યો હતાં. ભઈલા, આ તાલેવાન ડોસાનેય તે એક વાર વહુ હતી તો! પણ ઈવડો ઈ શાનો ગણકારે? અરધી કલાક પોતે વહેલો – ત્રણને બદલે અઢીએ – હરખભર્યો પહોંચશે, પણ આ ‘વહુ’-વાળી વાતમાં કોક વાર બિનવફાદારીની બલા ઊભી થાય છે એનો ઇશારો કર્યો, તો પેલો જુવાનિયો પોતાને વહુ માટે ભારે ભરોસો છે એ છાતીઠોક રીતે કહે છે. પણ આપણા મન આગળ સવાલ તો રહે જ છે કે અત્યારે આ જુવાન સૂનકારની ચુંગાલમાંથી છટકે છે પણ એંશી વરસનો થવા પામ્યો તો? આરંભમાં કર્તાએ રસ્તા પર એક લશ્કરી સિપાઈ કોઈ યુવતી સાથે જાય છે એવી એક રેખા કથાપટ પર પાથરી છે અને માનવીઓ યુદ્ધ અને વેશ્યાગીરી દ્વારા સૂનકારમાંથી ભાગી છટકવા કરે તોયે કેટલા ફાવશે એ પ્રશ્ન જાણે સૂચિત કર્યો છે. બુઢ્‌ઢો બરદાસી કહે છે કે દિવસ ઊગ્યે પોતાની આંખ મળી જશે. વાર્તામાં રહેલી મોટી કટાક્ષઘટના એ દ્વારા સૂચવાઈ છે. જ્યારે અજવાળો ફૂલ દિવસ હોય ત્યારે આંખો મીંચી ઊંઘી જવું અને રાતે સારીપેરે ઉજાસઅજવાળું હોય એવી જગાનું મહત્ત્વ કરવું! પણ રાત ખાવા ધાતી હોય એનું શું? માણસ પથારીમાં પડે ને ઊંઘના સીમાડા સુધી પહોંચે તે પહેલાં પોતાને પોતાનો સામનો કરવો પડે એનું શું? અને નિદ્રા પણ યારી ન આપે તો એનું શું કરવું? બુઢ્‌ઢો બિચારો કહે છે કે દુનિયામાં ઘણાબધા માણસો ઉજાગરાના રોગથી પીડાતા હશે. સૂનકાર ભાવને ન-કિંચિત્‌ – ‘નાસ્તિ’ના સ્તોત્રથી કર્તાએ એની પૂરી તીવ્રતા સાથે પ્રગટ કર્યો છે. અંગ્રેજી nothing શબ્દને બદલે, સ્પેનમાં બનતો બનાવ નિરૂપાતો હોઈ, સ્પેનિશ nada – નાદા શબ્દનું રટણ થાય છે. પરમપિતા, સ્વર્ગ પૃથ્વી રોટી – વગેરેને બદલે ‘નાસ્તિ’વાચક nada શબ્દનું અત્યંત સુપરિચિત એવા પ્રાર્થનાસ્તોત્રમાં રટણ થાય છે અને એક જાતના મંત્રોચ્ચારણ (incantation)ના કેફને લીધે અવર્ણ્ય એવું વાતાવરણ જામે છે. ‘Hail nothing, full of nothing. nothing is with thee.’ – એ ઉદ્‌ગારો સાથે पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते... पूर्णमेवावशिष्यते ।। એ શાન્તિવાક્ય યાદ આવશે. માત્ર ‘પૂર્ણ’ને ઠેકાણે ‘શૂન્ય’ (પૂર્ણ = મીડું અર્થ પણ આપણે ત્યાં થાય છે) શબ્દ મૂકવાનો. પણ આ કથામાં સુપરિચિત પ્રાર્થનાસ્તોત્રની વિડંબના થાય છે અને વિરાટ સૂનકારની પ્રતીતિ કરાવવામાં આવે છે – એ ઉપરથી જ આ વાર્તા ‘નાસ્તિ’પણાની છે એમ કહી શકાશે? ના. બુઢ્‌ઢો બરદાસી વિભુ ન-કિંચિત્‌ તત્ત્વને સર્વત્ર લહેરાતું અનુભવે છે – અને અંતે પોતાના જીવને મનાવે છે કે હોઈ હોઈએ એ કદાચ ઉજાગરાનો રોગ છે. પેલા એંશી વરસના ધનિક ઘરાક જેવાઓના અનુભવથી એ જાણે પણ છે કે આવાં પોતાના જેવાં ઘણાં માણસ દુનિયામાં હોવાં જોઈએ – અને આ વસ્તુ એ પોતાની કોઈ વશેકાઈ નથી, પોતે પોતાને કાંઈ મહત્ત્વ આપવાની જરૂર નથી, એ ખાતર મનમાં આવે છે, નહિ કે બીજાં પણ દુઃખી છે એ હકીકતમાંથી કોઈ જાતનો આત્મસંતોષ મેળવવા. બલકે બીજાંઓ પણ સૂનકારમાં અટવાતા રાતના ઉજાસ શોધતાં આવે છે એ ભાને આ બુઢ્‌ઢા બરદાસીને કોમળ બનાવ્યો છે – સક્રિય પણ બનાવ્યો છે. વિશ્વવ્યાપી સૂનકારમાં એંશી વરસના ધનિક ઘરાકે છાંટોપાણીમાં લશ્કરી સૈનિકે માર્ગ પરથી ઉપાડેલી યુવતીમાં, જુવાન બરદાસીએ પરિણીત પત્નીમાં છુટકારો શોધ્યો છે, તે વખતે આ બુઢ્‌ઢો બરદાસી ઉજાસવાળી ચોખ્ખી જગાએ વિસામો શોધતા આવતા રાત્રિભીરુ માનવબંધુઓની રાહ જોવાનું યોગ્ય ગણે છે. અને આ એક પરમ ‘અસ્તિ’વાચકવસ્તુ વાર્તામાંથી બહાર ઊપસી આવ્યા વિના રહેતી નથી. બુઢ્‌ઢો બરદાસી જાણે અવલોકિતેશ્વરનો અનુજ ન હોય માણસોની જો આ જ દશા છે તો એવા છેલ્લામાં છેલ્લા માણસની હું રાહ જોતો રહીશ એની થાય તે બરદાસ્ત કરીશ. પશ્ચિમના લેખકો-કળાકારો આજના યુગમાં માનવહૃદયનાં ઓથાર, શૂન્યતા વગેરે વર્તમાન સંદર્ભની મદદથી જે રીતે પ્રગટ થતા હોય છે તેને ઉઘાડી આંખે ઓળખીને નિરૂપે છે એમાં એમની એક જાતની આધ્યાત્મિક સાહસવૃત્તિ પણ દેખાય છે. એમનું પૂરું અધ્યાત્મતેજ તો નારકી યાતનાઓના કપરા માર્ગને વટાવીને તીવ્ર સહાનુકંપાના બિંદુએ આવીને એ વિરમે છે એમાં પ્રગટ થાય છે. બીજી વાત છે ‘The Snows of Kilimanjaro’ – કિલિમાન્જારોના હિમપુંજ. પંદર વરસ પહેલાં લેખકે એને પોતાની ઉત્તમ વાર્તા તરીકે ઓળખાવેલી. વાર્તાપ્રસંગ શરૂ થતાં પહેલાં આરંભમાં જ લેખકે એક ફકરો માહિતીનો મૂક્યો છે : ‘કિલિમાન્જારો ૧૯,૭૧૦ ફૂટ ઊંચો હિમાચ્છાદિત પર્વત છે અને આફ્રિકામાં સૌથી ઊંચો હોવાનું મનાય છે. પશ્ચિમનું શિખર મસાઈ લોકનું ‘ઙાજે ઙાઈ’ – પ્રભુનું ઘર કહેવાય છે. પશ્ચિમી શિખરની નજીકમાં સુકાયેલું અને થીજી ગયેલું ચિત્તાનું દેહપિંજર પડેલું છે. એટલી ઊંચાઈએ ચિત્તો શાની ખોજ કરતો હતો તેનો ખુલાસો કોઈએ આપ્યો નથી.’ આ શબ્દો પછી તરત જ આફ્રિકાના જંગલમાં મોટરખટારો ખોટકાઈ જતાં પરાણે થોડા દિવસથી પડાવ નાખીને પડેલાં પતિપત્ની વચ્ચે વાર્તાલાપનો પ્રસંગ શરૂ થાય છે. બંને પોતાને લેવા કોઈ ટ્રક આવી પહોંચે અથવા પાસે મેદાનપટ્ટી પર વિમાન ઊતરે એની રાહ જોતાં હતાં. કિફુયુ ડ્રાઇવરની અણઆવડતથી અહીં ટ્રક ખોટકાઈ પડી છે. પણ મોટી આફત તો હૅરીના પગે પાક્યું છે (ગ્રૅ્રન્ગ્રીન થયું છે) એ છે. પોતે ત્યાં વલૂરી બેઠો ત્યારે આયોડાઇન લગાડવું ભૂલી ગયો – કશું ધ્યાન જ ન આપ્યું કેમ કે એને પાકતું નહિ. અને અહીં આ દશા થઈ બેઠી. હૅરી દારૂ માગે છે પણ અનુકૂળ નહિ આવે એમ કહી એની પત્ની હેલન એને વારે છે. ખાસો ઝઘડો થાય છે. હૅરી આરામ લે એટલી વાર હેલન અંગત પરિચારકને બેસાડીને શિકાર કરવા જાય છે. હૅરી લેખક છે. ઘણા ગ્રંથો લખવાના એને કોડ હતા. આ ને તે વસ્તુ લખાણમાં કેવી કામ આવશે એ ઉપર એની નજર રહેતી. અનુભવો પણ કાંઈ ઓછા કે જેવાતેવા થયેલા નહિ. આજે બધાં મગજને બારણે ટકોરા મારતાં હાજર થાય છે. સ્ત્રીઓની બાબતમાં પણ પોતે ઓછો અનુભવી ન હતો. એકને છાંડે, બીજી સાથે માંડે અને ત્રીજી ઉપર ડોળો હોય. પોતે લેખક હતો એ વાતનો લાભ પણ એને મળતો. ઉત્તરોત્તર લખવાના નામનું તો ધબ થઈ ગયું છે. અક્ષરે પડાતો નથી. પણ રોટલાની મુશ્કેલી પડી નથી. આજે એ દીવા જેવું જોઈ શકે છે કે ઉત્તરોત્તર જે જે સ્ત્રીથી એ જોડાયો તે અગાઉની સ્ત્રી કરતાં વધારે પૈસાવાળી હતી. આ હેલન પાસે પણ સારો જીવ છે. હૅરી એ હેલનની ‘ગૌરવભરી સંપ્રાપ્તિ’ રૂપ હતો. વિધવા હેલને પૈસાને જોરે નવું જીવન રચ્યું હતું, હૅરીએ પોતાના જૂના જીવનમાંથી જે કાંઈ રહ્યુંસહ્યું હતું તેનો સોદો કર્યો હતો. બંને ઘડીક પહેલાં ઝઘડ્યાં ત્યારે હેલનના પૈસાને પણ હૅરી ભાંડી ચૂક્યો હતો. સાંજ નમવા આવી છે. હેલન શિકાર કરી પાછી આવી છે. દેવતા સળગાવવામાં આવ્યો. જરીક જુદા, ખુશનુમા વાતાવરણમાં હૅરીને આ ‘મધુર શરણાગતિનું જીવન’ સ્વીકાર્ય પણ લાગ્યું. હેલનને પોતે અન્યાય કર્યો હતો એમ મનમાં આવ્યું. હેલન ખરે જ પોતા પ્રત્યે માયાળુ હતી. એ સુંદર સ્ત્રી હતી. ખરેખર ભવ્ય હતી, – એવો વિચાર મનમાં જામ્યો ત્યાં જ એને થયું કે મરણ નજીક આવી રહ્યું છે. આ બાઈ સાથે ઝાઝું ઝઘડવાનુ બન્યું ન હતું. પણ જે સ્ત્રીને પોતે ખૂબ ચાહતો હતો તેની સાથે એ બહુ ઝઘડેલો અને બંનેએ પોતામાં જે કાંઈક અમૂલખ વસ્તુ હતી એને એકબીજાથી ઝઘડીને પીંખી નાખેલી અત્યારે અર્ધ-ભાનની સ્થિતિમાં એને પોતાનાં કૉન્સ્ટેન્ટિનોપલ, એનેટોલિયા અને પૅરિસનાં પરાક્રમો સાંભરે છે, અને સાંભરે છે પત્ની સાથેના વિચ્છેદમાં પરિણમતા ઝઘડા. એ બધાં વિશે લખતાં પહેલાં પોતે ખંચકાતો અને પછી થતું કે એ બધાં વગર પણ લખી તો શકાય. પોતાની પાસે કેટલું બધું અણલખાયું પડ્યું હતું! પોતે દુનિયાને અંદર રહીને જોઈ હતી, બધું લખવાની ફરજ હતી; પણ હવે પોતે લખી શકવાનો નહિ. હેલન નાહીને બહાર આવી. અને કાંઈક ખાવા માટે પૂછે છે. એણે કહ્યું. ‘મારે લખવું છે.’ હેલન એને ગરમ સેરવો આપે છે. હેલનનું પરિચિત મધુર સ્મિત એ જુએ છે અને મૃત્યુ પાછું પોતાની નજીક આવી રહ્યું હોય એવો એને અનુભવ થાય છે. હેલનને એ પૂછે છે કે હું લખાવું તો તને લખી લેતાં ફાવે? હેલન કહે છે કે એ તાલીમ પોતે લીધી નથી. ‘હશે, કાંઈ નહિ.’ વળી ગતસમયની સ્મૃતિઓ જાગી ઊઠે છે. ફ્રેન્ચ કવિ પૉલ વરલેઈનનું જે સસ્તી તોતિંગ હોટેલમાં અવસાન થયેલું તેની પાસે થઈ સાઇકલ પર પોતે જતો. બે ઓરડીના ઘરમાં રહેતો અને છેલ્લા મજલાની – પૅરિસની ટેકરીઓનું દૃશ્ય જ્યાંથી જોઈ શકાતું એવી – ઓરડીમાં લેખનકાર્ય કરતો તે બધું મગજમાં વીજળીની જેમ ઝબકી ગયું. પત્નીએ ફરી સેરવા માટે પૂછ્યું. પોતે દારૂ માગ્યો પણ હેલને એને સમજાવીને ના પાડી. મૃત્યુ દૂર હટી ગયેલું લાગ્યું. પૅરિસની સ્મૃતિઓ પાછી ઊભરાવા માંડી. પૅરિસ વિશે તો મેં કાંઈ લખ્યું જ નહિ. અરે, આ એક કિસ્સો તો લખવા માટે જ સંઘરી રાખેલો. ના. ના. એવા તો વીસ કિસ્સા પોતાની પાસે છે. પણ એકે શબ્દબદ્ધ થઈ શક્યો નથી. શા કારણે? ‘તું એમને કહે ને કે શા કારણે?’ ‘શાનું શા કારણે? વહાલા!’ ‘શા કારણે કાંઈ નહિ.’ વળી વિચારે ચડી જાય છે. લડાઈ વખતનો એક પ્રસંગ, ઘવાયેલો વિલિયમ્સન ‘હૅરી, પ્રભુ ખાતર મને ગોળીએ દે’ એમ આજીજી કરતો હતો. એ યાદ આવી જાય છે. ‘એને વિચાર આવે છે : બીજી બધી વસ્તુની જેમ આ મરવાની વાત અંગે પણ મને કંટાળો આવે છે.’ ‘આ તો કંટાળો આપે છે’ મોટેથી એ બોલી ઊઠ્યો. ‘શું કંટાળો આપે છે, મારા વહાલા?’ ‘જે કંઈ ઝાઝો લાંબો વખત તમારે કર્યા કરવું પડે તે.’ પાછળ તાપણું હતું. તેની આગળ હેલન હતી. તાપણા આગળ એનો ચહેરો સુરેખ તેજોવલયિત ઉપસી આવતો હતો. ત્યાં, બહાર દીપડાનો અવાજ સંભળાયો. ‘હું લખતો હતો. પણ મને થાક ચઢે છે.’ એણે કહ્યું. ત્યાં, એને મૃત્યુ પાસે આવી રહ્યું હોય એમ લાગ્યું. ખાટલાની પાંગઠે એણે એનું માથું ટેકવ્યું હતું અને એના શ્વાસની દુર્ગંધ પણ આવતી હતી. હેલન માણસોને બોલાવી ખાટલો અંદર લેવડાવી રહી હતી : સાહેબ ઊંઘી ગયા છે. હળવેકથી અંદર લો. હૅરી કહેવા જતો હતો કે મૃત્યુને એ ચાલ્યા જવાનું કહે, પણ એ તો એવું ભાર દઈને બેઠું હતું કે પોતે શ્વાસ પણ લઈ ન શકે. અને પછી પેલાઓએ ખાટલો ઊંચક્યોને ત્યાં તો એકાએક બધું બરાબર થઈ ગયું. એની છાતી પરથી ભાર હટી ગયો હતો. સવારનો પહોર છે. વિમાનનો અવાજ સંભળાયો. વિમાન ચકરાવો લઈને ઓ નીચે ઊતર્યુંય તે. વિમાની કૉમ્પટને કહ્યું કે મૅમસાહેબ માટે જગા નથી. એને લેવા પોતે બીજો ફેરો ખાશે. ખાટલો ઊંચકીને હૅરીને વિમાનમાં ગોઠવવામાં આવ્યો. હેલનને ને સૌને જયજય કરીને દોસ્ત કૉમ્પીએ વિમાન ઉપાડ્યું નીચેનાં વિવિધ દૃશ્યો – વૃક્ષો પશુઓ મેદાનો જંગલો ટેકરીઓ ખીણો – જોતાં તે ઊડતાં હતાં. વચ્ચે વાવાઝોડા જેવું આવ્યું. વરસાદ એવો ભારે હતો કે જાણે ધોધ વચ્ચે થઈને ઊડી રહ્યા ન હોય. એમાંથી બહાર નીકળ્યા ને કૉમ્પીએ બાજુ જોઈને ધ્યાન ખેંચ્યું. હૅરીએ શું જોયું? “ત્યાં મોં આગળ જુએ છે તો દુનિયાવિશાળું મહાન ઊંચું અને સૂરજના તાપમાં માની ન શકાય એટલું સફેદ કિલિમાન્જારોનું ચોરસ શિખર હતું. અને ત્યારે એણે જાણ્યું કે પોતે જ્યાં જઈ રહ્યો હતો તે સ્થળ એ હતું.” એ જ વખતે દીપડાએ રાતમાં કણસવું બંધ કર્યું અને વિચિત્ર માણસના જેવો, રડવાનો અવાજ કાઢવા માંડ્યો. હેલને એ સાંભળ્યો અને જરીક એ હાલી. એ જાગી નહિ. સ્વપ્નમાં અત્યારે એ ન્યૂયૉર્ક પડખેના લેન્ગા આઇલૅન્ડના ઘરે હતી. દીપડાનો અવાજ એવો મોટેથી થયો કે એ જાગી ગઈ અને પોતે ક્યાં છે એ ક્ષણવાર માટે તો એ નક્કી કરી ન શકી અને બી ગઈ. પછી બૅટરીનો પ્રકાશ કરી જોયું તો હૅરીનો પગ ખાટલા પરથી લટકતો હતો. પાટો નીકળી પડ્યો હતો અને એ એનાથી દેખ્યું ન ગયું. એણે બૂમ પાડી. જવાબ ન આવ્યો. ફરી આર્જવભરી બૂમ પાડી ઊઠી : ‘હૅરી! હૅરી!’ કોઈ જવાબ ન મળ્યો. એનો શ્વાસ ચાલતો એ સાંભળી શકી નહિ. તંબુની બહાર દીપડાએ તે જ વિચિત્ર અવાજ કર્યો, જેનાથી એ જાગી ઊઠી હતી. પણ એનું હૃદય એવું ધડધડ થતું હતું કે એણે એ સાંભળ્યો નહિ. અહીં વાર્તા પૂરી થાય છે ત્યારે આપણે જાણવા પામીએ છીએ કે હિમશુભ્ર શિખરોની યાત્રાએ તો હૅરીનો માંહ્યલો ઊપડ્યો છે. ખોખું તો અહીં તંબુમાં પડ્યું છે. આ વાર્તાના નાયક તરીકે લેખકને પસંદ કર્યો છે. લેખક સર્જક કલાકાર તરીકે વન્ધ્ય નીવડ્યો છે. જીવનના સરવૈયામાં એ જુએ છે કે પ્રેમને અંગે તેમ જ સર્જનને અંગે મોટો ઓળાયો છે. “એણે એની શક્તિનો પોતે થઈને જ નાશ કર્યો છે. આ સ્ત્રી પોતાને (હૅરીને) સારી રીતે રાખે છે તે માટે એણે એનો શા માટે વાંક કાઢવો જોઈએ? એણે પોતાની શક્તિને ઉપયોગમાં ન લઈને, પોતાની જાત પ્રત્યે અને પોતે જેમાં માનતો તે પ્રત્યે ખૂટલ નીવડીને, પોતાની અનુભૂતિઓની ધાર બુઠ્ઠી થઈ જાય એટલી હદે દારૂ પીને પ્રમાદથી, એદીપણાથી દંભી ફાંકેબાજીથી, અભિમાનથી, અને પૂર્વગ્રહથી, આ કે ગમે તે ચીજની મદદથી પોતાની શક્તિનો નાશ કર્યો હતો.” પણ છેવટના વાર્તાલાપમાં મૃત્યુના સાન્નિધ્યમાં હેલનને એણે કહેલું : ‘તું જાણે છે કે જે એક વસ્તુ મેં કદી ગુમાવી નથી તે છે કુતૂહલવૃત્તિ.’ ક્યાં હૅરીનું ઘર, ક્યાં કિલિમાન્જારો? અહીં શાની ખોજમાં એ આવ્યો હતો? કિલિમાન્જારોના પશ્ચિમ શિખર – ‘પ્રભુના ઘર’ની પડખે જેનું દેહપિંજર પડેલું છે તે ચિત્તો લેખક હૅરીનું જ પ્રતીક છે. ભલે અસંખ્ય વાર્તાઓ અણલખી રહી પણ જીવનની કારમી ખીણોમાં અટવાતાં કશાક બૃહત્‌ શુભ્ર વિભુ ઉજ્જ્વળ ઉચ્ચ મહત્‌ પદાર્થ માટે કુતૂહલભરી તૃષા હતી તે શમી ખરી અંતે. જીવવાના – અને મરવાના – કંટાળાને પાર તરી ઊતર્યા પછી મંજિલ તો નિર્માઈ હતી કિલિમાજારોની ધવલ ટૂક. પોતે એક વાર્તા લખી શક્યો ન હતો – શા માટે? – એ ખ્યાલથી ઝબકી ઊઠીને એણે પત્નીને કહ્યું હતું કે એમને તું કહેને કે શા માટે હું લખી શક્યો નહિ. આ ઉદ્‌ગારમાં ‘એમને’ ઘણું અગત્યનું છે. બીજાંઓને માણસે પોતાની શક્તિઓને લેખે લગાડ્યાં બાબત હિસાબ આપવાનો છે. એ શક્તિઓ દ્વારા આત્માભિવ્યક્તિ – આત્મસાર્થક્ય સાધવા ઉપરાંત, આ બીજાંઓને પણ જવાબ આપવાનો રહે છે, બલકે એ જવાબદારી અદા કરવાને ને આત્માભિવ્યક્તિને – આત્મસાર્થક્યને અવિનાભાવ સંબંધ લાગે છે. આ વસ્તુ ‘The Old Man and The Sea’ – બુઢ્‌ઢો અને સમુદ્ર – એ કથામાં કેન્દ્રવર્તી બને છે. ક્યુબાનો વૃદ્ધ માછીમાર સાન્તીઆગો એકલવાયો છે, અભાગિયો છે. એને દરિયાની ખેપમાં માછલી મળતી નથી એટલે એક છોકરો સાથી તરીકે આવતો તેને પણ એનાં માબાપે એનાથી છોડાવ્યો છે. પણ ડોસો એમ હારી જાય એમાંનો નથી. દરિયામાં ચોરાસી દિવસ સુધી એણે ખોજ ચલાવી. આખરે એક અતિકાય માછલીઓની જાળમાં આવી. બંને વચ્ચે ભારે રસાકસી ચાલે છે. જાણે બંને વચ્ચે સંલાપ ચાલતો હોય એ રીતે કરેલા વર્ણનમાં હેમિંગ્વેની આગવી શૈલી પૂર્ણપણે ખીલી ઊઠે છે. ‘માછલી, મને તારી ઉપર પ્યાર છે. અનહદ પ્યાર છે. પણ સૂરજ ડૂબતાં અગાઉ મારે તને મારી નાખવી જ રહી.’ મધદરિયે બંનેનું ભારે દ્વંદ્વ જામ્યું છે. ‘માછલી, તું તો મને મારી નાખવાની.’ વળી ડોસો ગગણે છે : ‘મારો જીવ લેવાનો તને હક છે. મને મારી નાખ. કોણ કોને મારે છે એની મને પરવા નથી.’ છેવટે માછલી જેર થાય છે. પણ મછવો પાછો વળે છે ત્યાં શાર્ક માછલીઓ તેની ઉપર ઝાવાં નાખે છે. એમની સામે લડતાં ડોસો ભાલો ગુમાવે છે. છરીથી ઝૂઝે છે. તેના પણ ટુકડા થઈ જાય છે. શાર્ક માછલીઓ ડોસાના શિકારને કરકોલી ખાય છે. રહે છે માત્ર એનું હાડપિંજર. એ જબરજસ્ત હાડપિંજર જોઈને બીજા માછીમારો બુઢ્‌ઢા માટે ફરી માનવૃત્તિ દાખવવા માંડે છે. પેલો છોકરો હવે માબાપનું માને કે? ડોસાના મછવા પર એ આવી જાય છે. માછલી પૈસા કમાવા માટે જ – પોતાનું પેટ ભરવા માટે જ – પકડવાની ન હતી. બીજા બધા વચ્ચે રહેવાનો પોતાનો અધિકાર સ્થાપવા – પોતાની શક્તિનો હિસાબ આપવા – અને એ રીતે એકલવાયાપણા ઉપર વિજય મેળવવા માટે આ આખો પુરુષાર્થ હતો. કથાના અંતિમ શબ્દો છે : “માનવી પરાજય માટે સર્જાયો નથી. માનવીનો તમે નાશ કરી શકો પણ તેનો પરાજય તો ન જ કરી શકો.” બુઢ્‌ઢો બરદાસી, લેખક હૅરી અને માછીમાર સાન્તીઆગો – ત્રણેએ પોતપોતાનો ક્રૂસ – વધસ્તંભ ઉપાડ્યો છે. (સાન્તીઆગો તો કૂવાથંભ ઉપાડીને ટેકરી પરની પોતાની ઝૂંપડીએ જઈ ખાટલા પર જૂનાં છાપાં પાથરી હાથ લાંબા કરી સૂઈ જાય છે અને ક્રૂસારૂઢ આકૃતિનો ખ્યાલ આપે છે.) ત્રણે જણા વેદનાસાગરને પાર તરી ઊગરી – એટલે કે વેદના અંગે કોઈક સમાધાને પહોંચી — અંતરની અભીપ્સાના અજવાળામાં નમ્રપણે પણ ગૌરવપૂર્વક ઊભા છે. ત્રણે જણા જીવનની રિક્તતાને અસ્તિવાચક મૂલ્યથી ભરી દેવામાં સફળ નીવડ્યા વગર રહેતા નથી. ત્રણે કથાઓની શૈલી હેમિંગ્વેની મુદ્રાવાળી છે, એ ઉપરાંત પ્રત્યેકમાં જુદી જુદી છે. પહેલી વાર્તા અત્યંત મિતાક્ષરી છે. પણ કેટલાક શબ્દો પહેલાં અમસ્તા સાધારણ લાગે પણ પછીથી બહુ અર્થવત્તા ધારણ કરી રહે છે. ‘ચોખ્ખી... જગા’માંનો ‘ચોખ્ખી’ શબ્દ એવો છે (એક વિવેચકે અંગ્રેજી રૂઢિપ્રયોગ ‘ક્લીન ઍઝ એ બોન’ યાદ કરીને સ્થિર શુષ્ક વન્ધ્ય દશાનો સૂચક એ શબ્દ છે એમ નોંધ્યું છે). બીજો શબ્દ છે ‘પથારી’. શબ્દના પુનરાવર્તનથી મંત્રોચ્ચારણના કેફનું વાતાવરણ પણ જામે છે. ‘નાદા’, ‘નથિંગ’, એ શબ્દો એ રીતે યોજાયા છે. ઓછાબોલા લેખક હૃદ્‌ગત વ્યક્ત કરવા માટે શબ્દઢગલા ખડકવાને બદલે શબ્દની બીજી કઈ શક્તિઓનો લાભ લે છે તે આવી કૃતિઓમાં સમજવા મળે છે. બીજી કથા આંતર ચેતનાપ્રવાહના નિરૂપણની ‘ટેક્‌નિક’નો આશ્રય લે છે. ભૂતકાળનાં સ્વપ્ન અને સ્મરણો ઊભરાવાં માંડે છે, પણ બધાં જ અત્યારની ચાલુ ક્ષણે જિવાતા જીવનના અનિવાર્ય અંશરૂપે સ્ફુરી જાય છે. નિર્ઘૃણ આત્મચિકિત્સા કેવી વિનમ્રતામાં પરિણમે છે એ પણ પત્ની જ્યારે તમારા જેવો પૂર્ણ પુરુષ મેં જોયો નથી એમ કહે ત્યારે અરે પ્રભુ, સ્ત્રીઓ કેટલું ઓછું જાણે છે – એવા પતિના ઉદ્‌ગાર પરથી જોવા મળે છે. કઠોર વાસ્તવપ્રિયતાના કોચલામાં રંગદર્શી ખ્વાબીપણું કેવું સચવાઈ શક્યું છે એ પણ આવા અનુભવકળણમાં પસાર થયેલા જીવમાં કિલિમાન્જારોના સનાતન હિમપુંજની ઝંખના ગુંજ્યા કરતી નિરૂપીને પ્રગટ કર્યું છે. કથાને મથાળે માહિતીરૂપ અને અલગ પડી જતી ભાસતી કંડિકાના ગર્ભમાં કથાના આખાય ઘટનાજાલના રહસ્યને હસ્તામલક કરતું પ્રતીક છુપાયેલું હતું એની છેક વાર્તાના અંતે જાણ થવા પામે છે. કથનકલાની દૃષ્ટિએ આ કથાનાં અનેક પરિમાણ છે અને અભ્યાસીઓના આકર્ષણને પાત્ર રહેવા નિર્માઈ છે. ત્રીજી કથા પહેલી જેટલી પાંખી નથી. બીજી જેટલી સંકુલ પણ નથી. એનું સૌન્દર્ય નિરાળું જ છે. બાઇબલના જેવી ઘૂંટાયેલી શૈલી, માનવ, માનવેતર પ્રાણી અને પાણીસમું એક પ્રાકૃતિક તત્ત્વ એ બધાંને બાથમાં લેતો કથાપટ અને ખાસ તો પ્રાણમય ભૂમિકાના જયપરાજય પાછળ લપકતી માનવચૈતન્યની અદમ્ય આશામયતાનો ધબકાર આ કથાને ભવ્યતાની કોટિએ પહોંચાડે છે. આ ત્રણ કથાઓ પણ હેમિંગ્વેની કલાની આગવી સંસિદ્ધિઓનો ખ્યાલ આપવા માટે અને એમની અંદરના કલાપુરુષની દૃષ્ટિનો પરિચય કરાવવા માટે પૂરતી છે. વીસમી સદીના કથાલેખકોમાં, કથનકલામાં એક નવું પ્રસ્થાન કરનાર મૌલિક સર્જક તરીકે હેમિંગ્વે આગલી હરોળમાં સ્થાન ધરાવે છે. નોબેલ પારિતોષિક સ્વીકારના ટૂંકા પ્રવચનમાં એ કહે છે : “માણસ જે લખે છે તેમાં બધી વસ્તુઓ તાત્કાલિક દેખાઈ આવે એવી પણ ન હોવી જોઈએ. આમાં કેટલીક વાર એની ખુશનસીબી હોય છે. પણ છેવટે તો બધી વસ્તુઓ તદ્દન સ્પષ્ટ થાય છે : એનામાં હલકી ધાતુઓનું સુવર્ણમાં રૂપાંતર કરવાની શક્તિ કેટલા પ્રમાણમાં છે? લેખક તરીકે એ ટકી રહેશે કે ભૂંસાઈ જશે? — વગેરે.” જીવનના તુચ્છ લાગતા અનુભવઅંશો ઉપાડી લઈ એ કથીરમાંથી સુવર્ણ – કલા – પ્રગટાવનાર હેમિંગ્વેને, કાંઈ નહિ તો, કથનકલાના અભ્યાસીઓ તો સહેજે નહિ જ ભૂલે.

૨૦-૭-૧૯૬૧
(કવિની સાધના)