સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/નિબંધ

૯. નિબંધ

‘નિબંધ લખવા, જેવી તેવી વાત નથી.’
– નર્મદ

મને અંગ્રેજ પ્રજા એની ત્રણ વસ્તુઓ માટે ગમે છે : એક તો સાત સદીઓની સતત જાગૃતિથી એણે નિપજાવેલું લોકશાહી ખમીર; બીજી એની કવિતા અને ત્રીજી ગમતી વસ્તુ એણે નિબંધનો જે કલાપ્રકાર ખીલવ્યો છે તે. અંગ્રેજી નિબંધ દ્વારા અંગ્રેજ પ્રજાનું આખું વ્યક્તિત્વ, એ વ્યક્તિત્વનો તારેતાર પ્રગટ થાય છે. થોડાં વરસ પહેલાં, લંડનના ‘ટાઇમ્સ’ પત્રમાં ત્રીજા અગ્રલેખરૂપે અપાયેલા કેટલાક નિબંધો પુસ્તકાકારે પ્રગટ થયા હતા. ૧૧૬ કૃતિઓ હતી. કોઈને છેડે લેખકનું નામ ન હતું. જેમ મોજમાં આવે તેમ વાંચ્યે જઈએ, છતાં એકંદર છાપ એ પડે કે બધી રચનાઓ જાણે એક જ કલમમાંથી પ્રસ્રવી છે. કલમ જાણે કોઈ એક લેખકના હાથમાં નહિ, પણ અંગ્રેજ પ્રજાના હાથમાં ન હોય! અંગ્રેજ સ્વભાવનું એવું સુરેખ પ્રતિબિંબ નિબંધના કલાપ્રકારમાં પડે છે કે એ અંગ્રેજ પ્રજાની આગવી ખાસિયતરૂપે સ્વીકારાયો છે. નિબંધને એક કલાપ્રકાર તરીકે ખેડનાર લેખકને જર્મન કે ફ્રેન્ચ ભાષા અંગ્રેજી શબ્દ ઉછીનો લઈને ‘એસેઇસ્ટ’ (Essayist – નિબંધકાર) કહે છે. આ અંગ્રેજી નિબંધનો જનક ભલે કોઈ અંગ્રેજ ન હોય. સુવિદિત છે કે ફ્રેન્ચ લેખક મૉન્ટેઇને નિબંધને જન્મ આપ્યો હતો, પણ મૉન્ટેઇનના નિબંધો તરત જ ફ્રાન્સમાં અત્યંત લોકપ્રિય થયા અને એના શિષ્યોએ એની ફિલસૂફીનું અનુકરણ આદર્યું, તેમ છતાં તેઓ અથવા તો કોઈ બીજા ફ્રેન્ચ લેખકો મૉન્ટેઇનના નિબંધનું અનુકરણ કરવા પ્રેરાયા નહિ. મૉન્ટેઇન અંગ્રેજોને પોતાના ‘પિતરાઈ’ કહેતો. એ પિતરાઈઓએ એનો આ વારસો અપનાવ્યો અને વિકસાવ્યો. તે એટલે સુધી કે મૉન્ટેઇન પછી ત્રણસોએક વરસે કોઈ ફ્રેન્ચ લેખક એના જેવા નિબંધો લખવા ગયો ત્યારે એક વિવેચકબંધુએ એને ફ્રાન્સનો અંગ્રેજી નિબંધપ્રકાર ખેડનાર (unessayiste francaise) કહીને બિરદાવ્યો! મૉન્ટેઇનની પહેલાં ક્યાંક ક્યાંક નિબંધરૂપ લખાણ જોવા મળે છે. પ્લુટાર્કની ‘નીતિકા’ અને સેનેકાના ‘નીતિપત્રો’ કે પ્લેટોના કેટલાક અંશોને નિબંધ તરીકે જોઈ શકાય. બેકને તેથી કહ્યું પણ ખરું કે શબ્દ નવો છે. પણ વસ્તુ જૂની છે. પણ થોડોક વધુ વિચાર કરવામાં આવે તો જણાશે કે મૉન્ટેઇનની પહેલાં જે નિબંધાત્મક લખાણો મળે છે તે ઘણુંખરું આજે આપણી પાસે શાળામહાશાળામાં લખાવવામાં આવે છે એવી બોધપ્રધાન કે માહિતીપ્રધાન રચનાઓના પ્રકારનાં છે; જ્યારે મૉન્ટેઇનના નિબંધોનો પ્રધાન આશય આનંદલક્ષિતા છે. બીજા શબ્દોમાં મૉન્ટેઇન પછી જ નિબંધ પહેલી વાર એક કલાપ્રવૃત્તિનું રૂપ ધારણ કરે છે. આ કલાપ્રકાર તરીકે ખેડાતા આનંદલક્ષી લઘુ લેખ માટે નિબંધ શબ્દ વપરાય છે અને એવા આશય વગર, શુદ્ધ જ્ઞાનલાભના આશયથી લખાતા લઘુ કે બૃહત લેખો માટે પણ નિબંધ શબ્દ પ્રયોજાય છે એથી હમેશાં થોડોક ગોટાળો રહ્યા કર્યો છે. આ બીજા પ્રકારને નિબંધ ન કહેતાં વિષય (Theme), લેખ (Article) કે પ્રબંધ કહેવામાં આવે ને કલાપ્રકારને માટે જ નિબંધ શબ્દ યોજાય એમ અનેક વાર સૂચવાયું છે ને એકે વાર અનુસરાયું નથી. આપણા ગઈ પેઢીના સાક્ષરો ‘વિષય’ શબ્દ વાપરતા. નરસિંહરાવની રોજનીશીમાં વારંવાર, અમુક પત્રમાં અમુક લેખકનો અમુક વિષય આવ્યો છે, એવો પ્રયોગ મળશે. પણ ‘નિબંધ’ શબ્દ જ પ્રચારમાં રહ્યો એટલે કલાપ્રકારને માટે ‘નિબંધ’ને બદલે ‘નિબંધિકા’ (Essayette, Essaykin – થૅકરે, Essaylet-હેલ્પ્સ) શબ્દ રમતો મુકાયો. એ પણ ભાગ્યે જ સંતોષકારક હોય. ગુજરાતીમાં ‘નિબંધિકા’, જાણે આકારાન્ત એટલે કે સ્ત્રીલિંગી શબ્દોમાં જ મધુરતા હોય એવી માન્યતાને તરત ઉઠાવ આપે છે. ‘નિબંધિકા’ બોલતાં જ જાણે કોઈક લચકાઈ ગયેલી વસ્તુનો ભાસ થાય છે. એના કરતાં ‘લઘુ નિબંધ’ કે ‘લલિત નિબંધ’ શબ્દ હજાર દરજ્જે સારો, પણ ‘નિબંધ’ શબ્દે શો ગુનો કર્યો છે? ભલેને બંને પ્રવૃત્તિ માટે એક જ શબ્દ વપરાય. માત્ર આપણા મનમાં એ બંને પ્રવૃત્તિ ભિન્નભિન્ન છે એ સ્પષ્ટ રહે એટલે બસ. રસલક્ષી લખાણ પદ્ય તેમ જ ગદ્યમાં હોઈ શકે એ આપણે જાણતા હોઈએ તોપણ ગદ્યમાં નાટક, ટૂંકી વાર્તા, નવલકથાને જ માત્ર રસલક્ષી લખાણ તરીકે જુદું તારવવા આપણે ટેવાયા છીએ. તે સિવાયના ગદ્યને જ્ઞાનવ્યવહારનો બોજો જ મુખ્યત્વે ઉઠાવવાનો હોઈ એમાં વળી રસલક્ષી ગદ્યપ્રકાર હોય એવી અપેક્ષા ઓછી જ રહે છે : ખાસ કરીને આપણી ભાષાઓમાં એ પ્રકાર સવિશેષ ખેડાયો ન હોય એ સંજોગોમાં. જીવનની નિરવધિ વીગતો વિશે જ્ઞાન પ્રચારવાના હેતુથી નાનામોટા અસંખ્ય લેખો ગદ્યમાં લખાતા હોય છે. એમાંથી જે લખાણોમાં કાંઈ સ્થાયી તત્ત્વ હોય છે. વારસારૂપે બીજી પેઢીના હાથ સુધી જે પહોંચી શકે છે, તે બધાં નિબંધો તરીકે ઓળખાય છે. આ નિબંધો આપણે જ્ઞાનલાભ માટે વાંચીએ છીએ, પણ તે સિવાય મૉન્ટેઇને જેમ રસલક્ષી પ્રકાર તરીકે ગદ્ય-લેખો લખ્યા તેમ કોઈ લખે તો તે આપણે કેવળ આનંદ માટે આસ્વાદીએ છીએ. તેને નિબંધ નામથી ભલે ઓળખીએ. એ નાટક, ટૂંકી વાર્તા કે નવલકથા જેવો ગદ્યનો એક કલાપ્રકાર છે એ વિવેક આપણા મનમાં રહે એટલે બસ. પેલી વિદ્વત્‌પ્રવૃત્તિ – કહો કે શિક્ષકપ્રવૃત્તિ છે, આ સર્જકપ્રવૃત્તિ છે. પેલામાં યાથાતથ્યને શોધવાનો પ્રયત્ન છે, આમાં સૌંદર્યને પામવાનો મનસૂબો હોય છે. પેલો આપણે જગતને જાણવાના આશયથી વાંચીએ છીએ, આ માણવાના આશયથી. બંને પ્રકારો ચૈતન્યપ્રવૃત્તિનાં પરિણામ હોઈ, એકમાં સૌન્દર્યની ઝલક ક્વચિત્‌ ક્વચિત્‌ વરતાઈ આવે એ સંભવિત છે; બીજાનો યાથાતથ્યના – જ્ઞાનવ્યવહારના દૃષ્ટિબિંદુથી ઉપયોગ થઈ શકે એમ પણ બને. ઉપરાંત કેટલીક વાર બંને પ્રકારો એકમેકમાં ભળી જતા, સીમારેખા ઉપર તરતા જોવા મળે. ખાસ કરીને અધકચરા પ્રયત્નોની બાબતમાં તો ઘણી વાર એવું બનવાનું. એવા અપવાદરૂપ દાખલાઓમાં બંને પ્રકારો ગદ્યાકાર જ હોઈ, વિદ્વત્‌પ્રવૃત્તિ અને સર્જક પ્રવૃત્તિ વચ્ચે ભેદ કરવો મુશ્કેલ લાગે. પણ એકંદરે નિબંધના બે સામાન્ય બહોળા વર્ગ જોવા મુશ્કેલ નથી જ. કલાપ્રકારને સર્જક નિબંધ, લલિત નિબંધ, રસલક્ષી નિબંધ કે એવા વર્ણનથી ચર્ચાપ્રસંગે જુદો નિર્દેશી શકાય. એક જ નિબંધકારને હાથે બંને પ્રકારો ખેડાય એથી પણ ભુલાવામાં પડવું જોઈએ નહિ. મૉન્ટેઇન કે હૅઝલિટના નિબંધોમાંથી રસલક્ષી હોય તેટલાને જ કલાપ્રકાર તરીકે લેખી બાકીનાને લલિતેતર પ્રવૃત્તિ તરીકે ઓળખાવવાના રહે. આપણે ત્યાં કાકા કાલેલકરના ‘જીવનસંસ્કૃતિ’ અને ‘જીવનવિકાસ’ના મોટા ભાગના નિબંધોથી ‘રખડવાનો આનંદ’ના લલિત નિબંધો જુદા પ્રકારના જ લેખવાના રહે. વિદ્વત્‌ કે શિક્ષક-પ્રવૃત્તિના ફળરૂપ નિબંધો કરતાં સર્જક-નિબંધો વધુ સારા એવું સૂચવવાનો આશય નથી. એ તો લેખકની આત્મસ્ફૂર્તિ તે તે લખાણમાં કેવી ઊતરી છે એ ઉપરથી નક્કી થશે. પણ અંગ્રેજીમાં સાહિત્યકારોના આગલા પ્રકારના નિબંધોમાંથી થોડો ભાગ જ જીવતો રહ્યો જોવા મળે છે. એમાં સૌથી શ્રેષ્ઠ છે બેકનના નિબંધો. બેકનના પ્રથમ દસ નિબંધો મૉન્ટેઇનના મૃત્યુ પછી પાંચ વરસે ૧૫૯૭માં પ્રગટ થયા, અને મૉન્ટેઇનનું ફ્લોરીઓનું ભાષાંતર ૧૬૦૩માં પ્રગટ થયું. તેમ છતાં બેકનને મૉન્ટેઇનનો પરિચય હોય એવું માનવામાં આવે છે. બેકનના એ નિબંધો વ્યાખ્યાનોની કાચી સંક્ષિપ્ત નોંધો જેવા હતા. પછીની આવૃત્તિઓ (૧૬૧૨માં ૩૮ અને ૧૬૨૫માં ૫૮ નિબંધની)માં એના નિબંધોએ સ્પષ્ટ આકાર ધારણ કર્યો. બેકન એ અર્વાચીન પાશ્ચાત્ય ફિલસૂફીનો અગ્રદૂત હોઈ એના નિબંધો અનુભવસઘન છે. મૅકિયાવિલિનો એ પક્ષપાતી હોઈ દુનિયાડાહ્યા દક્ષ પુરુષનાં શિખામણવચનો પણ એમાં મળે છે. એની ઘણી ઉક્તિઓ ભાષામાં કહેવતરૂપ બની ચૂકી છે, તેમ છતાં એની રચનાઓ મૉન્ટેઇનથી તદ્દન ભિન્ન પ્રકારની છે. એક જ વિષય પરના બંનેના નિબંધો સાથે જોવાથી એ સમજાશે. મૉન્ટેઇનની મિત્રની વાણી છે. બેકનની મુરબ્બીની. અંગ્રેજી સર્જક-નિબંધના પિતા તરીકે બેકનને નહિ પણ ૧૬૬૮માં નિબંધ પ્રગટ કરનાર કાઉલીને એડમંડ ગૉસે વિશ્વકોશમાં વધાવ્યો છે. ૧૭મી સદીમાં પત્રકારત્વે નિબંધને ઘણો વેગ આપ્યો. સ્ટીલ, ઍડિસન, ગોલ્ડસ્મિથ, ડૉ. જોન્સન જેવા નિબંધકારોને લીધે નિબંધની પ્રતિષ્ઠા વધી. જેને બુદ્ધિબળ બતાવવું હોય એ નિબંધ અજમાવે એવી સ્થિતિ થઈ. પણ એ ૧૮મી સદીની સુધારકવૃત્તિથી લખાયેલા નિબંધોનાં પચાસ જેટલાં પોથાંમાંથી થોડાંક જ પાનાં આજે વાંચી શકાય એવાં છે. રસલક્ષી નિબંધ ૧૯મી સદીના આરંભમાં લૅમ્બ, હૅઝલિટ, લી હન્ટ, ડ ક્વિન્સી આદિના હાથે પલ્લવિત થયો અને લૅમ્બમાં તો પરાકાષ્ઠાએ પહોંચ્યો. તે પછીના મૅકૉલે. કાર્લાઇલ, રસ્કિન, મૅથ્યુ આર્નોલ્ડ આદિના તેજસ્વી નિબંધો મુખ્યત્વે વિદ્વત્‌, શિક્ષક કે સુધારક-પ્રવૃત્તિના પરિણામરૂપ છે, સર્જક-નિબંધ નથી. સદીના અંતમાં સર્જક-નિબંધકાર રૉબર્ટ લુઈ સ્ટીવન્સન મળે છે. ૨૦મી સદીમાં રૉબર્ટ લીન્ડ, ચેસ્ટર્સ્ટન, લ્યૂકાસ, હિલેર-બેલોક આદિ અનેકને હાથે સર્જક-નિબંધ પુનર્જીવિત થાય છે. મૅક્સ બીરબૉહ્યમાં એ પ્રફુલ્લ કળાએ ખીલે છે અને આ જ સમયમાં પત્રકારત્વના રણમાં વિલુપ્ત થવાની એની નેમ હોય એમ એ રસલક્ષિતાના ધ્યેયથી ચ્યુત થતો વારંવાર જોવા મળે છે. રસલક્ષી નિબંધને શી રીતે ઓળખવો? વર્જિનિયા વુલ્ફ કહે છે કે નિબંધ આપણી અને દુનિયાની વચ્ચે પડદો રચી દે, પણ આ તો કલામાત્રનો ધર્મ છે. તમામ કલા આપણને ‘વિગલિતવેદ્યાન્તર’ કરે છે. નિબંધની વ્યાખ્યાઓ બાંધવા જતાં અતિવ્યાપ્તિમાં સરી પડાય છે; એથી તો એક જણાએ નિબંધ એટલે વિશિષ્ટ નિબંધકારની વિશિષ્ટ રચના એમ કહીને હાથ ખંખેરી નાખ્યા છે! આપણે પૂછીશું : તો નિબંધકાર એટલે? કેમ, નિબંધકાર એટલે નિબંધ લખનાર! – એવો જવાબ આપવા પણ એ ઊભો શા માટે રહે? આપણને ચકરાવામાં પડેલા જોઈ આપણા વ્યાખ્યાલોભી માનસને હસતો હસતો એ તો ખસી ગયો છે! કલારૂપોની વ્યાખ્યા કરવી મુશ્કેલ હોય એનો અર્થ એવો તો નથી જ કે તે તે કલાપ્રકારને પોતાનાં આગવાં – ભલેને અસ્પષ્ટ પણ – લક્ષણો નથી. આજ સુધી નિબંધનો કલાપ્રકાર ખેડાયો છે તે ઉપરથી એક સર્વસામાન્ય લક્ષણ એ સ્વીકારાયું છે કે નિબંધ એ અચૂકપણે લેખકના વ્યક્તિત્વની – વૈયક્તિક જીવનની – મુદ્રાથી અંકિત થયો હોય છે. નિબંધકાર વિષયને નહિ પણ પોતાને આલેખે છે. મૉન્ટેઇને કહ્યું : હું મારી જાતને આલેખું છું (It is myself I porutray). નિબંધ વાંચી રહીએ ત્યારે એમાંના વિષય અંગેનું આપણું જ્ઞાન વધ્યું છે એવું ભાન થવા કરતાં વિશેષ તો એક અનોખા વ્યક્તિત્વનો આસ્વાદ આપણને મળ્યો છે. એવી તૃપ્તિ અનુભવાય છે. નિબંધ કોઈ વિષય ઉપર પ્રકાશ પાડવાને બદલે લેખકના વ્યક્તિત્વના પ્રકાશમાં આપણે નાહી રહ્યા હોઈએ એવો અનુભવ કરાવે છે. પરમ આશ્ચર્યની વાત તો એ છે કે અંગ્રેજ પ્રજા જેવી મૂંગી મીંઢી પ્રજા આ ભીતરની રજેરજ વાત પ્રગટ કરતા કલાપ્રકાર – નિબંધ-માં સૌને ટપી ગઈ છે! પ્રથમ મહાયુદ્ધના સમયનો એક અનુભવ ઇંગ્લૅન્ડની અમેરિકન કચેરીના એક અધિકારીએ નોંધ્યો છે. માહિતી ખાતા પાસે લડાઈમાં ગયેલા પોતાના પતિની કે ખોટના એકના એક દીકરાની ખબર પૂછવા આવેલી સ્ત્રીઓ સૈનિકના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી પણ, રૂંવાડુ પણ ફરક્યું ન હોય એમ, બીજો પ્રશ્ન પૂછવા રોકાયા વગર, ચૂપચાપ ચાલી જતી ને પોતાને કામે વળગતી. આ પ્રજા નિબંધમાં પોતાનું દિલ ખોલીને બેસે છે, હૃદયનું દલેદલ ખોલી બતાવે છે. નિબંધ એ વિશ્રંભકથા છે. કદાચ મૂંગાં મીંઢાં લાગતાં, પણ અત્યંત પટુકરણ અને ખમીરવાળાં, માણસોને જ વિશ્રંભકથા માંડવાની અનિવાર્ય જરૂર રહેતી હશે. એવાંઓની વિશ્રંભકથા સાંભળવામાં સાર એમાં તો સંશય જ નહિ. આમ નિબંધનું રસબિંદુ વિષય નહિ પણ લેખક પોતે હોય છે. નિબંધરચનામાં ઉદ્દીપન ગમે તે હોય, આલંબન હંમેશાં લેખક પોતે હોય છે. નિબંધકાર પોતાની વિવિધ ભાવપરિસ્થિતિઓને, ગમે તે ઉદ્દીપનને નિમિત્ત બનાવી, આલેખતો હોય છે. ઊર્મિકાવ્યમાં પણ આવું જ થતું હોય છે. જો કોઈ બે સાહિત્યપ્રકારો એકમેકની વધુ સમીપ હોય તો તે ઊર્મિકાવ્ય અને નિબંધ. તેથી, નિબંધ એટલે ગદ્ય ઊર્મિકાવ્ય, એમ પણ વારંવાર કહેવાયું છે. ઊર્મિકાવ્યમાં ભાવની અને વાણીની સઘનતા, પદ્યલય અને શબ્દઘોષને લીધે સધાતું અભિવ્યક્તિનું લાઘવ કળાકારના વ્યક્તિત્વના વિસ્તૃત અને વિલંબી આલેખનને તક ન આપે, પણ નિબંધ જેવા રસળતા ગદ્યલેખનમાં એવો પ્રસ્તાર શક્ય બને, સુસહ્ય નીવડે. ઊર્મિકાવ્યમાં જે અર્કરૂપે મળે છે તે જ –લેખકનું વ્યક્તિત્વ – નિબંધોમાં પ્રસ્તારરૂપે આસ્વાદાય છે. બંનેમાં લેખકની વિશિષ્ટ ભાવપરિસ્થિતિ એ અંતે રસાસ્વાદનું કારણ બનતી હોય છે. બંને આત્મલક્ષી સર્જનના પ્રકારો છે. આ રીતે જોતા, નિબંધ એ નાટકને તદ્દન સામે છેડે છે. નિબંધ એ લેખકના વ્યક્તિત્વની મુદ્રાથી અંકિત હોય છે એમ આપણે કહીએ છીએ ત્યારે સહેજે એ પ્રશ્ન મનમાં ઉદ્‌ભવે છે કે એવો કયો રચનાપ્રકાર છે જે લેખકના વ્યક્તિત્વની મુદ્રાથી અંકિત થયો ન હોય. ઉત્તમ નાટકકારની કૃતિના એકાદ અંશનો પરિચય કરીએ છીએ ત્યારે તે પણ એના રચયિતાના વ્યક્તિત્વને ઉઠાવ આપ્યા વગર રહેતો નથી. કળાકાર એની કળાના કોઈ પણ અંશ દ્વારા છતો થયા વગર રહેતો નથી. માત્ર નાટકમાં કળાકાર અદૃશ્ય રહીને – પરોક્ષ રહીને – પ્રગટ થાય છે, જ્યારે નિબંધમાં એ પ્રતિપદે આપણી નજર આગળ – પ્રત્યક્ષ – હોય છે. નાટકકાર પાત્રો દ્વારા બોલતો હોય છે, નિબંધકાર પોતે સીધો જ આપણી સાથે વાતોમાં ઊતરે છે. નાટકકાર રંગભૂમિ ઉપર આખું બ્રહ્માંડ ઠાલવે છે, નિબંધકાર પંડને પ્રગટ કરે છે. અલબત્ત, બંનેની કળા ઉત્તમતાને પહોંચી હોય તો પરિણામમાં તાત્ત્વિક દૃષ્ટિએ પિંડે તે બ્રહ્માંડે અને બ્રહ્માંડે તે પિંડે એ ન્યાયે, બહુ ફેર પડતો નથી. નિબંધકાર પોતાની વાત કરતો ભાસે છે, છતાં વિશ્વની નિરવધિ વિવિધતાને એની અભિસારપ્રવણ પ્રતિભા પદેપદે સ્પર્શી રહી હોય છે. નાટકકાર વિશ્વની બાહ્ય ઘટનાઓને જ નિરૂપતો લાગે તેમ છતાં એ ઘટનાઓની રમણાના કેન્દ્રમાં સાક્ષીરૂપ રહેલા વ્યક્તિત્વનો સતત નિર્દેશ થયા કરતો હોય છે. નિબંધ કેન્દ્રમાંથી પરિઘ તરફ અભિસરે છે, નાટકમાં પરિઘ તરફથી કેન્દ્ર પ્રતિ ભીંસ હોય છે. નિબંધકારની આત્મશ્રી ફુવારાની પેઠે એવી છલકાય છે કે જેને જેને એ સ્પર્શે છે તેને સૌન્દર્યથી રસી દે છે. નાટકકાર પદાર્થોને એવા સૌન્દર્યમંડિત રૂપે રજૂ કરે છે કે એ પ્રક્રિયાના મૂળમાં કેવી સભર આત્મશ્રી હશે એનું નિરંતર સાનંદાશ્ચર્ય થયાં કરે છે. બંને પ્રકારો ઉત્તમ રીતે ખેડાય તો તે તે લેખકની વિરલ આત્મશ્રીને – વ્યક્તિત્વના અપૂર્વરસિક અંશોને –પ્રગટ કરી રહે. નિબંધકાર લૅમ્બને વિશે વિવેચક કોલરિજ કહે છે : ‘ચાર્લ્સ લૅમ્બમાં, મારા પરિચયના બીજા કોઈ માણસ કરતાં, ચારિત્ર્યની અખિલાઈ અને વૈયક્તિકતા (totality and individuality of character) વધારે છે.’ શેઇકસ્પિઅરનાં નાટકોના પરિચય પછી પણ એના ચારિત્ર્યની અખિલાઈ અને વૈયક્તિકતાની અપૂર્વતાનો જ સઘન અનુભવ થાય છે. તેમ છતાં એક ફરક ઉઘાડો જ છે : શેઇકસ્પિઅરના અંગત-બહિરંગ જીવન વિશે એનાં નાટકો દ્વારા આપણે લગભગ કશું જ જાણવા પામતા નથી, જ્યારે લૅમ્બને વિશેની કેટલી બધી નાની નાની વિગતો પણ આપણે જાણીએ છીએ! મારી સ્મૃતિ બરોબર હોય તો, થોડાં વરસ ઉપર કોઈએ મૉન્ટેઇનની આત્મકથા પ્રગટ કરી હતી. મૃત્યુ પછી સાડાત્રણસો વરસે તો મૉન્ટેઇને એની આત્મકથા લખી ન જ હોય! પણ વાતમાં કશું જ આશ્ચર્ય ન હતું. મૉન્ટેઇને પોતાને વિશે નિબંધોમાં અવારનવાર છૂટક છૂટક એટલું બધું કહેલું છે કે એ બધું ભેગું કરતાં મૉન્ટેઇનના શબ્દોમાં જ ખાસી એક આત્મકથા વાચકના કરકમલમાં મૂકવા જેવી તૈયાર થાય. કોઈકને એ સત્કાર્ય કરવાનું સૂઝ્યું હતું. નિબંધમાં લેખકનું વ્યક્તિત્વ ઓતપ્રોત થયેલું હોય છે – એમાં એનું બળ છે. તો એ જ એની મર્યાદા પણ થઈ શકે; કસોટી તો છે જ. માણસ પોતાને વિશે વાત માંડે અને સામાને તરત કંટાળો ન આપે એવું ઝાઝી વાર બનતું નથી. નિબંધકાર જો એનો ક્ષુદ્ર અહમ્‌ આપણી ઉપર ઝીંક્યા કરે તો એમાં આપણને શો રસ? વર્જિનિયા વૂલ્ફનું આ પરિસ્થિતિ અંગે એક માર્મિક કથન છે : Never to be yourself and yet always – that is the problem. – પ્રશ્ન એ છે કે પોતાની જાત આગળ ધર્યા ન કરવી અને તેમ છતાં હંમેશાં પોતાની જાતને પ્રગટ કરવી. ‘લખતાં આવડતું હોય તો જ તમે સાહિત્યમાં તમારી જાતનો ઉપયોગ કરી શકો.’ – એમ એ ઉમેરે છે. નરસિંહરાવને લખતાં નથી આવડતું એમ કહેવાની તો કોણ હિંમત કરશે? પણ એમના ‘સ્મરણમુકુર’માં સમકાલીન વિભૂતિઓનાં પ્રતિબિંબ રસિક રીતે ઝિલાયાં હોવા છતાં, ક્યાંક ક્યાંક વચ્ચે લેખકની અંગત વીગતોનો અતિરેક આવ્યા કરે છે તે રસવિક્ષેપનું કારણ બન્યા વગર રહેતો નથી. પોતાની અંગત વીગતોને અપ્રસ્તુત ન ભાસે એ રીતે નિરૂપવામાં નિબંધકારનું કૌશલ છે. જો કે ખરી વાત તો એ છે કે આ કસોટીમાંથી પાર ઊતરવા માટે નિબંધકારનું વ્યક્તિત્વ સભર હોવું જોઈએ. વિવિધ પાસાંવાળું હોવું જોઈએ. લઘરા જેવો લાગતો, ગભરુ અતડો, તોતડાતો, ગાંડપણની છાયા નીચે દહાડા ભરતો, ઇન્ડિયા હાઉસનો એક કારકુન, જેના ‘આત્મામાં કચેરીના ટેબલના લાકડાએ પ્રવેશ કર્યો હતો’ – એ લૅમ્બ (‘ઇલિયા’) : એને વિશે એલિઝાબેથ ડ્ર્યું શું કહે છે? ‘કોઈ પણ બીજા નિબંધો કરતાં ઇલિયાના નિબંધોમાં વધારે પૂર્ણતાવાળો પુરુષ આપણને મળે છે.’ નિબંધકાર જેટલો પૂર્ણ પુરુષની નજીક તેટલું એની રચનાનું જાદુ વધારે. કેટલીક વાર નિબંધકાર ‘હું’ને અંદર લાવ્યા વિના જ ચલાવી લે, એવું પણ બને. કોઈ વાર ‘હું’ એ પોતે ન હોય, કલ્પિત પણ હોય. કોઈ વાર કોઈ વ્યક્તિ, પુસ્તક કે પ્રસંગ જેવા વિષય પર બિનંગત અને પરલક્ષી લાગે એ રીતે એ કલમ ચલાવે. ઊર્મિકાવ્યોમાં નાટ્યોર્મિકાવ્ય (dramatic lyric)નો પ્રકાર છે, તેનાં દૃષ્ટાન્તો નિબંધમાં પણ ક્યારેક મળે. મૉન્ટેઇને પોતાની જાતનું આલેખન કરવાની પ્રતિજ્ઞા સાથે શરૂ કર્યું છે, તેમ છતાં પોતાની જાતમાં જ એ ઓછો સમાઈ રહ્યો છે? અલબત્ત, ગમે તે રીતે લેખકની કલમ ચાલે, લખાણ નિબંધ તરીકે કલ્પાયું હોય છે તો એમાં મુખ્ય આસ્વાદ્ય વસ્તુ તે એમાંથી ધ્વનિત થતું લેખકનું વ્યક્તિત્વ જ હોય છે. ભલે નિબંધમાં લેખક પોતે સાક્ષાત્‌ હાજર ન હોય. પણ એ લખાણ દ્વારા એના વ્યક્તિત્વની ભૂરકી આપણા હૃદય પર પડ્યા વગર રહેતી નથી. નિબંધમાં લેખકનું વ્યક્તિત્વ પ્રધાન છે, એનું એક સહજ પરિણામ એ પણ આવે જ કે એમાં લેખક પોતાની અનેક અગંભીર પળો, પોતાની વિલક્ષણતાઓ, વિચિત્રતાઓ મોકળે મને આલેખે. ઉપરાંત, ઉપરના વર્ણન ઉપરથી એ પણ પ્રતીત થયું હશે કે નિબંધ એ વાર્તાલાપ છે, કોઈ અદીઠ વાચક સાથેનું સંભાષણ છે. (‘નિબંધ એ આખો જ સ્વગતોક્તિરૂપ હોય છે’ એમ ડ્ર્યુ કહે છે તે તો બરોબર નથી. સ્વગતોક્તિ માણસની પોતાની જાત સાથેનું જ સંભાષણ હોય છે, બીજું કોઈ પણ સાંભળે એ અભિપ્રેત હોતું નથી.) વાતચીતમાં માણસ રંગમાં આવે છે ને વિનોદે ચઢે છે એમ નિબંધકાર પણ વિનોદની તક ઝડપી લે છે. વિદ્વત્‌પ્રવૃત્તિ કે શિક્ષકપ્રવૃત્તિના ફળરૂપ લલિતેતર નિબંધમાં માણસને ઊંચે આસને બેસી પોતે બોધ આપતો હોય એમ ડાહ્યું ડાહ્યું બોલવું પડે છે. પણ સર્જક-નિબંધમાં તો લેખક એક, દોષથી ભરેલા, માનવ તરીકે બીજા એવા જ માનવ આગળ આપકહાણી સંભળાવતો હોય છે એટલે એને હાસ્યવિનોદના પ્રસંગો ડગલે ને પગલે મળી રહે છે. તક મળતાં એ પોતાને ભોગે પણ હસી લે છે. આ હાસ્ય એ નિબંધનું એવું સામાન્ય અંગ થઈ પડ્યું છે કે એથી નિબંધમાં ઘણી હળવાશ આવી છે. નિબંધનો ઘણી વાર ‘હળવા નિબંધ’ તરીકે પણ ઉલ્લેખ થાય છે. પણ એ પ્રયોગથી નિબંધમાંના હાસ્ય ઉપર ભાર મુકાવા કરતાં નિબંધમાં ગંભીરતાનો સદંતર અભાવ હોય એવું સૂચવાય છે, જે બરોબર નથી. કેટલીક વાર પ્રતિજ્ઞાપૂર્વક ચાવળાઈમાં ઊતરવા એ પ્રેરે છે. અને કોઈ જ્યારે હસાવવા પ્રયત્ન કરે ત્યારે તો સામાને રડવું જ આવે, હસવું આવે તો પેલાને અભિપ્રેત નહિ એ રીતે – એના બેહૂદા પ્રયત્ન ઉપર નર્મ, મર્મ, કટાક્ષ, વિનોદ, ઉપહાસ, અટ્ટહાસ – એમ હાસ્યની અનેકવિધ રેખાઓ અચ્છા નિબંધકારને હાથે નિબંધમાં અનાયાસે અવારનવાર ઊપસ્યાં કરે, ઘણુંખરું તો એ ઠાવકો રહીને બોલ્યાં કરતો હોય. એનું મોં પણ ભાગ્યે મરકતું હોય. સ્વાભાવિકપણે એ તો બોલ્યે જાય. એના બોલવાનો મર્મ સમજાય ત્યારે આપણે કાં તો મલકાઈ જઈએ, કાં તો બેવડા વળીવળીને હસ્યાં કરીએ, કોઈ વાર એવું તો નિરર્થક અને બુદ્ધિહીન ભાસતું હાસ્ય એ વેરતો હોય છે! લૅમ્બને કોઈએ કહ્યું : જમાનાને માટે જરી લખતા રહો. ‘જાય રે જમાનો જહાન્નમમાં. હું પ્રાચીનો માટે લખીશ.’ ઉત્તરથી લાગેલા આંચકાની કળ વળે ત્યારે જતાં આપણને એમાંના હાસ્યનો સ્પર્શ થવા પામે છે. ‘દીર્ઘાયુષ્ય’ પરના નિબંધમાં આરોગ્ય-પાલનના પોતાના બધા ભંગનો બચાવ કરી અંતે લેખક ખુમારીથી ઉમેરે છે : બરોબર મારી હેડીના હોય એવા મારા કોઈ પણ સમકાલીનોએ આજ સુધીમાં મારા કરતાં વધારે આયુષ્ય ભોગવ્યું હોય એમ હું માનતો નથી. નિબંધમાં હાસ્યવિનોદ એ ટુચકાઓ, નર્મવચનો, કટાક્ષો, ઉપહાસોની આતશબાજીરૂપ હોય એ કરતાં વધારે તો લેખકના આખાય સ્વભાવમાં હાસ્યવૃત્તિ લપક્યાં કરતી હોય એ વધુ ઇષ્ટ છે, વધુ આસ્વાદ્ય નીવડે છે. નિબંધકાર ગંભીર થઈને બોલતો હોય, પણ એની આંખમાં ટીખળ ઊછળ્યા કરતું હોય, એ પણ એક નોંધપાત્ર આશ્ચર્ય છે કે મૂંજી સ્વભાવના લાગતા, વેપારી માનસના, વ્યવહારુ, અતડા, એવા અંગ્રેજો આવા હાસ્ય માટે બીજી હસમુખી દેખાતી પ્રજાઓ કરતાં પણ વધુ પંકાય છે. એક ખુમારી બાદ કરતાં (– પણ પછી રહ્યું શું?) ગુજરાતી પ્રજામાં અંગ્રેજ પ્રજા સાથે ઠીકઠીક મળતાપણું છે, પણ હાસ્ય એ ગુજરાતીઓની લાક્ષણિકતા નથી. સૌરાષ્ટ્રનાં માનવી મરમાળાં હોય છે અને દક્ષિણ ગુજરાતનાં નિખાલસ હસનારાં. તે બે પ્રદેશમાંથી હાસ્યવિનોદના લેખકો ગુજરાતને મળ્યા છે. (હા, ક. દ. ડા. સૌરાષ્ટ્રના અને સર રમણભાઈના હાસ્ય ઉપર પણ સુરત કાંઈક દાવો કરી શકે.) મસ્તફકીર ને ઓલિયા જોષી, મુનિકુમાર ને ગગનવિહારી, સ્વૈરવિહારી ને વિનોદ-કાન્ત એ સૌરાષ્ટ્રના નર્મનિબંધકારો. ધનસુખલાલ અને જ્યોતીન્દ્ર દવે દક્ષિણ ગુજરાતના. મુનિકુમાર, ગગનવિહારી, સ્વૈરવિહારી વિનોદકાન્ત – બધાનો જ હાસ્યરસ શિષ્ટ, ઘણી વાર સાહિત્યલક્ષી હોય છે. વિનોદકાન્તનું વ્યક્તિત્વ ક્યારેક તારસ્વરે પ્રગટ થાય છે. પણ આત્મદયાના પ્રસંગોએ પણ પોતાના ભોગે એ વિનોદ કરી જાણે છે. ‘સ્વૈરવિહારી’ સુધારક છે. વ્યક્તિત્વ પ્રગટ કરવાનો એમનો પ્રધાન આશય નથી. મુખ્યત્વે પરદેશી શાસનની ટીકા કરવા નિમિત્તે એ સ્વૈરવિહારે ચઢે છે, પણ અંતે આપણી પોતાની કમજોરીઓ ખુલ્લી પાડીને અટકે છે. પ્રજાકીય વ્યક્તિત્વને કટાક્ષ દ્વારા પ્રગટ કરવામાં એ સૌથી વધુ ખીલે છે. શુદ્ધ હાસ્ય ખીલવવાનું, કોઈ પણ જાતની વિવેચક કે સુધારકની ખાસ વૃત્તિ સિવાય હાસ્ય ખેડવાનું ધનસુખલાલ મહેતા અને જ્યોતીન્દ્ર દવેમાં જોવા મળે છે. જ્યોતીન્દ્રની વિચક્ષણ બુદ્ધિ ન હોય ત્યાંથી જીવનની કોઈ ને કોઈ વિલક્ષણતાને પકડી પાડે છે. જીવનની વિકૃતિ પર કટાક્ષ કરવા કરતાં એને હસી નાખવાનું જ્યોતીન્દ્રને વધુ ગમે છે. એમની વિદ્વત્તા અને એમનું ચિંતન હાસ્ય પાછળ ઢંકાઈ જાય છે એ ભલે, પણ ઘણી વાર એમના વ્યક્તિત્વને પણ એમનું હાસ્ય ઢાંકી દે છે. નિબંધને અંતે વિનોદ રહે છે, જ્યોતીન્દ્ર નહિ. જ્યોતીન્દ્રમાં સભર વ્યક્તિત્વનાં દર્શન થતાં નથી, તેમ છતાં એમનું નિરામય હાસ્ય એ ગુજરાતી નિબંધની એક સિદ્ધિ છે. હાસ્યવિનોદ એ નિબંધના અનિવાર્ય અંગ જેવો થઈ ગયો છે. પણ કેટલાક ઉત્તમ નિબંધો કે નિબંધકારોમાં એનો અભાવ નિર્વાહ્ય પણ બને. મૉન્ટેઇનમાં વિનોદવૃત્તિ ઓછી જ છે. પણ હાસ્યવિનોદ દ્વારા જે સધાય છે તે એના વ્યક્તિત્વના ઉષ્માભર્યા પ્રકાશ દ્વારા લગભગ મળી જતાં ખાસ ઊણપ વરતાતી નથી. નિબંધમાં વ્યક્તિગત વાતો ઉબેળાતી હોય, હા-હા હી-હી પણ ચાલતી હોય, એટલે એ કાંઈક નિઃસાર વસ્તુ છે એવું સમજવાનું નથી. ડૉ. જૉન્સને નિબંધને undigested – અપરિપક્વ – પચ્યા વગરનો અને irregular –અનિયમિત – અતંત્ર કહ્યો છે, પણ એ વર્ણન ભાગ્યે જ યથાર્થ હોય. એડમંડ ગૉસે કહ્યું છે તેમ મૉન્ટેઇન, ઍડિસન કે લૅમ્બના નિબંધોને અપરિપક્વ શબ્દ તો ભાગ્યે જ લાગુ પડે. ‘તાજમહાલ’ ઉપર માહિતીપ્રધાન લેખ લખાયો હોય તો તેમાં ઐતિહાસિક હકીકત બધી રજૂ થઈ હોય તેની સરખામણીમાં નાનાલાલ કવિનું ‘તાજમહાલ’ કાવ્ય કે કાકા કાલેલકરનો ‘તાજમહાલ’ નિબંધ ક્રમબદ્ધ હકીકતો ન આપવાને લીધે ‘અપરિપક્વ’ લાગે. પણ કાવ્યમાં સર્જકનો આશય હકીકતો જણાવવાનો નહિ પણ પોતાની વિશિષ્ટ ભાવપરિસ્થિતિને મૂર્ત કરવાનો હોય છે. એટલે એમાં વિચારો પરિપક્વરૂપે રજૂ થયા છે કે નહિ એ પ્રશ્ન મુખ્ય નથી. ભાવનો પાક થયેલો છે કે નહિ એ પ્રશ્ન રહે. વિચારમયતાની દૃષ્ટિએ નહિ પણ ભાવમયતાની દૃષ્ટિએ નિબંધ આસ્વાદ્ય બન્યો છે કે નહિ એ જ સર્જક-નિબંધની કસોટીનો ગજ હોઈ શકે. એનો અર્થ એ નથી કે વિચારો સર્જક-નિબંધમાં હોય જ નહિ, બિનસર્જક નિબંધમાં જ હોય. શિક્ષક-નિબંધકાર તર્કસરણી રજૂ કરે છે, જ્યારે સર્જક-નિબંધકાર ઊર્મિસ્પંદનોના તાર ઝણઝણાવે છે. પેલો દલીલ કરે છે, જ્યારે આની દિલ જીતી લેવાની દાનત હોય છે. સર્જક-નિબંધકાર, સૌ સર્જકોની પેઠે, જરૂર વિચારો આપે છે, પણ સીધા મસ્તકમાંથી નહિ, મસ્તકના વિચારો હૃદય દ્વારા એ આપણને પહોંચાડે છે. સર્જક-નિબંધકારની જેમ સૌ સર્જકોની, રચનાઓમાં પ્રજ્ઞા (wisdom) અને અનુભવનો રસ સતત ઊછળતો હોય છે. સેંટ બવે મૉન્ટેઇનને ફ્રાન્સવાસીઓમાં સૌથી વધુ ડાહ્યો (wisest of all Frenchmen) કહ્યો હતો. હમણાં યુનેસ્કોની પ્રથમ સભા પૅરિસના જે સભાખંડમાં મળી હતી તેમાં બે મહાજનોની છબીઓ ટીંગાયેલી હતી : પાસ્કલની અને મૉન્ટેઇનની. પણ સર્જક-નિબંધકાર બિનસર્જક-શિક્ષક-નિબંધકારથી જુદી જ રીતે ડહાપણ પીરસે છે એ લક્ષમાં રહેવું જોઈએ. બેકનના ઘણાખરા નિબંધોમાં કે બીજા શિક્ષક-નિબંધકારોની રચનાઓમાં જ્ઞાનના ગાંગડા મળે છે, જ્યારે સર્જક-નિબંધમાં દૂધમાં પ્રસરી ગયેલી મધની મીઠાશ અને સુવાસરૂપે જ્ઞાન આસ્વાદાય છે. જે સર્જનમાંથી – જે સર્જક-નિબંધોમાંથી – આવો મધુર સૌરભભર્યો જ્ઞાનાસ્વાદ ન પમાય તે માનવજાતિનો મહામૂલો વારસો કેમ બની શકે? ઑર્લો વિલિયમ્સે યોગ્ય રીતે કહ્યું છે કે સર્જક-નિબંધકાર ઋષિની માટીમાંથી બનેલો (something of sage) હોવો જોઈએ. સર્જક-નિબંધે વિચારમયતા સાથે છૂટાછેડા લીધેલા હોવા જોઈએ એવો એક ભ્રમ, શિક્ષકપ્રવૃત્તિથી સર્જકપ્રવૃત્તિને છૂટી પાડવાના ખ્યાલને જડતાપૂર્વક પરાકોટિએ પહોંચાડવામાંથી પેદા થયેલો છે. સર્જક-નિબંધ એ જાણે એક રમણીય તુચ્છવસ્તુ (an elegant trifle) ન હોય! તુચ્છ હોવું – નિઃસાર હોવું એ રમણીય હોવા માટેની શરત છે એવી ખોટી કલાસમજ આવા ખ્યાલ પાછળ દેખાતી હોય છે. કોઈ પણ કલાપ્રવૃત્તિને નિઃસાર થયે કેમ પાલવે? સૌ કલાપ્રકારોની પેઠે સર્જક-નિબંધ રમણીય આકાર ધારણ કરે છે. પણ તે સાથે સાથે એ સારગર્ભ પણ હોય છે જ. એ સારગર્ભતાની પોતાની એક એવી દીપ્તિ હોય છે. રચનામાં પ્રજ્ઞા(wisdom)નો પ્રકાશ એવો રેલાઈ રહેતો હોય છે કે બેકન જેવા શિક્ષક નિબંધકારની રચનાઓ પણ અવારનવાર સર્જકતાથી ઊભરાતી લાગે છે. સર્જક-નિબંધને ‘અનિયમિત’ – અતંત્ર પણ નહિ કહી શકાય. ડૉ. જૉન્સને સર્જક-નિબંધને માટે ‘અપરિપક્વ’, ‘અનિયમિત’, ‘ચિત્તનું શિથિલ અભિક્રમણ – પ્રસ્રવણ’ (a loose sally of the mind) એવા શબ્દો વાપર્યા છે, તે એનાં લક્ષણો બતાવે છે તે કરતાં વધુ તો શિક્ષકપ્રવૃત્તિના –લલિતેતર – નિબંધોથી એ શી રીતે જુદો પડે છે એનું સૂચન કરે છે; બલકે લલિતેતર નિબંધનાં લક્ષણો વિરોધથી સૂચવે છે. લલિતેતર નિબંધ જેને તે વિષયનું જ્ઞાન બરોબર પચેલું છે, એવા લેખકની કૃતિ હોય અને પરિપક્વતાની છાપ પાડે. એ ક્રમબદ્ધ લખાયો હોય. એમાં કલમ અનિયમિત રીતે ચાલતી ન લાગે અને એમાં ચિત્ત વિષય ઉપર વ્યૂહપૂર્વક છાપો મારતું અને જંગ ખેલતું દેખાય. એની સરખામણીમાં લલિત નિબંધ સામગ્રીની દૃષ્ટિએ અપરિપક્વ મનોદશાનું પરિણામ ભાસે, અને લખાવટની દૃષ્ટિએ અનિયમિત રચના લાગે, જેમાં વિચારની વ્યૂહબદ્ધ કૂચ જેવું કાંઈ જોવા ન મળે. ડૉ. જૉન્સનનું વર્ણન લલિતેતર નિબંધનો વિરોધથી ખ્યાલ આપવા માટે ઠીક છે, પણ લલિત નિબંધનો એ યથાર્થ પરિચય આપતું નથી તે સામગ્રી અંગેના લક્ષણ (‘અપરિપક્વ’)ની હમણાં ચર્ચા કરી તે ઉપરથી સ્પષ્ટ થયું હશે. બિન-રસલક્ષી સાહિત્યપ્રકારનાં લક્ષણોના માપથી રસલક્ષી સાહિત્યપ્રકારને માપવામાં આ વિસંગતિ ઊભી થઈ છે. તાજમહાલ પરના નાનાલાલના કાવ્યને કે કાકા કાલેલકરના નિબંધને અપરિપક્વ કહેવાં એ જેમ અપ્રસ્તુત છે. તેમ એમને અનિયમિત – અતંત્ર કે વ્યૂહરહિત લખાણ કહેવાં એ પણ અપ્રસ્તુત છે. કલાપ્રકારને પોતાનું તંત્ર હોય છે. પોતાનો વ્યૂહ હોય છે. લલિતેતર નિબંધ એટલે ચાલવું, લલિત નિબંધ એટલે નૃત્ય. પેલામાં અમુક અંતર કાપવાનું હોય છે એટલે માણસ વ્યવસ્થિત રીતે એક બિંદુથી ઊપડી વચ્ચેનાં મથકો વટાવી અંતિમ બિંદુએ પહોંચે છે. બીજામાં માણસ પગથી ગતિ કરે છે, પણ હતો ત્યાંનો ત્યાં જ હોય છે, એક બિંદુથી બીજા બિંદુ પર ઠેકડા મારતો દેખાય છે. પણ કશુંય અંતર કાપતો લાગતો નથી. પણ આ ‘અનિયમિત’ ગતિથી એ ભલે કોઈ મુકામે ન પહોંચે, આપણા હૃદય સુધી જરૂર પહોંચે છે – જો એ ગતિ એના (નૃત્યના) નિયમોને વશ વર્તતી હોય તો, સર્જક-નિબંધમાં બેદરકારીનો, અનિયમિતતાનો આકારરહિતતા-નો ભાસ થાય છે, કેમ કે એમાં વિષયને ઉછાળ્યા કરવામાં આવતો હોય છે, લેખક એક બિંદુથી બીજા બિંદુ પર કૂદ્યા કરતો હોય છે, કશું દેખીતી રીતે ક્રમબદ્ધ –વ્યૂહબદ્ધ હોતું નથી, પણ એ ‘ગાંડપણમાં પણ કોઈક પદ્ધતિ’ જેવું હોય છે. ઉપલક અનિયમિતતા પાછળ આખી કૃતિને એકતા અર્પતી કોઈક નિયમબદ્ધતા હોય છે. લલિતેતર નિબંધ વિચારવ્યૂહથી બંધાયેલો હોય છે. લલિત નિબંધ ભાવપરિસ્થિતિને મૂર્ત કરતા કલાનિયમનથી. સર્જક-નિબંધ અનિબદ્ધ રચના નથી; કલાનિબંધનને એ વશ વર્તે જ છે. આ કલાનિબંધન એવું અનાયાસે સિદ્ધ થયેલું હોય કે ઘણી વાર અગોચર રહે છે, પણ તેથી તે નથી જ એમ માનવું ભૂલભરેલું છે. એની ગેરહાજરીમાં કૃતિને એક સજીવ ઘટક તરીકે ટકી રહેવું જ અસંભવ બને. મૂઠી ભરીને મોતી વેર્યાં હોય અને એમાંથી સહજપણે કોઈ મનોરમ આકાર નિર્માઈ આવતો દેખાય એની સાથે ઍડિસને સર્જક-નિબંધની અને કાળજીપૂર્વક દોરીમાં પરોવીને બનાવેલી મોતીની માળા સાથે લલિતેતર નિબંધની સરખામણી કરી છે. મૉન્ટેઇન રાજદરબારમાં કિસ્મત અજમાવી માર્યો માર્યો ફરતો હતો, અને અચાનક પિતાનું મૃત્યુ થતાં, પાંત્રીસ વરસની ઉંમરે જ, નિવૃત્તિ સ્વીકારી પોતાની જાગીર ઉપર જઈ એણે ગદ્યલખાણોમાં પોતાનો અનુભવનિચોડ રેડવા માંડ્યો અને એના કિલ્લાના બીજા મજલા પર માર્ચ ૧૫૭૧માં નિબંધનો જન્મ થયો. વારંવાર મૉન્ટેઇન આ લખાણના સ્વરૂપથી અસંતુષ્ટ થઈને એને વખોડતો; તેમ છતાં એને ઊંડેંઊંડેં ખાતરી હતી કે પોતે એક નવીન સાહિત્યપ્રકાર ખેડી રહ્યો છે. એણે એને સાદું ‘એસે’ (Essay) એવું નામ આપ્યું અને એ રીતે સૂચવ્યું કે આ તો છે માત્ર પ્રયત્ન. (એસે – Essay એટલે પ્રયત્ન. જૂની લૅટિનના exagium એટલે તોલન. ત્રાજવાં, અને exigere એટલે પરીક્ષવું ઉપરથી.) ‘એસે’નો આ મૂળ અર્થ એની દેખાઇતી આકારરહિતતા, એની રસળતી – વાટ છોડીને પહેલી તકે ઉબાટે ચઢી જતી શૈલી, એ બધાંને લીધે સર્જક-નિબંધના સ્વરૂપવિચાર વખતે હંમેશાં વિદ્વાનોને અવઢવ રહી છે. એનું યથાર્થ વર્ણન કરવામાં પણ તેઓને ડૉ. જૉન્સનની જેમ મુશ્કેલી પડી છે. વર્સફોલ્ડ નિબંધને બિન-સર્જક લખાણોમાં સૌથી વધુ કલાત્મક કહે છે. (The essay is the most artistic of all forms of non-creative literature) પણ નિબંધ કલામય થઈ શકે એવો હોય તો એની એ કલાક્ષમતા જ એને એક સર્જક સાહિત્યપ્રકાર તરીકે સ્થાપવા માટે પૂરતી ન ગણાય? આપણે જોયું છે કે ઊર્મિકાવ્યની પેઠે ભાવપરિસ્થિતિના નિરૂપણને નિબંધ લક્ષ્ય કરતો હોય ત્યારે એ સર્જક પ્રવૃત્તિરૂપ હોય છે. નવલકથાનો સાહિત્યપ્રકાર પહેલવહેલો શરૂ થયો ત્યારે ક્લાસિકલ (પ્રશિષ્ટ, રૂઢ) સાહિત્યરુચિને એમાં કાંઈ કલા જેવું ઝટ જણાયું ન હતું. નિબંધને અંગે વધારાની મુશ્કેલી એ છે કે તેમાં કલ્પિત કથાવસ્તુ કે એવું પણ ખાસ હોતું નથી. છાપાંળવા લેખોથી એને છૂટો પાડવો એ પણ મુશ્કેલ છે. ઉત્તમ. સર્જક-નિબંધો લખનાર ચેક લેખક કારેલ ચાપેક એક વધુમાં વધુ અંગ્રેજપણું ધરાવતા યુરોપીય લેખક છે. એમના એક સંગ્રહનું નામ છે On the margin of literature – સાહિત્યના સીમાડા પર. સર્જક-નિબંધોમાં પણ ઘણી બધી રચનાઓ સાહિત્યકલાના સીમાડા પરની રહેવાની; કોઈક જ સુરેખ કલાઆકાર પામવાની – એવો ધ્વનિ ચાપેકે નમ્રતાપૂર્વક નિર્દેશ્યો છે તે સૌ નિબંધકારોએ લક્ષમાં રાખવા જેવો છે. નિબંધની લખાવટ દેખીતી અતંત્ર હોઈ અને લેખકે લેખકે વ્યક્તિત્વના ભિન્નભિન્ન રંગો હોઈ એની રચનાની ખાસિયતો ચર્ચવી મુશ્કેલ છે, તેમ છતાં એ સામાન્ય રીતે લઘુક રચના હોઈ એનો ઉઘાડ સચોટ રીતે થાય તો એ મોટો લાભ ગણાય. તેવું જ અંતનું. અને આખી યાત્રા એ લેખકના આંતર પરિચયમાં પરિણમવી જોઈએ. હિલેર બેલૉક ફરવા નીકળી પડે છે, જંગલને છેડે એક પરમ સંતોષી ‘ડુંગળીખાઉ’ને મળી જાય છે અને ફરી એને પોતે કદી મળવાનો નથી, પણ એ મુલાકાતમાંથી અલૌકિક તાજગી લઈને ઘેર આવે છે. પ્રીસ્ટલી સાંજને ટાણે બહારગામ ફરવા ગયો છે. અંધારામાં રસ્તા પર કોઈક એની સાથે થઈ જાય છે, બંને વચ્ચે દેખીતો કશો વિનિમય થતો નથી, પણ એ માનવીનો આ યદૃચ્છાસાથ એને મનોમન બંધુભાવનું ઘણું બળ આપી રહે છે; પોતે જાણે આંતરયાત્રા (Journey to one’s self – પોતાની જાતને પહોંચવાની સફર) કરીને ઘેર પાછો ફરે છે. બંને નિબંધોમાં લેખકના પોતાના આંતરજીવનના ઘનિષ્ઠ સંપર્કમાં આપણે મુકાઈએ છીએ. સર્જક-નિબંધ એટલે લેખકની આંતરમાત્રા. એ ગમે ત્યાંથી શરૂ થાય, વળી વળીને અંતે લેખકના વ્યક્તિત્વના આસ્વાદમાં એ પરિણમવો જોઈએ. સર્જક નિબંધકાર કોઈ વાતડાહ્યા માણસની પેઠે બોલી રહ્યો હોય છે એટલે એની રચનામાં બોલચાલની વાક્‌છટાઓ આવે એ સ્વાભાવિક છે. વાતચીત જેમ, એક વાતમાં અધવચ બીજી સાંભરી આવતાં, નવી દિશામાં ફંટાય છે તેમ નિબંધમાં પણ થતું ઘણી વાર જોવા મળશે. લૅમ્બ વિરામચિહ્નોમાં ઉદ્‌ગારચિહ્નો અને – (ડૅશ) બહુ પ્રયોજે છે. અને વાર્તાલાપ જેમ કેટલીક વાર વાક્યો પૂરાં થયા વગર અધ્ધર ઘટકતાં રહી જાય છે તેવું પણ લૅમ્બના નિબંધોમાં થતું જોવા મળે છે. સર્જક નિબંધકારને તર્કબદ્ધ રજૂઆત કરતાં ઊર્મિસ્પંદનો દ્વારા કામ લેવાનું હોઈ શબ્દોની સહચારીભાવો (associations)થી સિદ્ધ થયેલી સમૃદ્ધિનો એ ઠીકઠીક લાભ લે છે. એકાદ શબ્દ કે શબ્દગુચ્છ દ્વારા એની કલમ ભૂતકાળના સાહિત્યરાશિને અનેક ઠેકાણે સ્પર્શે છે અને એની સૌન્દર્યઆભા ઝીલીને પોતે વધારે કમનીય બની ઊઠે છે. એ સાહિત્યપુંજમાંથી રત્નો વીણી લાવવાનું – અવતરણો આપવાનું અને એ રીતે પોતાની રચનાને સમૃદ્ધતર બનાવવાનું એનું કૌશલ પણ, લૅમ્બ જેવાના દાખલામાં અદ્‌ભુત જોવા મળે છે. એ અવતરણો એટલાં બધાં લાંબાં તો ન હોય કે લેખક વેઠિયાની પેઠે ઉતારા કરવા બેઠો છે એવું લાગે. વાતચીતમાં માણસ સહજભાવે સ્મૃતિમાંથી અવતરણો આપે છે એવું જ નિબંધમાં પણ બને. કોઈક વાર આ બધી છટાઓ કસબીના હાથમાં અપૂર્વ સૌન્દર્યથી ખીલી ઊઠે છે. ‘હિમાલયનો પ્રવાસ’માં પોતાના સહયાત્રી અનંત બુવા આગળ શરણાગતિ સ્વીકારતા કાકાસાહેબ કાલેલકર શ્લેષની મદદથી બુવાના નામનો લાભ લઈ તુકારામની પંક્તિ ઉચ્ચારે છે : ठेविलें अनंतें तैसेची रहावे। અનંત (પરમેશ્વર, અહીં બુવા) રાખે તેમ રહીએ.’ મરાઠી ભાષાના જાણકારોને, એક પિતાએ પુસ્તકના આરંભે પોતાના સદ્‌ગત પુત્ર અનંતની છબી નીચે તુકારામની એ જ પંક્તિ મૂકી છે, તેનું સ્મરણ પણ થયા વગર ન રહે. હાસ્યના તારમાંથી, પ્રસંગોપાત્ત, સહચારીભાવો ઝણઝણાવીને લેખક કેવી કરુણાની શાન્તસભર મીંડ જગાવે છે એ આવા દાખલાઓમાં જોવા મળે છે. સર્જક નિબંધકારો પોતાની આગળના લેખકોનું અનુકરણ કરવા ઘણી વાર પ્રેરાયા છે. લૅમ્બને બીજા લેખકોની રીતે લખવાની સારી ફાવટ હતી. રૉબર્ટ લુઈ સ્ટીવન્સન તો એ માટે પંકાય છે. લ્યૂકાસમાં લૅમ્બની રીતે લખવાની વૃત્તિ જણાઈ આવે છે. આવા પ્રયોગો સામાન્ય રીતે સફળ હોતા નથી અને કૃતિની સ્વાભાવિક કલામયતાને વિઘાતક નીવડે છે. આમાં શૈલીવેડા – એકના એક પ્રયોગોનો વારંવાર ઉપયોગ (mannerisms) – મુખ્ય ભાગ ભજવે છે. કોઈ પણ લેખકની રચનામાં એવા પ્રયોગ સ્વયં સારા લાગતા નથી; ઉછીના લીધેલા તો વરવા લાગે જ, એમાં નવાઈ શી? જ્યારે આપણા કોઈ નિબંધકાર પ્રો. ઠાકોરનું ખમીર પોતાના કથયિતવ્યમાં ન હોય છતાં કોઈ કંડિકાને અંતે પ્રો. ઠાકોરની જેમ ‘ન અન્યથા’ એમ એક વાર કે બે વાર જિકરથી લખે છે ત્યારે કેવોક દેખાવ થાય છે! એકંદરે લખાવટની, કહો કે બહિરંગની, દૃષ્ટિએ નિબંધ આજે સારી સ્થિતિમાં છે, તેમ છતાં તેના ભાવિ વિશે લગભગ સૌ વિવેચકો સચિંત છે. નિબંધની અંતરંગ દૃષ્ટિએ દરિદ્રતા તે આ સચિંતતાનું કારણ છે. એ દરિદ્રતામાં પત્રકારત્વનો ઘણો મોટો ફાળો છે. નિયમિત અમુક શબ્દો લખવાની પ્રતિજ્ઞાને લીધે નિબંધકારને જરીક અમથી સ્ફુરણાના જોર ઉપર ઘણુંબધું લખવાની પાળી આવે છે. મલાવી-મલાવીને – હુલાવીફુલાવીને વાત કરવાની એને આદત પડી જાય છે. પત્રકારત્વનું સ્વરૂપ પણ એવું છે કે સાચા સર્જક-નિબંધ માટે એમાં કેટલો અવકાશ એ પણ પ્રશ્ન છે. ચાર્લ્સ લૅમ્બના નિબંધો ગઈ સદીના આરંભમાં વર્તમાનપત્રે પ્રજા આગળ પીરસ્યા; આજે લૅમ્બની એવી કૃતિઓ કયું પત્ર પ્રગટ કરે? પત્રકારત્વને લીધે આજે નિબંધનું પોત પાતળું પડી ગયું છે, એ પાંખો અને ખાલીખમ જેવો બની બેઠો છે. ઘણી વાર એ એક ચમકીલી તુચ્છ વસ્તુથી વધુ નથી હોતો. વારંવાર એને રાજકીય-સામાજિક પ્રશ્નો અંગે સાકરિયા ઔષધ-ગોળીનો ભાગ ભજવવો પડે છે. નિબંધ નિર્માયો તો હતો કવિતાના સમકક્ષ સાહિત્યપ્રકાર તરીકે વિકસવા. આજે કલ્પનાગૌરવ અને ભાવસૌષ્ઠવથી દૂર ખસીને સમયસમયના રંગોની આછી ઝલક ઝીલતી તર્કલહરીઓરૂપે, નિશ્ચિત સમયમાં પ્રજારંજન અર્થે ઉડાવવા પડતા રંગીન તરંગ-પરપોટારૂપે નિબંધ ઘણુંખરું દેખાય છે, તે માટે પત્રકારત્વ જવાબદાર છે. પત્રકારત્વ સર્જક-નિબંધને જન્મ આપનાર નહિ, તોપણ ઉછેરનાર જરૂર છે. એ જ પત્રકારત્વ સર્જક-નિબંધને દફનાવ્યે રહેશે એવી દહેશત જાગી છે : અતિ-લખાણના ઉકરડા નીચે સર્જક-નિબંધ જાણે દટાઈ જવાનો ન હોય! પણ રંગભૂમિની મર્યાદાથી સાચી નાટ્યકળા હેબતાઈ જતી નથી – ઠીંગરાઈ જતી નથી, બલકે એ મર્યાદાઓને ટપી જઈ પોતાની સિદ્ધિ માટે એનો ઉપયોગ કરી લે છે, એવું જ પત્રકારત્વ પરત્વે સર્જક-નિબંધનું પણ બને એવી આશા રાખીએ. સાચો સર્જક-નિબંધકાર પત્રકારત્વનો ઉપયોગ કરી એની મર્યાદાઓને અતિક્રમીને જરૂર પોતાની અભિજાત કળાનો પરિચય કરાવવાનો. પત્રકારત્વમાં કે અન્યત્ર સર્જક-નિબંધ પોતાનું સ્થાન જરૂર ટકાવી રાખશે. તે ઉપરાંત નિબંધની સામગ્રીનો નવલકથા, જીવનચરિત્ર, આત્મકથા અને ડાયરીમાં સમાવેશ થવો સુકર છે. કોઈ વાર પત્રોમાં પણ એ યોજાઈ જાય. એમિયેલની નોંધવહી(જર્નલ)માં અનેક નિબંધકલ્પ ખંડો મળે છે. આપણે ત્યાં નરસિંહરાવની રોજનીશી પ્રગટ થઈ છે તેમાં લેખકના વ્યક્તિત્વનો નિકટનો અને હૃદ્ય પરિચય કરાવે એવા કેટલાક, જોકે બહુ ઓછા, ખંડો મળશે. સર્જક-નિબંધના પક્ષપાતી વિજયરાયની ‘વાસરિકા’ કમભાગ્યે એવો અનુભવ કરાવતી નથી. વાર્તાસાહિત્ય ખેડનારા આપણા બે લેખકો પાસે નિબંધકારની કલમ છે. રમણલાલ દેસાઈએ પોતાની નવલકથાઓમાં, તક મળી છે ત્યાં, નાની નાની નિબંધકડિકાઓ (‘આને’ ‘નિબંધિકા’ કહીશું?) વેરી છે. એમની પ્રાસાદિક રસળતી શૈલી, નાગર દાક્ષિણ્ય, કટાક્ષપ્રિયતા, – એ એમને એક અચ્છા નિબંધકાર બનાવવા પૂરતાં છે. ધૂમકેતુમાં ‘તણખા – ૧’ના સમયથી નિબંધકારનો આત્મા જોઈ શકાશે. ખાસ કરીને બેકનશૈલીના સૂત્રાત્મક વાક્યનો એમનો પક્ષપાત અછતો રહેશે નહિ. વાર્તા-કથનમાં એમની સર્જકતા વહી છે એવી જો નિબંધમાં પણ વહી હોત તો એક ઉત્તમ નિબંધકાર આપણને મળત. આપણા આ એક સર્જક સાહિત્યકાર નિબંધનો બોધપરાયણ, શિક્ષકપ્રવૃત્તિના પરિણામરૂપ, પ્રકાર વધુ સચ્ચાઈથી ખેડી શકે છે. સર્જક પ્રકાર ‘અ-કવિ’ તરીકે ‘પાનગોષ્ઠિ’માં એમણે નથી ખેડ્યો એમ નથી. પ્રતિજ્ઞાપૂર્વક ‘હળવો’ નિબંધ આપવાના ખ્યાલથી રચાયેલી એવી કૃતિઓમાં લેખકના વ્યક્તિત્વનું સુભગ દર્શન થાય છે એમ ન કહી શકાય. ચાલુ પ્રસંગો પર કટાક્ષ વેરવા એ ધૂમકેતુને ભાવતી વસ્તુ ભલે હોય, ફાવતી વસ્તુ નથી. જીવનચરિત્રોમાં હમણાં પ્રસિદ્ધ થયેલા ગુજરાતી ભાષાના ભૂષણરૂપ ‘જીવનનું પરોઢ’માં સર્જક નિબંધકારની પ્રસાદી જ્યાં ને ત્યાં પથરાયેલી જોવા મળશે. આપણી ભાષાઓમાં સર્જક-નિબંધ એક સ્વતંત્ર સાહિત્યપ્રકાર તરીકે હજી પૂરો પાંગર્યો નથી. ઉત્તમ ગુજરાતી નિબંધકલા એક અ-ગુજરાતીના હાથે ખેડાઈ છે. સમૃદ્ધ વિવિધ પાસાંવાળું વ્યક્તિત્વ અને એને શબ્દમાં પ્રતિબિંબિત કરવાનો વાગ્વૈભવ કાકાસાહેબ કાલેલકરને હાથે આપણને ઉત્તમ સર્જક-નિબંધો અપાવે છે. એમનામાં સાંસ્કૃતિક પ્રવાહોનો સજીવ સંપર્ક, પ્રવાસશોખ, નિર્દોષ અને નિર્દંશ વિનોદવૃત્તિ, બાલસહજ રમતિયાળપણું અને તે સાથે સાથે ઊંડો સક્રિય માનવપ્રેમ છે, તે બધાંમાંથી એમની કલ્પનાલીલાએ અનેક મનભર સુંદર નિબંધો નિપજાવ્યા છે. કાકાસાહેબમાં સર્જક-નિબંધની શક્યતા અને સિદ્ધિનાં દર્શન થાય છે તેવાં ભવિષ્યમાં કોઈ લેખકમાં થાય ત્યારે આ સર્જક, લલિત, આનંદલક્ષી, રસલક્ષી નિબંધની – કવિતાની કોટિએ પહોંચતા નિબંધની – શક્યતા અન્ય કોઈ લેખકમાં ઉત્તમરૂપે જણાતી હોય તો તે કાંઈક શ્રી વિનોદિની નીલકંઠમાં. એમનું લખાણ કદની દૃષ્ટિએ ઓછું છે, પણ રસઘન સર્જક-નિબંધની કલા એમને સહજસિદ્ધ છે. વિનોદિનીબહેનમાં જો કાંઈ ખૂટતું જણાતું હોય તો તે કદાચ વિનોદ. સર્જક-નિબંધ એક બાજુ ઊર્મિકાવ્યની તેમ બીજી બાજુ ક્યારેક ટૂંકી વાર્તાની પણ નિકટમાં નિકટ પહોંચી જાય છે. પ્રસંગવર્ણન, પાત્રવર્ણન, જાતિવર્ણન – એવાં જુદાં જુદાં રૂપ એ ધારણ કરે છે. જાતિ(types)ના વર્ણનના આસ્વાદ્ય નિબંધો ઈશ્વર પેટલીકરે ‘ગ્રામચિત્રો’માં આપ્યા છે. પાત્ર અને પ્રસંગવર્ણનનાં સુરેખ ચિત્રો જયન્તિ દલાલકૃત ‘પગદીવાની પછીતેથી’, ‘શહેરની શેરી’ વગેરેમાં અને ‘જિપ્સી’ની રસળતી લેખમાળા ‘અમાસના તારા’માં મળે છે. જેનું ગદ્ય આસ્વાદ્ય હોય, જેમાંથી લેખકના વ્યક્તિત્વની ખુશબો ઊઠતી હોય જે પૂરો કરતાં, મૉન્ટેઇનના વાચન પછી માદામ દ સેવીનેની જેમ, આપણા હૃદયમાંથી ઉદ્‌ગાર નીકળી પડે : ‘Ah charming man! What good company he is! – શો મોહક પુરુષ! કેવી મજાની એની સોબત છે!’ – એવા સર્જક-નિબંધો ઉત્તરોત્તર આપણે ત્યાં વધુ લખાશે એવી આશા રાખીએ. સર્જક-નિબંધની વિદ્વત્‌- કે શિક્ષક-પ્રવૃત્તિના નિબંધથી ભિન્નતા યથાર્થ રીતે સમજવામાં આવે તો એકબે ચર્ચાસ્પદ ખ્યાલોનો નિવેડો આવવામાં ઝાઝી મુશ્કેલી ન રહે. વિવેચક એ સર્જક છે એવો એક ખ્યાલ કાંઈક ઊર્મિલતાપૂર્વક આપણે ત્યાં થોડા સમય પૂર્વે રજૂ થયો હતો. સર્જક નિબંધકાર જેમ કોઈ પ્રકૃતિદૃશ્ય ઉપર, કોઈ પ્રસંગ ઉપર, કોઈ વ્યક્તિ ઉપર, તેમ કોઈ પુસ્તક ઉપર – કાવ્યકૃતિ ઉપર પણ નિબંધ લખે, જેમ કોઈ કવિ કાવ્ય રચે. કોઈ કાવ્યને વિષય બનાવીને બીજા કવિએ રચેલું કાવ્ય (જેમ કીટ્‌સનું ચૅપમન્સ હોમર પરનું સૉનેટ કે મેઘદૂત પરનું ટાગોરનું કાવ્ય) એ વિવેચન બની જતું નથી. પણ કલાકૃતિ બને છે, તેમ એક કલાકૃતિને વિષય બનાવીને રચાયેલો લલિત નિબંધ એ પણ વિવેચન બની જતો નથી. કલા-કૃતિ જ બને છે. કાવ્યકૃતિ ઉપર (ક) શિક્ષક- કે વિદ્વત્‌-પ્રવૃત્તિના પરિણામરૂપ જે નિબંધ લખાય છે તેને વિવેચન કહીએ અને (ખ) કલાકૃતિરૂપ નિબંધ લખાય છે તેને સર્જન કહીએ એ યોગ્ય છે. વિવેચક પણ ક્યારેક ‘ખ’ પ્રકારના નિબંધો લખે તેથી એનાં વિવેચનો - (‘ક’ પ્રકારનાં લખાણો) સર્જન થઈ જતાં નથી; એ તો બિન-સર્જનાત્મક જ રહે છે. ‘ખ’ પ્રકારના નિબંધો કોઈ કાવ્ય- કે કલા-કૃતિને વિષય બનાવે તો એ સ્વયં કલાકૃતિ જ બને છે. વિવેચનપ્રવૃત્તિનું એ પરિણામ ન હોઈ, આ ‘સર્જનો’ વિવેચકની કૃતિઓ છે અને તેથી વિવેચક ‘સર્જક’ છે એવું કહેવું એ આપોઆપ અપ્રસ્તુત બની રહે છે. બીજી ચર્ચા શાળામહાશાળામાં લખાવવામાં આવતા નિબંધો અંગે છે. સર્જક નિબંધોનો સ્વરૂપવિચાર કરનાર સાહિત્યપ્રેમીઓ શાળામાં નિબંધ લખાવવામાં આવે છે એને બેહૂદી વાત ગણી એની હાંસી કરે છે. ઑર્લો વિલિયમ્સ કહે છે કે મૅક્સ બીરબૉહ્મ જેવા પાસે પરીક્ષામાં નિબંધ લખાવ્યો હોય તો તે ભાગ્યે જ પાસ થાય. શાળામહાશાળામાં સત્ર દરમ્યાન કે પરીક્ષામાં નિબંધ લખાવાય છે એનો આ રીતે વિરોધ કરવામાં આવે છે, પણ એ વખતે સર્જક-નિબંધ અને લલિતેતર નિબંધનો ભેદ ખ્યાલમાં રખાયો ન હોય એમ લાગે છે. વિદ્યાર્થીઓ પાસે જે લખાવવામાં આવે છે તે સર્જક-નિબંધ હરગિજ નહિ, માહિતીલક્ષી – જ્ઞાનલક્ષી નિબંધ હોય છે. નિયત સમયમાં નિબંધો લખાવી વિદ્યાર્થીઓની શક્તિનું માપ કાઢતી અત્યારની પરીક્ષાપદ્ધતિ દોષભરેલી છે એ વળી એક જુદો પ્રશ્ન છે. પણ એ બિનસર્જક નિબંધ લખવાની વિદ્યાર્થીઓની ગુંજાશ તો કેળવાવી જ જોઈએ. કોઈ પણ વિષય ઉપર પોતાના વિચારો વ્યવસ્થિત રીતે મૂકતાં આવડે એ શિક્ષણનો એક અગત્યનો ક્રમ ગણાય. આ કેવી રીતે સિદ્ધ કરવું એ વિશે મતભેદ હોઈ શકે. કદાચ પત્રો કે ડાયરી દ્વારા એવા લેખનની ટેવ વધારે સ્વાભાવિકતાથી કેળવી શકાય; પણ એવી ટેવ પડવી જોઈએ નિઃસંશય. એમાં લલિતેતર નિબંધ સારો ભાગ ભજવી શકે. એમાં નિબંધની પવિત્રતા પર કોઈ આક્રમણ છે જ નહિ, બલકે સર્જક-નિબંધ વિદ્યાર્થીઓ – ગમે તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ – પાસે પણ કદી લખાવવામાં ન આવે એની સાવચેતી રખાવી જોઈએ. વિદ્યાર્થીઓને શાળાઓમાં – ખાસ કરીને મહાશાળાઓમાં – સર્જક-નિબંધો પણ ભણવામાં હોય છે. ઉત્સાહી અધ્યાપકો વર્ગકાર્યના કે પરીક્ષાના નિબંધમાં સર્જક-નિબંધ જેવું વિદ્યાર્થીઓએ કાંઈક ચીતર્યું હોય છે એથી ખુશ થઈ જાય છે અને એવા વિદ્યાર્થીઓની પીઠ પણ થાબડે છે. આ ખરું જોતાં બરાબર નથી. સર્જક-નિબંધની પવિત્રતા ખરું જોતાં આવા દાખલામાં હણાય છે. બે તાલીમ જ જુદી છે. એક સામાન્ય કેળવાયેલા માણસને પોતાના વિચારો બીજાને સમજાય એ રીતે સુઘડ રીતે ક્રમબદ્ધ મૂકતાં આવડે એ એની પાયાની કેળવણીનો એક ભાગ ગણાય – એ પૂરતી શાળા-મહાશાળાના લલિતેતર નિબંધની તાલીમ હોય છે. સર્જક-નિબંધ એ તે કાંઈ આ રીતે લખી શકાય? – એમ કહી લલિતેતર નિબંધની તાલીમ વિદ્યાર્થીને મળે એનો વિરોધ કરવો અને બીજી બાજુ જે વિદ્યાર્થીઓ વર્ગમાં કે પરીક્ષામાં સર્જક-નિબંધનો આભાસ ઉપજાવનારું લખાણ લખતા હોય તેમના એવા વલણને અનુમોદન આપવું, – એમાં તો બાવાનાં બંનેય બગડે એના જેવું થાય. લખવામાં વિદ્યાર્થીઓને સામાન્ય લલિતેતર નિબંધની તાલીમ મળવી જોઈએ. પણ વાંચવામાં – અભ્યાસમાં તેમને લલિતેતર નિબંધો ઉપરાંત સર્જક-નિબંધોનો ગાઢ પરિચય થવો જરૂરી છે. અંગ્રેજી ભાષાના ગાઢ પરિચય માટે એક વિવેચક વિદ્યાર્થીઓને યોગ્ય રીતે જ લૅમ્બના સર્જક-નિબંધોનું સેવન કરવાનું સૂચવે છે.

***

પરીક્ષાઓમાંથી હું છૂટ્યો હતો. ૧૯૩૩ની વાત છે. યુવાવસ્થાના આરંભનું મન લખું લખું કરતું હતું. એક કોરો કાગળ લઈને હું બેઠો. પરીક્ષાઓમાંથી છટકેલો જીવ, નવાઈની વાત છે કે, નિબંધ પર જઈને ઠર્યો. વિષય શોધવાની મથામણ ઊભી થઈ. અંતે કલમ ચાલી. મથાળે લખ્યું : ‘કોરો કાગળ.’ એ વિષય ઉપર કોરા કાગળને થોડોક ચીતર્યો પણ ખરો. કાંઈક સુંદર સુંદર હોવું જોઈએ. એ નિબંધ પૂરો થતાં પહેલાં જ મગજમાં એક સોનેરી વિચાર પસાર થઈ ગયો કે આવા નિબંધો થોડાક લખાય તો પુસ્તકનું નામ રાખીશું : ‘કોરો કાગળ’. પણ એ થોડાક ચીતરાયેલા કાગળને ખરે જ ખૂબ માઠું લાગ્યું હોવું જોઈએ. હાથતાળી આપીને ક્યાંક તરત છટકી ગયો તે આજની ઘડી ને કાલનો દિવસ! સર્જક-નિબંધનો મારો અખતરો એની સાથે જ ઊડી ગયો! સર્જક-નિબંધ કે લલિતેતર નિબંધ, – લખવાની જેને આદત પડી હોય તેનાથી કોરો કાગળ કેટલું બચી શકવાનો હતો? અને હવે નિબંધના વિષય તરીકે ભૂલથીય ‘કોરો કાગળ’ ફરી પસંદ કરવાનો હોય કે? ‘નિબંધ’ ઉપર પણ નિબંધ ક્યાં લખી શકાતો નથી?૧[1]

એપ્રિલ ૧૧, ૧૯૫૧
પાદટીપ

  1. ૧. નિબંધસંગ્રહ ‘ગોષ્ઠી’ આગળ મૂકેલો નિબંધ

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

(શૈલી અને સ્વરૂપ)