સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/અદ્‌ભુત રસ

૪. અદ્‌ભુત રસ

જે બનાવ આપણા જોવામાં આવ્યો નથી; અથવા (શાસ્ત્રીય રીતે બોલીએ તો) જે બનવાનું કારણ ઇંદ્રિય જ્ઞાનથી ઉત્પન્ન થયેલા સિદ્ધાંતો ઉપરથી સમજાતું નથી, તેવા બનાવોનો પ્રત્યક્ષ અનુભવ થયાથી અથવા તે બનાવોનું વર્ણન વાંચ્યા સાંભળ્યાથી આપણને આનંદયુક્ત આશ્ચર્ય લાગે છે. તે બનાવોના જે ગુણને લીધે આનંદયુક્ત આશ્ચર્ય ઉત્પન્ન થાય છે તે અદ્‌ભુત રસ. એ રસ તે બનાવોમાં જ રહેલો છે – (sublimity). બીજી રીતે પણ અદ્‌ભુત રસ થાય છે. તે બનાવમાં જાતે તો અદ્‌ભુત પણ કંઈ જ નહિ હોય, પણ જ્યારે યુક્તિથી વર્ણનશૈલી એવી રાખી હોય કે તે બનાવો જગતના સાધારણ નિયમને અનુસરતા છતાં તેનાં કારણો વાંચતી વખતે જણાય નહિ, ત્યારે તે બનાવના પ્રથમ દર્શને આપણને નવાઈ જેવું લાગે છે, અને કેટલેક દરજ્જે ખરા અદ્‌ભુત રસની મઝા આપણે અનુભવીએ છીએ. ઉદાહરણ– કરણઘેલાનો કર્તા (જેણે માત્ર કૃત્રિમ રસ લખ્યો છે) તે હરપાળ સાધના કરવા ગયો તેનું વર્ણન કરતી વખતે તે સ્મશાનમાં અંધારી રાતે શી રીતે જઈ પહોંચ્યો, આસન કરવાને માટે કેટલી મુસીબતે એક મડદું પેદા કીધું, ઇત્યાદિ ભયાનક વર્ણન કીધા પછી કહે છે કે હરપાળ જાણતો હતો કે સાધનામાં ભંગ પડાવવાને ભૂતાવળ ઘણાં વિઘ્ન વચમાં આણશે, અને તેથી તેણે ચોકસાઈથી નદીમાં ધોઈને તે મડદું કિનારા પર નાંખ્યું. પણ એટલામાં કોઈ આવીને તે મડદું ખેંચી જવા લાગ્યું અને એણે આશ્ચર્ય તથા બીકથી ટક ટક જોયા કીધું. પણ પછી કહે છે કે તરત જ વાદળામાંથી ચંદ્રમા બારણે નીકળ્યો, અને તેના અજવાળાની મદદે જોવે છે તો માલૂમ પડ્યું કે એક શિયાળવું તે મડદું ખેંચી જાય છે. એ વર્ણનમાં શિયાળવાએ ખેંચ્યું એમ અગાઉથી કહ્યું હોત તો આપણને કંઈ અદ્‌ભુત લાગત નહિ, અને તેથી એ અદ્‌ભુતપણું એ બનાવમાં રહેતું નથી, વર્ણનશૈલી ઉપર આધાર રાખે છે. એને હું કૃત્રિમ અદ્‌ભુત રસ કહું છું. કૃત્રિમ એટલે જુગતીથી ઊભો કીધેલો – ખરો નહિ તે. તાંબાનો રૂપિયો જેટલો રૂપાના રૂપિયા સાથે સંબંધ રાખે છે તેટલો જ આ કૃત્રિમ રસ અદ્‌ભુત રસ સાથે સંબંધ રાખે છે. એ બંનેનું ચલણ તેમના જાતિ ગુણ ઉપર નહિ, પણ પ્રત્યેક માણસના અજ્ઞાન ઉપર આધાર રાખે છે. તાંબાનો રૂપિયો લીધો એવું જણાયા પછી જેમ માણસને પોતાની ભોળાઈનો વિચાર કરતાં શરમ, અને સામા ધણી ઉપર કંઈક કોપ ચઢે છે, તેમજ કૃત્રિમ રસના પુસ્તક વાંચનારને કારણ જાણ્યા પછી નાઉમેદી, કંઈક તિરસ્કાર, અને કંઈક હસવું આવે છે, અને પછી નહિ ઠગાવવાની સાવચેતી રાખી આગળ વાંચે છે. એથી ખરા અદ્‌ભુત રસને પણ માન્ય કરતાં આંચકો ખાય છે. જે કુદરતી બનાવો જોવાનો સહવાસ પંડિતો સિવાય બીજાને નહિ હોય તેવા બનાવને સંસાર વ્યવહારના વર્ણનમાં અદ્‌ભુતને ઠેકાણું દાખલ કરવા, અને વર્ણનથી શ્રોતાને આશ્ચર્યમાં તલ્લીન કીધા પછી તેનાં કુદરતી કારણો સંક્ષેપમાં સમજાવવાં એને પણ હું કૃત્રિમ રસ કહું છું. જે દેશમાં આગગાડી, વીજળીયંત્ર ઇત્યાદિ નહિ હોય ત્યાંના લોકોની આગળ કોઈ જાદુગરનું ચિત્ર શણગારવામાં વરાળ વીજળીના પરાક્રમ વર્ણવવાં, અને પછી તેનાં કુદરતી કારણ સમજાવવાં, અથવા નહિ સમજાવવાં એ પણ કૃત્રિમ રસનો ઉપયોગ કીધા બરાબર છે. જો યંત્ર શાસ્ત્ર પ્રમાણે જ વર્ણન કીધું હોય, અને અદ્‌ભુત ભેળવાનો ગાંડો યત્ન નહિ કીધો હોય તો તેને આ દોષ લાગુ પડતો નથી. કુદરતનાં પ્રૌઢ ચિત્રો આપ્યાથી તો એટલું ગાંભીર્ય જામે છે કે તેને તો અદ્‌ભુત નામ આપીએે તોપણ આપી શકાય – એથી તો રોજના સહવાસથી સાધારણ થઈ ગયેલી કુદરત જાતે જેવી ખરેખરી અદ્‌ભુત છે તેવી જ થઈ પડે છે; અને તેથી ઊંચામાં ઊંચી કવિતા ઉત્પન્ન થાય છે. ઉપર કહેલા બંને બનાવોમાં અદ્‌ભુત રસ નથી, પણ માત્ર વર્ણનશૈલી જ આશ્ચર્ય લાગે છે તેથી એ બંનેને કૃત્રિમ અદ્‌ભુત રસનું નામ ઘટે છે. અદ્‌ભુત રસનું એક બીજું પેટું છે, જેને Interest – કહે છે તેને ભવિષ્યાદ્‌ભુત કહીએ તો ચાલે. સાધારણ અદ્‌ભુતથી કેમ બન્યું તે સમજાતું નથી, અને આથી શું બનશે તે જણાતું નથી.

૧૮૭૦