સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/નર્મકવિતાની પ્રસ્તાવના


૪. ‘નર્મકવિતા’ની પ્રસ્તાવના

નર્મકવિતાને પ્રસ્તાવનાની જરૂર શી? પ્રસ્તાવના એટલે ગ્રંથના ગુણ પરિશ્રમાદિક સંબંધી જે પૂર્વકથની. તે તો નવા અજાણ્યા પુસ્તકને માટે હોય. પ્રસિદ્ધ પુસ્તકોનું નામ એ જ તેની મોટી પ્રસ્તાવના છે. સોનાને રસવું શું, અને સૂર્યને ઓળખવો શો? એ તો ક્યારનું સર્વાનુમતે સિદ્ધ થઈ ચૂક્યું છે કે આ જમાનાના કવિ તે બે જ : નર્મદાશંકર અને દલપતરામ. આ સમે કવિતા કરનારા તો જોઈએ તેટલા છે, અને તેમાં થોડાક સારા કવિ પણ છે. પરંતુ જ્યાં કવિ શબ્દનું ઉચ્ચારણ કર્યું ત્યાં પ્રથમ પ્રતીતિ સર્વે ગુજરાતીના મનમાં આ બેમાંના જ કોઈ એકની થાય છે. ગુજરાતના આ છેડાથી પેલા છેડા સુધી અને બાળ કે યુવાથી વૃદ્ધ પર્યંત સર્વેને જાણીતા એવા તો આ જમાનાના કવિ એ જ બે છે. એ બંનેની પ્રસિદ્ધિમાં ફેર હશે. બંનેની પરસ્પર ગણનામાં મતભેદ છે, અને વખતે એકથી મોહિત જનો બીજાને દોષપાત્ર જ ઠેરવવા મથતા. તોપણ નિષ્પક્ષપાત ગંભીર બુદ્ધિને તો એ બંને આ જમાનાની કાવ્યમૂર્તિના પ્રતિબિંબ રૂપે સમાન જ પ્રકાશતા માલમ પડે છે. દેશકાળથી પર એવી જે સામાન્ય કવિરૂપ ગણના તે તો એ બંનેની હવે પછીના જમાનામાં યથાર્થપણે થાય, પરંતુ જો એ બંનેની શૈલીનું કાંઈ પૃથક્‌પણે સ્વરૂપ જાણ્યું હોય તો મિથ્યા ખેંચાખેંચ કોઈને રહે નહિ. દલપતરામની કવિતા શાંત બુદ્ધિની, વ્યવહારમાં કુશળ, ચતુરાઈ ભરી, અને સભારંજની છે. એ નવે રસમાં પ્રસંગોપાત્ત વિચરે છે, પણ તે શાંતિ અને વિવેકની સાથે; વ્યવહારની મર્યાદા એ જ આ કવિતામાં રસના સંભવાસંભવની મર્યાદા છે. કોઈપણ રસની મસ્તી એ આ કવિતાને મન ગાંડાઈ છે. સંસારનું શાંત બુદ્ધિથી અવલોકન કરવું અને તેમાંથી વ્યવહારોપયોગી બોધ લેવો એ દલપતશૈલીને સૌથી વધારે રુચિકર છે. શૈલી જાતે દર્દથી મુક્ત હોવાને લીધે બે ઘડી નવરાશની વેળાએ વિનોદ કરવો એમાં જ મોટું સુખ માણે છે. ઠાઉકું હાસ્ય (Homour), મર્માળાં કટાક્ષ (Wit), વાણીની મીઠાશ, અને રચનામાં વિવિધ પ્રકારનાં ચાતુર્ય, એ વડેે દલપતશૈલીનાં શાંત ને સુબોધક વર્ણનો ઝગઝગી રહ્યાં છે. દલપતરામની ચોટ સદા સભાનાં મનરંજન કરવા ઉપર જ રહેલી હોય છે, અને તેમાં તે બરાબર ફતેહ પામે છે. કેમ કે શ્રોતાના મનમાં ઊતરીને તેને કેમ લાગે છે તે જોવાની શક્તિ આ કવિતામાં છે. નર્મદશૈલીનું સ્વરૂપ તથા ઉદ્દેશ આથી ઊલટાં જ છે. એ સભાને રંજન કરવા નહિ, પણ પોતાના અંતરનો ઊભરો બહાર કાઢવા જ કવિતા કરે છે. કવનવેળા દલપતરામની સમક્ષ જેમ શ્રોતાની મૂર્તિ આવીને ઊભી રહે છે અને તે તરફ જોઈ જોઈને જ એ પોતાની શૈલીનો ઘાટ ઘડે છે, તેમ અહિયાં કવિતા કરવાને સમે અમુક લાગણી કવિની રગેરગમાં વ્યાપી રહે છે, અને તે જે પ્રેરે છે તેમ જ એ ઉદ્‌ગાર કરે છે. નર્મદની લાગણી ક્વચિત્‌ જ વિનોદી, પણ બહુધા તો ગંભીર અને આતુર એટલે દર્દથી ઊછળતી હોય છે. એ કારણથી નર્મદશૈલી હંમેશાં પોતાના જ તાનમાં મસ્ત રહે છે. વખતે મદોન્મત્ત થઈ ભાષા તથા વ્યવહારનાં બંધનો પણ તોડી નાખે છે. શાંતવૃત્તિમાં પણ નર્મદની કાવ્યદેવી વ્યવહારના પટને ભેદી શાસ્ત્રીય કે કાલ્પનિક પ્રદેશમાં જ ભ્રમણ કરવાનું પસંદ કરે છે. નર્મદશૈલીમાં સ્વભાવ તથા શાસ્ત્રનું બળ ઘણું, પણ ચાતુર્યનું થોડું જ દીઠામાં આવે છે. પ્રાકૃત કવિઓ કવિતાના અંગમાં રસ ને ચાતુર્ય એવાં બે વાનાં જુદાં ગણાવતા આવ્યા છે. કોઈ પૂછશે કે ચાતુર્ય તે જુદું અંગ કેમ સંભવે? રસ વિનાની કે કવિતા જ કેમ કહેવાય? અમારી સમજમાં એનું સમાધાન આ પ્રમાણે છે. આ ઠેકાણે રસ શબ્દનો અર્થ ‘રસાત્મક વાક્યં કાવ્યં’ એ સિદ્ધાંતમાં જેટલા બાહુલ્યથી થાય છે તેમ કરવો નહિ, પણ એમાં ગંભીર મસ્ત રસ છે તેટલા જ ગણવા, અને હાસ્યાદિક લલિત રસોને અથવા રસનાં લલિત રૂપોને ચાતુર્યના પેટામાં મૂકવાં. કવનવેળા કવિના ચિત્તની સ્વસ્થતા, પદ્યબંધકળાનું પરિપૂર્ણ કૌશલ્ય અને શ્રોતાને રંજન કરવાની વૃત્તિ તથા શક્તિ, એ ચાતુર્યશૈલીની કવિતાનાં મુખ્ય લક્ષણ છે. ચાતુર્યશૈલી રાજદરબાર તથા સભાઓમાં બહુ પોષાય છે, તેથી અમે તેને અહિયાં સભારંજની કહી છે. છેવટે ટૂંકમાં એક જ શબ્દમાં કહીએ તો દલપતરામની શૈલી સભારંજની, અને નર્મદાશંકરની તે મસ્ત. આ શૈલીઓ પરસ્પર અપ્રમેય (Incommensurable) એટલે એકબીજા સાથે માપી શકાય એવી જ નથી. તે પોતપોતાને સ્થળે ઉત્તમ જ છે. દેશસુધારણાના વિષયમાં આ પૃથક્‌ પૃથક્‌ શૈલીઓ આ બે કવિઓએ વાપરી છે અને તેમનું ફળ જુદે જુદે રૂપે પણ એક જાતનું અને સમાન જ થયું છે. દલપતરામે હસાવી રમાડી ધીમે ધીમે લોકને વહેમો ઉપર અનાદર કરાવ્યો; અને નર્મદાશંકરે ‘યાહોમ કરીને પડો’ એવી મસ્ત વાણીથી તેમને તે છોડવા પ્રવર્તમાન કર્યા. આ બંનેની કવિતાનો કેટલોક ભાગ ગુજરાતી ભાષામાં અપૂર્વ અને લાંબા વખત સુધી રહે એવો છે. સુધારણાનું નામ લેતાં અમને સાંભરી આવે છે કે નર્મદાશંકર કવિરૂપે જ નહિ પણ અનેક રૂપે આ જમાનાના એક મુખ્ય અગ્રણી હતા. ગુજરાતી ભાષામાં પ્રથમ કોષકાર, પ્રથમ પિંગળકાર, પ્રથમ રસાલંકારની સમજ આપનાર, અને પ્રથમ રૂઢ ગદ્ય લખનાર તે નર્મદાશંકર જ છે. નોકરી ધંધો છોડી કલમને જ પોતાનું સર્વસ્વ જીવન અર્પણ કરવાનું મહામાન નર્મદાશંકરને જ છે. દેશાભિમાન શબ્દ પહેલવહેલો નર્મદાશંકરે જ ગુજરાતી ભાષાને આપ્યો, અને તે લાગણીના ઉત્તમ નમૂના રૂપ એમનું જીવન હતું. રાજકીય બાબતો ઉપર પહેલવહેલો વિચાર નર્મદાશંકરે જ ગુજરાતી ભાષાને આપ્યો, અને તે લાગણીના ઉત્તમ નમૂના રૂપ એમનું જીવન હતું. રાજકીય બાબતો ઉપર પહેલવેહેલો વિચાર કરનાર ને લખનાર પણ આ કવિ જ, કે જે વેળા આખો સુધારાસાથ માત્ર ઉચ્છેદક સંસારસુધારાની ચર્ચામાં જ ગૂંથાયેલો હતો. સંસારસુધારાને તો કવિએ આખા દેશમાં એક વાર ગજાવી મૂક્યો હતો, અને તેને ઉચ્છેદક રૂપ આપનારામાં કવિ સૌથી મોખરે હતા. આજકાલ જે આખા ભરતખંડમાં સર્વ ઠેકાણે જમાનાની ઝોક ધર્મસંરક્ષણ તરફ દેખાય છે તેની અસર પણ ગુજરાત ખાતે પહેલીવહેલી નાજુક પારદયંત્રની (Barometer) પેઠે નર્મદાશંકરના અંતઃકરણ ઉપર થઈ; અને તે થઈ એટલે એણે પોતાનું મતાંતર જાહેર કરવામાં કંઈ પણ ખોટી લજજા ન રાખતાં તે દૃષ્ટિએ જ દેશહિતના વિચાર પ્રબોધનારામાં અગ્રણી પદ ધારણ કર્યું. ટૂંકામાં આ જમાનાની એટલે પાછલાં ત્રીસ પાંત્રીસ વર્ષમાં ગૂર્જરમંડળના ચિન્મય આકાશમાં જે જે લીલાઓ થઈ છે તેની ખરેખરી મૂર્તિ નર્મદાશંકર છે. નર્મદાશંકરને જ આ કાળની સમયમૂર્તિ અમે ગણીએ છીએ. આવો સમયમૂર્તિ પુરુષ જો કવિ હોય છે, તો તેના કાવ્યમાં તે સમયનું સર્વાંગ ચિત્ર તેના વિવિધ રંગ, પ્રકાશ, ને છાયા સહિત આવી જાય છે. નર્મકવિતા આવી જાતનું પુસ્તક છે, અને તેથી તે જેટલું મસ્ત શૃંગારના ભોગીને તેટલું જ ઊછરતા સુધારકને, અને જેટલું ઊછરતા સુધારકને તેટલું જ વિચારવંત દેશહિતૈષીને પ્રિય છે. સ્વાતંત્ર્ય તથા દેશભક્તિનું મસ્તપાન કરવાનું તો આખા ગૂર્જર કાવ્યપ્રદેશમાં આ જ વિરલું સ્થળ છે. આવી અનેક રસમય, અનેક ગુણમય, ને આ જમાનાના અંતરાત્માની પ્રત્યક્ષ જ આરસી તેનો તે પ્રસ્તાવ અમે શું કરીએ? વાંચો, એનો રસ ચાખો, ઉચ્ચ વૃત્તિઓ ખીલવો, ને નર્મદકવિની દેશાભિમાન રૂપી અમૂલ્ય પ્રસાદી પામી ‘ભવરણમાં પ્રેમશૌર્યથી ઘૂમો!’ તથાસ્તુ!

૧૮૮૭