સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/વિવેચનનો ભાવકકેન્દ્રી અભિગમ

૪. વિવેચનનો ભાવકકેન્દ્રી અભિગમ

ભૂમિકા :

કૃતિપાઠ(text)ના સન્દર્ભમાં આજે તો વિવિધ સાહિત્યસિદ્ધાંતો તથા વિવેચનના અનેક પરસ્પર વિરોધી લાગતા અભિગમો જોવા મળે છે. સમયે સમયે સાહિત્યવિવેચનમાં સર્જક, રચના(work), ભાવક અને વિશ્વ વચ્ચે પ્રવર્તતા અંદરોઅંદરના સમ્બન્ધો વિશે સતત ચર્ચા-વિચારણા ચાલ્યા કરે છે. ઘણી વાર આ ચારેમાંથી કોઈ એક કેન્દ્રમાં રહે છે, કોઈ એકની સત્તાનો મહિમા કરવામાં આવે છે તથા અન્યને પરિધિ પર મૂકીને કે હાંસિયામાં ધકેલીને વિવેચનની ગતિવિધિ ચાલ્યા કરે છે. ખાસ કરીને વિદ્યાસંસ્થાઓમાં છેલ્લાં ૪૪ વર્ષથી સાહિત્યના વિવિધ સિદ્ધાંતોનું રાજકારણ બખ્તર તથા ભાલાંની ભાષામાં ખેલાયા કરે છે. સાહિત્યસિદ્ધાંતોનું શાસન અને તેમાંથી મુક્ત થઈ નવા-જુદા સાહિત્યસિદ્ધાંતની સ્થાપના કરવાનો ઉદ્યમ કંઈ આજકાલનો નથી. આમ જોઈએ તો સાહિત્યનો દરેક અભિગમ અપૂર્ણ રહેવા સર્જાયેલો છે. તેથી અસ્તિત્વ નથી. રચના ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે વંચાય છે. પાના પરના શબ્દો સાથે વાચક interact કરે છે ત્યારે જ અર્થ જન્મે છે. અર્થની રચના માટે વાચકની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે. સહૃદયની વાત આપણે વારંવાર કરીએ છીએ. આ ભાવક કેવો છે? આદર્શ વાચકને આપણી મીમાંસાએ સહૃદય કહ્યો. પાશ્ચાત્ય વિવેચનમાં પણ વિવિધ પ્રકારના વાચકની કલ્પના કરવામાં આવી છે. પ્રશ્ન એ છે કે common reader અને uncommon reader વચ્ચે કોઈ તફાવત છે ખરો? હેરોલ્ડ બ્લૂમ તો કહે જ છે કે reader હંમેશાં uncommon જ હોય. કારણ કે વાચન એ એના મતે વિશિષ્ટ પ્રજ્ઞાને વરેલી વસ્તુ છે. આમ પણ જનરંજન સંસ્કૃતિએ આ વાચકના high brow, low brow ભેદો જે નિશ્ચયતાના કાવ્યશાસ્ત્રે પાડેલા છે તેનો જ અસ્વીકાર કર્યો છે. ‘નવ્યવિવેચન’ પછી આવેલી વિવેચન વિચારધારાઓએ લેખક તથા રચનાને (પરંપરાગત અર્થમાં કૃતિ) મળતા મહત્ત્વને સામે છેડે જઈ વાત કરી. આ અભિગ્રહણ સિદ્ધાંતની વિચારણામાં પણ એરિસ્ટોટલ, રશિયન સ્વરૂપવાદ, આઈ. એ. રિચાડ્‌ર્સની વિચારણા, માનસશાસ્ત્રીય વિચારણા (જેસ્ટાલ્ટ સિદ્ધાંત), માર્ક્સવાદી વિચારણાના સંદર્ભો પરિષ્કૃત થઈ સંશોધિત થઈ આવ્યા છે. પણ એ બધાનો ઝાઝો વિચાર કર્યો નથી. ભાવકનિષ્ઠ અભિગમ વિશે કેટલાક વિવેચકોએ જે વિમર્શન કર્યું છે એનો હવે સંક્ષેપમાં પરિચય મેળવીએ.

ફિનોમિનોલોજીએ ભાવકની સંવિત્તિ (consciousness) પર વાચન-પ્રક્રિયામાં ભાર મૂક્યો. એના મતે ભાવકની ચેતના જ કૃતિનો અર્થ ગ્રહણ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અર્થનું ઉદ્‌ભવસ્થાન અને કેન્દ્ર વાચકનું ચિત્ત છે. The individual human mind is the centre and origin of all meaning. સર્જકનો કૃતિપાઠ વાચનની પ્રક્રિયા દરમિયાન વાચકનો કૃતિપાઠ બને છે. આ માટે ‘સંવિત્તિ’ પર તેઓ વિશેષ ભાર મૂકે છે. The act of interpretation is possible because the text allows the reader access to the author’s consciousness.... જ્યોર્જ પુલે કહે છે ‘પુસ્તક મારી ચેતનામાં ઊઘડે છે, મને આવકારે છે, હું તેના ઊંડાણમાં દૃષ્ટિ કરું છું, તે મને પરવાનગી આપે છે કે હું જે વિચારું છું તે જ તેનું વિચાર, તેની અનુભૂતિ કર.’ આ રીતે વાચક તથા લેખકની સંવિત્તિના મિલનસ્થાનને ફિનોમિનોલોજીએ મહત્ત્વ આપ્યું. રોલાં બાર્થે પણ રૂપકાત્મક રીતે કહ્યું કે લેખકનું અવસાન થાય છે ત્યારે ભાવકનો જન્મ થાય છે. ફિનોમિનોલોજીની વિચારણા કરતાં આ વિચાર આગળ નીકળી જાય છે. આનો મર્મ એ કે લેખક તથા રચના પરથી કેન્દ્ર ખસી, આ વિચારણામાં વાચક પર તે સ્થિર થાય છે. (જોકે દેરિદા જેવા ચિંતક આને પણ તત્ત્વકેન્દ્રી (logocentric) વિચારણા જ કહે). જ્યાં સુધી ભાવક સક્રિયપણે રચનાની વાચનામાં પ્રવૃત્ત થતો નથી, રચનાનું આકલન કરતો નથી ત્યાં સુધી રચના અપૂર્ણ રહે છે. ભાવક વિના રચનાનું અસ્તિત્વ સંભવી શકતું નથી. રચનાના અર્થની ચર્ચા માત્ર ભાવક જ કરી શકે છે. જોકે અર્થઘટનની બાબતમાં ભિન્ન મતોનું સહઅસ્તિત્વ સંભવી શકે. રચનાના ભાવન દરમિયાન ભાવક હંમેશાં અર્થને રચવામાં ગૂંથાયેલો હોય છે તો સાથે સાથે એ પણ યાદ રાખીએ કે રચનાનો અર્થ ભાગ્યે જ સ્વાયત્ત હોય છે. વાચક વાચનની પ્રક્રિયા દરમિયાન રચનામાં આપેલા વસ્તુ પર કામ કરતો હોય છે, અર્થની રચના કરતો હોય છે. આમ તો દરેક રચના પોતામાં કેટલાક અવકાશો સંગોપીને રચાતી હોય છે. ભાવક દ્વારા એ ખાલી જગ્યાઓ અવકાશોથી પુરાતી હોય છે. વુલ્ફગાન્ગ આઇઝર આને blanks કહે છે, સુરેશ જોષી વ્યંજનાના વિસ્તાર માટેનો અવકાશ સર્જક રચતો હોય છે એવું કહે છે. કેટલીક રચનાઓ ઉઘાડા છેડાવાળી તો કેટલીક રચનાઓ બદ્ધ અર્થવાળી હોય છે. ઉઘાડા છેડાવાળી કૃતિઓ ભાવકના સહકાર દ્વારા અર્થની રચના કરતી હોય છે. બદ્ધ રચનાઓ જેવી કે કૉમિક, રહસ્યકથાઓ નિશ્ચિત અર્થો પાસે વાચકને અટકાવી દેતી હોય છે. અહીં જ નવાં નવાં અર્થઘટનોની શક્યતાઓ વિસ્તારતી કલાકૃતિ અને જાણીતી સંરચનાઓવાળી ભેદભરમયુક્ત વાર્તાઓ, ટી.વી. સિરિયલો, કૉમિક સ્ટ્રીપ વિશેનો ભેદ સ્પષ્ટ થાય છે. એક બાજુ કાન્તકૃત ‘વસંતવિજય’ હોય, બીજી બાજુ ‘સુપરમેન’ કે ‘હી મેન’ હોય. જોકે અનુઆધુનિકતાવાદમાં, ખાસ કરીને popular culture (લોકપ્રિય સંસ્કૃતિ)ના અભ્યાસીઓ આ પ્રકારના ભેદને માન્ય ગણતા નથી કે લક્ષમાં લેવાના મતના નથી. પણ એ જુદી ચર્ચાનો વિષય થયો કારણ કે ‘સુપરમેન’, ‘હી મેન’નાં પણ અલગ અલગ પ્રકારનાં અર્થઘટનો જાતીયતા, વર્ગવૈષમ્ય સત્તાના અનુસંધાને થતાં રહે છે. આગળ વધીએ. હવે પ્રશ્ન એ થાય કે સાહિત્યનો અર્થ વાચક ક્યાં શોધે છે ? હાઇડેગરના શિષ્ય ગાદામેરે તેના અર્થઘટનશાસ્ત્રના એક મહત્ત્વના પુસ્તક ‘ટ્રુથ ઍન્ડ મૅથડ’ માં હાઇડેગરના situational approchનો સંદર્ભ લઈ એનું પ્રતિપાદન કર્યું છે કે સાહિત્યકૃતિ એ માત્ર જગતમાં દૃષ્ટિપાત કરી, અર્થનું તૈયાર બંડલ આપણી પાસે ધરી દેતી નથી. પરન્તુ સાહિત્યકૃતિનો અર્થ તો અર્થઘટન કરનારની ઐતિહાસિક પરિસ્થિતિ પર અવલંબે છે. આ નિમિત્તે ગાદામેરે અનેક પ્રશ્નો પૂછ્યા છે. લેખકના આશયને રચનાના આશય જોડે સાંકળી શકાય? સંસ્કૃતિનિરપેક્ષ, ઇતિહાસનિરપેક્ષ રચનાઓની વાચના કઈ રીતે કરીશું? અને પૂછ્યું કે અન્ય અપરિચિત સંસ્કૃતિ કે અપરિચિત ઇતિહાસની રચનાઓની સાથે ભાવકનો સંબંધ વિચ્છેદનો છે કે આત્મીયતાનો? ટૂંકમાં, કૃતિની માત્ર વસ્તુલક્ષી સમજ શક્ય છે કે બધી જ સમજો સાપેક્ષ છે? અથવા તો બધી જ સમજોને આપણી ઐતિહાસિક પરિસ્થિતિ સાથે સંબંધ છે? આ પ્રશ્નોમાંથી જ રચનાનો અર્થ શો એ પ્રશ્નનો આરંભ થાય છે. રચનાનો કોઈ આદર્શ, સર્વસમ્મતિવાળો કે નિશ્ચિત અર્થ હોતો નથી. રચનાનો અર્થ સન્દર્ભ પ્રમાણે બદલાતો રહેતો હોય છે. છતાં ગાદામેરની દૃષ્ટિએ રચનાના અર્થઘટનમાં આપણી સમજ મહત્ત્વની છે. આપણી સમજ આપણા પૂર્વગ્રહો અને પૂર્વધારણાઓ પર આધારિત છે. પૂર્વગ્રહનો અર્થ એ કે આપણે ઇતિહાસની બહાર નથી. ઇતિહાસ આપણને વળગેલો છે અને ગાદામેરની દૃષ્ટિએ તો સાચી સમજ ઇતિહાસનિરપેક્ષ ન હોઈ શકે. વિશ્વમાં આપણું સ્થાન તથા પદાર્થો સાથે ઇતિહાસ કે પૂર્વધારણાઓ આપણો જે સંબંધ સ્થાપે છે તેને આપણી ક્ષિતિજો અને કલાકૃતિની ઐતિહાસિક ક્ષિતિજો વચ્ચેના સંયોજન તરીકે વર્ણવી શકાય. ગાદામેર જે પરંપરા અને ઇતિહાસની વાત કરે છે તથા રચનામાં ભૂતકાળ તથા વર્તમાન વચ્ચે સંવાદ થતો હોય છે તેવું પ્રતિપાદન કરે છે ત્યારે ડાબેરી વિચારક ટેરી ઇગલટન અકળાય છે. તેમના મનમાં પરંપરા અને ઇતિહાસ વિશે કેટલાક પ્રશ્નો છે. તેઓ કહે છે કે આપણને બધાને વર્તમાન અને ભૂતકાળ, આત્મલક્ષિતા અને વસ્તુલક્ષિતા, સાયુજ્ય અને વિખૂટાપણું : આવી ભાવનાઓને એકસાથે સાંકળીને વાત કરવાની, વિચારવાની ટેવ પડી ગઈ છે. આનાથી એક પ્રકારની સલામતીનો આપણે અનુભવ કરીએ છીએ. કલાકૃતિને આવી પહેલેથી માની લીધેલી સમજનો અંશ ગણીએ છીએ અને એનો આધાર લઈ વાત કરવાની આપણને ફાવટ આવી ગઈ છે. Preunderstanding may prejudice the reception of the past literary work. ઇગલટન પૂછે છે, ગાદામેરના મનમાં કઈ પરંપરા છે? તેના મનમાં તો પરંપરાનો એક અખંડ મુખ્ય પ્રવાહ છે અને તે એને valid માને છે. તેને મન ઇતિહાસ સળંગસૂત્ર છે અને વેરવિખેરપણાથી અલિપ્ત છે. આ ઇતિહાસમાં સંઘર્ષો અને આંતરવિરોધો નથી. આ ઉપરાંત આ પૂર્વગ્રહોને આપણે પરંપરા કહી નવાજીએ છીએ અને તેની ઊજવણી કરીએ છીએ. ગાદામેરના એક સૂત્રને જરા વક્રતાથી પ્રયોજી ઇગલટન કહે છે કે એવું માનીને ચાલવાનું કે ઇતિહાસ એ એક એવી જગ્યા છે જ્યાં તમે હંમેશાં ઘરે આવ્યા હો એવી અનુભૂતિ થાય? We come home. ઇતિહાસ વિશેની આ ફુલાવેલી વિભાવના છે અને આ વિભાવના એટલી બધી જાણીતી છે કે તેના સિવાય ઇતિહાસ ‘અન્ય’ (‘the other’) હોઈ શકે તેનો આપણને ખ્યાલ જ નથી. ઇગલટન અકળાઈને પૂછે છે કે ગાદામેર માટે ઇતિહાસ એ તકલીફો, ક્રૂર શાસન-સત્તાઓ, પ્રજાની યાતનાઓ, કાંટાળી વાડો, ખંડિતતાઓ અને નિર્વાસિતતા નથી પણ એ તો સમયને જોડતી સાંકળ છે. આપણે પરંપરાનું શરણ સ્વીકારીએ એટલે ઉપર વર્ણવ્યાં છે તેવાં તત્ત્વોથી શું મુક્ત થઈ ગયા? તેને પડકારવાનું આપણને કેમ અનુકૂળ નથી આવતું ? અર્થઘટનશાસ્ત્ર ઇતિહાસને ભૂતકાળ તથા વર્તમાન વચ્ચેનો સજીવ સંવાદ માને છે તો પછી ઇગલટન પૂછે છે કે સ્ત્રીપુરુષની સમાનતાનો ઇતિહાસ છે? પુરુષસત્તાના, સ્ત્રીની યાતનાના ઇતિહાસને આપણે શું ભૂલી ગયા છીએ? ગાદામેર આ બધું જાણતા હોવા છતાં આંખ આડા કાન કરે છે. આપણે પણ નારીવાદી સાહિત્ય દલિતસાહિત્ય વિશે આ સંદર્ભો સાથે વિચારીએ તો? બીજું, ગાદામેરની દૃષ્ટિએ રુચિની વિભાવના વ્યક્તિ પૂરતી મર્યાદિત નથી. એ સામાજિકો સુધી વિસ્તરેલી છે. આથી એક જ કૃતિના ભાવનમાં કેટલાંક સમાન બિન્દુઓ હોય છે ખરાં જ્યાં ભાવકો સર્વસમ્મતિ સાધતા હોય છે. જોકે આપણે જાણીએ છીએ એમ રુચિ સમયપરક હોય છે. સમયે સમયે કૃતિની ગ્રાહકતાનાં ધોરણો પરિવર્તન પામતાં રહેતાં હોય છે. રચનાના વિશ્વનું આકલન કરવા માટે રુચિ મહત્ત્વની છે તેની ના નહીં પરંતુ ગાદામેર રુચિના પ્રશ્નને કલાગત કે પ્રકૃતિગત સૌંદર્ય સાથે જોડવાને બદલે નીતિ અને આચારના ક્ષેત્ર સાથે સાંકળે છે જે કદાચ શુદ્ધ કલાવાદીને યોગ્ય ન પણ લાગે. જર્મન વિવેચક હાન્સ યાઉસ સાહિત્યને વાચકના દૃષ્ટિકોણથી તપાસવાનો આગ્રહ રાખે છે. એમણે વાચકકેન્દ્રી અભિગમને ઐતિહાસિક પરિમાણ આપ્યું. એમણે રશિયન સ્વરૂપવાદ તથા માર્ક્સવાદનાં કેટલાંક ગૃહીતો વચ્ચે તડજોડ કરી, સમાધાન સાધ્યું. એમની વિચારધારા પર ટી. એસ. કૂહનના વિચારોના સંસ્કાર છે. જોકે રશિયન સ્વરૂપવાદે ઇતિહાસને ઝાઝો ગણનામાં લીધો નહોતો, તેની ઉપેક્ષા કરી હતી અને સામાજિક સિદ્ધાંતોની રચનાઓની અવગણના કરી હતી. ૧૯૭૦માં કોન્સ્ટાનસ યુનિવર્સિટીમાં એમણે આપેલું વ્યાખ્યાન ‘Literary History as a Provocation to Literary Scholarship’ મહત્ત્વનું છે. માત્ર કૃતિલક્ષી રીતે નહીં પણ અન્ય રીતે સાહિત્યિક કૃતિઓને કઈ રીતે તપાસી શકાય તેવી વાત આ વ્યાખ્યાનમાં છે. આ એક Reception Aestheticsના બીજરૂપ વ્યાખ્યાન છે. એ પરંપરાગત કૃતિની વાચનાની સામે પ્રતિમાન રૂપે આ અભિગ્રહણ સિદ્ધાંતનો પુરસ્કાર કરે છે. તેના મતે પ્રતિમાનો(Paradigms) હંમેશાં પરિવર્તનશીલ હોય છે. આપણાં પ્રતિમાનો ભાગ્યે જ સ્થિર હોય છે, જેમાં સમયની ગતિ સાથે અદલાબદલી થતી રહેતી હોય છે, જૂનું નવા વાઘા ધારણ કરી આવે છે. નવું પણ જૂનામાંથી કશુંક લે છે. અનુઆધુનિકતાએ આધુનિકતા તથા પરંપરાનાં કેટલાંયે લક્ષણો જોડે આત્મીયતા કેળવી છે. આ જ સંદર્ભમાં વાચક અમુક રચનાઓનું ભાવન કેવી રીતે કરે છે એ પ્રશ્ન યાઉસ પૂછે છે. એ કહે છે કે ભાવક કોઈ પણ સમયની રચનાનું ભાવન કરી શકે છે. ઉદાહરણ તરીકે ગ્રીક ટ્રેજેડીકાર સોફોક્લિસનું નાટક ‘ઇડિપસ રેક્સ’, જર્મન કવિ રિલ્કેની કવિતા, ફ્રેંચ કવિ બોદલેરનાં કાવ્યો, આપણાં મહાકાવ્યો ‘રામાયણ’ ‘મહાભારત’ – આ સર્વના ભાવન કે વાચન સમયે સાહિત્યનાં સર્વસામાન્ય ધોરણો કે પ્રતિમાનોને વાચક ખપમાં લે છે. આપણે જેને કાવ્યાત્મક કે સાહિત્યિક રચનાઓ ગણીએ છીએ એના મૂલ્યાંકનમાં આ વાચક ઘણી વાર તો unpoetic કે nonliterary ભાષાનો વિનિયોગ કરી તે રચનાઓને સમજવાનો પ્રયત્ન કરે છે. આ વાચક પાસે સાહિત્યવિવેચનની કે તેની વિભાવનાની ભાષા નથી હોતી પણ અન્ય ભાષાનો આધાર લઈ વાચક તે તે રચનાઓનો આસ્વાદ લઈ શકે છે. રામાયણ, મહાભારત કે ભગવદ્‌ગીતામાં એ કવિતા જોવાને બદલે ઉપદેશ ને મૂલ્યો જુએ છે, શોધે છે તેથી વાચક તરીકેની તેની કક્ષા ઊતરતી કે સામાન્ય કક્ષાની છે એવા ભ્રમમાં ભણેલાઓએ રહેવાનું નથી. વાચન દરમિયાન ઘણી વાર તો વાચક પોતાને અનુકૂળ આવે એવાં તત્ત્વો શોધી લેતો હોય છે. અહીં કોઈ વાચનની આદર્શ પદ્ધતિ હોતી નથી. આપણે પણ સાહિત્યકૃતિના વિવેચનમાં ઝેન કથાઓ, રામાયણ મહાભારતની કથાઓના અંશો, રામકૃષ્ણ પરમહંસના વિચારો કે ઇતિહાસકારોના સંદર્ભો, વેદ-ઉપનિષદની કથાવાર્તાઓ પોતાને અનુકૂળ આવે એવાં અર્થઘટનો નિપજાવવા ઉપયોગમાં લેતા હોઈએ છીએ અને કથાઓનું, ઇતિહાસ, દર્શનશાસ્ત્રમાંથી સ્થાનાંતર કરીએ જ છીએ. યાઉસ તો કહે છે કે જો આવી પરિસ્થિતિ હોય તો આપણે કોની સત્તા સ્વીકારીશું? ઇતિહાસની? પ્રથમ વાચકની? સમય સમયને અંતરે થયેલાં અમુક વાચનોની? The combine opinion of reader over time? or the aesthetic judgement of present? રસમીમાંસાએ કે નિશ્ચિતતાના કાવ્યશાસ્ત્રે નક્કી કરેલાં મૂલ્યાંકનનાં ધોરણો એ વાચકને ઝાઝાં કામ ન પણ લાગે. તેથી એ વાચકમાં ભાવનશક્તિ નથી એવું ભાગ્યે જ કહી શકાય. ઉમાશંકર જોશી, જયંત કોઠારી, ચન્દ્રકાન્ત ટોપીવાળા, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચન્દ્ર, દિલીપ ઝવેરી ઇત્યાદિ વિવેચકોનું પ્રેમાનંદનું વાચન અને એની સામે ‘પ્રેમાનંદને માત્ર પદ્યો જોડનાર’ કહેનાર કવિ કાન્તના પ્રેમાનંદના વાચનને શું કહીશું? ટી. એસ. એલિયટની કૃતિઓનાં નાટ્યવિવેચને કરેલાં વાચનો તથા નારીવાદી વિવેચકો દ્વારા થયેલાં વાચનોને કઈ રીતે તપાસીશું? અનુઆધુનિકતાવાદી વિવેચક નર્મદ-દલપતને કઈ રીતે વાંચે છે? ટૂંકમાં, મૂળ અપેક્ષાની ક્ષિતિજ માત્ર એટલું જ દર્શાવી શકે કે કોઈ પણ રચનાનો કોઈ અંતિમ-નિશ્ચિત અર્થ હોતો નથી. દરેક સમયના ભાવક માટે પ્રેમાનંદ, કાન્ત, રાજેન્દ્ર શાહ જેવા સર્જકોની રચનાઓ ઉઘાડા છેડાવાળી જ રહેવાની. રચનાને માપવાની કોઈ આદર્શ પદ્ધતિ હોતી નથી. યાઉસ પોતે પણ રચનાના વાચન વિશે અવઢવમાં છે. પરન્તુ એ નિરાકરણ માટે ગાદામેરની અર્થઘટનશાસ્ત્રની સહાય લે છે. આગળ જોયું એ પ્રમાણે ગાદામેરે કહ્યું છે કે દરેક રચનાનું અર્થઘટન ભૂતકાળ તથા વર્તમાન વચ્ચેના સંવાદમાંથી જન્મે છે. આપણને આપણું સાંસ્કૃતિક વાતાવરણ તેને જન્માવવાની તક આપે છે. ઇતિહાસ તથા વર્તમાનની સન્ધિરેખા પર રહીને સાહિત્યકૃતિનું વાચન થાય. આમ પણ આપણા વર્તમાન વિશેના પરિપ્રેક્ષ્યની સાથે ભૂતકાળનો તંતુ ક્યાંક તો ગૂંથાયેલો હોય છે. ભૂતકાળને વર્તમાન સંદર્ભે જ આત્મસાત્‌ કરી શકાય (અહીં ટી. એસ. એલિયટનો પ્રખ્યાત નિબંધ ‘પરંપરા અને વ્યક્તિગત પ્રજ્ઞા’ યાદ આવે). આ જ સંદર્ભમાં યાઉસ બોદલેરની ‘Flowers of Evil’-ની ચર્ચા કરે છે. પોતાના સમયમાં, ૧૯મી સદીના અંતમાં, આ રચનાએ ઘણાં નીતિવાદીઓનાં નાકનાં ટેરવાં તથા ભવાં ચડાવ્યાં હતાં અને કવિ પર કાયદાકીય કામ ચાલ્યું હતું. પરન્તુ વીસમી સદીમાં આ જ કૃતિએ આધુનિક રસમીમાંસાનાં ધોરણો સ્થાપ્યાં, રચનાને મૂલવવા માટેનું પ્રતિમાન બદલાવ્યું. ઇન્દ્રિયજન્ય સઘન કલ્પનયોજના, પ્રતીકાત્મકતાનો આખો વિભાવ બોદલેરની કવિતામાંથી જન્મ્યો. ટાગોરેને એ ફર્નિચર કવિ લાગ્યા તો વિષ્ણુ દે, બુદ્ધદેવ, સુરેશ જોષી જેવા વિવેચકોને આધુનિકતાના પુરસ્કર્તા પણ લાગ્યા. સમગ્ર આધુનિક પેઢી બોદલેરની કવિતા પર વારી ગઈ. ત્યાર બાદ તેની કવિતાના માનસશાસ્ત્રીય, સમાજશાસ્ત્રીય ને સંરચનાવાદના સંદર્ભે વિવિધ અર્થઘટનો થતાં રહ્યાં. ભાવકકેન્દ્રી સિદ્ધાંતના એક મહત્ત્વના વિચારક વુલ્ફગાન્ગ આઇઝરે ફિનોમિનોલોજી તથા રોમન ઇન્ગાર્ડનની વિચારણાના અનુસંધાને વાચનપ્રક્રિયાનો સિદ્ધાંત વિકસાવ્યો. આઇઝર એના પુસ્તક ‘ધ ઍક્ટ ઑફ રીડિંગ’માં કહે છે, વાચક માત્ર નિષ્ક્રિય રીતે રચનાનો અર્થ ગ્રહણ કરતો નથી પરન્તુ સક્રિય રીતે રચનાના અર્થ સાથે પોતાનો સંબંધ સ્થાપે છે. રચનાની સંરચના ઘણી વાર અમુક અર્થનો નિર્દેશ કરતી હોય અને તેની સત્તા નીચે વાચક તે નિશ્ચિત અર્થથી દોરવાતો હોય એવું પણ બને પરન્તુ રચનાનો અર્થ સંપૂર્ણપણે વાચકને બાંધી ન શકે. રચના બધું કરી શકતી નથી. એ પોતાનામાં કેટલાક અવકાશો (gaps) સંગોપીને બેઠી હોય છે. વાચનની પ્રક્રિયા દ્વારા જ અર્થનું વર્તુળ પૂરું થાય છે, જોકે અલગ અલગ વાચકની અલગ અલગ વાચનપ્રક્રિયા દ્વારા આ વર્તુળ પૂરું થાય છે. વાચક પોતાની બૌદ્ધિક ક્ષમતા, વિચારો કે પૂર્વધારણાઓને આધારે પોતાને અનુરૂપ પોતાના તરફથી વાચનમાં કશું ઉમેરતો હોય છે. તેથી રચનાના અર્થઘટનમાં વાચકની સંડોવણી અનિવાર્યપણે હોય છે. આ દ્વારા આઇઝર એવું પ્રતિપાદન કરવા માગે છે કે રચનાના વાચનનો વાચકનો અનુભવ સાહિત્યની પ્રક્રિયાના કેન્દ્રમાં હોય છે. વાચકની ચેતના રચનાનો અંશ તથા આગવો અનુભવ બને છે. વળી રચનાના સાથેના મુકાબલાથી થતો અનુભવ વાચકના જીવનજગત વિશેના દૃષ્ટિકોણમાં બદલાવ પણ લાવે છે. આઇઝર આથી જ કહે છે કે Reading gives us the chance to formulate the unformulated. રચના સ્વયં વસ્તુલક્ષી અસ્તિત્વ ધરાવતી નથી. નર્યાં ઘટક તત્ત્વોના આંતર-સંબંધને જ કૃતિના મૂલ્યાંકનમાં તપાસવા જતાં વ્યક્તિગત પ્રતિભાવોની વિવિધતાથી વંચિત રહેવાના પ્રસંગો આવે. રચના આમ તો સર્જકનું વિશ્વ વિશેનું એક અર્થઘટન જ છે, તેના અર્થઘટનનું અર્થઘટન વાચન પ્રક્રિયા વખતે વાચક કરે છે. રચનાથી વાચક પ્રભાવિત થઈ રચનાનું નવનિર્માણ કરે છે. વાચક પોતાની પરંપરા, ઇતિહાસ, માન્યતાઓ, પૂર્વગ્રહો ને અપેક્ષાના સન્દર્ભમાં કૃતિની વાચના કરતો હોય છે. રચનાને ભાવક તેનાં સાહિત્યેતર ધોરણો, મૂલ્યો અનુભવોથી ‘concretised’ કરે છે. સર્જક વિવિધ પ્રયુક્તિઓ દ્વારા જે વિશ્વ રચે છે તેને ઉકેલતાં ઉકેલતાં, (સર્જકે રચેલા તંત્રને ઉકેલતાં) વાચક પોતાનું આગવું ભાવવિશ્વ રચે છે. રચનાના સંકેતોની ભાત ઉકેલવા માટે એ કાલ્પનિકનો આધાર લે છે. આઇઝર આને imaginary કહે છે જે આપણા અસ્તિત્વનો નોખો અંશ નથી. રચના જોડે વાચકનો સક્રિય સંબંધ સ્થાપવામાં આ કાલ્પનિક મહત્ત્વનો ભાગ ભજવે છે જે આપણી અંદર રહેલા અજાણ્યા અપરિચિત, છુપાયેલા તત્ત્વને પ્રગટ કરી દે છે. પરંપરાગત વાચનની ઘરેડમાંથી તે વાચકને મુક્ત કરે છે. આપણી અંદરના અન્ય-અજાણ્યા વિશ્વની સન્મુખ આપણને આશ્ચર્યવત કરી તે મૂકી આપે છે. રસની પરિભાષામાં આપણે તેને, આ કાલ્પનિકને ચમત્કાર કહીએ તો કશું ખોટું નથી.

રચનાનું ભાવન જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી રચના કૃતિપાઠ (text) બનતી નથી. આ રીતે દરેક વાચકનો કૃતિપાઠનો અનુભવ જુદો તથા વિશિષ્ટ જ રહેવાનો. ‘માનવીની ભવાઈ’નું દર્શકનું વાચન એમને ‘કાળપ્રધાન’ નવલકથા કહેવા પ્રેરે તો સિતાંશુ યશશ્ચંદ્રને તે ‘કાળુપ્રધાન’, મણિલાલ પટેલને ‘વાસ્તવવાદી’ ને ધીરેન્દ્ર મહેતાને ‘સદ્‌-અસદ્‌નો સંઘર્ષ’ નિરૂપતી એ રચના લાગે. કારણ કે આ રચના વિશેનો દરેકનો કૃતિપાઠ અલગ છે. એ અર્થમાં વાચનનો દરેકનો અનુભવ સર્જન જેટલો જ અપૂર્ણ રહેવા સર્જાયેલો છે. રચનાનું નિર્દોષ વાચન ભાગ્યે જ શક્ય હોય છે. વાચનપ્રક્રિયામાં ભાવકના ઘડતરના સંસ્કાર, ગમા-અણગમાઓ તેના વ્યક્તિત્વને ઘડનારાં સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પાસાંઓ, વાચક સ્ત્રી છે કે પુરુષ ને તેનું પૂર્વવર્તી વાચન આ બધાં જ તત્ત્વો પ્રગટ-અપ્રગટપણે ગૂંથાયેલાં હોય છે. વાચક કઈ રીતે વાંચે છે તેનો આધાર તેના વ્યક્તિત્વ પર છે. સ્ત્રી-વાચકનો અમુક રચનાને જોવા-તપાસવાનો કે અનુભવવાનો દૃષ્ટિકોણ અલગ જ રહેવાનો. વાચક ક્યારેક સામાજિક કે સાંસ્કૃતિક પરિવેશથી conditioned થઈને પણ વાંચતો હોય છે. વાચનના પણ સ્ત્રી કે પુરુષ તરીકેના કેટલાક codes (સંકેતો) હોય છે. ‘માનવીની ભવાઈ’ની ગાંધીયુગની કે આધુનિક-અનુઆધુનિકયુગની વાચના જુદી જ રહેવાની. ગ્રાહકતાનાં ધોરણો જાતીયતા પ્રમાણે પણ બદલાતાં રહે. મહાભારતની દ્રૌપદીની વાચનાનો ઇતિહાસ આ પાત્રની વાચનાનો ઇતિહાસ આ સંદર્ભમાં જોઈ શકાય. વ્યાસના આ પાત્રની વાચના માત્ર સર્જકોની જ જુદી નથી. ભાવકે ભાવકે પણ એ વાચના પરિવર્તન પામતી રહી છે. મહાશ્વેતાદેવી, પ્રતિભા રાય, સુન્દરમ્‌, દિલીપ ઝવેરીનું ‘દ્રૌપદી’નું અર્થઘટન જેટલું સર્જનાત્મક છે એટલું જ સર્જનાત્મક અર્થઘટન ભાવકનું પણ સંભવી શકે. રચનાએ જે કંઈ position offer કરી હોય એના વિરુદ્ધનું કે એના સામા છેડાનું વાચન પણ થઈ જ શકે છે. રચનાને મૂલવવાના અનેક અભિગમો હોઈ શકે. ભૂપેન ખખ્ખર કૃત ‘મનોજનું વેર’, સમલિંગી સમ્બન્ધોના સંદર્ભે (queer theory) વાંચી શકાય. ‘હાજાર ચુરાસીર મા’, ‘તમસ’ જેવી કૃતિનું રાજકીય વાચન પણ કરી શકાય. સાથે સાથે એ પણ યાદ રાખીએ કે વિવેચનના કોઈ નિશ્ચિત માળખામાં રહીને જ વાંચવું તે અનિવાર્ય નથી. સિદ્ધાંતો જો રચનાને બાંધે તો વાચનની અનેક ક્ષિતિજો ઊઘડે જ નહીં. રચનામાં જે કંઈ છે તેની સાથે રહીને ને તેની સામે રહીનેય વાચક વાંચી શકે છે. ઘણી વાર તો સાહિત્યસિદ્ધાંતો વાચકને અધિકાર આપે છે કે રચનામાં જે કંઈ આપેલું છે તેની સામે ચાલીને વાંચો, એના વિરુદ્ધનું વાંચો. આને જ આપણે critical thinking કહીએ છીએ. ‘નથી દશાનન દક્ષિણે અને ઉત્તરમાં નથી રામ’. ‘જટાયુ’ કાવ્યની આ પંક્તિ કોઈને બોલકી લાગે પણ કવિએ જે કાવ્યપ્રકાર પસંદ કર્યો છે તેના સંદર્ભે આ પંક્તિનું મૂલ્ય જુદું પણ હોઈ શકે. કૃતિપાઠ જ સમર્થન અને પ્રતિકારના બે વિરુદ્ધ છેડાનાં વાચનને ભાવકમાં રચે. નર્યા સિદ્ધાંતોથી ચિત્તને ભરીને દરેક વખતે વાચન કરવું કેટલું યોગ્ય તે પ્રશ્ન તો છે જ. ઘણી વાર સિદ્ધાંત વાચન પર હાવી થઈ જાય. માર્ટિન મેકલીન આને જ sausage machine type theory કહે છે. જેમાં સોસ, ચટણી જેવા પદાર્થો ખાદ્યસામગ્રી પર પાથરવામાં આવે. આવા સિદ્ધાંતોથી વાચકે સભાનતાથી બચવાનું રહે. પોતાને જે સાહિત્યસિદ્ધાંત પ્રિય હોય અને એ જ સાહિત્યસિદ્ધાંતના સંદર્ભમાં રચનાનું ભાવન કરવા જતાં, પૂર્વનિર્ધારિત સૈદ્ધાંતિક મૉડેલ સ્વીકારી રચના પર એનું આરોપણ કરવા જતાં ‘પેકેજ રીડિંગ’ના ભોગ બનીએ છીએ. અમુક વિચારધારાઓના કે સિદ્ધાંતોના ગુલામ બની જતા સર્જકો કે વિવેચકો વચ્ચે પછી પંક્તિભેદ જળવાતો નથી. આથી જ વિવેચનની ને સર્જનની ભાષા એકસરખી લપટી તથા ઝેરોક્સ કોપી જેવી બની જતી હોય છે. આમ તો દરેક સાહિત્યસિદ્ધાંત એક પાંજરાની ગરજ સારતો હોય છે. વિચારધારા કારાગાર બને તો શું થાય તેના દાખલા આપવાની ભાગ્યે જ જરૂર હોય. અનેક પ્રકારની વિદ્યાશાખાઓનું જ્ઞાન ક્યારેક વાચનમાં મુક્તિનો અનુભવ કરાવે તો ક્યારેક વાચનને અવળે પાટે પણ ચડાવે. સાહિત્યનો કોઈ સિદ્ધાંત ‘શુદ્ધ’ નથી હોતો. અનેક માર્ગે રચના પાસે જઈ શકાય છે. આમાં ‘વિવેક’ જ વાચકને માર્ગદર્શક બની શકે છે. વિવિધ અભિગમો કે જેને આપણે ‘સાહિત્યસિદ્ધાંત’ નામની સંજ્ઞાથી ઓળખીએ છીએ તેને વાચનપ્રક્રિયામાંથી આપણે જુદા તારવી શકતા નથી. આ જુદા દેખાતા અભિગમો એકબીજા જોડે સંકુલ રીતે અનુસંધાન ધરાવે છે. એક જ રચનાને અલગ અલગ સિદ્ધાંતોના સંદર્ભમાં સમજી શકાય છે. એક જ સર્જક બે જુદી જુદી મુદ્રાઓ ધરાવતી રચના રચી શકે ને એક જ વાચક અલગ અલગ દૃષ્ટિકોણો ધરાવતી રચના વાંચી શકે છે. સર્જકો ને વાચકો વચ્ચે ભિન્ન મત પણ એક જ રચનાના સંદર્ભે હોઈ શકે. વાચકો પણ ભિન્ન મતો ધરાવતા ન હોય તો ભિન્ન ભિન્ન રીતે વિચારતા, વિવેચન કરતા વિવેચકો જ ન રહે. વિવેચન આખરે તો મૂલ્યાંકનની વ્યક્તિગત પ્રક્રિયા છે જે રચનાના વાચનમાંથી જન્મે છે. લેખકને કે વાચકને પ્રસન્ન કરવા માટે વિવેચન કરવામાં આવતું નથી. અહીં એક ભેદ નોંધી લઈએ : રચનાના વાચનમાંથી પ્રગટતો વાચકનો પ્રતિભાવ અને વિવેચકે કરેલું રચનાનું મૂલ્યાંકન એક નથી. પ્રતિભાવ ઘણી વાર વ્યક્તિ-વાચક પૂરતો મર્યાદિત રહેતો હોય છે જ્યારે વિવેચન કોઈ સિદ્ધાંતપક્ષની, રાજકીય વાચનની પાયાની એક શરત છે અથવા તો મૂલ્યાંકન એ કૃતિપાઠના રાજકીય વાચનની પાયાની શરત છે. મોટે ભાગે તો દરેક મૂલ્યાંકન અન્ય મૂલ્યાંકનના વિરોધે આવે. સાધારણ રીતે મૂલ્યાંકન રાજકીય કાયદાઓ જેવાં હોય છે, સમર્થન અને પ્રતિકાર હંમેશાં કાયદા જોડે ભળેલા હોય છે. કાયદાઓ બનાવવા એ એક સામાજિક અનિવાર્યતા છે અને એ કાયદાઓને પડકારવા એ રાજકીય શક્યતાનો એક ભાગ છે. દરેક મૂલ્યાંકન પૂર્ણપણે સાચું ન સંભવી શકે કારણ કે એની રચના પાછળ આત્મલક્ષિતા રહેલી હોય છે. વિવેચકે કોઈ એક position લઈને જ ચાલવું પડતું હોય છે. તેથી આપણે જ્યારે વિવેચનને રાજકીય કહીએ છીએ ત્યારે તે એક રીતે જોઈએ તો મૂલ્યાંકનની પ્રક્રિયાનો જ એક ભાગ બની રહે છે. તેથી અમુક વાચન સાચું અમુક વાચન ખોટું એવા ભેદ જ અસ્થાને છે. વાચન ખરું ખોટું ન હોઈ શકે. તે હંમેશાં અન્ય વાચનના સંદર્ભમાં કે તેના અનુસન્ધાને કે તેના વિકલ્પે આવતું હોય છે. તેથી કોઈ એક પ્રકારના વાચનના પક્ષકાર બનવું કે વિરોધી બનવું તે પણ આમ જુઓ તો ‘રાજકીય વાચન’ જ બની રહે છે. આ જ સંદર્ભમાં કૃતિનિષ્ઠ વિવેચન, સંરચનાવાદી વિવેચન, નારીવાદી વિવેચન ઇત્યાદિ બધાં જ વાચન મૂળભૂત રીતે ‘રાજકીય વાચન’ જ ગણી શકાય. કારણ કે આ પ્રકારના વાચનમાં વિવેચક કાં તો પક્ષકારની ભૂમિકા ભજવે છે કાં તો વિરોધીની. તેથી પ્રશ્ન થાય કે સંયોજિત કે ટોટલ વિવેચન કેવું હોય? દરેકના જવાબો જુદા હોવાના. ઘણી વાર એવું બને કે સંસ્થાગત માર્ગોએ દોરેલા કે ઇતિહાસ દ્વારા સૂચવેલા વિવેચનના માર્ગોને અનુસરીને વાચન કરતા હોઈએ. Schools of Criticism આ રીતે જ આકાર લેતી હોય છે. જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે સંસ્થાઓએ નક્કી કરેલા સંકેતો(codes)ને ભૂલી શકતા નથી. શાળા, કૉલેજ, યુનિવર્સિટી ઇત્યાદિ સંસ્થાઓમાં થતા વાચનનો આ રીતે અભ્યાસ કરી શકાય. આથી જ શાળા-કૉલેજ, યુનિવર્સિટીની બહાર રહી વાંચનારાઓના કટાક્ષોના ભોગ ઘણી વાર અધ્યાપકોએ બનવું પડતું હોય છે. પણ વક્તા એ છે કે કટાક્ષ કરનારાઓ પણ આ સંસ્થાઓમાં એક વખત ભણી ગયેલા હોય છે અને અમુક પ્રકારના વાચનથી conditioned થયેલા હોય છે. સંસ્થાઓએ નક્કી કરેલા, એમની અપેક્ષા મુજબના સંકેતો પ્રમાણે મોટા ભાગના વાચકો વાંચતા હોય છે. નવલકથા હોય તો પાત્રો, પરિસ્થિતિ, વર્ણનો, ભાષાનું પ્રાવીણ્ય અને નવલકથા માનવીય પરિસ્થિતિ વિશે શું કહે છે તેની વાત સાધારણ રીતે આવે જ. આવું જ અન્ય સાહિત્યકૃતિઓ કે સાહિત્યપ્રકારો વિશે કહી શકાય. પ્રશ્ન એ છે કે આ બધી જ વસ્તુઓ વાચન માટેની અનિવાર્યતામાંથી આવી છે. આ વાચનપદ્ધતિ પણ ‘નિર્દોષ’ નથી. સંસ્થાઓએ નિર્માણ કરેલી આ વાચનપદ્ધતિ છે. સંસ્થાઓમાં આ રીતે આપણને વાંચતાં શીખવવામાં આવે છે. આ બધાં તત્ત્વો આપણા વાચનને ઘડવામાં પાયાનો ભાગ ભજવે છે. પ્રેમાનંદનાં આખ્યાનોનાં મોટા ભાગનાં વાચનો, નવલકથા-ટૂંકીવાર્તાનાં વાચનો, કવિતાના રસાસ્વાદની પરિપાટીઓ આ સંદર્ભમાં જરૂર જોઈ શકાય. આમ નિશ્ચિતતાના કાવ્યશાસ્ત્ર તથા અનિશ્ચિતતાના કાવ્યશાસ્ત્ર વચ્ચે, એક અને અન્ય સાહિત્યસિદ્ધાંતો, વાચન-પદ્ધતિઓ વચ્ચે ઘણી વાર તો વ્યર્થ વિતંડાઓ ચાલ્યા કરતી હોય છે. તેથી એકેડેમિક રીડિંગ કરનારા ગુનેગારો છે એવો આક્ષેપ કરનારા કે એમની મજાકો કરનારાઓએ વિચાર કરવો જોઈએ કે પોતે કોઈ નવું પાંજરું તો પોતાને માટે ઘડી રહ્યા નથી ને? બીજી વાત નક્કી છે કે અમુક સાહિત્યકૃતિઓ વિદ્યાપીઠો, સંસ્થાઓમાં જ, તથા કેટલાક મિત્રોમાં જ પોતાની ઓળખ ધરાવે છે. સંસ્થાઓની બહાર એ ભાગ્યે જ વંચાય છે. અહીંથી જ વિદ્યાલય તથા લોકાલયમાં થતા વાચનના ભેદ સ્પષ્ટ બને છે. Popular cultureના સંદર્ભમાં આ મુદ્દાની તપાસ કરી શકાય. ગુણવત્તા ને સંખ્યાગુણ વચ્ચેના ગજગ્રાહ આ રીતે જ ચાલ્યા કરતા હોય છે. કૃતિપાઠ ઇતિહાસ સાથે પરિવર્તન પામે છે, દરેક યુગના સંદર્ભો બદલાતાં, રુચિ-મૂલ્યાંકનના માપદંડો બદલાતાં વાચનની રીતો પણ પરિવર્તન પામતી જાય છે. આ વાચનના સમ્બન્ધોમાં narrative of identity ભળેલી છે. વર્ગ, જાતીયતા, સંસ્થાના નિયમો આપણા વાચનનું માર્ગદર્શન કરતા હોય છે, વાચનને ઘડતા હોય છે. વાચન જોડે સ્વની સત્તાની તથા અન્ય સત્તાઓની અનેક ગૂંથણીઓ, નિયમો, અપેક્ષાઓ, અપેક્ષાભંગ બધાં તત્ત્વો સંડોવાયેલાં હોય છે. સાહિત્યના કેટલાક વિદ્યાર્થીઓ, કેટલાક રસિકોને થશે કે સાહિત્યકૃતિનો શું કોઈ એક માત્ર સાચો(correct) અર્થ જ નથી? તો તો વાચનમાં અરાજકતા ન આવે? અને મન ફાવે એમ સાહિત્યકૃતિ વાંચવી? ટેરી ઇગલટન માર્મિક રીતે કહે છે કે They are more likely to be engaged by the idea that a meaning of a text do not lie within them like wisdom teeth within a gum. વાચનનો કોઈ નિશ્ચિત સિદ્ધાંત હોઈ જ ન શકે. વાચનનો કોઈ સૈદ્ધાંતિક અભિગમ શક્ય જ નથી. ભાવક અભિગ્રહણ સિદ્ધાંત એ સાહિત્યસિદ્ધાંતની એક માત્ર શાખા છે. જે વાચકની ભૂમિકાને માત્ર તપાસે છે. એક રીતે તો આ સિદ્ધાંત વેરવિખેર છે, તેનું કોઈ તાર્કિક માળખું જ નથી, તેના કોઈ સામાન્ય નિયમો નથી તેની કોઈ ચોક્કસ practice કે prescribed formula નથી. એક રીતે આ અભિગમ ઉઘાડા છેડાવાળો છે. સર્જક, કૃતિ (રચનાના અર્થમાં) અને વાચકના આંતરસમ્બન્ધો અત્યંત સંકુલ છે. સર્જક છે તો કૃતિ છે, ભાવક છે તો કૃતિ છે અને કૃતિ છે તો સર્જક-ભાવક બન્નેનું અસ્તિત્વ છે. ભાષા વડે રચાતા વાસ્તવનું સર્જક-ભાવક બન્ને કૃતિના માધ્યમ દ્વારા સતત અર્થઘટન કરતા રહે છે. ચંદ્રકાન્ત ટોપીવાળા કહે છે કે ‘લેખકના સર્જનપુરુષાર્થ અને વાચકના વાચન-પુરુષાર્થનો તાગ મેળવવાનું બળ પણ કૃતિ છે.... લેખકનો અવાજ હશે, વાચકનો અવાજ હશે તો કૃતિનો પોતાનો પણ વૈયક્તિક અવાજ હશે.’ (બહુસંવાદ ૪૫). આ અભિગમ સુમન શાહ તથા શિરીષ પંચાલને વધુ ઉદાર લાગે છે, કૃતિને નિમિત્ત બનાવી, સર્જકચેતનાને હાંસિયામાં ધકેલી, બધી જ જાતનાં અર્થઘટનોનો સમાવેશ કરી, એક પ્રકારની અતંત્રતા સર્જે ને ભાવક જ સર્વેસર્વા બની જાય તે ભયસ્થાન તરફ અહીં નિર્દેશ કરાયો છે. કૃતિને નિમિત્ત બનાવી anything goes એ પ્રકારનું લાયસન્સ આમ તો ત્રણેને ન આપી શકાય. ખરેખર તો ભાવન વખતે વાચક સર્જકવિશ્વ ને કૃતિવિશ્વની સાથે negotiations કરતો હોય છે. ક્યારેક એવું બને કે સર્જક-કૃતિને ભાવક એકબીજાની સરહદોમાં વધારે પડતી દખલગીરી કરે ને તેમાંથી બીજા પ્રશ્નો જન્મે. નોંધ : આમ તો ઘણા વિવેચકોએ અભિગ્રહણ સિદ્ધાંત વિશે સામસામે છેડે રહી વિમર્શન કર્યું છે, પરંતુ બધાંની વાત કરવી શક્ય નથી તેથી કેટલાક વિવેચકોનાં, મર્યાદિત નિરીક્ષણોની જ અહીં ચર્ચા કરી છે.

કેટલાક મહત્ત્વના સંદર્ભો :

૧. ભારતીય રસવિચાર અને બીજા લેખો : નગીનદાસ પારેખ
૨. કાવ્યચર્ચા : સુરેશ જોષી
૩. ભાવન વિભાવન ૧, ૨ : હરિવલ્લભ ભાયાણી
૪. સમસંવેદન : ઉમાશંકર જોશી
૫. બહુસંવાદ : ચંદ્રકાન્ત ટોપીવાળા
૬. સાહિત્યિક અર્થનો કોયડો : સુમન શાહ
૭. અસ્યાં સર્ગવિધૌ... : સિતાંશુ યશશ્ચંદ્ર
૮. સમકાલીન વિવેચન, વી.એસ. સેતુરામનની પ્રસ્તાવના : અનુવાદ શાલિની ટોપીવાળા
૯. અનુઆધુનિક સંજ્ઞાકોશ : સંપાદક જયંત ગાડીત
૧૦. સાહિત્યકૃતિના ભાવન-આકલનના પ્રશ્નો : શિરીષ પંચાલ, એતદ્‌ જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૩
વાચનવ્યાપાર : એક ફિનોમિનોલોજિકલ અભિગમ - રસિક શાહ, એતદ્‌ ૧૫૩, જાન્યુઆરી-માર્ચ ૨૦૦૩
૧૧. Literary Meaning : William Ray
૧૨. Criticism in Society : Imre Salusinszky
૧૩. The Return of the Reader : Elizabeth Freund
૧૪. Reception Theory : Robert C. Holub
૧૫. A Map of Misreading : Harold Bloom
૧૬. The Theory of Criticism : A Reader Edi. Raman Seldon
૧૭. Literary Theory : Terry Eagleton
૧૮. The Act of Reading : Wolfgang Iser

(‘નિરંતર’)