સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/વિવેચક-પરિચય

વિવેચક પરિચય

રામનારાયણ વિશ્વનાથ પાઠક, ‘દ્વિરેફ’, ‘શેષ’, ‘સ્વૈરવિહારી’ (૮-૪-૧૮૮૭, ૨૧-૮-૧૯૫૫) : વિવેચક, વાર્તાકાર, કવિ, નિબંધકાર, પિંગળશાસ્ત્રી. જન્મ ગાણોલ (તા. ધોળકા)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિવિધ ગામોમાં. ઉચ્ચ શિક્ષણ ભાવનગર તેમજ મુંબઈમાં. ૧૯૦૮માં બી.એ. ૧૯૧૧માં એલ.એલ.બી. ૧૯૨૦માં જે.એલ.ન્યુ ઇંગ્લિશ સ્કૂલમાં આચાર્ય. ગાંધીજીના અસહકાર આંદોલનનાં મંડાણ થતાં, શાળા છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૨૮ સુધી વિવિધ વિદ્યાશાખાઓના તેજસ્વી વિદ્વાનોના સંપર્કમાં પ્રમાણશાસ્ત્ર અને ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે કામ કર્યું. ‘પ્રસ્થાન’ માસિકના તંત્રી (૧૯૨૫–૧૯૩૭). ‘ગાંધીયુગના સાહિત્યગુરુ’ તરીકે ઓળખાયા. ૧૯૩૫માં મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા ત્યારથી ૧૯૫૨ સુધી ત્યાં તથા અમદાવાદની એલ.ડી. આટ્‌ર્સ કૉલેજ, ગૂજરાત વિદ્યાસભા, મુંબઈની ભવન્સ કૉલેજ તથા ભારતીય વિદ્યાભવનમાં જુદા જુદા સમયે અધ્યાપક. ‘સાબરમતી’, ‘યુગધર્મ’, ‘પુરાતત્ત્વ’ ‘પ્રસ્થાન’ જેવાં સામયિકો સાથે તેઓ જોડાયેલા રહ્યા. એ સામયિકોમાં તેમની રાષ્ટ્રીય શિક્ષણની વિચારણા અને શિક્ષણ સંસ્કારનું સમર્થન-સંવર્ધન કરતી સાહિત્ય-સર્જન-વિવેચનની કળા ચોતરફ પ્રસાર પામી. ૧૯૫૩માં આકાશવાણી મુંબઈના સલાહકાર. ૧૯૪૬માં રાજકોટ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૫૬નું સાહિત્ય અકાદમીનું પારિતોષિક. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. મુંબઈમાં અવસાન.

– કીર્તિદા શાહ