સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/કાવ્ય-નાટકમાં રસનિષ્પત્તિ

૬. કાવ્ય-નાટકમાં રસનિષ્પત્તિ

સંસ્કૃત કાવ્યશાસ્ત્રોમાં કાવ્યનાં વિધાયક જુદાં જુદાં તત્ત્વોને જુદે જુદે સમયે પ્રાધાન્ય અપાયું છે. રચનાની વિશિષ્ટતા દર્શાવતી રીતિ, વાણીના અને અર્થસમર્પણના ગુણો, ઉક્તિનું ચમત્કારિક વૈચિત્ર્ય, શબ્દની અને અર્થની શોભાને વધારનારા અલંકારોએ દરેક તત્ત્વની અન્યથી ચડતી હિમાયત થઈ છે. એક અથવા બીજે પ્રકારે આ બધાં તત્ત્વો કાવ્યની ચમત્કારિતાનાં કારણો છે એ સ્વીકારવા સાથે એમનું કયું તત્ત્વ પ્રધાન છે, કયું તત્ત્વ કાવ્યનો આત્મા ગણી શકાય, એ પ્રશ્નના જુદા જુદા ઉત્તરો અપાયા છે. કાવ્ય સર્જનનો અને કાવ્યાનુભૂતિનો આનંદ એ કાવ્યના શબ્દાર્થનાં આવાં સુશોભન તત્ત્વોથી પર છે, એ આનંદમાં થતો માનસ વ્યાપાર વિશિષ્ટ પ્રકારનો છે એટલે કાવ્યાનંદની તત્ત્વમીમાંસામાં માનવ ભાવોને પ્રધાન સ્થાન આપનારો રસવાદ સર્વોપરિ પદ પ્રાપ્ત કરે એ સ્વાભાવિક હતું. પણ રસાનુભવની પૂર્ણ સામગ્રી વિનાનાં કાવ્યો પણ કાવ્યાનન્દ અર્પે છે એ સહૃદયોનો અનુભવ હતો. તેથી કાવ્યના આત્મભૂત તત્ત્વની અન્વેષણા હજી ચાલુ રહી. જેને પરિણામે ધ્વનિકારે સમજાવેલા ધ્વનિવાદનો સ્વીકાર થયો રસને પણ ધ્વનિના સિદ્ધાંતમાં મહત્ત્વનું સ્થાન મળ્યું. રસની નિષ્પત્તિ કેવી રીતે થાય છે તેનું ગ્રન્થસ્થ વિધાન પ્રથમ ભરત નાટ્યશાસ્ત્રમાં થયું હતું. એણે રસ નિષ્પત્તિની જે પ્રક્રિયા આપી તેમાં એની પછીના શાસ્ત્રકારોએ ફેરફાર નથી કર્યો. પણ જે રીતે તત્ત્વજ્ઞાનીઓ પ્રસ્થાનરૂપે માનેલાં ઉપનિષદ્‌ બ્રહ્મસૂત્ર અને ગીતામાંથી પોતપોતાનાં દર્શનને અનુરૂપ અર્થ ઘટાવે છે તે જ પ્રકારે કાવ્ય શાસ્ત્રકારોએ ભરતના કથનને પ્રસ્થાનરૂપે સ્વીકારીને પોતપોતાના મન્તવ્યઅનુસાર ઘટાવ્યું છે. ભરતમુનિનું એ સૂત્ર છે : विभावानुभावव्यभिचारिसंयोगाद् रसनिष्पत्तिः એમણે કહ્યું છે કે અનેક પ્રકારના મસાલાના સંયોગથી ભોજનમાં રસ નીપજે છે તેવી રીતે ઉપર કહેલાં તત્ત્વોના સંયોગથી કાવ્યમાં રસનિષ્પત્તિ થાય છે. આસ્વાદ્યતા એ રસનું સ્વરૂપ છે. અનેક ભાવ-અભિનય દ્વારા વ્યંજિત થતા સ્થાયીભાવનો જે આસ્વાદ અનુભવાય તે નાટ્યરસ. આ નાટ્યરસ શબ્દ સૂચવે છે કે રસ એ પ્રારંભમાં નાટકને અંગે ચર્ચાયો હતો. કાવ્યમાં પણ રસનિષ્પત્તિનું સ્થાન સ્વીકારાયું છે. ભરતના સૂત્રમાં આવેલા પારિભાષિક શબ્દોને સરળરૂપે સમજીએ. મનુષ્યને અનેક પ્રસંગે અનેક પ્રકારની લાગણી થાય છે જેમાં સ્નેહ, ક્રોધ, હર્ષ, શોક, જુગુપ્સા વગેરે મુખ્ય છે. આ ઉપરાંત લજ્જા, તન્દ્રા વગેરે અનેક લાગણીઓ લોકપ્રસિદ્ધ છે. આ લાગણી તે ભાવ. આ ભાવમાંના આઠ રતિ, શોક, ક્રોધ, ઉત્સાહ, વિસ્મય, હાસ, ભય અને જુગુપ્સા – એ આઠ વ્યાપક અને મુખ્ય ભાવો છે. તે સ્થાયીભાવ કહેવાય છે. પ્રત્યેક સ્થાયીભાવને અક્કેકા રસ જોડે સંબંધ છે. ઉપર જણાવેલા આઠ ભાવો અનુક્રમે શૃંગાર, કરુણ, રૌદ્વ, વીર, અદ્‌ભુત, હાસ્ય, ભયાનક અને બીભત્સ રસના સ્થાયીભાવો છે : રસની અને સ્થાયીભાવની આ સંખ્યા ભરતે ગણાતી તેટલી જ સ્વીકારાતી આવી છે. ભક્તિ, વાત્સલ્ય આદિનો દાવો મંજૂર રખાયો નથી. માત્ર નિર્વેદ જેનો સ્થાયીભાવ છે એ શાંત રસનો નવમા રસ તરીકે સ્વીકાર પાછળથી થયો છે. કેટલાક માને છે કે શાંત રસ શ્રાવ્ય કાવ્યમાં ભલે હોય, પણ દૃશ્ય નાટકમાં એને અવકાશ નથી. આ સ્થાયીભાવ એ માનવજીવનમાં પ્રધાનસ્થાન ભોગવતી લાગણી છે. અને લાગણી હોય ત્યાં એનો વિષય, એનો પ્રેરક કોઈ હોય, તેમ જ એનું ઉદ્દીપન કરનાર પરિસ્થિતિ પણ હોય. દુષ્યન્તનામાં સ્નેહની લાગણી (રતિ) હતી તેનો વિષય, તેનું આલમ્બન શકુન્તલા અને એની ઉદ્દીપક પરિસ્થિતિ તે ચન્દ્રિકા, વસંતઋતુ, ઉપવન વગેરે પરિસ્થિતિ. આ બંનેને – ભાવનાપાત્રને તેમ જ ભાવની ઉદ્દીપક પરિસ્થિતિને – વિભાવ કહે છે; પ્રથમ (લાગણીનું પાત્ર) તે આલંબન વિભાવ; પરિસ્થિતિ તે ઉદ્દીપન વિભાવ. વાણી, અંગ અને સત્ત્વ એ ત્રણ પ્રકારની ચેષ્ટાઓ વડે, એટલે કે વાચિક, કાયિક અને સાત્ત્વિક અભિનય વડે હૃદયગત ભાવનો અનુભવ કરાવાય છે. ભાવાનો અનુભવ કરાવનાર અભિનય તે અનુભાવ. અનુભાવ ભાવને પ્રકટ કરનાર છે, તેમ ભાવનો પ્રેરક પણ છે. આઠ સ્થાયીભાવ ઉપરાંત અનેક અસ્થિર, સમુદ્રતરંગ જેવા ચંચલ, આવતા અને જતા ભાવો છે; લજ્જા, તન્દ્રા, ગર્વ, મદ, ચિંતા, ત્રાસ, ઉન્માદ, દૈન્ય, શંકા, ગ્લાનિ, અસૂયા, ઔત્સુક્ય ઇત્યાદિ તેત્રીશ આવા ચંચલ ભાવો ભરતમુનિએ ગણાવ્યા છે. એને વ્યભિચારી ભાવ કહે છે. વ્યભિચારી એટલે સર્વદા એક જ રૂપે અચલ ન રહે તે. નાયક દુષ્યન્તનો શકુન્તલારૂપ આલંબનવિભાવમાં રહેલો ઉદ્દીપન વિભાવથી ઉદ્દીપિત થયેલો, અને વાચિક, કાયિક, સાત્ત્વિક અભિનવરૂપ અનુભવોથી વ્યક્ત થતો, તથા ચિન્તા, વિતર્ક, વિષાદ, વ્રીડા, ઔત્સુક્ય આદિ વ્યભિચારી ભાવો ઉપજાવતો રતિ નામક સ્થાયીભાવ તે સમગ્ર નાટકનો શૃંગારરસ બને છે અને દુષ્યન્તની એ રતિને પોતાની જ રતિ હોય એમ અનુભવતો પ્રેક્ષક એ રસનો આસ્વાદ કરે છે. અર્થાત્‌ વિભાવ, અનુભાવ વ્યભિચારી એ ત્રણના સાહચર્યથી રતિરૂપ સ્થાયીભાવ રસપદવીને પામે છે અને આસ્વાદ્ય બને છે. એવું ભરતના સૂત્રનું તાત્પર્ય છે. આ સૂત્રમાં આવેલા રસનિષ્પત્તિ શબ્દના જે અનેક અર્થ કરવામાં આવ્યા છે તે આગળ ઉપર આપણે જોઈશું. દરમ્યાન આપણે જાણી લેવું જરૂરનું છે કે રસનિષ્પત્તિની ચર્ચામાં આપણા પ્રાચીન માનસ શાસ્ત્રનું એક ઉપયોગી તત્ત્વ પ્રવર્તે છે. તે એ કે રતિ વગેરે સ્થાયીભાવ માત્ર કાવ્ય કે નાટકમાં જ અર્થાત્‌ નાયક, નાયિકામાં જ સ્થાયી હોય છે એવું નથી; માનવ માત્રના માનસમાં એ ભાવો અનાદિ વાસના રૂપે નિગૂઢ રહેલા હોય છે. રસની પ્રતીતિ કરાવનારી સામગ્રીથી એ પ્રબુદ્ધ થાય છે. આ વાસના શું છે, એનું સ્થાન કાવ્યાનુભવમાં શું છે, અને એ અનાદિ શા કારણે મનાય છે તે આપણે જોઈશું. આ વાસના સાર્વજનીન છે અને કવિ, નટ અને પ્રેક્ષક બધામાં એ હોય છે. કાવ્યના સર્જનમાં અને કાવ્યના આનંદ અનુભવમાં કવિ તેમ જ સહૃદય વાચકના માનસમાં નિગૂઢ બનેલા પૂર્વ સંસ્કારોનું સ્થાન મહત્ત્વનું છે. કવિએ કાવ્ય દ્વારા જે અનુભવ વ્યક્ત કર્યો હોય તે જ અનુભવ વાચકને પ્રતીત થાય એમાં કાવ્યની સફલતા છે અને સહૃદયની સહૃદયતા છે. અનુભવનું આવું સમર્પણ તેમજ ગ્રહણ વાસનારૂપ સંસ્કારો સમાન હોવાનું પરિણામ છે. રસ નિષ્પત્તિમાં અને રસના આસ્વાદમાં પણ આવા સર્વસાધારણ નિરૂઢ નિગૂઢ સંસ્કારો કારણભૂત છે. મનમાં પ્રસુપ્ત દશામાં રહેલા સંસ્કારો નવીનતર અનુભવો દ્વારા જાગ્રત થાય છે, એવું આપણા પ્રાચીનોનું દર્શન અર્વાચીનોના પ્રબલ અસંપ્રજ્ઞાત માનસ (unconscious mind)ના મત જોડે તાત્ત્વિક સમાનતા ધરાવે છે. કોઈ વ્યક્તિના મનોધર્મ વ્યવહાર આદિનાં કારણો એને પોતાને કે તટસ્થ દ્રષ્ટાને એ વ્યક્તિના સુવિદિત માનસસ્વભાવમાં મળતાં ન હોય તેવે પ્રસંગે એનાં કારણો અસંપ્રજ્ઞાત માનસમાં શોધવાની મનોવિશ્લેષણની રીત છે. આવી મનોવિશ્લેષણની પ્રક્રિયા, અને માનસિક કે શારીરિક રોગની ચિકિત્સામાં તથા એના ઉપચારમાં એનો ઉપયોગ કરવાની પદ્ધતિ આપણે ત્યાં ન્હોતી, છતાં અજ્ઞેયરૂપ જણાતા, વિલક્ષણ લાગતા, વર્તમાન અનુભવનો વ્યવહારનો ખુલાસો માનસનિગૂઢ પ્રાકૃતન સંસ્કારોમાં રહેલો છે, એ દૃષ્ટિ આપણે ત્યાં હતી. પરંતુ એ સંસ્કારની ઉત્પત્તિ માટે જન્મ મરણથી મર્યાદિત વર્તમાન જીવનને આપણે પર્યાપ્ત ન્હોતું માન્યું. જીવનનો અર્થ આપણે વિશાળતર કરીએે છીએ – જન્મ પહેલાં અને મરણ પછી પણ પૂર્વજન્મ અને ભાવિજન્મ રૂપે, જીવન આપણે સ્વીકાર્યું છે, અને વર્તમાન જીવનના અનુભવ કરતાં પૂર્વજન્મના અનુભવોને આપણે સંસ્કારના ઉત્પાદનમાં તેમ જ ઉદ્‌બોધનમાં પ્રબલતર ગણ્યા છે. આપણી આ પ્રાચીન દૃષ્ટિનું પ્રસિદ્ધ દૃષ્ટાન્ત અભિજ્ઞાન શાકુન્તલમાં મળે છે. શકુન્તલાને ગાંધર્વવિધિથી પરણ્યા પછી શાપબળે દુષ્યન્ત ભૂલી ગયો છે. સમક્ષ આવીને ઊભી રહેલીને પણ એ ઓળખી શકતો નથી. પણ એના મનમાં ઊંડી અજ્ઞાતકારણ ઉત્કંઠા રહ્યા કરે છે. એ રહસ્યમયી ઉત્કંઠાનું કારણ વસ્તુતઃ વર્તમાન જીવનમાં જ હતું, પણ દુષ્યન્તને એની સ્મૃતિ ન્હોતી તેથી એ પોતાની ગ્લાનિભરી ઉત્કંઠાનો ખુલાસો પૂર્વજન્મના સંરકાર દ્વારા કરે છે, અને કહે છે –

रम्याणि वीक्ष्य मधुरांश्च निशम्य शब्दान्
पर्युत्सुकीभवति यत् सुखितोऽपि जन्तुः।
तच्चेतसा स्मरित नूनमबोधपूर्वम्
भावस्थिराणि जननान्तरसौहृदानि।।

અહીં ‘સ્મરતિ’ ક્રિયાપદનો પ્રયોગ થયો છે, પણ વસ્તુતઃ એ સ્મરણ નથી. સંસ્કારજન્ય જ્ઞાન તે સ્મૃતિ. પણ અહીં જ્ઞાન જ નથી. પૂર્વ જન્મમાં (કે આ જન્મમાં) કોની જોડે એને પ્રીતિ હતી એનું દુષ્યન્તને જ્ઞાન નથી. એથી જ એ સ્મરણક્રિયાને ‘અબોધપૂર્વમ્‌’ વિશેષણ લગાડ્યું છે. અર્થાત્‌ અહીં લૌકિક વ્યવહારનું, બોધપૂર્વક સ્મરણ નથી. જે છે તે અસંપ્રજ્ઞાત માનસમાં સુષુપ્ત રહેલા અનુભવના સરકાર છે. દુષ્યંત એને પૂર્વજન્મની વાસનાનું પરિણામ માને છે. આ વાસના બંધાય છે પૂર્વજન્મના અનુભવથી એવી માન્યતા છે. અનુભવથી વાસનાની ઉત્પત્તિ, વાસનાથી વળી અનુભવની ઉત્પત્તિ એમ બીજવૃક્ષન્યાય પ્રવર્તે છે તેથી અનવસ્થાનો કે અન્યોન્યાશ્રયનો દોષ ન આવે – સૌથી પ્રથમનો, વાસના ઉદ્‌ભવ્યા પૂર્વેનો, અનુભવ ક્યાંથી ઉપજ્યો એવો પ્રશ્ન ઉદ્‌ભવે નહિ – એ ખાતર વાસનાને અનાદિ માનવામાં આવી છે. દુષ્યન્તના માનસમાં નિગૂઢ રહેલી સ્નેહવાસનાને કાલિદાસે ‘ભાવસ્થિરાણિ જનનાન્તરસૌહૃદાનિ’ કહેલ છે તેમાં ‘ભાવસ્થિરાણિ’નો અર્થ વાસના વડે નિરૂઢ અને અલોપ્ય એવો થાય છે. વાસનારૂપ ભાવની આ અલોપ્ય અવિચલ સ્થિરતાનો સંસ્કૃત કાવ્યશાસ્ત્રના રસનિષ્પત્તિના સિદ્ધાન્તમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. યોગદર્શન કહે છે તે પ્રમાણે આપણું ચિત્ત ‘અસંખ્યેયવાસનાભિઃ ચિત્રમ્‌’ હોય છે. અર્થાત્‌ અનેક વાસનાઓ આપણા ચિત્તને વિવિધ રૂપ બનાવે છે. સ્થાયીભાવ તરીકે રવીકારાયેલા ભાવો પણ પૂર્વ જન્મ નિરૂઢ વાસનારૂપે પ્રત્યેક મનુષ્યના માનસમાં રહ્યાં હોય છે. પ્રતિબન્ધક તત્ત્વ હોય ત્યાં સુધી એ ગૂઢ રહે છે; આવરણ દૂર થતાં પ્રકટ થાય છે ઘડાના ઉત્પાદનની સર્વ સામગ્રી એકત્ર થતાં ઘટની ઉત્પત્તિ થાય તે પ્રકારે આ ભાવની અને તત્સંબંધી રસતી ઉત્પત્તિ થતી નથી. એ ભાવ તો અનાદિ છે – આવરણને દોષે અપ્રતીત રહે છે, અને આવરણ દૂર થતાં અનુભવ ગોચર બને છે. રસનિષ્પત્તિની આ પ્રક્રિયા સર્વ પ્રતિષ્ઠિત શાસ્ત્રકારો સ્વીકારે છે. એ પ્રક્રિયા વિચારતાં પહેલાં રસનિષ્પત્તિને અંગે પ્રવર્તેલા વિવિધ મતો જોઈ લઈશું. ભરતમુનિના સૂત્રનું તાત્પર્ય એ છે કે વિભાવ, અનુભાવ બંને વ્યભિચારિભાવના સંયોગથી માનવચિત્તમાં અનાદિવાસના રૂપે રહેલો રતિ, શોક કે એવો સ્થાયીભાવ જાગ્રત થાય છે અને રસરૂપ બને છે. આ રીતની સામગ્રીને યોગે રસની નિષ્પત્તિ થાય એ ઘટનામાં માનસવ્યાપાર કયો પ્રવર્તે છે એ વિશે મતભેદ છે. કેટલાક તો તદ્દન સરલ દૃષ્ટિની સમજૂતી આપે છે. અને કહે છે એ ત્રણ તત્ત્વનો સંયોગ અર્થાત્‌ સમુદાય એટલે રસ; અથવા નાટકમાંના એ વિભાવાદિ તો કૃત્રિમ છે, પ્રેક્ષક એને અકૃત્રિમ રૂપે સમજે છે અને એમાંથી, પોતાનામાં એ સામગ્રીનું અનુમાન કરીને રસાસ્વાદ કરે છે અથવા રસ એ એક પ્રકારનું જ્ઞાન છે જે વિભાવાદિના જ્ઞાનથી ઊપજે છે; અથવા તો જેમ જોનારની દૃષ્ટિના દોષને લીધે છીપ ચાંદી રૂપે અને રજ્જૂ સર્પ રીતે ભાસે તેમ ભાવના રૂપ દોષથી પ્રેક્ષક પોતાને દુષ્યન્તાદિથી અભિન્ન માની લે છે, એ પાત્રનો ભાવાનુભવ પોતાનો ગણે છે, અને એ રીતે પોતે રસનો આસ્વાદ કરે છે. અથવા તો મુખ્યત્વે દુષ્યાન્તાદિમાં રહેલો રસ છે તેનું સુંદર અભિનય કરતા નટમાં આરોપણ કરીને પછી પ્રેક્ષક પોતે એનો આસ્વાદ કરે છે. રસનિષ્પત્તિ પરત્વે આવા અનેક મતભેદ છે, એ બધામાં સૌથી મહત્ત્વના જે બે મત છે (જેના ઉપર ઉલ્લેખ નથી કર્યો ને કાંઈક વિસ્તારથી જોઈશું. પ્રથમ લઈશું ભરતનાટ્યશાસ્ત્રના એક ટીકાકાર ભટ્ટ નાયકનો. એ કહે છે કે પ્રેક્ષક તટસ્થ જ રહે, દુષ્યન્તાદિના રત્યાદિભાવથી અસ્પૃષ્ટ રહે તો રસનું આસ્વાદન થાય નહિ. તેમ જે શકુન્તલા દુષ્યન્તના રતિભાવનો આલંબનવિભાવ છે તેને પ્રેક્ષક પોતાના રતિભાવનું આલંબન ન ગણી શકે. દુષ્યન્તને શકુન્તલા પ્રત્યે પ્રેમ છે, તેથી પ્રેક્ષક તેના પ્રત્યે પ્રેમ ન જ અનુભવે. પ્રેક્ષક શકુન્તલાને તદ્દન અપ્રમાણ, કલ્પિત ગણતો નથી, એ પાત્રમાં એને શકુન્તલાત્વ જણાય છે પણ તે સાથે જ એ શકુન્તલા પોતાને અગમ્ય છે એ પણ પ્રેક્ષક સમજે છે. તો પછી આ રતિભાવમાં પ્રેક્ષકને આત્મીયતા એટલે પોતાપણું ક્યારે અનુભવાય? જ્યારે એ નાયિકા અગમ્ય નથી એવું જ્ઞાન ઉપજે ત્યારે. પ્રેક્ષક પોતાને દુષ્યન્તથી અભિન્ન માની લે છે, તેનાથી તાદાત્મ્ય અનુભવે છે અને તેથી નાયિકાને અગમ્ય ગણતો નથી. એ સંભવતું નથી. કારણ કે પ્રેક્ષક તો જાણે છે કે ક્યાં રાજા દુષ્યન્ત ને ક્યાં હું. પ્રેક્ષકને આ પ્રતીતિ માત્ર માનસિક પ્રતીતિરૂપે ઊપજે છે, એમ કહેવું પણ બરાબર નથી. કારણ કે પ્રત્યક્ષ દૃષ્ટિ સામે દુષ્યન્ત વેષધારી નટને એ જુએ છે તેથી માનસસૃષ્ટિનો અવકાશ નથી. પ્રેક્ષક સ્મરણબળે તાદાત્મ્ય અનુભવે છે, એ પણ અશક્ય છે, કારણ કે પૂર્વના અનુભવ વગર સ્મૃતિવ્યાપાર સંભવતો નથી. માટે પ્રેક્ષકનો રસાનુભવરૂપ વ્યાપાર જુદા જ પ્રકારનો છે, એમ કહીને ભટ્ટ નાયક એમાં ત્રણ વ્યાપાર પ્રવર્તતા માને છે. ૧. આ દુષ્યન્ત છે એવા શબ્દથી થતું પદાર્થજ્ઞાન, આ થયો અભિધા વ્યાપાર. ૨. નાયિકા અગમ્ય છે એવા ખ્યાલને ટાળનારો, અને આ શકુન્તલા છે એવી પ્રતીતિના કારણભૂત રસના વિરોધી જ્ઞાનને દૂર કરીને “આ કાન્તા છે” એવા રસાનુકૂળ કાન્તાત્વધર્મને આગળ આણનારો વ્યાપાર આ વ્યાપારને ભટ્ટ નાયક ભાવક (પ્રેક્ષક)નો ભાવના વ્યાપાર કહે છે. આ વ્યાપારથી દુષ્યન્ત અને શકુન્તલાનો દેશ, કાળ, વય, અવસ્થા વગેરે ધર્મોથી પ્રતીત થતા વ્યક્તિત્વનો લોપ થાય છે અને માત્ર તેઓ કાન્ત અને કાન્તારૂપે સર્વે સાધારણરૂપે અનુભવાય છે. “આ દુષ્યંત છે, આ શકુન્તલા છે” એ જ્ઞાન દૂર થાય અને તેની સાથે “આ કાન્ત છે, આ કાન્તા છે” એવી સર્વસાધારણરૂપ પ્રતીતિ થાય એને ભટ્ટ નાયક સાધારણીકરણ કહે છે. આ વ્યાપારથી રત્યાદિભાવનું પણ સાધારણીકરણ થાય છે. ૩. આ પછી ત્રીજો વ્યાપાર આવે છે જેમાં પ્રેક્ષકના રજોગુણ અને તમોગુણ ગળી જાય છે, સત્ત્વગુણ ઉત્કર્ષ પામે છે અને એથી પ્રેક્ષકને પોતાના ચિત્તનો જે સ્વાભાવિક આનંદ છે તેની પ્રતીતિ કરાવતો સાક્ષાત્કાર ઉદ્‌ભવે છે. પ્રેક્ષકની ભાવનાએ આણેલો, સાધારણરૂપ બનેલો રતિરૂપ ભાવ જ્યારે આવા સાક્ષાત્કારનો વિષય બને છે અર્થાત્‌ “હું જ આ રતિભાવ ભોગવું છું” એવી સાધારણીભૂત સ્થિતિ પ્રેક્ષક અનુભવે છે ત્યારે રસની નિષ્પત્તિ થાય છે. આ ત્રીજા વ્યાપારને ભટ્ટ નાયક ભોગીકૃતિ કહે છે. આ મતથી જુદો મત અભિનવ ગુપ્તે અને મમ્મટ, જગન્નાથ વગેરેએ સ્વીકારેલો છે. ભટ્ટ નાયકે બતાવેલા ત્રણ વ્યાપારમાંથી પહેલો અને ત્રીજો વ્યાપાર તેઓને માન્ય છે. એ બેમાં પોતાના મતથી કોઈ નવું નથી એમ તેઓ કહે છે. ત્રીજા વ્યાપારમાં ભટ્ટ નાયક જેને ‘ભોગ’ કહે છે તેને અભિનવ ગુપ્તાદિ ‘વ્યક્તિ’ અર્થાત્‌ વ્યંજનાથી થતી પ્રતીતિ કહે છેઃ અને ‘ભોગીકૃતિ’ એ વ્યંજના વ્યાપારથી ભિન્ન નથી. ભટ્ટ નાયકના મતની વિશિષ્ટતા એણે સ્વીકારેલા “ભાવના” નાયક, સાધારણીકરણ સ્વરૂપ બીજા વ્યાપારમાં છે. પણ અભિનવ ગુપ્તને મતે આ સાધારણીકરણ એવો વિશિષ્ટ વ્યાપાર નથી, પણ એ તો માનવના માનસમાં રહેલી અનાદિ વાસનાનું સ્વરૂપ જ છે. વાસના શું છે તે ઉપર આપણે જોઈ ગયા. એ વાસના માણસે માણસે જુદી હોતી નથી. પ્રત્યેક માણસમાં રત્યાદિ ભાવરૂપ વાસના સર્વસાધારણ હોય છે. પ્રેક્ષકો નાટક જોવા બેસે ત્યારે પ્રત્યેક પ્રેક્ષકના માનસમાં નિગૂઢરૂપે એ વાસના, અર્થાત્‌ વાસનારૂપ રત્યાદિ ભાવ, હોય જ છે. માત્ર એને એવું ભાન તે ઘડીએ નથી હોતું. જે રીતે પોતાની કાન્તાનું સાન્નિધ્ય પુરુષની એ નિગૂઢ વાસનાને જાગ્રત કરે છે, એની આડેનું આવરણ ખસેડીને એને પ્રકાશિત કરે છે તે જ રીતે દુષ્યન્તની શકુન્તલા માટેની રતિના દર્શનથી પોતાના માનસમાં રહેલી, સર્વસાધારણરૂપ, એ વાસના પ્રેક્ષકની, અનાવૃત (પ્રકટ) થાય છે. અર્થાત્‌ અભિનવ ગુપ્ત, મમ્મટ ભટ્ટ, જગન્નાથ આદિ શાસ્ત્રકારોનો મત એવો છે કે પ્રત્યેક મનુષ્યના માનસમાં વાસનારૂપે રત્યાદિ સ્થાયીભાવ રહેલા છે. પણ એના ચિત્‌ (consciousness) ઉપર આવરણ છવાયું છે, એનું આત્મચૈતન્ય રત્યાદિભાવને ઢાંકનારા આવરણથી ઢંકાયેલું છે, ત્યાં સુધી એ ભાવની એને પ્રતીતિ થતી નથી. પણ જેમ ઘડામાં મૂકેલો દીવો એ ઘડો દૂર થતાં પ્રકાશે છે, તે જ પ્રમાણે વિભાવ, અનુભાવ, વ્યભિચારિભાવ વગેરે સામગ્રી સંપૂર્ણ થતાં, રતિ વગેરે ભાવને ઢાંકી રહેલું આવરણ દૂર થાય છે તેથી આત્માનું ચૈતન્ય એ રતિભાવને પ્રકાશિત કરે છે. આ વિભાવાદિ સામગ્રીનું પરિશીલન જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી એ આવરણભંગ ચાલુ રહે. એ પરિશીલન, એ ચર્વણા, બંધ પડે એટલે આ આવરણ પાછું એના ચૈતન્યને આવરી લે છે. અર્થાત્‌ આત્મચૈતન્ય, ચિદંશ, તો નિત્ય છે પણ રત્યાદિભાવનો અનુભવ આવરણભંગ દરમ્યાન જ થાય છે. રસનિષ્પત્તિ એટલે ચિદ્‌માં રહેલા આવરણનો ભંગ અને તેથી ઊપજતી તકાદાર અર્થાત્‌ રતિ વગેરે ભાવોના સ્વરૂપની અન્તઃકરણવૃત્તિ, આ રસાનુભવની પ્રતીતિ કરનારો વ્યાપાર તે વ્યંજના વ્યાપાર છે. આ રસાનુભવને અભિનવગુપ્ત વગેરે બ્રહ્મસાક્ષાત્કારના આસ્વાદ જેવા ગણે છે—એના જેવો, પણ એ જ નહીં. કારણ કે એ બેમાં ભેદ તો છે. બ્રહ્મસાક્ષાત્કારરૂપ સમાધિનું આલંબન બ્રહ્મ છે, જ્યારે રસાનુભવનું આલંબન છે વિભાવ, અનુભવ, વ્યભિચારી ભાવ વગેરેથી સંબદ્ધ થયેલો ચિદાનંદ. વળી બ્રહ્માનુભવના બે પ્રકાર છે. પહેલો શાબ્દ અથવા પરોક્ષ અનુભવ, શાસ્ત્રશ્રવણથી થતું બ્રહ્મજ્ઞાન–બીજો અપરોક્ષ અર્થાત્‌ પ્રત્યક્ષ અનુભવ–જ્યારે રસાનુભવમાં એવા ભેદ નથી. એ તો એક જ સાથે શાબ્દ છે તેમ જ અપરોક્ષ છે : શબ્દના વ્યાપારથી ઉપજે છે માટે શાબ્દ, અને અપરોક્ષરૂપે પ્રત્યક્ષ સુખરૂપે અનુભવાય છે માટે અપરોક્ષ. આથી જોઈ શકાશે કે અભિનવગુપ્તાદિએ રસનિષ્પત્તિના વ્યાપારને સમજવામાં બ્રહ્મસાક્ષાત્કારના વ્યાપારનો ઉપયોગ કર્યો છે. જગન્નાથ કહે છે કે વિભાવાદિની ઉપસ્થિતિથી ચિદ્‌ના આનંદાંશને આવરી રહેલું અજ્ઞાન દૂર થાય છે, “હું છું, હું આ જોઉં છું” એવો મર્યાદિત ખ્યાલ લુપ્ત થાય છે અને સ્વયંપ્રકાશ પ્રમાતા (જ્ઞાતા, આત્મા) પ્રાકતન વાસનારૂપ રત્યાદિ ભાવને નિજ સ્વરૂપાનન્દની કક્ષામાં અનુભવગોચર કરે છે; અને એ રીતે રસની નિષ્પત્તિ થાય છે. આ રીતે જગન્નાથે તો રસને તત્ત્વજ્ઞાનની ભૂમિકામાં આણી મૂક્યો છે. અને કહ્યું છે કે ‘રત્યાદ્યવચ્છિન્ના ભગ્નાવરણા ચિદ એવ રસઃ’ એટલે રતિ આદિ ભાવોથી વિશિષ્ટ, આવરણ ભંગ થતાં સ્વયંપ્રકાશતી, ચિત્‌ (આત્મ-ચૈતન્ય) તેજ રસ છે. આ કથન માટે શ્રુતિનો આધાર પણ એને મળી ગયો છે. ‘રસો વૈ સઃ રસં હોવયં લબ્ધ્વાનંદી ભવતિ |’ નાયકનાયિકાના રતિભાવથી થતી રસજમાવટમાં સર્વ પ્રેક્ષકો શી રીતે સહભોગી બને છે તેના ખુલાસામાં ભટ્ટનાયકે સાધારણીકરણરૂપ ભાવનાવ્યાપાર કલ્પ્યો છે તેના કરતાં અનાદિ વાસનારૂપ સર્વસાધારણ રતિભાવ જ રસરૂપ પામે છે, એવા અભિનવગુપ્તાદિના મતમાં સરલતા છે અને માનસધર્મની દૃષ્ટિએ યથાર્થતા છે. ઉપરાંત રસનિષ્પત્તિને પણ વ્યંજનાનો એટલે ધ્વનિનો એક પ્રકાર ગણ્યો છે તેથી સર્વમાન્ય બનેલા ધ્વનિવાદમાં એનો સમાવેશ થાય છે. (વાઙ્‌મયવિમર્શ)