સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/વિવેચક પરિચય


વિવેચક પરિચય

સાહિત્યકાર તરીકે પ્રસિદ્ધિ રળવાનો ઉત્સાહ સાવ મોળો. એટલો જ વિદ્યા-વ્યાસંગ પ્રિય. અધ્યાપનકાળમાં અધ્યાપનના ભાગરૂપે જે સ્વાધ્યાય કરવાના થયા તેમાં જ પોતાની વિદ્યાસાધનાનો પરિચય આપનાર લાભશંકર પુરોહિતનો જન્મ પોરબંદર જિલ્લાના દેવડા ગામમાં તા. ૨૯-૧૨-૧૯૩૩માં થયો. ઘરના સંસ્કારી અને વિદ્યા વ્યાસંગ અને ભક્તિસભર વાતાવરણને કારણે ગળથૂથીમાં જ વિદ્યાભ્યાસ મળ્યો. લાભશંકર પુરોહિતના ઘડતરમાં પરંપરિત સંસ્કારો અને ભગવત સંસ્કારનું પોષણ કરે તેવું ઘરનું વાતાવરણ મહત્વનું બની રહ્યું છે. નાનપણમાં પોતાનાં નાનીના કંઠે ગવાતાં ધોળ, લોકગીતો, કિર્તનો, પ્રભાતિયાંના સૂરો એમના કાને આબાદ ઝીલ્યાં. આ ઉપરાંત જૂના જમાનામાં ગ્રામનારીના કંઠે ગવાતાં ગીતોના એ સાક્ષી રહ્યા હોવાથી આપણી કંઠ્ય લોકસંપદાનો એમને સાવ નજીકથી પરિચય છે અને એની મૂલ્યવત્તા આજના લેખિત સાહિત્યના મુકાબલે ક્યાંય ઓછી-અધૂરી નથી તે એમણે ઝીણી નજર અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સાબિત કરી બતાવ્યું છે. પોતાની સાઠ વર્ષની સક્રિય કામગીરીમાં ગણીને માત્ર ચાર વિવેચનગ્રંથ ‘ફલશ્રુતિ’ (૧૯૯૯), ‘અંતશ્રુતિ’ (૨૦૦૯), ‘શબ્દપ્રત્યય’ (૨૦૧૧), ‘લોકનુસંધાન’ (૨૦૧૬)ના મળીને, જુદાં-જુદાં સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા પંચ્યાસી લેખો નવસોએક પાનાંમાં ફેલાયેલા છે. આવી ગણતરી કરવાનું કારણ એમની અભ્યાસનિષ્ઠ વૃત્તિને આભારી છે. એમનાં લખાણો પ્રત્યેક કાળે પ્રસ્તુત અને પ્રાસંગિક હોય એવાં મૂલ્યવાન અને વિત્તવાન છે. એમનાં લખાણો પહેલાં તો પોતાની અંદર બરાબર ઘૂંટાયાં છે-વિવેચકે એનું બરાબરનું સેવન કર્યું જણાય છે.

--પ્રવીણ કુકડિયા