સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/વિવેચક-પરિચય


વિવેચક પરિચય
Shirish Panchal.jpg

ગુજરાતી વિવેચનમાં સાતમા આઠમા દાયકામાં પ્રવેશનાર શિરીષ પંચાલ (૧૯૪૩) એક પ્રતિબદ્ધ વિવેચક તરીકે પ્રસિદ્ધ છે. સર્જનાત્મક લેખનથી સાહિત્યજગતમાં પ્રવેશનાર આ વિદ્વાને એક આપદધર્મ તરીકે વિવેચનમાં જ પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું. એ પહેલાં એમણે ખૂબ વાંચ્યું. એમને સુરેશ જોષી, ઉમાશંકર જોશી, હરિવલ્લભ ભાયાણી, જયંત કોઠારી જેવા પૂર્વસૂરિઓની વિવેચનાનો આદર્શ સાંપડ્યો. એમની વિવેચનયાત્રા સાતત્યપૂર્ણ રીતે આજપર્યંત શરૂ છે. એમણે ખાસ કરીને વિવેચનના વિવેચનને પોતાના કાર્યના કેન્દ્રમાં રાખ્યું છે. એમાં સિદ્ધાંતલેખો અને પ્રવાહદર્શનને મુખ્ય ગણાવી શકાય. આમાં પણ એમણે બે સમાંતર રીતે કામ કર્યું છે. એક, નવલરામથી લઈ હરિવલ્લભ ભાયાણી સુધીના નોંધપાત્ર વિવેચકોના કાર્યનું મૂલ્યાંકન કહો કે પુનર્મૂલ્યાંકન. અને બે આધુનિક ગાળાના અમુક સમયના સાહિત્યનો સમયદર્શી આલેખ દોરી આપવાનું કામ. એટલે એમના નિરીક્ષણને આપણે આ સમયગાળાનાં વિવેચન વલણો નક્કી કરવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ ઉપરાંત એમણે જરૂર જણાઈ ત્યાં ઉચિત રીતે કૃતિ અવલોકનો પણ સમયાન્તરે કર્યાં છે. તો એંસીના દાયકામાં રતિલાલ ‘અનિલ’ના ‘કંકાવટી’ નામના સામયિકમાં એમણે ગુજરાતીનાં મહત્વનાં કાવ્યોના આસ્વાદો કરાવેલા એમાં એમની કાવ્યપ્રીતિનાં દર્શન થાય છે. એમની વિવેચના અમુક ગૃહીતો સાથે રાખીને ચાલે છે. જેમકે એ લખતાં પહેલાં ભારતીય અને વિશ્વસાહિત્યનું ખૂબ વાચન કરે છે. બધાંજ સ્વરૂપોની ઉત્તમ કૃતિઓમાંથી પસાર થવું. અનિવાર્ય હોય એટલું જ, ટૂંકું અને મર્મગામી તથા સમજાય એવું જ લખવું. બીજી માનવવિદ્યાના પરિપ્રેક્ષ્યને પણ સાહિત્યચર્ચામાં સાંકળી વાતને વધારેમાં વધારે વિશદ બનાવવાનો પ્રયત્ન કરવો. એમનાં લખાણોનાં આ બધાં જ લક્ષણો એમના વિવેચનને એક જુદા જ પ્રકારની મુદ્રા અર્પે છે. આમ અહીં સંગ્રહિત એમના વિવેચનલેખો એમની વિવેચનમુદ્રાને સમજવામાં ઉપયોગી થશે એવી આશા છે. –પ્રવીણ કુકડિયા