સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અનંતરાય મ. રાવળ/અપૂર્વ વળતર

          પેશવાઈના દિવસોમાં મહારાષ્ટ્રના લોકોએ ગુજરાતનો અવિશ્વાસ મેળવ્યો હતો તે દૂર કરવાની ઇંતેજારી કોલેજના દિવસોમાં જ જુવાન દત્તાત્રેય કાલેલકરના મનમાં જાગ્રત થઈ હતી, એ ઘટના જેટલી એના આભિજાત્યની સૂચક હતી તેટલી ગુજરાત માટે ખુશનસીબીની વાત હતી. સ્વામી વિવેકાનંદ અને રવીન્દ્રનાથની અસરથી તરબતર અને ધામિર્ક તેટલી જ રાષ્ટ્રસેવાની ભાવનાથી આ સંકલ્પને અમલમાં મૂકવાના અભિલાષુ જીવનું આંતરપોત હતું વિદ્યાસંપન્ન અને સંસ્કારપ્રેમી રાષ્ટ્રભક્ત બ્રાહ્મણનું; એટલે પોતે ગુજરાતની જે સક્રિય સેવા બજાવવા ઇચ્છ્યું તેને માટે રાષ્ટ્રીય શિક્ષણના ક્ષેત્ર ભણી જ એમની નજર વળે, અને તેથી વડોદરામાં ગંગનાથ વિદ્યાલયને એ સેવાનું સાધન કે માધ્યમ તેઓ બનાવે એ સ્વાભાવિક હતું. એ સંસ્થાને રાજકીય કારણોસર પ્રતિકૂળ અસર નડતાં રાષ્ટ્રીય શિક્ષણની પોતાની પ્રિય પ્રવૃત્તિ અશક્ય થઈ પડતાં, એમની ભારતીયતા કે ધામિર્કતાએ એમના હૈયામાં ભરેલા હિમાલયના આકર્ષણે જોર કર્યું અને એમણે ઉત્તરાખંડ ને હિમાલયની યાત્રા કરી. એ યાત્રાપ્રવાસ એમના આનંદ અને આત્મસમૃદ્ધિ માટે કામનો થયો હશે, પણ ગુજરાતી વાંગ્મયને એક આદર્શ યાત્રાવર્ણન સંપડાવવાનું નિમિત્ત તે બન્યો હોઈને એના યાત્રીએ આરંભેલી ગુજરાતની સંસ્કારસેવાનો જ તે એક ભાગ ગણાય. એ પછી શ્રી કાલેલકરની અંતસ્થ ધામિર્કતાએ એમને જપ-તપને માર્ગે થોડો વખત વાળ્યા. પછી અંતરમાં સમાંતરે વહેતી રાષ્ટ્રભક્તિ એમને કર્મયોગના સેવામાર્ગે વાળતાં, એમનો શિક્ષણપ્રેમી અને કલારસિક જીવ એમને રવીન્દ્રનાથના શાંતિનિકેતનમાં લઈ ગયો. પણ ‘એવા સ્વરાજને માટે આ દેહ અર્પણ છે’ એવા પુણ્યસંકલ્પ સાથે સ્વદેશ આવી રહેલા કર્મવીર ગાંધીજીના ત્યાં થયેલાં દર્શન-પરિચય એમને ગાંધીજીના અંતેવાસી બનવા પ્રેરી ફરી ગુજરાતમાં આણ્યા. ત્યારથી લગભગ બે દાયકા સુધી પ્રથમ સત્યાગ્રહ આશ્રમ (સાબરમતી) અને પછી ગૂજરાત વિદ્યાપીઠમાંના એમના અધ્યાપનકાર્યથી અને એના પરિણામરૂપ લેખનથી એમણે ગુજરાતની જે સંસ્કારસેવા અને વિપુલ વાંગ્મયસેવા બજાવી તે ગુણવત્તા તેમ ઇયત્તામાં એટલી સમૃદ્ધ છે કે એમને ગુજરાતે પોતાના વત્સલ આપ્તજન માન્યા છે. આશ્રમના કાર્યસાથીઓ તેમ ખુદ ગાંધીજી પણ વારે વારે જેમને પૂછવા-ઠેકાણું ગણે એવા બહુશ્રુત કાકાસાહેબને ભાગે સત્યાગ્રહ-આશ્રમમાં આવ્યું એમને ગમતું આશ્રમના કિશોરોની કેળવણીનું કામ. એમના વિશાળ વાચન, પ્રવાસાદિના અનુભવ અને ચિંતન-મનનનું પ્રતિફલન થોડા જ સમયમાં લેખિની દ્વારા થવા માડતાં, કાકાસાહેબ ગાંધીજીના સાપ્તાહિક ‘નવજીવન’ના એક અગ્રગણ્ય લેખક, ગાંધીવિચારધારાના સમર્થ અનુમોદક તથા સમગ્ર ગુજરાતના સંસ્કારશિક્ષક બની ગયા. થોડાં જ વરસમાં ગુજરાતી ભાષા પર આશ્ચર્યજનક પ્રભુત્વ મેળવી લઈ એમણે ગુજરાતી વાંગ્મયને યશસ્વી પ્રદાન કર્યું. જાગીને વિચારતા થયેલા તેમ સ્વરાજ્ય અર્થે પ્રવૃત્તિ કરતા થયેલા ગુજરાતનું પ્રથમ ધ્યાન ખેંચ્યું ‘કાલેલકરના લેખો’ના બે ભાગોએ. એમાં હતા બહુધા ‘નવજીવન’માં છપાયેલા કેળવણી, સમાજ, રાજકારણ, ધર્મ, સાહિત્ય, તત્ત્વજ્ઞાન જેવાં ઘણાંબધાં ક્ષેત્રોમાં ફરી વળતા લેખો. પછી આવ્યાં કાકાસાહેબનાં ‘ઓતરાતી દીવાલો’, ‘હિમાલયનો પ્રવાસ’, ‘સ્મરણયાત્રા’ અને ‘લોકમાતા’ એ પુસ્તકો. એ ચારેય પુસ્તકોમાં એના લેખકની એવી સમૃદ્ધ આત્માભિવ્યક્તિ અને લેખનકળા સાહિત્યરસિક ગુજરાતને જોવા મળી કે તેણે તેને પ્રેમથી વધાવી લીધાં. એમાં ‘ઓતરાતી દીવાલો’ એ કાકાસાહેબનું જેલવાસનું સર્જન છે. સહૃદયગત સૌંદર્યદૃષ્ટિ હોય, પરમાત્માની સૃષ્ટિને સરલ શિશુભાવે સાનંદકુતૂહલ નયને નિહાળી તેમાંથી ચિંતન-મનન માટે ખોરાક મેળવી લેતાં આવડતું હોય, તો રિક્તતાને કેવા આનંદથી ભરી દેવાય, તેનો કીમિયો કાકાસાહેબે એમાં રજૂ કર્યો છે. ‘હિમાલયનો પ્રવાસ’ એ પુસ્તક પ્રવાસવર્ણનના સાહિત્યમાં એમનું ચિરસ્મરણીય અર્પણ છે. જુદાં જુદાં સ્થળો પરત્વે ઐતિહાસિક, ભૌગોલિક, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક માહિતી પીરસતા જઈ, પ્રસંગોપાત્ત ચિંતનલહરીઓ ફરકાવતાં ફરકાવતાં, પ્રકૃતિનાં સ્થળો કે દૃશ્યોનાં શબ્દચિત્રો આલેખતા જઈ, વાચકોને આંગળીએ વળગાડી ઉત્તરાખંડ અને હિમાલયની આનંદદાયી મનોયાત્રા કાકાસાહેબે એ પુસ્તક દ્વારા કરાવી છે. ‘લોકમાતા’માં ભારતની અનેક નદીઓ અને, એ પુસ્તકના નવા સંવધિર્ત સ્વરૂપ ‘જીવનલીલા’માં, તે ઉપરાંત સરોવરો, નહેરો ને સમુદ્રોનાં પોતે કરેલાં દર્શનનાં સંસ્મરણો અને સંવેદનોની વાત, તેને એવી જ માહિતીપ્રદ અને રસાવહ બનાવીને એમણે કરી છે. કાકાસાહેબનાં પ્રકૃતિપ્રેમ, સૌંદર્યરસિકતા, વિદ્વત્તા, ચિંતનશીલતા, વિનોદરસિકતા, અધ્યાપક-પ્રકૃતિ, ધામિર્કતા, દેશવાત્સલ્ય, કવિત્વ અને ભાષાપ્રભુત્વનું આ પુસ્તકોમાં પણ ઠેર ઠેર સુભગ દર્શન થાય છે. ‘સ્મરણયાત્રા’ પણ તરુણ વિદ્યાર્થીઓને નજર સમક્ષ રાખી કાકાસાહેબે લખેલ છે. તેમાં માધ્યમિક શાળાનો અભ્યાસ પૂરો કર્યો ત્યાં સુધીનાં પોતાની બાલ-કિશોરવયનાં સંસ્મરણો આલેખ્યાં છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકનાં પ્રાકૃતિક સૌંદર્યની તેમ યાત્રાધામોની દૃષ્ટિએ અગત્યનાં સ્થળો, ત્યાંના સામાજિક-ધામિર્ક આચારવિચાર ને વ્રતઉત્સવો, એ સમયનાં શાળાઓ-શિક્ષકો ને વિદ્યાર્થીઓ, આ સર્વની માહિતીની પશ્ચાદ્ભૂમાં નાના દત્તુની ભોળપ ને ચતુરાઈ, એની ટેવો ને એનો સ્વભાવ, એનું ઉપજાઉ ભેજું, એની માતૃપિતૃભક્તિ, એના સંસ્કારઘડતરમાં કુટુંબીજનો, શિક્ષકો, સહાધ્યાયીઓ, પ્રવાસ અને વાચનનો સારોમાઠો ફાળો-આ સર્વની વાત મધુર પ્રસંગાવલિ દ્વારા કાકાસાહેબે આ સંસ્મરણકથામાં કરી છે. આ સંસ્મરણી વાંચવે રસભરી નવલકથાનો આનંદ આપે છે. આત્મકથાના ગુજરાતી સાહિત્યમાં તે નર્મદની ‘મારી હકીકત’ અને ગાંધીજીકૃત ‘સત્યના પ્રયોગો’ પછીનું મહત્ત્વનું સીમાચિહ્ન બની છે. ગુજરાતી સાહિત્યમાં કાકાસાહેબનું એવું જ સ્મરણીય પ્રદાન ગણાય ખાસ કરીને ‘જીવનનો આનંદ’ તથા ‘રખડવાનો આનંદ’માં જોવા મળે છે તેવા લલિત નિબંધનું. નિબંધો એમના કવિ-અંશની લહેજતદાર સરજત છે. એ નિબંધોની આંતરસામગ્રી ગદ્યમાં વ્યક્ત થઈ છે એટલું જ, બાકી તે રસાનુભવ તો કરાવે છે કાવ્યનો જ. વિચારપ્રતિપાદન પર જ ભાર મૂકતા કાકાસાહેબના લેખોનો તો પાર નથી. એ લેખો પ્રથમ ‘કાલેલકરના લેખો’ના બે ભાગરૂપે અને પછી ‘જીવનવિકાસ’, ‘જીવનસંસ્કૃતિ’, ‘જીવનભારતી’, ‘જીવનપ્રદીપ’, ‘જીવનચિંતન’ એ ગ્રંથોમાં વિષયવાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. કાકાસાહેબની વિચારણા કેળવણી, ગૃહ, સમાજ, રાજકારણ, સાહિત્ય, કળા, ધર્મ-એમ જીવનનાં બધાં ક્ષેત્રોને વ્યાપી વળે છે. નર્મદ, ગોવર્ધનરામ, મણિલાલ અને આનંદશંકર પછી આવી સમગ્ર જીવનને લગતી લોકહિતાર્થી વિચારણા ગુજરાતી ભાષામાં ગાંધીજીને હાથે તેમ એમના બે શક્તિશાળી સાથીઓ કાકા કાલેલકર અને કિશોરલાલ મશરૂવાળાને હાથે થઈ છે. કાકાસાહેબની આ વિચારણાએ સત્યાગ્રહ આશ્રમ અને ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓના આ આચાર્યને સમસ્ત પ્રજાના આચાર્ય અને સંસ્કારગુરુ બનાવ્યા. કાકાસાહેબની ગુજરાતી વાંગ્મયની સેવા આટલેથી અટકી જતી નથી. ‘બાપુની ઝાંખી’ ગાંધીચરિત્ર-સાહિત્યને તેમનું વિશિષ્ટ અર્પણ છે. ગાંધીજીના અનેક નાનામોટા પ્રસંગો આલેખીને ગાંધીજીના વ્યક્તિત્વનાં જુદાં જુદાં ચમકદાર પાસાં તેમાં એક જાણકારની અદાથી તેમણે રજૂ કર્યાં છે, અને મહાપુરુષો તેમના જીવનની નાની નાની બાબતોમાં ને પ્રસંગોમાં પણ કેવા મહાન હોય છે તે વગર કહ્યે વાચકોને સમજાવ્યું-શીખવ્યું છે. ગાંધીજીના ભાવિ ચરિત્રકારોને ગાંધીજીની જીવંત છબી ઉપસાવવા માટે ઘણી સામગ્રી આ સંસ્મરણાત્મક પ્રસંગાવલિ દ્વારા પૂરી પાડવા માટે કાકાસાહેબ પૂરા અધિકારી હતા, કારણ, આશ્રમમાં અને જેલમાં ગાંધીજીના અંતેવાસી બનવાનું સદ્ભાગ્ય એમને સાંપડ્યું હતું. ૧૯૩૦માં મીઠા-વેરા સામેના સત્યાગ્રહ વેળા ગાંધીજીની સાથે પાંચ માસ યરવડા જેલમાં તેઓ રહેલા તે જેલવાસનાં તેમનાં સ્મરણો, જે ‘મીઠાને પ્રતાપે’ નામથી પ્રગટ થયાં છે તે, ‘બાપુની ઝાંખી’ના જેવી જ સેવા બજાવતાં લેખાય. કાકાસાહેબની શૈલી અને એમનું ગદ્ય ગુજરાતી વાંગ્મયને એમનું એવું તો વિશિષ્ટ અર્પણ છે કે નર્મદ, નવલરામ, મણિલાલ, ગોવર્ધનરામ, બલવંતરાય, આનંદશંકર, ગાંધીજી, મુનશી ને મેઘાણી જેવા ગુજરાતના અગ્રગણ્ય ગદ્યકારોમાં કાકાસાહેબનું મહત્ત્વનું સ્થાન છે, અને આજે કોઈને પોતાની ભાષા ઘડવા-ખીલવવા અને સારું ગદ્ય લખવાની હથોટી કેળવવા નમૂનેદાર ગદ્ય વાંચવા સૂચવવાનું હોય તો પહેલું કે બીજું નામ કાકાસાહેબના ગદ્યનું જ હોઠે આવે. સત્યાગ્રહ આશ્રમ અને ગૂજરાત વિદ્યાપીઠમાં કરેલી શિક્ષણસેવાથી, ગુજરાતમાં અનેક સભાઓ અને પરિષદોમાં આપેલાં વ્યાખ્યાનોથી, તેમ લોકશિક્ષણાત્મક વિચારપ્રેરક લેખોથી પ્રજાની કરેલી સંસ્કારસેવાથી, અને આવા સત્ત્વાઢ્ય વાંગ્મય વડે કરેલી ગુજરાતી ભાષાની અમૂલ્ય સેવાથી, કાકાસાહેબે જે હેતુસર પહેલવહેલા એ ગુજરાતમાં આવ્યા હતા તે હેતુ સાંગોપાંગ સિદ્ધ કરી ગુજરાતને અપૂર્વ વળતર આપી ઋણ ફેડી નાખ્યું છે એમ નથી-ઊલટું ગુજરાતને ઋણી બનાવ્યું છે. ગુજરાત એ કદી ભૂલી શકશે નહીં. [‘જીવનમાધુરી’ માસિક : ૧૯૬૧]