સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃતલાલ વેગડ/અહિંસાને યુદ્ધના મેદાનમાં લઈ આવનાર

          કોઈ પણ દેશનો ઇતિહાસ એટલે મોટે ભાગે ત્યાંના રાજાઓનો ઇતિહાસ. રાજાઓ એકબીજા ઉપર આક્રમણ કરતા રહેતા, એથી યુદ્ધો ચાલ્યાં જ કરતાં. આમ ઇતિહાસ એટલે મુખ્યત્વે હિંસાનો ઇતિહાસ. પરંતુ જો માનવજાતિ માત્ર હિંસામાં જ મશગૂલ રહી હોત તો દુનિયાનો ક્યારનો નાશ થઈ ગયો હોત. દુનિયા બચી શકી છે એનું કારણ એ છે કે હિંસાની સાથે સાથે અહિંસા પણ બરાબર રહી છે. જેમ હિંસાનો ઇતિહાસ છે તેમ અહિંસાનો પણ ઇતિહાસ છે. અહિંસાના ઉદ્ભવની વાત કરવી હોય તો કૃષ્ણથી જ કરવી જોઈએ. મહાભારતનું યુદ્ધ ટાળવા એમણે ભરચક કોશિશ કરી, પાંડવોના દૂત બનીને કૌરવસભામાં ગયા, પરંતુ દુર્યોધનના હઠાગ્રહને લીધે યુદ્ધ ટાળી ન શકાયું. પોતાની વિશાળ સેના કૌરવોને આપી અને પોતે પાંડવોની સાથે રહ્યા. પરંતુ શરત એ રાખી કે, હું શસ્ત્ર નહીં ઉપાડું. આમ કહીને આજથી પાંચ હજાર વર્ષ પહેલાં કૃષ્ણે દુનિયાને એક મહત્ત્વપૂર્ણ સંદેશ આપ્યો—હિંસા ભલે અનિવાર્ય હોય, પરંતુ શ્રેષ્ઠ તો અહિંસા જ છે. મહાભારતનું યુદ્ધ અનિવાર્ય બની ગયું છે, એક આવશ્યક અનિષ્ટ તરીકે એને સ્વીકાર્યે જ છૂટકો, પરંતુ હિંસામાં કોઈનુંય ભલું નથી; એથી આ હિંસામાં હું તો સામેલ નહીં થાઉં. યુદ્ધના અંતે પાંડવોનો વિજય તો થાય છે, પરંતુ ભીષણ માનવ-સંહારને જોઈને યુધિષ્ઠિર બે વાર કહે છે કે આ જય તો પરાજય જેવો છે. યુધિષ્ઠિરના મુખમાં આ શબ્દો મૂકીને વ્યાસે યુદ્ધની—એટલે કે હિંસાની નિરર્થકતા જ દર્શાવી છે. કૃષ્ણ પછી ઘણાં વર્ષે આવ્યા બુદ્ધ અને મહાવીર. બંને સમકાલીન. એમણે તથા એમના દ્વારા સ્થાપિત બૌદ્ધ તથા જૈન ધર્મે અહિંસાની જ પ્રતિષ્ઠા કરી. કલિંગ યુદ્ધમાં થયેલો નરસંહાર જોઈને અશોકનો હિંસામાંથી વિશ્વાસ ઊઠી ગયો. એણે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. અહિંસા જૈન ધર્મનો તો પ્રાણ છે. તે સિવાય હજારો સાધુ-સંતોએ પણ અહિંસાનો જ મહિમા કર્યો છે. છેલ્લે આવ્યા ગાંધી. ગાંધીની સાથે અહિંસાએ હરણફાળ ભરી. જ્યાં સુધી ગાંધી નહોતા આવ્યા, ત્યાં સુધી અહિંસા વ્યકિતગત મોક્ષ પ્રાપ્ત કરવા માટે હતી. ગાંધીએ કહ્યું કે સત્ય અને અહિંસા માત્ર વ્યકિતગત જીવનમાં જ અભીષ્ટ નથી, બલકે સમૂહમાં, સામૂહિક લડાઈમાં પણ, એ એટલી જ આવશ્યક છે. સત્ય-અહિંસાનો ઉપયોગ શસ્ત્રની જેમ પણ થઈ શકે છે. હિંસાનાં હથિયારો કરતાં એ વધુ શકિતશાળી હથિયાર છે. આપણા પ્રાચીન ઋષિ-મુનિઓએ કરેલા અહિંસાના અર્થ કરતાં એના વ્યાપક વિસ્તારમાં ગાંધીજીની અહિંસા ઘણી આગળ છે. એને એમણે કોટિ-જન-વ્યાપી આંદોલનનું રૂપ આપ્યું. એને યુદ્ધના મેદાનમાં ઉતારી અને એનો ઉપયોગ એક વિશાળ દેશની આઝાદી પ્રાપ્ત કરવા માટે કર્યો. આપણે ફરી કુરુક્ષેત્ર જઈએ. કૃષ્ણ—જેમના નેતૃત્વ હેઠળ પાંડવો યુદ્ધ લડી રહ્યા હતા—એમણે શસ્ત્ર ન ઉપાડ્યું એ ખરું, પરંતુ સમસ્ત પાંડવસેનાએ તો શસ્ત્ર ઉપાડ્યાં જ હતાં. ધારો કે કૃષ્ણે કહ્યું હોત: “મારા હાથમાં શસ્ત્ર નથી, તેમ અર્જુન અને ભીમના હાથમાં પણ કોઈ શસ્ત્ર નથી. અમારી સમસ્ત સેના નિ:શસ્ત્ર છે. પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, ચલાવો બાણ! અમે અહીં મારવા નહીં પણ મરવા આવ્યા છીએ. અમે તમારા અન્યાય આગળ ઝૂકશું નહીં, પૂરી તાકાતથી એનો વિરોધ કરશું. પણ વિરોધ અમે હિંસાથી નહીં, અહિંસાથી કરશું. શસ્ત્ર ઉઠાવવું તો દૂર, તમારે માટે અમારા મનમાં પ્રેમ જ છે. અમે તમને પ્રેમથી જીતશું.” કૃષ્ણે આવું નહોતું કહ્યું, પરંતુ ગાંધીએ કહ્યું—કહ્યું જ નહીં, કરીને બતાવ્યું. દુનિયાના સૌથી શકિતશાળી બ્રિટિશ સામ્રાજ્યને એમણે કહ્યું, “અમને ગુલામ બનાવવાનો તમને કોઈ અધિકાર નથી. તમારા આ અન્યાયનો અમે વિરોધ કરશું—પરંતુ હિંસાથી નહીં, સત્ય અને અહિંસાથી. તમે સુખેથી ગોળી ચલાવો, લાઠીચાર્જ કરો, અશ્રુગૅસ છોડો ને જેલમાં પૂરો. અમે તમને એક કડવું વેણ નહીં કહીએ. અમારા મનમાં તમારે માટે ગુસ્સો, ચીડ, નફરત નહીં હોય; પ્રેમ જ હશે.” સંસારમાં આવું ક્યારેય નહોતું થયું. ગાંધીએ અહિંસાનું ‘રાષ્ટ્રીયકરણ’ કર્યું. એમણે પહેલી વાર સત્ય અને અહિંસાનો મોટે પાયે સફળતાપૂર્વક પ્રયોગ કર્યો. પહેલી વાર આમજનતાનો અહિંસા જોડે ગાઢ સંબંધ બંધાયો. અહિંસા દ્વારા આ ગુલામ દેશને આઝાદ કરાવીને ગાંધીએ દુનિયાને અહિંસાની તાકાતનો પરિચય કરાવ્યો, શૂરવીરતાની નવી પરંપરા કાયમ કરી. જેમ હિંસાએ પ્રગતિ કરી છે, તેમ અહિંસાએ પણ પ્રગતિ કરી છે. એ વ્યકિતગત અહિંસાથી આગળ વધીને સામૂહિક અહિંસા સુધી પહોંચી છે. સમસ્ત માનવજાતિ માટે આ સુખદ સંવાદ છે.

'[‘દિવ્ય ભાસ્કર દૈનિક’: ૨૦૦૫]'