સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃતલાલ વેગડ/દાંડીકૂચ અને નંદબાબુની કલા

          ૧૯૩૦ના માર્ચની બીજી તારીખે ગાંધીજીએ વાઇસરોયને એક પત્ર લખીને કેટલાંક અનિષ્ટો દૂર કરવા માટે વિનંતી કરી. સાથે એમ પણ લખ્યું કે, “જો આનો સંતોષજનક જવાબ નહીં આવે તો પછી માર્ચની ૧૨મીએ મારા સાથીઓને લઈને મીઠાના કાયદાનો ભંગ કરવા હું દાંડી માટે ઊપડીશ.” એ મુજબ ૧૨મી માર્ચની વહેલી સવારે સાબરમતી આશ્રમથી ગાંધીજી એમના ૭૮ સત્યાગ્રહીઓ જોડે દાંડી માટે પગપાળા નીકળી પડ્યા. આમ એમની ઐતિહાસિક ‘દાંડીકૂચ’નો આરંભ થયો. સરઘસને મોખરે ૬૧ વર્ષના ગાંધીજી તેજ કદમે ચાલતા હતા. આ કૂચને સ્મરણાંકિત કરતું, હાથમાં લાઠી લઈને દૃઢ અને મક્કમ પગલે આગળ વધતા ગાંધીજીનું કલાકાર નંદલાલ બોઝે બનાવેલું લિનોકટ વિશ્વપ્રસિદ્ધ થયું. એમાં ગાંધીજી કેવા તો વિરાટ લાગે છે! ગણતરીની બળૂકી રેખાઓમાં ઉપસાવેલા આ લિનોકટમાં ગાંધીજીનો અદમ્ય આત્મા જે અદ્ભુત રીતે વ્યક્ત થયો છે, એ જ એની અપાર લોકપ્રિયતાનું કારણ છે. કળાની દૃષ્ટિએ પણ આ એક અમર કૃતિ છે. એ હજારો વાર છપાયું, છપાતું જ રહે છે, અને દુનિયાના કેટલાય દેશોની ટપાલટિકિટોમાં પણ સ્થાન પામ્યું છે. ૨૫ દિવસ બાદ ૨૪૦ માઇલ (૩૮૦ કિલોમીટર)ની પદયાત્રા કરીને ગાંધીજી ૫મી એપ્રિલે દાંડી પહોંચ્યા; ૬ઠ્ઠી એપ્રિલે સવારની પ્રાર્થના પછી પોતાના સ્વયંસેવકોને દરિયાકિનારે લઈ ગયા અને ત્યાંથી મીઠું ઉપાડીને સરકારના જુલમી કાયદાનો ભંગ કર્યો. દાંડીના દરિયાકિનારે મીઠું ઉપાડતા ગાંધીજી તથા એમના અનુયાયીઓનો એક અદ્ભુત સ્કેચ નંદબાબુએ બનાવેલો. દરિયાનાં ઊછળતાં મોજાં જાણે લોકમાનસમાં આવેલા જુવાળનાં પ્રતીક ન હોય! સ્કેચના ડાબે ખૂણે હોવા છતાં સ્કેચના કેન્દ્રમાં ગાંધીજી જ છે. એમના દાંડીકૂચના લિનોકટ જેટલો આ સ્કેચ વિખ્યાત નથી થયો, કેમ કે એ બનાવીને એમણે મારા સહાધ્યાયી સુખેન ગાંગુલીને આપી દીધેલો. એના પરથી સુખેને જબલપુરના શહીદ સ્મારક માટે સરસ મોટું મ્યુરલ બનાવ્યું. સ્કેચ એની પાસે જ રહ્યો. [‘દિવ્ય ભાસ્કર’ દૈનિક: ૨૦૦૫]