સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃત મોદી/એક જ વાર...
લેનિનગ્રાડ શહેરનો એક કારીગર પોતાના રાષ્ટ્રપિતા લેનિનના જીવનનો આ પ્રસંગ નોંધે છે : એક દિવસ મોસ્કોના ક્રેમલિન વિસ્તારમાં હું દાઢી કરાવવા એક દુકાનમાં દાખલ થયો. ઓચિંતાના લેનિન પણ ત્યાં આવ્યા. એમને આવકારવા અમે બધા ઊભા થઈ ગયા. “કેમ છો, વ્લાદીમીર ઈલિચ?” એમને આવકારતાં અમે બોલ્યા. “તમે કેમ છો, બિરાદરો?” એમણે વળતો વિવેક કર્યો. પછી, પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ જોતા એ સામયિકો વાંચવા લાગ્યા. એક ખુરશી ખાલી પડી. અને કારીગરે વારા પહેલાં જ લેનિનને ત્યાં બેસવાની વિનંતી કરી. “તમારો આભાર!” એ બોલ્યા, પણ બેઠા હતા ત્યાંથી ઊભા ન થયા. પછી કહ્યું, “આપણે વ્યવસ્થા જાળવવી જોઈએ. દરેકે પોતાના વારા પ્રમાણે જ ઊઠવું જોઈએ. નિયમો તો આપણે જાતે જ ઘડીએ છીએ, તો પછી એને કેમ તોડી શકાય?” અમે આગ્રહ કરવા લાગ્યા, “તમારે તો ખૂબ કામ રહેતું હોય, વ્લાદીમીર ઈલિચ! અને અમને બે ઘડી ખોટી થવામાં વાંધો નથી.” પણ એ ન જ ઊઠ્યા. અમે પણ બેસી રહ્યા. અમે છ જણ હતા, પણ કોઈ હાલ્યુંચાલ્યું નહીં. આખરે, અમારી લાગણી દુભાશે એ બીકે, લેનિન અમારો ખૂબ આભાર માનીને ખાલી ખુરશી પર બેસી ગયા. એમની દાઢી થઈ જતાં સૌને “આવજો!” કહીને ચાલતા થયા. આખી જિંદગીમાં એ એક જ વાર હું લેનિનને મળ્યો છું. પણ એ દૃશ્ય હું કદી ભૂલી શક્યો નથી.