સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અલી રઝા ઝૈદી/પોતે... જાતે...
પોતાને મળતા એકેએક પત્રનો પોતાની સહીથી સીધો જવાબ લખવાના આગ્રહી બાબુભાઈના સ્ટેનોગ્રાફર તરીકે પાંચ વરસ કામ કરવાની તક મને મળી હતી. કોઈને મુલાકાત આપવાની હોય તેની નોંધ રાજ્યના એ મુખ્ય મંત્રી જાતે પોતાની ડાયરીમાં લખતા, કોઈ નિમંત્રણ આવ્યું હોય તેનો જવાબ પોતે જ આપે ને ડાયરીમાં તે નોંધી લે. તમારે હવે આ ગામે આ કાર્યક્રમમાં જવાનું છે, એવું કોઈએ એમને યાદ કરાવવાનું રહે નહીં. સચિવાલયમાં બપોરે ૧૨-૦૦એ ટપાલ આવે તેનાં કવર ખોલી, કાગળો વ્યવસ્થિત ગોઠવી કર્મચારી બાબુભાઈને પહોંચાડે એટલે તમામ ટપાલ પોતે જુએ. દરેક ટપાલ પર પૂરી સૂચના લખે કે કરવાની કાર્યવાહી બાબત નોંધ કરી, તારીખ નાખી ટૂંકી સહી કરે. બાકીની ટપાલ માટે સ્ટેનોને બોલાવીને ડિક્ટેશન આપે.