સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આદિલ મન્સૂરી/દરિયો
હલેસે હલેસે હલેસાય દરિયો,
બધી હોડીઓ લઈ વહી જાય દરિયો....
જરા પણ જો તરસ્યો કદી થાય દરિયો,
તો નદીઓની નદીઓને પી જાય દરિયો....
સતાવે અગર સૂર્યકિરણો તો દોડી
કિનારાની રેતીમાં સંતાય દરિયો....
કદી વિસ્તરે રણ સમંદરના દિલમાં,
કદી રણની આંખોમાં ડોકાય દરિયો....
કદી બૂંદરૂપે ટપકતો નભેથી
કદી બાષ્પ થઈને ઊડી જાય દરિયો....
ક્ષિતિજની તરફ આંખ માંડી જુઓને,
જુઓ ત્યાં ગગનમાં ભળી જાય દરિયો....
સમયની ગુફાઓમાં પડઘાય દરિયો,
મૂકો શંખ કાને તો સંભળાય દરિયો....
તમે જાળ નાખ્યા કરો રોજ, ‘આદિલ’,
પરંતુ કદી યે ન પકડાય દરિયો.
[‘નવનીત’ માસિક : ૧૯૬૪]