સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઈશ્વરભાઈ પટેલ/દુકાળ ટાળવાની દિશામાં
અંગ્રેજી ભાષામાંથી જ્ઞાનદોહનની વાત વાતાવરણમાં ગુંજતી હતી ત્યારે શ્રી નગીનદાસ પારેખે ‘કોશનો કારમો દુકાળ’ એ શીર્ષક હેઠળ એક લેખ ‘બુદ્ધિપ્રકાશ’ માસિકમાં લખેલો. એક સારા પ્રમાણભૂત અંગ્રેજી-ગુજરાતી કોશની અત્યાવશ્યકતા પર ભાર મૂકતાં, ગુજરાતે હજુ આવો કોશ આપ્યો નથી તેનું દર્દ એ લેખમાં પ્રતિબિંબિત થતું હતું. લેખ તરફ મારું ધ્યાન દોરાતાં મેં શ્રી નગીનદાસનો સંપર્ક સાધ્યો અને આવો કોશ તૈયાર કરવા શું કરવું તેની સલાહ માંગી. યોગાનુયોગ એ જ સપ્તાહમાં શ્રી પાંડુરંગ દેશપાંડે એમના અંગ્રેજી-ગુજરાતી કોશની હસ્તપ્રત લઈ મારી પાસે આવ્યા ને એના પ્રકાશનની જવાબદારી સરદાર પટેલ યુનિવર્સિટી ઉઠાવે તેવી વિનંતી કરી. હસ્તપ્રત લઈને હું શ્રી નગીનદાસને, શ્રી ઉમાશંકરને અને બીજાઓને મળ્યો અને દેશપાંડેના આ પ્રયત્ન વિશે એમની સલાહ માગી. એ સૌનું કહેવું હતું કે ગુજરાતી સાહિત્ય પરિષદ વતી આ કોશ પ્રસિદ્ધ કરવાનું વિચારેલું, પણ નાણાંને અભાવે એ શક્ય બન્યું નહોતું. આમ લીલી ઝંડી મળતાં, વિશેષ સંતોષ ખાતર મેં અમારા અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, વાણિજ્ય, રસાયણશાસ્ત્ર વગેરે વિષયોના અનુભવી પ્રાધ્યાપકોની બેઠકો યોજી, અમુક શબ્દગાળામાં એમને સૂઝે તેવા રોજિંદા વપરાશના શબ્દોનો સમાવેશ થયો છે કે કેમ અને એના અર્થ બરાબર છે કે કેમ તે નાણી જોયું ને ઘટતાં સૂચનો કર્યાં. શ્રી દેશપાંડેએ એ સ્વીકાર્યાં, એટલે પ્રકાશનના પૈસા માટે મેં પ્રયત્ન આદર્યો. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન [ભારત સરકાર] અને રાજ્ય સરકારે મને જણાવ્યું કે આટલી મોટી રકમ એ કોશ અર્થે અનુદાનિત કરી શકે તેમ નથી. એટલે મેં ભાઈલાલભાઈ અમીન ટ્રસ્ટને ટહેલ નાંખી. એમણે સરદાર પટેલ યુનિવર્સિટીને રૂ. ૫૦,૦૦૦ આપવાનું સ્વીકાર્યું અને કોષનું કામ પાટે ચડ્યું. આ રકમ મળી એટલે રાજ્ય સરકારને મેં પુન: વિનંતી કરી અને તેણે રૂ. ૧૦,૦૦૦નું અનુદાન આપી પૂર્તિ કરી. પરિણામે, ૩૫,૦૦૦ શબ્દોવાળો, ૮૨૫ પાનાંનો કોશ પંદર રૂપિયાના મૂલ્યે અમે ગુજરાતની પ્રજાને સાદર કરી શક્યા છીએ. અમારી ખ્વાહિશ છે કે આ કોશની આશરે પોણો લાખ શબ્દોની એક બૃહત્તર આવૃત્તિ અને પંદરેક હજાર શબ્દોની શાળેય આવૃત્તિ પ્રસિદ્ધ કરવી.