સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઈશ્વર પેટલીકર/કામમાં સુવાસ
કહેવાય છે કે માણસ વહાલું નથી, પણ તેનું કામ વહાલું છે. પરંતુ એ કામેય કેવી રીતે થાય છે અને તેમાંથી કેવી સુગંધ ફેલાય છે તેની ઉપર વહાલનો આધાર હોય છે. કોઈ આવીને બારણે ઘંટડી મારે છે. બારણું ઉઘાડતાં એ પૂછે છે : ફલાણાભાઈ છે? ‘ના’નો ટૂંકો જવાબ આપવાથી કામ પતી ગયું લાગે. પરંતુ એ જવાબ સુગંધ વિનાનો ગણાય. એને બદલે કોઈ જવાબમાં કહેશે : “માફ કરજો, તમારે ધક્કો થયો. એ તો બહાર ગયા છે, પણ અંદર આવોને! તમને વાંધો ન હોય તો શું કામ હતું તે જણાવો, તો એ આવશે કે તરત તમારો સંદેશો આપીશ. ચિઠ્ઠી મૂકી જવી હોય તો તમારી બાજુમાં જ કાગળનું પેડ અને પેન છે.” અને આવનાર વ્યક્તિ કામ જણાવીને વિદાય થાય ત્યારે ઘરનું માણસ કહેશે : “એ આવશે કે તરત સંદેશો આપીશ. આવજો!” અને જનાર વ્યક્તિ ફળિયું ઓળંગી જાય પછી જ એ બારણું બંધ કરશે. આટલાથી એ કામ પૂરું થઈ જાય છે, તેવું પણ નથી. ઘરના એ સભ્ય બહારથી આવે ત્યારે પેલા મુલાકાતીની ચિઠ્ઠી તરત આપવી જોઈએ. અગર મોઢે સંદેશો કહ્યો હોય તો સમજફેર ન થાય તેમ વિગતથી તે જણાવવો જોઈએ. કામ કરીને સૌને જીતી લેવાનાં છે. પણ કેવળ કામથી લોકો જિતાતા નથી. એ કામ કેવી ચીવટથી અને વિવેકપૂર્વક આપણે કરીએ છીએ, કામમાંથી સંસ્કારની સુગંધ કેવી ફેલાય છે, તેની ઉપર એ જીતનો ઘણો આધાર રહે છે. [‘ઊર્મિ-નવરચના’ માસિક : ૧૯૬૩]