સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઈશ્વર પેટલીકર/કોણ સંતોષશે?

          જ્યારે મને કોઈ સવાલ કરે છે કે સમાજમાં શો સુધારો થયો? ત્યારે હું જવાબ આપું છું કે ઘણો મોટો સુધારો થયો છે. લોકોનો મોટો ભાગ રૂઢિના ઘરમાં ગોંધાયેલો છે, તે સાચું. પરંતુ પચીસ વર્ષ પહેલાં લોકોને ફરજિયાત રૂઢિમાં ગોંધાયેલા રહેવું પડે તેવી સ્થિતિ હતી. જો તેમાંથી બહાર નીકળે તો નાતીલાઓ એને નાત બહાર મૂકતા, સમાજમાં રહેવું એને માટે મુશ્કેલ બનતું. એમને નાઇલાજે રૂઢિને તાબે થવું પડતું. આજે લોકો રૂઢિના ઘરમાં પુરાઈ રહ્યા હોય તો જૂની આદતના માર્યા; બાકી એમને પુરાઈ રહેવું પડે અને બહાર નીકળી ન શકાય તેવી ભોગળ નાતે આજે મારેલી નથી.