સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉપેન્દ્ર પંડ્યા/જૂનું ઘર
સૂના આ ઘરમાં આજે કેટલે વર્ષ હા! ફરી
મૂકું પગ, રહે ત્યાં તો સ્મૃતિનાં પૂર ઊછળી.
વળેલાં કેડમાંહેથી, માળાને હાથમાં લઈ
જપતાં, લાકડી-ટેકે ચાલતાં દાદીમા અહીં.
મારું-તારું રહ્યું ના કૈં એમને, કિંતુ જો કદી
પડું માંદો જરી તો તો જપે જાપ ઘડી ઘડી.
નિશાળે ન જાઉં ત્યારે, કરે મા રાતી આંખડી;
એકદા આવીઓ મોડો, ત્યાં તો કેવી રડી પડી!
અમે બે ભાઈ નાના ને પિતાજી નિત્ય હીંચતા,
હિંડોળો આજ તે જોતાં, જોઉં છું આજ ઝૂલતા.
રખે ને બાળ બે જાગે, ધીરાં શાં ડગ માંડતા,
આવીને મધરાતે યે મીઠો કર પસારતા!
ભર્યું જે દાદીમાથી ને પિતા મા ભાઈબેનથી,
ઘર છે તેનું તે આજે — આજે હા જીવતું નથી!
ગયું તે તો ગયું, તેને સંભારી સાચવી રહું,
તો યે અશ્રુ ઝરે શાનું? ન જાણું હર્ષ-શોકનું!
[‘સંસ્કૃતિ’ માસિક : ૧૯૫૦]